ચાંદી ૩૦,૦૦૦ રૂપિયાથી વધુના પ્રીમિયમ પર ટ્રેડ થતી હોવાથી દિવાળી છતાં નવા ઑર્ડર સ્વીકારવાનું ઝવેરી બજારના ઘણા ઝવેરીઓએ બંધ કર્યું
પ્રતીકાત્મક તસવીર
સોનાના ભાવમાં વૈશ્વિક વધારો થવાથી દિવાળીના તહેવારોમાં ગ્રાહકો ચાંદીની જ્વેલરી ખરીદવા તરફ આકર્ષાયા હતા, પરંતુ મુંબઈમાં ચાંદીનો ભાવ બે લાખ રૂપિયા પ્રતિ કિલો તરફ જવાથી ઝવેરી બજારમાં ચાંદીની જ્વેલરી ખરીદતાં પણ લોકો હવે અચકાઈ રહ્યા છે. બીજી બાજુ ચાંદી અત્યારે ૩૦,૦૦૦ રૂપિયાથી વધુના પ્રીમિયમ પર ટ્રેડ થતી હોવાથી મુંબઈની ઝવેરી બજારમાં ઘણા ઝવેરીઓ સાવચેત બન્યા છે અને દિવાળી અને ધનતેરસ સહિતના તહેવારોના નવા ઑર્ડર સ્વીકારવાનું તેમણે બંધ કરી દીધું છે.
ગ્રાહકોમાં ખરીદીનો ઉન્માદ જોવા મળી રહ્યો છે, જેમાં સોશ્યલ મીડિયાનો બહુ મોટો રોલ રહ્યો છે. સોશ્યલ મીડિયા પર એવી આગાહી કરવામાં આવી હતી કે ચાંદીના ભાવ એક વર્ષના સમયગાળામાં પ્રતિ કિલો સાત લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે એમ જણાવતાં ઘાટકોપરમાં ૩૨ વર્ષથી ચાંદીના અને સોનાના સિક્કાના મૅન્યુફૅક્ચરર મિતેશ અંબાવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વખતની એકતરફી તેજીમાં ચાંદીના ભાવ પ્રતિકિલોએ ૮૫,૦૦૦-૮૭,૦૦૦ રૂપિયાથી ૧,૯૦,૦૦૦ રૂપિયા સુધી પહોંચ્યા છે. જોકે આ ભાવમાં પણ ચાંદી મળતી નથી. છેલ્લા બે મહિનાથી વિશ્વભરમાં લોકો ચાંદી ખરીદવા લાગ્યા છે, જેને લીધે ચાંદીની અછત સર્જાઈ છે. મુંબઈ અને આપણા દેશમાં તહેવારોના સમયમાં ચાંદીના અને સોનાના સિક્કાની ખૂબ જ ડિમાન્ડ હોય છે. આમાં સોશ્યલ મીડિયાને કારણે ચાંદીની રેગ્યુલર ઘરાકીમાં ખૂબ જ વધારો થયો છે. અમને મૅન્યુફૅક્ચરરોને પણ ચાંદીનો સ્ટૉક ફિઝિકલ જોઈતો હોય છે એ આજે મળતો નથી. આથી ઘરાકોનો વિશ્વાસ ટકાવી રાખવા માટે હવે અમે જ્યાં સુધી અમારી પાસે ફિઝિકલ ચાંદી ન આવે ત્યાં સુધી ચાંદીના સિક્કા કે અન્ય ઘરેણાં બનાવવાના ઑર્ડર લેતા નથી. ફિઝિકલ ચાંદી આવતી ન હોવાથી ચાંદીમાંથી બનતી આઇટમોની પણ અછત થઈ ગઈ છે. અછતને કારણે ચાંદીના વાયદા અને સોદામાં ૩૦,૦૦૦થી ૩૫,૦૦૦ રૂપિયા ઑન ચાલી રહ્યા છે. અત્યારે તો તહેવાર છે, પણ એક અભ્યાસ અને ધારણા પ્રમાણે તહેવારો પછી પણ ઇન્ડસ્ટ્રિયલ અને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે ચાંદીની ડિમાન્ડ વધશે. થોડાક ભાવ કદાચ ઘટે તો પણ અત્યારે ચાંદી ઊંચા સ્તરે રહેશે. અત્યારે રીટેલર, મૅન્યુફૅક્ચરર, બુલિયન કે હોલસેલર કોઈ પાસે ચાંદીનો ફિઝિકલ સ્ટૉક નથી. આમ છતાં આ સિનારિયોમાં પણ ગયા દિવાળીના તહેવારો કરતાં ૧૦, ૨૦, ૫૦ ગ્રામની ચાંદીની લગડીને બદલે ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ ગ્રામની ચાંદીની લગડીની ડિમાન્ડ વધારે છે.’
ADVERTISEMENT
સોનાના ભાવ ઊંચા, એટલે ચાંદી ડિમાન્ડમાં
મંગળવારે ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ અસોસિએશનના બંધ મુજબ ચાંદીનો પ્રતિ કિલો ભાવ ૧.૭૮ લાખ રૂપિયા હતો. હાલમાં ચાંદી પ્રીમિયમ ભાવે વેચાઈ રહી છે એમ જણાવતાં ૩૫ વર્ષથી ચાંદીની ઍન્ટિક જ્વેલરીનો બિઝનેસ કરતા મીના જ્વેલર્સના શ્રીપાળ નાહરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોનાના ભાવ ઊંચા રહેતા હોવાથી મિડલ ક્લાસ પરિવારો હંમેશાં ચાંદીની જ્વેલરી, ચાંદીની લગડી, ચાંદીના સિક્કામાં પણ બચત કરતા આવ્યા છે. હમણાં-હમણાં વૈશ્વિક કટોકટીને કારણે સોનાના ભાવમાં જબરો વધારો જોવા મળી રહ્યો છે. આથી ફક્ત મિડલ ક્લાસ જ નહીં પણ બહુ મોટો ગ્રાહક વર્ગ ચાંદીની જ્વેલરી ખરીદવા લાગ્યો હતો.’
સાત દિવસનો સ્ટૉક ત્રણ દિવસમાં ખતમ
સાતથી દસ દિવસ માટે તૈયાર કરાયેલો તહેવારોનો સ્ટૉક ફક્ત ત્રણ દિવસમાં જ વેચાઈ ગયો છે જે અછતની હદ દર્શાવે છે એમ જણાવતાં મલાડના એક ઝવેરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારની અછતમાં અમારે સ્ટૉક સંપૂર્ણપણે ખાલી ન થાય એ માટે પણ ચાંદીનો ફિઝિકલ સ્ટૉક રાખવો પડશે. અમે ત્યારે જ વેચી રહ્યા છીએ જ્યારે સમાન દરે ફરીથી સ્ટૉક કરી શકીએ.’
ફક્ત ભારતમાં નહીં, વૈશ્વિક અછત છે
શ્રી મુમ્બાદેવી દાગીના બજાર અસોસિએશનના સેક્રેટરી અને પુખરાજ જ્વેલર્સના માલિક અનિલ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈની પ્રખ્યાત ઝવેરી બજારમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો બે લાખને પાર કરી ગયો છે, જેનાથી ખરીદદારો અને વેપારીઓ બન્નેમાં ગભરાટ અને આશ્ચર્ય ફેલાયાં છે. એક અઠવાડિયા પહેલાં જ ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧.૬૨ લાખ રૂપિયા હતો, પરંતુ સતત વધતી ડિમાન્ડ અને ઘટતી સપ્લાયને કારણે ભાવમાં તીવ્ર વધારો થયો છે. ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ અસોસિએશનના જણાવ્યા અનુસાર ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેના વધતા જતા અંતરને કારણે ભાવમાં વધારો ચાલુ રહેવાની ધારણા છે. ચાંદીના હાજર અને ફ્યુચર્સ બજારભાવ વચ્ચે લગભગ આઠ ટકા તફાવત છે. આ સૂચવે છે કે ફિઝિકલ સપ્લાયની તીવ્ર અછત છે. આ કટોકટી ફક્ત ભારત પૂરતી મર્યાદિત નથી; ચીન, ઑસ્ટ્રેલિયા, દુબઈ, મલેશિયા અને ટર્કી જેવા દેશોમાં પણ ચાંદીની માગમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે; જેના કારણે વૈશ્વિક ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે. આ આંતરરાષ્ટ્રીય માગ સ્થાનિક અછત અને ભાવમાં વધારાને વધુ વેગ આપી રહી છે. આ સંજોગોમાં બુલિયન ડીલરો અને રીટેલરોએ ઑર્ડર લેવાનું કે બુકિંગ ફૉર્વર્ડ કરવાનું બંધ કરી દીધું છે.’
ચાંદીની સપ્લાય અને ડિમાન્ડ વચ્ચે અંતર વધ્યું
ઝવેરીઓ કહે છે કે ‘ચાંદીની સપ્લાય અને ડિમાન્ડ વચ્ચે અંતર વધી જવાથી તહેવારોના સમયમાં જ બિઝનેસમાં મંદી આવી ગઈ છે. ફક્ત મુંબઈમાં જ નહીં પણ વિશ્વસ્તરે ચાંદીનો મર્યાદિત સ્ટૉક હોવાથી પ્રીમિયમનો આંકડો નજીકના ભવિષ્યમાં વધી શકે છે. હવે દરેક વ્યક્તિ ચાંદીમાં રોકાણ કરીને એનો લાભ લેવા માગે છે, પરંતુ વ્યક્તિગત રીતે બધા રોકાણકારોને આ લોભમાં ન ફસાવા અને સમજદારીપૂર્વક રોકાણ કરવાની સલાહ છે.’

