દેશભરમાંથી મળેલી ૩૦૦૦થી વધુ એન્ટ્રીમાંથી પુણેના વિદ્યાર્થીની ડિઝાઇન પસંદ કરવામાં આવી
કુંભમેળાના લોગોના અનાવરણ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે તથા સુનેત્રા પવાર સહિત અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા ૨૦૨૭માં યોજાનારા નાશિક-યંબકેશ્વર સિંહસ્થ કુંભમેળા માટેના સત્તાવાર લોગોનું ગઈ કાલે અનાવરણ કરવામાં આવ્યું હતું. મુંબઈના સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને સુનેત્રા પવારે આ લોગો લૉન્ચ કર્યો હતો.
આ લોગોની પસંદગી એક સ્પર્ધા દ્વારા કરવામાં આવી હતી જેનું આયોજન કુંભમેળા ઑથોરિટી, માય ગવર્નમેન્ટ (MyGov) અને અસોસિએશન ઑફ ડિઝાઇનર્સ ઑફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. ૨૦૨૫ની ૨૦ નવેમ્બરથી ૨૦ ડિસેમ્બર દરમ્યાન ચાલેલી આ સ્પર્ધામાં કુલ ૩૦૬૭ એન્ટ્રી મળી હતી. એમાં ૭૦ એન્ટ્રી આંતરરાષ્ટ્રીય સ્તરેથી આવી હતી. પ્રખ્યાત ગીતકાર અને ડિઝાઇન-નિષ્ણાત પ્રસૂન જોશી સહિતના નિષ્ણાતોની પૅનલે વિજેતા ડિઝાઇનની પસંદગી કરી હતી જેમાં પુણેના વિદ્યાર્થી સુમિત કાટેની ડિઝાઇન પસંદ કરવામાં આવી હતી. તેને ઇનામ તરીકે ૩ લાખ રૂપિયા અને સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
શું છે લોગોની વિશેષતા?
આ લોગોમાં નાશિક અને યંબકેશ્વરના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને સુંદર રીતે વણી લેવામાં આવ્યો છે. એમાં ભગવાન શિવનું ત્રિશૂળ, પવિત્ર યંબકેશ્વર મંદિર, નાશિકના કાળારામ મંદિરની કમાન અને પવિત્ર ગોદાવરી નદીનાં પ્રતીકોનો સમાવેશ થાય છે.
