તાજેતરમાં IPO લાવનારી બોનફિગ્લિમોલી પરિણામના જોરમાં ઉપલી સર્કિટ સાથે ઑલટાઇમ હાઈ થઈ : NMDC સ્ટીલ ખોટ ભૂંસીને નફામાં આવી, પરંતુ શૅર બેઅસર : MCX નવા શિખર સાથે ત્રણેક ટકા મજબૂત, NSE લિમિટેડ નવી વિક્રમી સપાટી બનાવી ફ્લૅટ બંધ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પરિણામ બાદ ઓલા ઇલેક્ટ્રિકમાં બ્રોકરેજ હાઉસનો બેરિશ-વ્યુ : મામાઅર્થ ફ્રૅમ હોનાસા કન્ઝ્યુમર, Paytm તેમ જ નાયકામાં નવા ઊંચા ભાવ : ઑઇલ ઇન્ડિયાનો ઢીલો દેખાવ પણ શૅરદીઠ ૭ રૂપિયાના ઇન્ટરિમે શૅરને ટેકો આપ્યો : તાજેતરમાં IPO લાવનારી બોનફિગ્લિમોલી પરિણામના જોરમાં ઉપલી સર્કિટ સાથે ઑલટાઇમ હાઈ થઈ : NMDC સ્ટીલ ખોટ ભૂંસીને નફામાં આવી, પરંતુ શૅર બેઅસર : MCX નવા શિખર સાથે ત્રણેક ટકા મજબૂત, NSE લિમિટેડ નવી વિક્રમી સપાટી બનાવી ફ્લૅટ બંધ : પરિણામ પૂર્વે તાતા મોટર્સ પૅસેન્જર બગડી
ઈરાન સાથે પીસ-ડીલના મામલે ટ્રમ્પે તેની આદત મુજબ ફેરવીને તોળતાં બ્રેન્ટ ક્રૂડ ૯૭ ડૉલર નજીક જઈ હાલ ૯૫.૮૦ ડૉલર આસપાસ આવી ગયું છે. ક્રૂડની મજબૂતી પાછળ ડૉલર સામે રૂપિયો વધુ ઘટીને ૯૪.૨૪ દેખાયો છે. ઘરઆંગણે શૅરબજાર શુક્રવારે આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં રહી છેવટે ૩૧૮ પૉઇન્ટ કે ૦.૪ ટકા ઘટી ૮૧,૫૯૨ બંધ થયું છે. નિફ્ટી ૧૬૦ પૉઇન્ટ કે ૦.૬ ટકાની નરમાઈમાં ૨૫,૧૪૪ હતો. સેન્સેક્સ આગલા બંધથી ૭૭ પૉઇન્ટ જેવો નરમ, ૮૧,૩૩૪ નજીક ખૂલી ગઈ કાલે ઉપરમાં ૮૧,૮૭૯ તથા નીચામાં ૮૧,૨૮૯ની અંદર ગયો હતો. ખરાબ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૪૪૬ શૅરની સામે ૨૧૭૯ શૅર માઇનસ હતા. માર્કેટકૅપ ૨.૦૯ લાખ કરોડ ઘટીને ૫૧૦.૧૮ લાખ કરોડ રહ્યું છે. સેન્સેક્સના ૦.૪ ટકા અને નિફ્ટીના ૦.૬ ટકાના ઘટાડા સામે ગઈ કાલે ઑટો ઇન્ડેક્સ સવા ટકો, રિયલ્ટી ૧.૭ ટકા, યુટિલિટીઝ એક ટકો, મેટલ ૦.૯ ટકા, આઇટી ઇન્ડેક્સ અડધો ટકો, બૅન્ક નિફ્ટી ૦.૮ ટકા, PSU બૅન્ક, નિફ્ટી અડધો ટકો ઘટ્યો છે. કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૦.૭ ટકા વધી લગભગ સામા પ્રવાહે હતો.
ADVERTISEMENT
સેન્સેક્સ ખાતે ૩૦માંથી વધેલા ૭ શૅરમાં હિન્દુસ્તાન યુનિલીવર સવા ટકો, એશિયન પેઇન્ટ્સ ૦.૯ ટકા તથા ભારતી ઍરટેલ ૦.૭ ટકાનો સુધારો દાખવી મોખરે હતા. નિફ્ટી ખાતે ૫૦માંથી પ્લસ થયેલા ૧૧ શૅરમાં આઇશર મોટર્સ સવા ટકાથી વધુ, હિન્દુસ્તાન યુનિલીવર એક ટકા નજીક, BSE લિમિટેડ પોણા ટકા જેવો તથા ભારતી ઍરટેલ અને એશિયન પેઇન્ટ્સ અડધો ટકો સુધારામાં હતા. નરમાઈમાં સેન્સેક્સ ખાતે મહિન્દ્રા ૨.૧ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૭ ટકા, ભારત ઇલેક્ટ્રિક દોઢ ટકો, NTPC ૧.૨ ટકા, ટાઇટન, બજાજ ફિનસર્વ, અદાણી પોર્ટ્સ અને ટ્રેન્ટ એકાદ ટકો ડાઉન હતી. HDFC બૅન્ક ૧.૧ ટકા ઘટી ૮૦૩ના બંધમાં બજારને ૧૧૩ પૉઇન્ટ નડી છે. રિલાયન્સ સાડાપાંચ રૂપિયાના સાધારણ સુધારે ૧૩૩૯ ઉપર ગયો છે.
તાતા મોટર્સ પૅસેન્જરે બજાર બંધ થયા પછી ૩૪ ટકા જેવા વધારામાં ૯૬,૯૨૦ કરોડની આવક દર્શાવી છે. કંપનીની નેટ લૉસ ૬૩૬૮ કરોડથી ઘટી ૫૫૩૧ કરોડ આવી છે. શૅર પરિણામ પૂર્વે ૩.૪ ટકા બગડી ૨૮૭ બંધ થયો હતો. નિફ્ટીમાં શ્રીરામ ફાઇનૅન્સ ૩.૪ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર ૩.૩ ટકા, ગ્રાસિમ અઢી ટકા, અદાણી એન્ટરપ્રાઇઝિસ બે ટકા, હિન્દાલ્કો ૨.૧ ટકા ડાઉન થઈ છે.
હિટાચી એનર્જી પોણાઅગિયાર ટકા કે ૩૦૬૦ની તેજીમાં ૩૧૬૧૦ બંધ આપી ‘એ’ ગ્રુપમાં બેસ્ટ ગેઇનર બની છે. અંબર એન્ટરપ્રાઇઝિસ પોણાનવ ટકા કે ૫૪૫ રૂપિયા, અનુપમ રસાયણ સાડાઆઠ ટકા કે ૧૦૩ રૂપિયા તો અપોલો માઇક્રોસિસ્ટમ્સ ૪૭૭ના નવા શિખરે જઈ ૮ ટકા ઊછળી ૪૭૫ થઈ છે. જીના સીખો લાઇફકૅર બમણા કામકાજે નીચામાં ૩૩૮ બતાવી સવાછ ટકા ગગડી ૩૪૪ના બંધમાં ‘એ’ ગ્રુપમાં વર્સ્ટ પર્ફોર્મર હતી. એસ્ટ્રાઝેનેકા ૬.૧ ટકા કે ૩૯૨ રૂપિયા, ટેક્નો ઇલેક્ટ્રિક પોણાછ ટકા, બ્લુસ્ટોન જ્વેલરી સાડાપાંચ ટકા ખરડાઈ હતી.
એશિયા ખાતે ઇન્ડોનેશિયા પોણાબે ટકા, તાઇવાન સવા ટકો, જપાન અને થાઇલૅન્ડ અડધા ટકા નજીક પ્લસ હતાં. સામે હૉન્ગકૉન્ગ પોણા બે ટકા, સાઉથ કોરિયા એક ટકા, ચાઇના અડધો ટકો, સિંગાપોર એક ટકો ડૂલ હતું. યુરોપ રનિંગમાં પૉઝિટિવ બાયસ સાથે ફ્લૅટ જણાયું છે. બિટકૉઇન નીચે ૬૮,૦૦૦ થયા બાદ રનિંગમાં ૩ ટકા ઘટી ૬૯,૨૫૫ ડૉલર ચાલતો હતો.
હિટાચી એનર્જી પરિણામ પાછળ ૩૦૬૦ રૂપિયા વધીને બંધ થઈ
ઓલા ઇલેક્ટ્રિક દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૩૯ ટકાના ઘટાડામાં ૪૨૧ કરોડની આવક બતાવાઈ છે. નેટ લૉસ ૪૧૮ કરોડથી ઘટી ૩૬૨ કરોડ રહી છે. ગ્રોસ માર્જિન સતત ઘસાતું રહી ૩૦ ટકાની અંદર નોંધાયું છે. પરિણામ બાદ ગોલ્ડમૅન સાક્સે બાવીસની ટાર્ગેટ પ્રાઇસથી તો કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ દ્વારા ૧૮ની ટાર્ગેટ પ્રાઇસથી બેરિશ-વ્યુ જારી થયો છે. શૅર ગઈ કાલે સવાગણા કામકાજે નીચામાં ૩૩.૫૦ થઈ ત્રણેક ટકા ઘટી ૩૪.૬૩ હતો. એનો પાર્ટપેઇડ પોણાપાંચ ટકા તૂટી ૨૩ નીચે થયો છે. Paytm ૧૯૫૯ની લાઇફટાઇમ નવી ટૉપ બનાવીને ૧.૧ ટકા વધી ૧૯૪૫ ગઈ કાલે બંધ થયો છે. પૉલિસી બાઝાર ઉપર ૧૧૧૩ થઈ ૫.૩ ટકા ઊછળી ૧૧૦૫ હતો. નાયકા ૩૬૬ની પાંચેક વર્ષની ઊંચી સપાટી હાંસલ કરી દોઢ ટકા વધી ૩૬૫ રહી છે. મામાઅર્થવાળી હોનાસા કન્ઝ્યુમર ૫૧૬ની ૨૬ માસની ટોચે જઈ અડધો ટકો ઘટી ૪૯૩ થઈ છે.
ઍક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ્સની આવક ૧૮.૯ ટકા વધી ૮૮૫ કરોડ થઈ છે. નફો ૫૦ કરોડના વન-ટાઇમ ગેઇનની અસરમાં ૮૨.૪ ટકા ઊછળી ૧૬૪ કરોડ વટાવી ગયો છે. શૅર ઉપરમાં ૧૨૫૬ થઈ નજીવા સુધારે ૧૧૮૦ હતો. ટેલિકૉમ ગિયર બનાવતી HFCLને ઑપ્ટિકલ ફાઇબર કેબલ્સ માટે ૮૩૪ કરોડનો ગ્લોબલ એક્સપોર્ટ ઑર્ડર મળ્યો છે. ભાવ ઉપર ૨૧૨ થયા બાદ ૨.૪ ટકા ઘટી ૨૦૫ હતો. દિલીપ બિલ્ડકોને ૧૭ ટકાના વધારા સાથે ૨૨૫૦ કરોડની આવક મેળવી છે પણ નફો ૨૧૪ કરોડના મુકાબલે અડધાથીય વધુ ગગડી ૧૦૧ કરોડ જોવાયો છે. શૅર નીચામાં ૩૯૦ થઈ નહીંવત ઘટી ૪૦૮ બંધ થયો છે. હિટાચી એનર્જીની ત્રિમાસિક આવક ૬૩.૫ ટકા વધી ૨૯૯૩ કરોડને વટાવી ગઈ છે, નેટ પ્રૉફિટ ૨૧ ટકા વૃદ્ધિદરમાં ૩૧૮ કરોડ થયો છે. શૅર સવાછ ગણા કામકાજમાં ઉપરમાં ૩૨,૨૪૬ બતાવી ૧૦.૭ ટકા કે ૩૦૬૦ રૂપિયાની તેજીમાં ૩૧,૬૧૦ બંધ આવ્યો છે. ફેસવેલ્યુ બેની છે.
નેટ પ્રૉફિટ અઢી ગણો વધતાં કેનમેટલ ઇન્ડિયા ૧૪ ટકા તેજીમાં
વોડાફોન આઇડિયાએ સવાછ ટકા વધારામાં ૧૧,૮૮૪ કરોડની આવક મેળવી છે. કંપનીની નેટ લૉસ ૫૫૨૪ કરોડથી ૫૯૭૫ કરોડ થઈ છે. શૅર અઢી ગણા કામકાજે નીચામાં ૧૨.૫૨ થઈ ૩.૨ ટકા ઘટી ૧૨.૫૭ થયો છે. રિલાયન્સ જેમાં ૧૮.૮ ટકા હિસ્સો ધરાવે છે એ EIH લિમિટેડે ૧૬ ટકા વધારામાં ૬૯૪ કરોડની આવક ઉપર વીસેક ટકા વૃદ્ધિ દરથી ૧૩૬ કરોડ પ્લસ નફો કર્યો છે. શૅર ચાર ગણા કામકાજે ૩૨૬ વટાવી સાધારણ ઘટી ૩૧૫ હતો. NMDC સ્ટીલની આવક ૧૧ ટકા વધીને ૩૭૬૪ કરોડ થઈ છે. કંપની ૧૧૫ કરોડની ચોખ્ખી ખોટમાંથી ૬૧ કરોડના નેટ નફામાં આવી છે. ભાવ પાંચ ગણા વૉલ્યુમે ૪૨.૫૦ થઈ ૪૦.૬૮ના લેવલે ફ્લૅટ હતો.
રેલવિકાસ નિગમે સવાઆઠ ટકા ઘટાડામાં ૪૭૦૧ કરોડ આવક ઉપર ૮.૩ ટકા વધારામાં ૨૫૦ કરોડ નજીક નેટ પ્રૉફિટ દર્શાવ્યો છે પણ શૅર ત્રણેક ટકા ઘટી ૧૯૯ થયો છે. ઇન્ડિયન રેલવે કેટરિંગની આવક સવાસોળ ટકા વધી ૧૩૩૩ કરોડ થવા છતાં નફો ૨૩ ટકા ઘટી ૨૬૩ કરોડ રહેતાં ભાવ પોણાત્રણ ટકા ઘટી ૪૫૮ બંધ હતો. બોન્ડાડા એન્જિનિયરિંગે પોણાદસ ટકા વધારામાં ૭૨૪ કરોડ આવક અને ૫.૭ ટકા વધારામાં ૫૬ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. શૅર ચાર ટકા ખરડાઈ ૨૭૪ હતો.
તાજેતરમાં મિડ-ઑક્ટોબરમાં ૧૦ના શૅરદીઠ ૫૮૬ના ભાવે ૨૫૩૩ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ લાવનારી ઇટાલિયન બોનફિગ્લિઓલી ટ્રાન્સમિશન્સે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૩૦.૨ ટકા વધારામાં ૬૬૦ કરોડની આવક ઉપર ૩૮ ટકા વધારમાં ૮૭ કરોડ નેટ નફો દર્શાવતાં શૅર ચારગણા કામકાજે ૧૦ ટકા ઉપલી સર્કિટે ૭૯૫ના શિખરે જઈ ત્યાં જ બંધ થયો છે. કેનમેટલ ઇન્ડિયાએ ૮૬ ટકા વધારામાં ૫૫૨ કરોડ આવક ઉપર ૩૧ કરોડ સામે ૧૦૭ કરોડ ચોખ્ખો નફો કરતાં શૅર ૨૩ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૪૧૬૮ થઈ ૧૪ ટકા કે ૪૮૭ રૂપિયા ઊછળી ૩૯૬૦ બંધ આવ્યો છે. ફેસવૅલ્યુ ૧૦ની છે.
નફો ૨૨૩ ટકા વધવા છતાં મનપ્પુરમ ફાઇનૅન્સ વૉલ્યુમ સાથે ડાઉન
ગોલ્ડ લોન કંપની મનપ્પુરમ ફાઇનૅન્સે ૪૬ ટકાના વધારામાં ૩૩૫૬ કરોડની આવક ઉપર ૨૨૩ ટકા વધારામાં ૭૦૧ કરોડ ચોખ્ખો નફો મેળવ્યો છે, પરંતુ શૅર આઠ ગણા કામકાજમાં નીચામાં ૩૦૫ થઈ ચારેક ટકા ઘટી ૩૦૮ રહ્યો છે. પિયર ગ્રુપમાં મુથૂટ ફાઇનૅન્સ નીચામાં ૨૮૩૩ થઈ ૨.૭ ટકા ઘટી ૨૮૪૭, ચોલા મંડલમ ઇન્વેસ્ટમેન્ટ ૧૮૧૦ થઈ પોણો ટકો ઘટી ૧૮૪૪, IIFL ફાઇનૅન્સ નીચે ૬૩૯ થઈ ૩.૨ ટકા ઘટી ૬૪૧ બંધ હતી. જ્વેલરી શૅરોમાં બહુધા નરમાઈ હતી. કલ્યાણ જ્વેલર્સ ઑલટાઇમ હાઈની
હૅટ-ટ્રિકમાં ૭૨૪ વટાવી ૧.૮ ટકા ઘટી ૬૯૭ રહી છે. અન્યમાં લલિતા જ્વેલરી માર્ટ પાંચ ટકા, ગોલકુન્ડા ડાયમન્ડ સવાચાર ટકા, બ્લુસ્ટોન જ્વેલરી ૬.૫ ટકા, દીપ જ્વેલર્સ ૩.૩ ટકા, શાંતિ ગોલ્ડ ૩.૧ ટકા, પી.સી. જ્વેલર્સ ૨.૭ ટકા, ઇથોસ લિમિટેડ ૨.૭ ટકા, મનોજ જ્વેલર્સ પાંચ ટકા, સ્કાય ગોલ્ડ ૨.૮ ટકા ડાઉન હતી. સામે નિત્યાસ જેમ્સ ઉપરમાં ૭૧ થઈ ૩.૩ ટકા વધી ૬૭ રહી છે. એમ.કે. સન્સ ફાઇન જ્વેલ્સ ૧૭૯ની નવી ટોચે જઈ ૩.૫ ટકાની આગેકૂચમાં ૧૭૭ થઈ છે. TBZ ઉપર ૬૫૯ વટાવી સાધારણ ઘટાડે ૬૩૬ હતી. થંગમયિલ જ્વેલરી દોઢ ટકાના ઘટાડે ૪૨૧૫ બંધ આવી છે.
વિશ્વબજારમાં કૉપરના ભાવમાં ઘટાડો તથા ડૉલર સામે રૂપિયામાં સુધારાના પગલે ફિનોલેક્સ કેબલ્સ તરફથી રેસિડેન્શિયલ તથા કમર્શિયલ વાયરિંગમાં વપરાતા લાઇટ ડ્યુટી કેબલ્સના વેચાણભાવમાં ૩ ટકાનો ઘટાડો જાહેર કરાયો છે. પૉલિકેબ તથા આર.આર. કેબલ સહિતના અન્ય ઉત્પાદકો પણ ફિનોલેક્સ કેબલ્સનું અનુસરણ કરશે એમ મનાય છે. ફિનોલેક્સ કેબલ્સ ગઈ કાલે ઉપર ૧૩૧૫ થઈને એક ટકો વધી ૧૨૬૭ બંધ હતી. આર.આર. કેબલ ૧૯૪૩થી વધી ૨૦૧૫ થઈ ૧.૯ ટકા વધી ૧૯૮૪ હતી. યુનિવર્સલ કેબલ્સ પોણો ટકો ઘટી ૧૧૯૫, પૉલિકેબ ૧.૮ ટકા ઘટી ૭૯૨૦, KEI ઇન્ડસ્ટ્રીઝ ૨.૪ ટકા ઘટી ૪૦૪૦ બંધ હતી.
નફાશક્તિ વધતાં ફીએમ ઇન્ડસ્ટ્રીઝ સાડાનવ ટકા ઊંચકાઈ
સરકારી તેલ કંપની ઑઇલ ઇન્ડિયાની આવક સાડાસાત ટકા ઘટીને ૧૧,૫૩૫ કરોડ થઈ છે. નફો ૩૬.૪ ટકા ગગડી ૨૩૦૯ કરોડ રહ્યો છે. શૅરદીઠ ૭ રૂપિયાનું ઇન્ટરિમ જાહેર કર્યું છે. રેકૉર્ડ ડેટ ૨૦ નવેમ્બર છે. શૅર ગઈ કાલે ઉપર ૪૪૮ થઈ અડધો ટકો સુધરી ૪૪૩ હતો. સરકારી ખાતર કંપની રાષ્ટ્રિય કેમિકલ્સ ઍન્ડ ફર્ટિલાઇઝર્સ (RCF) દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં સાડાચાર ટકા ઘટાડામાં ૫૦૬૩ કરોડની આવક ઉપર ૨૪.૮ ટકા વધારામાં ૧૩૧ કરોડ નેટ નફો દર્શાવાયો છે. શૅર ૦.૯ ટકા વધી ૧૦૯ બંધ થયો છે. ઑટો કમ્પોનન્ટ્સ કંપની ફીએમ ઇન્ડસ્ટ્રીઝે ૩૧ ટકાના વધારામાં ૯૩૭ કરોડની આવક ઉપર ૩૨ ટકા વધારામાં ૮૪ કરોડ નેટ પ્રૉફિટ કરતાં ભાવ ૧૬ ગણા કામકાજે ઉપરમાં ૨૧૪૦ થઈ સાડાનવ ટકા કે ૧૮૫ રૂપિયા ઊછળી ૨૧૩૦ થયો છે.
EMS લિમિટેડે ૨૩.૬ ટકા વધારામાં ૧૯૪ કરોડની આવક ઉપર ૫૧ ટકા વધારામાં ૨૩૪૦ લાખ ત્રિમાસિક નેટ નફો કર્યો છે. શૅર ઉપર ૩૩૧ થઈ પોણો ટકો ઘટી ૩૧૩ થયો છે. IFCI લિમીટેડે અઢી ટકા ઘટાડે ૭૩૪ કરોડની આવક ઉપર સવાચાર ટકા વધારામાં ૧૪૯ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર ઉપર ૬૪ નજીક જઈ ૧.૭ ટકા ઘટી ૬૨ હતો. TD પાવર સિસ્ટમ્સે ૮૬ ટકા વધારામાં ૮૪૧ કરોડ આવક ઉપર અગાઉના ૬૦ કરોડ સામે બમણો, ૧૨૪ કરોડ નજીકનો નેટ નફો કરતાં શૅર ૬૮૫ થઈ ૧.૯ ટકા વધી ૬૩૭ થયો છે. એસપી અપેરલ્સની આવક ૬ ટકા વધીને ૪૫૨ કરોડ તથા નફો પોણાછ ટકા વધી ૩૭ કરોડ આવ્યો છે. શૅર નીચામાં ૮૬૧ થઈ ૨.૨ ટકા ઘટી ૮૯૫ હતો. VIP ઇન્ડસ્ટ્રીઝની ત્રિમાસિક આવક સવાપંદર ટકા વધીને ૪૬૮ કરોડ થઈ છે. કંપનીની નેટ લૉસ ૧૪૩ કરોડથી ઘટી ૩૦ કરોડ રહી છે. શૅર ઉપર ૨૫૩ બતાવી ૩.૩ ટકા ઘટી ૨૩૮ બંધ થયો છે.
