૬ મહિનાની ઉંમરે જ બધા વાળ ગુમાવી દેનાર નીહર સચદેવાએ ગજબના આત્મવિશ્વાસ સાથે લગ્ન કર્યાં
વાળ વગરની દુલ્હને મેળવી વાહવાહી
અમેરિકામાં રહેતી એક ભારતીય દુલ્હને પોતાનાં લગ્નમાં સુંદરતાનાં બધાં સમીકરણોને પડકારીને બદલી નાખ્યાં હતાં. અલપીશ્યાને કારણે ૬ મહિનાની ઉંમરે જ બધા વાળ ગુમાવી દેનાર ફૅશન-ઇન્ફ્લુએન્સર નીહર સચદેવાએ પોતાના લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ અરુણ વી. ગણપતિ સાથે લગ્નના દિવસે વેડિંગ લુકમાં માથા પર વિગ નહોતી પહેરી અને પોતાનો વાળ વિનાનો લુક માંગટીકો અને લાલ ચૂંદડી ઓઢીને હિંમત અને આત્મવિશ્વાસ સાથે પ્રદર્શિત કર્યો હતો. આમ તો વાળને સુંદરતાનું પ્રતીક માનવામાં આવે છે, પણ માથે વાળ વિના નીહર દુલ્હન બનીને એટલી સુંદર દેખાતી હતી કે તેના બોલ્ડ અને બ્યુટિફુલ લુકે સાબિત કર્યું હતું કે સુંદરતાને કોઈ નક્કી કરેલી વ્યાખ્યા નથી હોતી.
નીહર ૬ મહિનાની બાળકી હતી ત્યારે તે અલપીશ્યા અરીઅટાનો (ઊંદરી)નો ભોગ બની હતી જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ જ વાળના મૂળ પર હુમલો કરી એનો નાશ કરે છે જેને કારણે શરીરના વાળ ખાસ કરીને મોઢા પરના અને માથા પરના વાળ ખરી જાય છે. નીહરે હિંમતથી આ કન્ડિશનનનો સામનો કર્યો અને પોતાના વાળ વિનાના લુકમાં ઘણા વખતથી દેખાતી હતી. પોતે જેવી છે એવી જ સ્વીકારવા તૈયાર રહેવું જોઈએ એવો પ્રભાવી સંદેશ તેણે આપ્યો છે. લગ્ન પહેલાંની બૅચલરેટ પાર્ટીમાં પણ ‘ટુ બી બ્રાઇડ’ તરીકે તેણે સીક્વન્સવાળાં ચળકતાં મિની સ્કર્ટ અને ટૉપ સાથે પણ વિગ નહોતી પહેરી, બાલ્ડ લુક જ રાખ્યો હતો. પોતાનાં લગ્નના દિવસે તેણે ટ્રેડિશનલ બ્રાઇડલ લેહંગા-ચોળી પહેર્યાં હતાં, પણ માથા પર વિગ નહોતી પહેરી.
ADVERTISEMENT
નીહરે સિંદૂરી લાલ લેહંગા, બૅકલેસ બ્લાઉઝ અને મૅચિંગ દુપટ્ટામાં હેવી સીક્વન્સ, શેલ, બીડ્સ, ક્રિસ્ટલ અને થ્રેડ એમ્બ્રૉઇડરી કરી હતી. રેડ આર્કાવાળી હેવી વર્કની બૉર્ડર સાથે ક્રીમ નેટની ઓઢણી ગુજરાતી સાડીના પાલવની રીતે પહેરી હતી અને બીજી લાલ નેટની લાંબી ઓઢણી માથે ઓઢી હતી. સાથે સોનાના એમરલ્ડ અને કુંદનનો ચોકર નેકલેસ, ઈઅર-રિંગ્સ, માંગટીકો, લાલ બંગડીઓ, કંગન અને કલીરા પહેર્યાં હતાં અને એકદમ સુંદર, સંપૂર્ણ ભારતીય દુલ્હન દેખાતી હતી. તેના આ પગલાએ આવી તકલીફોથી પીડાતી દરેક મહિલાને પ્રેરણા અને હિંમત આપી છે.