નવ મહિનામાં એક્સચેન્જે સરકારી તિજોરીમાં વિવિધ ટૅક્સ-લેવી સ્વરૂપે ૪૫,૪૯૯ કરોડ રૂપિયા જમા કરાવ્યા
નૅશનલ સ્ટૉક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)ના વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ક્વૉર્ટરના અંતે કન્સોલિડેટેડ કુલ આવક આગલા વર્ષના સમાન ગાળાના ૫૦૨૩ કરોડ રૂપિયાની સામે ૪૮૦૭ કરોડ રૂપિયા થઈ છે. કૅશ માર્કેટ અને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ઘટેલા વૉલ્યુમને પગલે ટ્રાન્ઝૅક્શન ચાર્જિસની કન્સોલિટેડેટ આવક ક્વૉર્ટર-ટુ-ક્વૉર્ટર ધોરણે ચાર ટકા ઘટીને ૩૪૪૫ કરોડ રૂપિયા થઈ છે.
આ ત્રિમાસિક ગાળામાં વ્યાજ, વેરા, ઘસારા અને અમોર્ટાઇઝેશન પહેલાંનો કાર્યકારી નફો બે ટકા વધીને ૩૩૯૮ કરોડ રૂપિયા થયો છે. ચોખ્ખો નફો નાણાકીય વર્ષ ૨૦૨૫ના બીજા ત્રિમાસિક ગાળાના ૩૧૩૭ કરોડ રૂપિયાથી બાવીસ ટકા વધીને ૩૮૩૪ કરોડ રૂપિયા થયો છે. એક શૅરદીઠ ચાર બોનસ શૅર ઇશ્યુ કર્યા બાદની મૂડી પર શૅરદીઠ આવક નાણાકીય વર્ષ ૨૦૨૫ના બીજા ત્રિમાસિક ગાળાના ૧૨.૬૮ રૂપિયાથી વધીને ૧૫.૪૯ રૂપિયા થઈ છે.
ADVERTISEMENT
સબસિડિયરીઝ અને અસોસિયેટ કંપનીઓમાંના મૂડીરોકાણના લાભ બાદ કરતાં અને SEBI સેટલમેન્ટ-ફી અને આગલા ત્રિમાસિક ગાળામાં કોર સેટલમેન્ટ ગૅરન્ટી ફન્ડ (SGF)ની જોગવાઈને રિવર્સ કર્યા બાદનો નૉર્મલાઇઝ્ડ કર પહેલાંનો કન્સોલિડેટેડ નફો ત્રીજા ત્રિમાસિક ગાળાના અંતે ત્રણ ટકા ઘટીને ૩૭૭૦ કરોડ રૂપિયા થયો છે.
ત્રીજા ત્રિમાસિક ગાળામાં કૅશ માર્કેટમાં સરેરાશ દૈનિક વૉલ્યુમ ક્વૉર્ટર-ટુ-ક્વૉર્ટર ધોરણે ૧૯ ટકા અને ફ્યુચર સેગમેન્ટમાં ૧૫ ટકા ઘટ્યું છે. સ્ટૅન્ડઅલોન ધોરણે કાર્યકારી નફો આઠ ટકા વધીને ૨૮૦૭ કરોડ રૂપિયા થયો છે. નેટ પ્રૉફિટ નાણાકીય વર્ષ ૨૦૨૫ના બીજા ત્રિમાસિક ગાળાના ૨૯૫૪ કરોડ રૂપિયાથી ઘટીને ત્રીજા ત્રિમાસિક ગાળાના અંતે ૨૨૯૧ કરોડ રૂપિયા થયો છે. નવ મહિનામાં એક્સચેન્જે સરકારી તિજોરીમાં વિવિધ ટૅક્સ સ્વરૂપે ૪૫,૪૯૯ કરોડ રૂપિયા જમા કરાવ્યા હોવાની માહિતી એક્સચેન્જની અખબારી યાદીમાં અપાઈ છે.