Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજારમાં પાંચ દિવસના સુધારાને બ્રેક લાગી સેન્સેક્સ ૬૦૯ પૉઇન્ટ ડાઉન, ૭૪નું લેવલ ગુમાવ્યું

બજારમાં પાંચ દિવસના સુધારાને બ્રેક લાગી સેન્સેક્સ ૬૦૯ પૉઇન્ટ ડાઉન, ૭૪નું લેવલ ગુમાવ્યું

27 April, 2024 07:53 AM IST | Mumbai
Anil Patel

પરિણામની તેજીમાં કિર્લોસ્કર ન્યુમૅટિક ચાર આંકડે પહોંચી, ઝોમૅટોની હરીફ ​સ્વિગી ૧૦ હજાર કરોડ પ્લસનો ઇશ્યુ લાવવા સક્રિય બની

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


મોતીલાલ ઓસ્વાલ ફાઇનૅન્સમાં શૅરદીઠ ત્રણના ઉદાર બોનસ સાથે સારાં પરિણામ, શૅર નવા શિખરે : બજાજ ફાઇનૅન્સનો નફો બજારને ઓછો પડ્યો, શૅર ૫૬૪ રૂપિયા તૂટ્યો : પરિણામની તેજીમાં કિર્લોસ્કર ન્યુમૅટિક ચાર આંકડે પહોંચી, ઝોમૅટોની હરીફ ​સ્વિગી ૧૦ હજાર કરોડ પ્લસનો ઇશ્યુ લાવવા સક્રિય બની : સનફાર્માની સ્પાર્ક સતત ૧૦મા દિવસે નીચલી સર્કિટમાં, ભાવમાં કુલ ૨૧૬ રૂપિયા કે ૪૬ ટકાનું ગાબડું : વોડાફોન બેતરફી તોફાન જાળવી રાખતાં સતત સુધારામાં બંધ : અશ્નૂર ટેક્સટાઇલ એક્સરાઇટ થતાં મંદીની સર્કિટમાં ગયો : ખરાબ પરિણામ પછી ત્રણ વર્ષના રોડમૅપની વાતો માંડી ટેક મહિન્દ્ર ઑટો જોરમાં આવ્યો : બ્રૉડરમાર્કેટ, સ્મૉલકૅપ, કૅપિટલ ગુડ્સ, મૅટલ, પીએસયુ બૅન્ક નિફ્ટી જેવાં ઇન્ડાઇસ નવા શિખરે : માર્કેટ બ્રેડ્થમાં રસાકસી રહી

અમેરિકા ખાતે જીડીપી ગ્રોથ અને ફુગાવાના આંકડા ઊલટફેર કરનારા આવ્યા છે. પ્રથમ ક્વૉર્ટરનો જીડીપી ગ્રોથ ૨.૪ ટકાની ધારણા સામે માત્ર ૧.૬ ટકા નોંધાયો છે, જ્યારે ગ્રાહક ભાવાંકની રીતે ફુગાવો અગાઉના ક્વૉર્ટરના ૧.૮ ટકા સામે ૩.૪ ટકા જોવાયો છે. સમગ્ર વિશ્વની જીડીપીમાં ૨૬ ટકાનો ફાળો આપતા અમેરિકાનો ગ્રોથરેટ નબળો આવે એ સારા ભાવિના સંકેત નથી. બીજી બાજુ જેફરીઝના ગ્લોબલ ઇ​ક્વિટી સ્ટ્રૅટેજી ડિપાર્ટમેન્ટના હેડ ક્રિસ વૂડે કહ્યું છે કે વિશ્વમાં જિયોપૉલિટિક્લ ટેન્શનના મામલે ખરાબ સમય પૂરો થયો છે એવું માનવાની ભૂલ કરશો નહીં. અર્થાત્ કપરો કાળ આવવાનો હજી બાકી છે. આ બન્ને વાતોમાંથી જેને જે સમજવું હોય એ સમજી લેજો.



દરમ્યાન શૅરબજારમાં પાંચ દિવસનો સળંગ સુધારો શુક્રવારે અટક્યો છે. સેન્સેક્સ ૧૭૦ પૉઇન્ટ પ્લસમાં ૭૪,૫૦૯ ખૂલ્યા બાદ ૬૦૯ પૉઇન્ટ ઘટી ૭૩,૭૨૦ તો નિફ્ટી ઉપરમાં ૨૨,૬૨૦ વટાવી ૧૫૦ પૉઇન્ટની નરમાઈમાં ૨૨,૪૨૦ની નીચે બંધ આવ્યો છે. માર્કેટ ઉપરમાં ૭૪,૫૧૬ થયા બાદ સતત ધસાતું રહી નીચામાં ૭૩,૬૧૭ દેખાયું હતું. બજારનાં સેક્ટોરલ મિશ્ર વલણમાં હતાં. સ્મૉલ કૅપ ઇન્ડેક્સ સાધારણ સુધારે નવા શિખરે બંધ હતો. મિડ કૅપ પોણો ટકો વધ્યો છે. કન્ઝ્યુમર ગુડ્સ બેન્ચમાર્ક સર્વાધિક દોઢ ટકો અપ હતો. નિફ્ટી મીડિયા એક ટકાથી વધુ પ્લસ થયો છે. બજાજ ટ્વીન્સને લઈને ફાઇનૅન્સ ઇન્ડેક્સ સર્વાધિક પોણા ટકા આસપાસ કપાયો છે. રસાકસીવાળી માર્કેટ બ્રેડ્મથમાં NSE ખાતે વધેલા ૧૧૦૨ શૅર સામે ૧૦૯૩ જાતો ઘટી છે. મજાની વાત એ છે કે સેન્સેક્સ ૬૦૯ પૉઇન્ટ ઘટવા છતાં બજારનું માર્કેટ કૅપ માત્ર ૧૪,૦૦૦ કરોડ રૂપિયા ઘટીને ૪૦૪.૪ લાખ કરોડ રૂપિયા નોંધાયું છે.


પાકિસ્તાની શૅરબજાર તેજીની ચાલમાં ગઈ કાલે ૭૨,૮૬૨ની ઑલટાઇમ હાઈ બનાવી ૭૭૩ પૉઇન્ટ વધીને ૭૨૭૪૫ બંધ આવ્યું છે. મતલબ કે ભારતીય બજાર અને પાકિસ્તાની બજાર વચ્ચેનો ગાળો ૧૦૦૦ પૉઇન્ટની અંદર આવી ગયો છે. છેલ્લા એક વર્ષમાં ત્યાં ૭૫ ટકાની તેજી થઈ છે. શુક્રવારે મોટા ભાગના એશિયન બજારો પ્લસ હતાં. હૉન્ગકૉન્ગ બે ટકા તો ચાઇના, તાઇવાન, સાઉથ કોરિયા એકથી સવા ટકો અને જપાન પોણો ટકો અપ હતું. ઇન્ડોનેશિયા પોણાબે ટકા બગડ્યું છે. યુરોપ રનિંગમાં અડધાથી પોણો ટકો આગળ વધ્યું છે. લંડન ફુત્સી ૮૧૩૬ની સર્વોચ્ચ સપાટી બતાવી અડધો ટકો વધીને ૮૧૧૫ દેખાતો હતો. બ્રેન્ટક્રૂડ પોણા ટકાના સુધારે ૮૯ ડૉલરની પાર થઈ ૯૦ ડૉલર ભણી સરક્યું છે. 

પરિણામ પહેલાં મારુતિ ૨૧૯ રૂપિયા ડાઉન, રિઝલ્ટ ધારણાથી નબળું આવ્યું


મોતીલાલ ઓસ્વાલમાં એક શૅરદીઠ ૩નું ઉદાર બોનસ આવ્યું છે. આવક ૧૦૧ ટકા અને ત્રિમાસિક નફો ૩૩૯ ટકા વધ્યો છે. પરિણામ બજાર બંધ થવાના ટાંકણે આવ્યાં હતાં. શૅર ૨૪૪૪ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૨૬૭૭ની ઑલટાઇમ હાઈ બતાવી સવાબે ગણા વૉલ્યુમે ૫.૬ ટકા ઊંચકાઈ ૨૬૦૧ બંધ આવ્યો છે. કિર્લોસ્કર ન્યુમૅટિકનો ત્રિમાસિક નફો ૮૭ ટકા વધીને આવતાં શૅર બીજા દિવસની તેજીમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૮૩ રૂપિયાના ઉછાળે ૧૦૯૫ના શિખરે ગયો છે. બેના શૅરની બુકવૅલ્યુ ૧૨૩ની છે. ૩૬ વર્ષથી બોનસ નથી. છેલ્લું બોનસ ઑગસ્ટ ૧૯૮૭માં આવ્યું હતું.

મારુતિ સુઝુકીએ ૧૯ ટકાના વધારામાં ૩૮,૨૩૫ કરોડની આવક ઉપર ૪૮ ટકાના વૃ​દ્ધિદરથી ૩૮૭૮ કરોડ નેટ પ્રૉફિટ બતાવ્યો છે. બજારની ધારણા ૨૧ ટકાની આવકવૃ​દ્ધિ અને ૫ ટકાના નફામાં વધારાની હતી. પરિણામ પહેલાં શૅર ગઈ કાલે પોણાબે ગણા કામકાજે ૧૩,૦૪૯ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૧૨,૬૫૫ થઈ ૨૧૯ રૂપિયા કે પોણાબે ટકા ઘટી ૧૨,૬૮૭ બંધ થતાં માર્કેટ કૅપ ૪ લાખ કરોડની અંદર આવી ગયું છે. આ પરિણામ બજારને ગમે એવાં હરગિજ નથી. રિલાયન્સ દોઢા વૉલ્યુમે અડધો ટકો ઘટી ૨૯૦૩ થયો છે. બ્રોકરેજ હાઉસ તેજીમાં છે, પણ પરિણામ પછી શૅરમાં નરમાઈ છે. નેસ્લે ત્રણ ટકા બગડી ૨૪૮૪ નજીક ગયો છે. મહિન્દ્ર બે ટકા ડાઉન હતો. ડિવીઝ લૅબ ૭૦૦ કરોડ રૂપિયાની વિસ્તરણ યોજનામાં પોણાપાંચ ટકા કે ૧૮૫ની તેજીમાં ૪૦૨૫ થયો છે. બજાજ ઑટો અઢી ટકા કે ૨૦૯ની આગેકૂચમાં ૮૯૪૮ વટાવી ગઈ છે. 

સ્વિગી ૧૦ હજાર કરોડ રૂપિયાથી વધુનો ઇશ્યુ લાવવા સક્રિય બની છે. આ માટે સેબી સમક્ષ કૉન્ફિડે​ન્શિયલ રૂટથી ફાઇલિંગ કરવાની તૈયારીમાં છે. ત્યારે એની હરીફ ઝોમૅટો ગઈ કાલે પોણાબે ટકાના સુધારામાં ૧૮૮ બંધ થઈ છે. સનફાર્માની સ્પાર્ક ૯ એપ્રિલ પછી સતત નીચલી સર્કિટ મારતી રહીને ગઈ કાલે પાંચ ટકા તૂટી ૨૫૮ થઈ છે. 

કોટક બૅન્ક નવા મ​લ્ટિયર તળિયે, સ્ટેટ બૅન્ક નવી ટોચે જઈ નરમ રહી

હુડકો સ્ટ્રૉન્ગ ગ્રોથની હવામાં ૧૬ ગણા વૉલ્યુમે ૨૩૪ના બેસ્ટ લેવલે જઈ ૧૨.૩ ટકા ઊછળી ૨૨૮ બંધ આવ્યો છે. ભાવ વર્ષ પહેલાં ૪૮ હતો. ઇન્ડ.ના ૧૬ની સામે શૅર હાલ ૨૨.૫ના પીઈ ઉપર છે. જાણકારો અહી વધઘટે ૨૭૦નો ભાવ લાવ્યા છે. દૌલત અલ્ગો નવ ટકા, કેફિન ટેક ૫.૪ ટકા, આઇઆરએફસી ૫.૨ ટકા મજબૂત હતી. બજાજ ફાઇનૅન્સે આવકમાં ૩૪ ટકાના વધારા સામે ૨૧ ટકાના વૃદ્ધિદરથી ૩૮૨૪ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે જે બજારને ઓછો પડ્યો લાગે છે. શૅર ગઈ કાલે નવ ગણા વૉલ્યુમે નીચામાં ૬૬૯૧ થઈ ૭.૭ ટકા કે ૫૬૪ રૂપિયાના ધબડકામાં ૬૭૩૦ બંધ આવતાં બજારને ૧૩૭ પૉઇન્ટનો માર પડ્યો છે. એની મુખ્ય પ્રમોટર્સ બજાજ ફિનસર્વ પણ પાંચેક ગણા કામકાજે ૩.૫ ટકા ગગડી ૧૫૯૭ હતી. તેણે આવકમાં ૩૫.૬ ટકાના વધારા સાથે ૨૦ ટકાના ગ્રોથમાં ૨૧૧૯ કરોડ ત્રિમાસિક નેટનફો કર્યો છે.

ઇન્ડ્સઇન્ડ બૅન્કનો બજારની ૨૦૪૧ કરોડની ધારણા સામે ૨૩૪૭ કરોડનો ચોખ્ખો નફો દર્શાવાયો છે અને શૅર ગઈ કાલે પ્રારંભિક સુધારે ૧૫૧૯ થયા બાદ પ્રૉફિટ બુકિંગમાં ૧૪૪૨ બતાવી ૩.૪ ટકા બગડી ૧૪૪૬ રહ્યો છે. સારાં પરિણામના જોશમાં આગલા દિવસના છ ટકાના જમ્પ બાદ ઍક્સિસ બૅન્ક નજીવી વધી ૧૧૩૦ હતી. ICICI બૅન્કનાં પરિણામ ૨૭મીએ છે. શૅર અડધા ટકાની નબળાઈમાં ૧૧૦૭ બંધ હતો. રિઝર્વ બૅન્કના સપાટામાં આગલા દિવસે ૨૦૦ રૂપિયા તૂટેલી કોટક મહિન્દ્ર બૅન્ક સવાબે ગણા કામકાજે ૧૬૦૫ મ​લ્ટિયર બૉટમ બનાવી વધુ બે ટકા ખરડાઈ ૧૬૦૮ થઈ છે. સ્ટેટ બૅન્ક પાંચ ટકાના ઉછાળા પછી ગઈ કાલે ૮૧૭ની નવી વિક્રમી સપાટી નોંધાવી ૧.૪ ટકાની પીછેહઠમાં ૮૦૧ રહી છે. ગઈ કાલે બૅન્ક નિફ્ટી ૨૯૪ પૉઇન્ટ નરમ હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી ૭૪૭૯ની નવી ઑલટાઇમ હાઈ બનાવી ૧૨માંથી ૭ શૅરના સુધારે સામાન્ય ઘટ્યો છે. બૅ​ન્કિંગના ૪૧માંથી ૨૩ શૅર વધ્યા છે. જના ફાઇનૅન્સ બૅન્ક ચાર ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર સાડાત્રણ ટકા, સિટી યુનિયન બૅન્ક બે ટકા, ડીસીબી પોણા બે ટકા વધીને, સીએસબી બૅન્ક ૪.૬ ટકા તૂટી ૩૮૬ હતી, રિઝલ્ટ નડ્યાં હતાં. નૉન પર્ફોર્મિંગ ઍસેટસ વધી છે. નફો ૧૫૬ કરોડથી ઘટી ૧૫૧ કરોડ આવ્યો છે.

પરિણામ પાછળ લાર્સન ટેક્નૉલૉજી ગગડ્યો, લાર્સન માઇન્ડ ટ્રી મજબૂત

ટેક મહિન્દ્રએ ધારણા કરતાં નબળાં પરિણામ આપ્યાં છે. નફો ૪૧ ટકા ઘટ્યો છે. જેફરીઝ અને નુવામાવાળાએ ૧૦૦૦ જેવી ટાર્ગેટ પ્રાઇસ સાથે બેરિશ વ્યુ જારી કર્યો છે. ચાર્ટ ઉપર ​ક્લિયર કટ ડાઉન વર્ડ ટ્રેન્ડ છે. આમ છતાં શૅર દસેક ગણા વૉલ્યુમે ૧૩૪૫ની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી ગઈ કાલે ૭.૩ ટકા કે ૮૭ રૂપિયા ઊછળી ૧૨૭૭ બંધ આપી સેન્સેક્સ નિફ્ટીમાં ટૉપ ગેઇનર બન્યો છે. કારણ એવું છે કે ખરાબ પરિણામ પછી કંપની મૅનેજમેન્ટ અને એના નવા CEO તરફથી વિઝન ૨૦૨૭ નામનો પ્લાન જાહેર કરાયો છે, જેમાં કંપનીને ટર્નઅરાઉન્ડ કરવાની ડાહી-ડાહી વાતો કરવામાં આવી છે. ટેક મહિન્દ્રના નવા સીઈઓનું ભવિષ્ય અમને રાજકારણમાં બહુ ઊજળું દેખાય છે, પ્રોફાઇલ બદલે તો વાંધો નહીં આવે. લાર્સન માઇન્ડ ટ્રી અર્થાત્ લાટિમે આવકમાં સવાબે ટકા અને નફામાં સવા ટકા ઘટાડા સાથે ડલ રિઝલ્ટ આપ્યું છે. શૅર દોઢા કામકાજે ઉપરમાં ૪૮૨૩ થઈ સવા ણ ટકા કે ૧૫૩ રૂપિયા વધી ૪૭૮૯ બંધ આવ્યો છે. સામે ગ્રુપ કંપની લાર્સન ટેક્નૉલૉજીઝ આવકમાં ૨૧ ટકા અને નેટ નફામાં ૧૦ ટકા પ્લસની વૃદ્ધિ પછી ૧૦ ગણા વૉલ્યુમે નીચામાં ૪૬૮૯ થઈ પોણાઆઠ ટકા કે ૪૦૩ રૂપિયા લથડી ૪૭૭૮ બંધમાં આઇટી ખાતે ટૉપ લૂઝર બની છે. ઓરેકલ ફાઇનૅ​ન્શિયલ સર્વિસિસે ૧૬ ટકાના વધારામાં ૫૬૦ કરોડ નફો કરી શૅરદીઠ ૨૪૦નું દાયકાનું શ્રેષ્ઠ ડિવિડન્ડ જાહેર કરતાં ભાવ સાત ગણા વૉલ્યુમે ૭૫૨૨ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૪.૯ ટકા કે ૩૪૯ રૂપિયાની મજબૂતીમાં ૭૪૮૭ થયો છે.

આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૩૧ શૅરના સથવારે નજીવો પ્લસ હતો. ઝેનસાર ટેક્નૉલૉજી આઠ ટકા, સિ​ગ્નિટી ૫.૭ ટકા, મૅગ્લેનિક પાંચ ટકા ઝળકી હતી. ફ્રન્ટલાઇનમાં ટીસીએસ પોણો ટકા નરમ હતો. ઇન્ફી અડધો ટકો ઘટી ૧૪૩૦ થઈ છે. વિપ્રો પોણો ટકા અપ હતો. ટેલિકૉમમાં ભારતી ઍરટેલ ૦.૭ ટકા ઘટ્યા છે. ઇન્ડ્સ ટાવર અડધો ટકો વધી ૩૫૩ હતો. HFCL, ઑન મોબાઇલ, ટાટા ટેલિ, રાઉટ મોબાઇલ, તેજસ નેટ એક બે ટકા ડાઉન હતી. અવાન્ટેલ ૫.૭ ટકા અને રેલટેલ બે ટકા ઊંચકાઈ છે. સનટીવી વૉલ્યુમ સાથે ૪.૫ ટકા ઝળકી ૩૬૪ રહી છે. ઝી એન્ટર સવાબે ટકા સુધર્યો છે. નેટવર્ક ૧૮ સવાબે ટકા નરમ હતો. HCL ટેક્નૉલૉજી પરિણામ પહેલાં ઉપરમાં ૧૫૩૦ વટાવી છેલ્લે પોણાબે ટકાની નબળાઈમાં ૧૪૭૭ બંધ આવ્યો છે. મૉ​સ્ચિપ તાજેતરના બુલરન બાદ એક ટકાથી વધી ૧૫૮ રહ્યો છે. 

ફાલ્કન કૉન્સેપ્ટ્સનું સારું લિ​સ્ટિંગ, JNK ઇન્ડિયામાં ૯૦નું પ્રીમિયમ

ગુડગાંવની ફાલ્કન કૉન્સેપ્ટ્સ ૧૦ના શૅરદીઠ ૬૨ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૧૦ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૯૫ ખૂલી ૫ ટકાની નીચલી સર્કિટ ૯૦ જેવી થઈ ત્યાં જ બંધ થતાં એમાં ૪૫.૫ ટકાનો લિ​સ્ટિંગ ગેઇન મળ્યો છે. મંગળવારે ૩ વધુ SME ઇશ્યુ લિસ્ટેડ થવાના છે જેમાંથી ગ્રે માર્કેટ ખાતે ફૅન્સીમાં પંચકુલા હરિયાણાની એમ્ફોર્સ ઑટોટેકમાં ૧૦ના શૅરદીઠ ૯૮ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૨૦નું પ્રીમિયમ ટકેલું છે. મુંબઈના અંધેરી-ઈસ્ટની શિવમ કેમિકલ્સમાં ૪૪ની ઇશ્યુ પ્રાઇસ સામે બે રૂપિયાનું પ્રીમિયમ છે તો ગ્રાન્ટ રોડની વર્યા ક્રીએશનમાં કોઈ સોદા નથી. ઇશ્યુ પ્રાઇસ ૧૫૦ની છે.

મુંબઈના થાણેની JNK ઇન્ડિયાનો બેના શૅરદીઠ ૪૧૫ની ઇશ્યુ પ્રાઇસવાળા આ શૅર ૬૫૦ કરોડનો ઇશ્યુ ગુરુવારે QIBમાં ૭૪.૪ ગણા તગડા પ્રતિસાદમાં કુલ ૨૮.૫ ગણો છલકાઈને પૂરો થયો ત્યારે ગ્રે માર્કેટમાં અગાઉનું પચીસવાળું પ્રીમિયમ ઊછળી રફ સોદામાં સેન્ટર્સ ઉપર ૫૦થી ૮૦ બોલાવા માંડ્યું હતું, હવે રેટ ૯૦ રૂપિયા આવી ગયો છે. વોડાફોનમાં ૧૮,૦૦૦ કરોડના મેગા FPOના શૅર લિ​સ્ટિંગમાં આવતાં આગલા દિવસે બે તરફી ધમાચકડીમાં ભાવ ઊંચકાઈ ૧૩.૯૦ નજીક બંધ થયો હતો. વેચવાલીનો માલ પિવાઈ ગયો હતો. શૅર શુક્રવારે નીચામાં ૧૩.૧૨ થઈ પોણો ટકો વધી ૧૪ રહ્યો છે. બનાસ ફાઇનૅન્સ ૧૦ના શૅરદીઠ ભાવોભાવ, એક શૅરદીઠ એકના પ્રમાણમાં રાઇટમાં એક્સ રાઇટ થતાં ગઈ કાલે ઉપરમાં ૧૭ નજીક જઈ ૧૦.૮ ટકા ઊંચકાઈ ૧૬.૫૦ થયો છે. તો અશ્નૂર ટેક્સઇલ્સ ચાર શૅરદીઠના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૨૦ના ભાવે એક્સ રાઇટ થતાં પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૬૬ પ્લસ થઈ ત્યાં બંધ રહ્યો છે. 

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2024 07:53 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK