Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નીચલા મથાળેથી ૧૦૫૭ પૉઇન્ટ વધેલું બજાર છેવટે માંડ-માંડ ૫૦ પૉઇન્ટ પ્લસ

નીચલા મથાળેથી ૧૦૫૭ પૉઇન્ટ વધેલું બજાર છેવટે માંડ-માંડ ૫૦ પૉઇન્ટ પ્લસ

Published : 14 May, 2026 10:15 AM | IST | Mumbai
Anil Patel

મેટલ ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈ; સેઇલ-તાતા સ્ટીલ, હિન્દાલ્કો અને વેલસ્પન કૉર્પમાં નવાં શિખર : સિપ્લાનો નફો પંચાવન ટકા ગગડવા છતાં શૅર ૩ ટકા પ્લસ, ડૉ. રેડ્ડીઝ લૅબ નબળા રિઝલ્ટ વચ્ચે પ્લસમાં બંધ : એમટાર ટેક્નૉ. ચારગણા વૉલ્યુમે બેસ્ટ લેવલે જઈને ૪૯૮ રૂપિયા ઊછળ્યો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કી હાઇલાઇટ્સ

  1. TCSમાં પોણાછ વર્ષ તથા ઇન્ફોસિસમાં સાડાપાંચ વર્ષનાં નવાં બૉટમ બન્યાં
  2. ડૉલર સામે રૂપિયામાં નવી ઑલટાઇમ નીચી સપાટી
  3. ભારતી ઍરટેલ ૧૩ માસ તળિયે જઈને સુધર્યો

ઘરઆંગણે સરકારે સોના-ચાંદી સહિત પ્રેશ્યસ મેટલ્સની આયાત મોંઘી કરી દીધી છે. એનો મૂળ હેતુ ડૉલરની બચત કરવાનો કે પછી ડૉલર સામે ગગડતા રૂપિયાને સપોર્ટ આપવાનો છે. આનાથી ડૉલરની બચત કેટલી થશે એની ખબર નથી, પરંતુ રૂપિયાની હાલતમાં ખાસ ફરક પડવાનો નથી. બહુ નજીકમાં દિવાળી આસપાસ ૧૦૦ રૂપિયાનો ડૉલર જોવા મળશે એમ અમને લાગે છે. ડૉલર સામે ૯૫.૬૪ના આગલા બંધ સામે રૂપિયો બુધવારે વધી ૯૫.૫૧ થયા પછી ગગડી ૯૫.૮૧ બતાવી ૯૫.૭૦ આસપાસ ચાલતો હતો એ આનો પુરાવો છે.

છેલ્લા બે દિવસમાં કુલ ૨૭૬૯ પૉઇન્ટના ધબડકા અને માર્કેટકૅપમાં ૧૭.૬૬ લાખ કરોડના ધોવાણ પછી સેન્સેક્સ ગઈ કાલે ૧૨૦ પૉઇન્ટ નરમ, ૭૪૪૩૯ ખૂલી છેવટે ૫૦ પૉઇન્ટ જેવા સુધારામાં ૭૪૬૦૯ તથા નિફ્ટી ૩૩ પૉઇન્ટ વધી ૨૩૪૧૨ બંધ થયા છે. શૅરઆંક નીચામાં ૭૪૧૩૪ થઈ ઉપરમાં ૭૫૧૯૧ દેખાયો હતો. માર્કેટકૅપ બુધવારે પ્રોવિઝનલ ફીગર પ્રમાણે ૨.૫૨ લાખ કરોડ વધીને ૪૫૮.૫૫ લાખ કરોડ રહ્યું છે.



વિશ્વબજારમાં ક્રૂડ વધ્યા પછી અડધો ટકો ઘટીને ૧૦૭ ડૉલર ઉપર હતું. ઈરાન-અમેરિકા વચ્ચે ટકરાવનો માહોલ યથાવત્ છે. આમ છતાં એશિયન પેઇન્ટ્સ ગઈ કાલે દોઢગણા કામકાજે ઉપરમાં ૨૬૪૨ વટાવી ૪.૫ ટકા કે ૧૧૨ રૂપિયાના ઉછાળે ૨૬૧૮ બંધ આપી સેન્સેક્સ-નિફ્ટીમાં ઝળક્યો એ નવાઈ છે. કંપનીનાં પરિણામો ૨૯ મેએ છે. સિપ્લાએ પોણાત્રણ ટકાના ઘટાડામાં ૬૫૪૧ કરોડની આવક ઉપર પંચાવન ટકાના ગાબડામાં ૫૫૪ કરોડ નફો મેળવી શૅરદીઠ ૧૩નું ડિવિડન્ડ જાહેર કર્યું છે, પરંતુ સિપ્લાનો શૅર સાડાછ ગણા કામકાજે ઉપરમાં ૧૩૫૬ થઈ ૩ ટકા વધી ૧૩૩૦ થયો છે. અદાણી પોર્ટ્‍સ સરેરાશ કરતાં માંડ ૪ ટકાના વૉલ્યુમમાં ઉપરમાં ૧૭૫૧ થઈ ૨.૮ ટકા વધી ૧૭૩૬ રહ્યો છે. ભારત ઇલેક્ટ્રૉનિક્સનાં રિઝલ્ટ્સ ૧૯મીએ છે. શૅર ત્રણેક ટકા ઊંચકાઈને ૪૨૯ હતો. તાતા સ્ટીલ ૩.૬ ટકા, હિન્દાલ્કો ૩.૧ ટકા, ગ્રાસિમ સવા ટકો મજબૂત હતા. ભારતી ઍરટેલ પરિણામ પૂર્વે ૧૭૪૫ની ૧૩ માસની નીચી સપાટી નોંધાવી ઉપરમાં ૧૭૯૭ બતાવી પોણાબે ટકા વધી ૧૭૮૮ રહ્યો છે. લાર્સન દોઢ ટકા અપ હતો.


પાવરગ્રીડ દોઢ ટકા ઘટ્યો હતો. મહિન્દ્ર ટૉપ લૂઝર બન્યો છે. TCS ૨૨૭૦ની પોણાછ વર્ષની નવી બૉટમ દેખાડી સવા ટકો ઘટી ૨૨૭૨ થયો છે. ઇન્ફી ૧૩૨૧ની સાડાપાંચ વર્ષની નવી સપાટી બનાવી દોઢ ટકો ઘટી ૧૧૨૩ના બંધમાં બજારને ૫૧ પૉઇન્ટ નડ્યો છે. મહિન્દ્ર ૨.૧ ટકા, સનફાર્મા ૧.૨ ટકા, ટેક મહિન્દ્રા ૧.૧ ટકા, આઇશર ૨.૧ ટકા, તાતા કન્ઝ્યુ. દોઢ ટકા, બજાજ ઑટો એકાદ ટકો ડાઉન હતા. રિલાયન્સ નીચામાં ૧૩૫૨ થઈ સાધારણ ઘટી ૧૩૫૯ રહ્યો છે. TVS મોટર્સે આવકમાં ૩૦ ટકા વધારા સાથે ૧૯ ટકાના વધારામાં ૭૭૧ કરોડ નેટ નફો કરી શૅરદીઠ ૧૩નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ઉપરમાં ૩૬૪૫ થઈ પોણો ટકો ઘટી ૩૫૨૪ હતો. હિન્દુ. પેટ્રોલિયમે ૭૭ ટકા વધારામાં ૬૦૬૫ કરોડ નેટ નફો મેળવીને શૅરદીઠ ૧૯.૨૫નું ડિવિડન્ડ જાહેર કરતાં ભાવ ૫.૬ ટકાના જમ્પમાં ૩૯૦ બંધ આવ્યો છે.

ગોપાલ સ્નૅક્સ ખોટમાંથી નફામાં આવી, શૅર ખરડાયો


ફાર્મા જાયન્ટ ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝે માર્ચ ક્વૉર્ટરમાં ૧૧.૬ ટકા ઘટાડામાં ૭૫૧૬ કરોડની આવક ઉપર ૮૬.૨ ટકાની ખરાબીમાં ૨૨૦ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. ગોલ્ડમૅન સાક્સ તરફથી ૧૦૫૦ના ટાર્ગેટ પ્રાઇસથી બેરિશ-વ્યુ જાહેર થયો છે. શૅર NSE ખાતે નીચામાં ૧૨૨૦ થઈ સાધારણ સુધરીને ૧૨૭૩ બંધ રહ્યો છે. મલ્ટિનૅશનલ ફાર્મા કંપની ફાઇઝરની ત્રિમાસિક આવક સવાછ ટકા વધી ૬૨૯ કરોડને વટાવી ગઈ છે, ચોખ્ખો નફો ૩૯.૬ ટકા ગગડી ૨૦૦ કરોડ નજીક રહ્યો છે. શૅરદીઠ ૭૫નું ડિવિડન્ડ જાહેર થયું છે. ભાવ ઉપરમાં ૪૭૪૧ થઈ અઢી ટકા ઘટી ૪૬૦૬ હતો.

બર્ગર પેઇન્ટ્સની આવક ૬ ટકા વધીને ૨૮૬૮ કરોડ થઈ છે. નફો ૨૭.૮ ટકા વધી ૩૩૫ કરોડ નજીક પહોંચ્યો છે. શૅર ૧૭ ગણા વૉલ્યુમ સાથે ઉપરમાં ૫૩૩ નજીક જઈ પાંચેક ટકા વધી ૫૧૨ હતો. થોમસ કુકની માર્ચ ક્વૉર્ટરની આવક ૧૦ ટકા ઘટી ૧૭૭૧ કરોડ થઈ છે, પરંતુ નફો ૪૦ ટકા ગગડી ૩૮૭૦ લાખ નોંધાયો છે. શૅર ગઈ કાલે ત્રણગણા કામકાજમાં નીચામાં ૮૮ થઈ સવાત્રણ ટકા વધી ૯૬ થયો છે.

ગોપાલ સ્નૅક્સની આવક ૨૯ ટકા વધી ૪૦૯ કરોડ થતાં કંપની ૩૯ કરોડની નેટ લૉસમાંથી ૩૦ કરોડ નજીકના નેટ નફામાં આવી છે. ભાવ ૩૩૦ નજીક જઈ સવાછ ટકાના ગાબડામાં ૨૯૬ થયો છે. કોહાન્સ લાઇફ સાયન્સની આવક ૨૬.૩ ટકા ઘટી ૬૧૯ કરોડ તથા નેટ નફો ૮૩.૮ ટકા ગગડી ૧૯૬૦ લાખ આવ્યો છે. શૅર નીચામાં ૪૪૩ બતાવી ૫.૯ ટકા ઘટી ૪૫૭ રહ્યો છે.

માથે પરિણામ વચ્ચે તાતા સ્ટીલ અને સેઇલ બેસ્ટ લેવલે

ડિફેન્સ કંપની એમટાર ટેક્નૉલૉજીઝે માર્ચે ક્વૉર્ટરમાં ૬૭.૨ ટકા વધારામાં ૩૦૬ કરોડ આવક ઉપર ૨૨૩ ટકા જેવા વધારામાં ૪૪૩૦ લાખ ચોખ્ખો નફો મેળવ્યો છે. શૅર ૬૯૬૫ના શિખરે ગયા બાદ ૮ ટકા ઊછળીને ૬૭૪૯ બંધ આવ્યો છે. ટેક્સમાકો રેલની આવક સવાતેર ટકા ઘટી ૧૧૬૭ કરોડ થઈ છે, પણ નેટ નફો ૪૫ ટકાના વધારામાં ૫૭૭૦ લાખ નોંધાયો છે. શૅર બાવીસગણા કામકાજે ઉપરમાં ૧૨૫ બતાવી ૧૩.૯ ટકાની તેજીમાં ૧૨૦ બંધ હતો. સરકારી સ્ટીલ કંપની સેઇલનાં પરિણામો ૧૫ મેએ છે. શૅર ગઈ કાલે ૨૦૨ની ઑક્ટોબર ૨૦૧૦ પછીની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી ૧૪.૫ ટકા ઊંચકાઈ ૨૦૧ બંધ થયો છે. શૅર વર્ષ પૂર્વે ૧૧૩ હતો. તાતા સ્ટીલ પણ ૧૫મીએ રિઝલ્ટ આપવાની છે. ભાવ ત્રણગણા કામકાજે ૨૨૧ની નવી ટૉપ બનાવી ૩.૬ ટકા વધી ૨૨૦ થયો છે. નવી ટૉપમાં મેટલ ઇન્ડેક્સ ગઈ કાલે ૧૨માંથી ૧૧ શૅરના સથવારે ૩.૩ ટકા વધ્યો હતો. નિફ્ટી મેટલ ૧૫માંથી ૧૪ શૅરના વધારામાં ૩.૨ ટકા મજબૂત થયો છે. પ્રેશ્યસ મેટલ્સ અર્થાત્ સોના-ચાંદી ઇત્યાદિ પરની ડ્યુટી વધવાની આડઅસરમાં હિન્દુસ્તાન ઝિન્ક બમણા કામકાજે ઉપરમાં ૬૭૭ થઈ ૪ ટકા વધી ૬૬૮ રહ્યો છે. હિન્દાલ્કો ૧૦૮૨ની ટૉપ બનાવી ૩.૧ ટકા વધી ૧૦૭૪,  નાલ્કો ૩.૭ ટકા વધી ૪૦૮, વેદાન્તા ૩૨૫ની ટોચે જઈ ૬ ટકા વધી ૩૨૩ બંધ રહી છે. વિશ્વબજાર કૉપર નવા બેસ્ટ લેવલે ગયું છે. હિન્દુસ્તાન કૉપર ૫.૬ ટકા ઊછળી ૫૯૫ થઈ છે. અન્ય મેટલ શૅરમાં લૉઇડ્સ મેટલ્સ ૨.૩ ટકા, જિંદલ સ્ટીલ અઢી ટકા, JSW સ્ટીલ ૧.૮ ટકા, NMDC સવાપાંચ ટકા, અદાણી એન્ટર. ૪ ટકા, વેલકૉર્પ ૧૩૬૦ની ટોચે જઈ અઢી ટકા વધી ૧૩૫૩ બંધ રહી છે. 

જ્વેલરી શૅર વધુ ઝંખવાયા, કલ્યાણ જ્વેલર્સ બે વર્ષના તળિયે

ડૉલર બચાવોની નવી ઝુંબેશના ભાગરૂપે સરકારે સોના-ચાંદી, પ્લૅટિનમ સહિતની પ્રેશ્યસ મેટલ્સ પરની આયાત-જકાતનો કુલ બોજ ૬ ટકાથી વધારીને ૧૫ ટકા કરી દીધો છે. એની અસરમાં ઘરઆંગણે સોના-ચાંદીના ભાવ વધી ગયા છે. MCX સોનું પોણાછ ટકા તથા ચાંદી છ ટકા નજીક ઉપર ગયાં છે. જેમ્સ જ્વેલરી શૅર જે સોનું વર્ષ સુધી નહીં ખરીદવાની વડા પ્રધાનની અપીલ પછી છેલ્લા બે દિવસથી સારોએવો માર ખાઈ રહ્યા હતા એ વધુ ઝંખવાયા છે. થંગમયિલ જ્વેલરી નીચામાં ૩૪૨૯ થઈ નજીવી સુધરીને ૩૬૮૦ થઈ છે. સ્કાર ગોલ્ડ ૪૨૨ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૭.૨ ટકા તૂટ્યો ૪૪૧ હતો. PNGS રેવા ડાયમન્ડ નીચો ૩૬૦ થઈ ૪ ટકા ગગડી ૩૮૦, કલ્યાણ જ્વેલર્સ નીચામાં ૩૪૦ની બે વર્ષ બૉટમ બતાવી ૧.૯ ટકા ઘટી ૩૫૫, શૃંગાર હાઉસ ઑફ મંગલસૂત્ર નીચામાં ૨૦૧ થઈ અઢી ટકા ઘટીને ૨૦૫, RBZ જ્વેલર્સ ૧૨૫ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ અઢી ટકા ઘટી ૧૩૧, AJC જ્વેલ બે ટકા ઘટીને ૯૬, પેટીએમ જ્વેલરી સવાઆઠ ટકા તૂટી ૨૪૦, TBZ નજીવા ઘટાડે ૧૩૪, સેન્કો ગોલ્ડ ૨૯૯ થઈ ૩.૮ ટકા વધી ૩૨૪ બંધ રહી છે.

ડિફેન્સ ઇન્ડેક્સ ૧૯માંથી ૧૬ શૅરની હૂંફમાં ૨.૧ ટકા બાઉન્સ થયો છે. એમટાર ટેક્નૉ. નવી ટૉપ સાથે ૪૯૮ રૂપિયાની તેજીમાં મોખરે હતો. રસેલ ટૅક્સિસ ૫.૬ ટકા, મિશ્ર ધાતુ નિગમ પોણાસાત ટકા, આઇડિયા ફોર્જ ૫.૩ ટકા, એક્વિસ લિમિટેડ ૬.૪ ટકા, સિકા ઇન્ટરપ્લાન્ટ ૩ ટકા, અપોલો માઇક્રો સિસ્ટમ્સ ૩ ટકા, શ્રી રેફ્રિજરેશન પોણાચાર ટકા, DCX ઇન્ડિયા સવાત્રણ ટકા, ડેટા પૅટર્ન્સ સવાત્રણ ટકા, ભારત અર્થમૂવર્સ ૩.૧ ટકા, હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ સવા ટકો મજબૂત બની છે. 

નફામાં ૭૦ ટકાના ગાબડા પાછળ ટૉરન્ટ પાવર નવ ટકા કટ

ટૉરન્ટ પાવર તરફથી નજીવા ઘટાડામાં ૬૪૦૬ કરોડની ફ્લૅટ રેવન્યુ ઉપર ૭૦ ટકાના ગાબડામાં ૩૧૮ કરોડનો ત્રિમાસિક નફો દર્શાવાતાં શૅર ગઈ કાલે નીચામાં ૧૪૫૧ થઈ નવેક ટકા તૂટી ૧૪૫૫ બંધ હતો. તાતા પાવરની ત્રિમાસિક આવક ૧૩ ટકા ઘટી ૧૪,૯૦૦ કરોડ થઈ છે. નેટ નફો ૪ ટકા ઘટી ૯૯૬ કરોડ આવ્યો છે. શૅર ત્રણગણા કામકાજમાં નીચામાં ૩૯૧ થઈ ૩ ટકા ઘટી ૪૦૬ રહ્યો છે. આર. ઝેડ ગ્રુપની નજારા ટેક્નૉલૉજીઝે ૨૩.૫ ટકાની પીછેહઠમાં ૩૯૮ કરોડની આવક મેળવી છે પરંતુ નેટ પ્રૉફિટ ત્રણેકગણો, ૪૭ કરોડ નોંધાયો છે. શૅર નીચામાં ૨૫૯ થઈ અડધો ટકો સુધરી ૨૬૫ હતો.

કલ્પતરુ લિમિટેડની આવક ૧૮૪ ટકા વધારામાં ૧૬૯૪ કરોડ નજીક પહોંચી છે. નેટ પ્રૉફિટ ૧૪ગણા વધારામાં ૧૪ કરોડ સામે ૨૦૦ કરોડને વટાવી ગયો છે. ભાવ ઉપરમાં ૪૦૯ થયા બાદ પોણાઆઠ ટકા ગગડી ૩૫૦ રહ્યો છે. સિજિલિટી લિમિટેડે ૨૯ ટકા વધારામાં ૨૦૨૪ કરોડ આવક ઉપર ૪૧.૨ ટકા વૃદ્ધિદરમાં ૨૫૮ કરોડ નજીકનો ચોખ્ખો નફો હાંસલ કર્યો છે. ભાવ સાધારણ સુધારે ૪૩ હતો.

ન્યુલૅન્ડ લૅબની આવક ૧૩૬ ટકા વધી ૭૭૬ કરોડ થઈ છે. નેટ પ્રૉફિટ આઠગણો ૨૭૭૦ લાખથી ઊછળી ૨૧,૨૭૦ લાખ થયો છે. શૅર ચારગણા કામકાજમાં ઉપરમાં ૧૮,૩૮૦ થઈ બે ટકા કે ૩૫૦ રૂપિયા ગગડી ૧૬,૬૫૦ હતો. ડિક્સન ટેક્નૉલૉજીઝે ૧૭ ક્વૉર્ટર બાદ પ્રથમ વાર ૩૬ ટકાના નેગેટિવ ગ્રોથમાં ૨૫૬ કરોડ નેટ નફો કર્યો છે. આવક બે ટકા વધી ૧૦,૫૧૦ કરોડ થઈ છે. શૅર ઉપરમાં ૧૧,૨૩૦ થઈ પોણાદસ ટકા કે ૯૮૬ રૂપિયા ઊછળીને ૧૧,૨૨૫ બંધ આવ્યો છે.
 

Whatsapp-channel Whatsapp-channel

14 May, 2026 10:15 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK