સરકારે બનાવી પાંચ સભ્યોની કમિટી : ૪૫ દિવસમાં આપશે રિપોર્ટ: ઉત્તરાખંડની જેમ હવે ગુજરાતમાં પણ યુનિફૉર્મ સિવિલ કોડની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે યુનિફૉર્મ સિવિલ કોડ માટેની જાહેરાત કરીને 5 સભ્યોની કમિટી બનાવી.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી.
ઉત્તરાખંડની જેમ હવે ગુજરાતમાં પણ યુનિફૉર્મ સિવિલ કોડની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે યુનિફૉર્મ સિવિલ કોડ માટેની જાહેરાત કરીને પાંચ સભ્યોની કમિટી બનાવી છે. આ કમિટી ૪૫ દિવસમાં એનો રિપોર્ટ સરકારને સુપરત કરશે અને એના આધારે સરકાર યોગ્ય નિર્ણય લેશે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક મળે એ માટે યુનિફૉર્મ સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે અને એનો અમલ કરવા સંકલ્પબદ્ધ છે. ગુજરાત વડા પ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે હંમેશાં પ્રતિબદ્ધ રહ્યું છે. વડા પ્રધાનના પદચિહ્ન પર ચાલતી ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળી રહે એ દિશામાં આગળ વધી રહી છે. આ માટે ગુજરાતમાં યુનિફૉર્મ સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટી રચવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પાંચ સભ્યોની આ કમિટીમાં અન્ય સભ્ય તરીકે નિવૃત્ત ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) અધિકારી સી. એલ. મીના, ઍડ્વોકેટ આર. સી. કોડેકર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટીના સભ્યો તમામ પાસાંઓનો અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ ૪૫ દિવસમાં રાજ્ય સરકારને આપશે અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે.’