રેલવે કર્મચારીઓ જ પાર્સલ ઘરેથી લઈ જશે અને નિર્ધારિત સ્થળે પહોંચાડી આપશે
ગઈ કાલે લખનઉ ડિવિઝનના સોનિક ગુડ્સ શેડ ખાતે દેશની પ્રથમ ડોર-ટુ-ડોર લૉજિસ્ટિક્સ સર્વિસની શરૂઆત થઈ હતી.
વેપારીઓ અને સામાન્ય લોકોને હવે રેલવે દ્વારા પાર્સલ મોકલવા કે આવેલા પાર્સલને લેવા માટે ડોર-ટુ-ડોર સર્વિસ મળી રહેવાની છે. રેલવે તેમના ઘરેથી પાર્સલ કલેક્ટ કરવાથી લઈને પાર્સલને સુરક્ષિત રીતે પહોંચાડવા સુધીની સર્વિસ આપશે. કન્ટેનર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (CONCOR) આ સર્વિસનું સંચાલન કરશે અને સર્વિસના ચાર્જિસ પણ CONCOR નક્કી કરશે. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે મંગળવારે વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા લખનઉ ડિવિઝનના સોનિક ગુડ્સ શેડ ખાતે દેશની પ્રથમ ડોર-ટુ-ડોર લૉજિસ્ટિક્સ સર્વિસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટને અત્યારે બે વર્ષ માટે મંજૂરી આપવામાં આવી છે, જેને પછીથી લંબાવવામાં આવશે અને સર્વિસનો વિસ્તાર પણ કરવામાં આવશે.
ઉત્તરી રેલવે લખનઉ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મૅનેજર કુલદીપ તિવારીએ જણાવ્યું હતું કે ‘દેશની પ્રથમ ડોર-ટુ-ડોર લૉજિસ્ટિક્સ સર્વિસ રેલ સર્વિસિસને આધુનિક બનાવવા અને કસ્ટમર સર્વિસમાં સતત વધારો કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પગલાથી ભારતીય રેલવેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.’

