બાંદરાથી જુહુ સુધીના કૉરિડોરમાં સ્થાનિક મુંબઈગરાએ મેટલના ઇન્સ્ટૉલેશન્સનો વિરોધ કરીને વૃક્ષો વાવવાનું સૂચન કર્યું હતું
પ્રતીકાત્મક તસવીર
બાંદરાથી જુહુ સુધીની મેટ્રો 2B નીચે બૉલીવુડ થીમ પર ઇન્સ્ટૉલેશન્સ (સ્થાપત્યો) મૂકવાના પ્રસ્તાવનો નાગરિકોએ ઘણો વિરોધ કર્યો હતો. આખરે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ ૩૦૦ કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ પડતો મૂક્યો છે.
મંગળવારે વિધાનસભ્ય આશિષ શેલાર અને MMRDAના અધિકારીઓ વચ્ચે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે એસ. વી. રોડ પર પહેલેથી જ મૂકી દેવામાં આવેલાં મેટલનાં ઇન્સ્ટૉલેશન ત્યાં જ રહેશે.
ADVERTISEMENT
બાંદરા, ખાર, સાંતાક્રુઝ અને જુહુ-વેસ્ટના રહેવાસીઓએ ૨૦૨૪ના ડિસેમ્બર મહિનામાં ઑનલાઇન સિગ્નેચર કૅમ્પેન શરૂ કર્યું હતું. સ્થાનિક લોકોએ મેટલ ઇન્સ્ટૉલેશનને બદલે મેટ્રો કૉરિડોરને સુંદર બનાવવા માટે વૃક્ષો વાવવાનો અને હરિયાળી વધારવાનો વિકલ્પ આપ્યો હતો. સ્થાનિક લોકોના વિરોધને ધ્યાનમાં રાખીને આખરે MMRDAએ આ કૉરિડોર પર નવાં મેટલ ઇન્સ્ટૉલેશન ઊભાં ન કરવાનો નિર્ણય લીધો છે.

