સેન્સેક્સ ૧૩૯૭ પૉઇન્ટ અને નિફ્ટી ૩૭૮ પૉઇન્ટ ઝૂમ્યા : FMCG સિવાય તમામ સેક્ટોરલ મજબૂત, માર્કેટકૅપમાં છ લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિ : અદાણીના તમામ ૧૧ શૅર વધ્યા, બૅન્કિંગના ૪૧માંથી ૩૭ શૅર પ્લસ
માર્કેટ મૂડ
બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સેન્સેક્સ ૧૩૯૭ પૉઇન્ટ અને નિફ્ટી ૩૭૮ પૉઇન્ટ ઝૂમ્યા : FMCG સિવાય તમામ સેક્ટોરલ મજબૂત, માર્કેટકૅપમાં છ લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિ : અદાણીના તમામ ૧૧ શૅર વધ્યા, બૅન્કિંગના ૪૧માંથી ૩૭ શૅર પ્લસ : રિઝલ્ટ પાછળ ભારત બીજલીમાં ૧૯ ટકા કે ૫૪૩ની તેજી થઈ : નફામાંથી તગડી ખોટમાં સરી પડેલી મોબિક્વિક માત્ર પોણો ટકો નરમ : પાલનપુરી ચામુંડા ઇલેક્ટ્રિકલ્સનો SME ઇશ્યુ પ્રથમ દિવસે ૧૫.૫ ગણો છલકાયો : કેન એન્ટરપ્રાઇઝિસ અને એમ્વીલ હેલ્થકૅર આજે મૂડીબજારમાં
ટ્રમ્પને ટૅરિફ-વૉરના ઉધામાનો એ જ ભાષામાં વળતો જવાબ મળતો શરૂ થઈ ગયો છે. અમેરિકા તરફથી જકાતવૃદ્ધિ જાહેર થતાં મેકિસકોએ પણ ટૅરિફ વધારી પ્રત્યુત્તર પાઠવ્યો છે. કૅનેડાનાં પાંચેક રાજ્યોએ અમેરિકન પ્રોડક્ટ્સનો બૉયકૉટ જાહેર કર્યો છે, તેના ઓન્ટારિઓ પ્રાંતે ઇલૉન મસ્કની સ્ટારલિન્કની ખરીદી રદ કરી છે. આથી ડઘાઈ ગયેલા ટ્રમ્પને કૅનેડા-મેકિસકો સામે જાહેર કરેલા ટૅરિફ-વૉરને એક મહિનો થંભાવી દેવાની જાહેરાત કરવાની ફરજ પડી છે. હકીકતમાં આ એક પ્રકારનું ફેસ સેવિંગ છે. બીજી બાજુ ચાઇનાએ વળતો પ્રહાર કરતાં કેટલીક અમેરિકન પ્રોડક્ટ્સની આયાત પર ૧૦થી ૧૫ ટકા ડ્યુટી નાખી દીધી છે, ગૂગલ સામે ઇજારાશાહી સંબંધિત તપાસ આદરી છે અને ટંગસ્ટન, ટેલેરિયમ, મોલીડેનમ, બિસ્મૂથ, ઇન્ડિયન જેવી કેટલીક વ્યુહાત્મક ધાતુઓ કે મિનરલ્સની નિકાસ પર અંકુશ લગાવી દીધો છે. વ્યુહાત્મક મહત્ત્વ ધરાવતી આ ધાતુઓ રેર અર્થ તરીકે ઓળખાય છે. એનાં ઉત્પાદન અને સપ્લાય પર વિશ્વબજારમાં ચાઇનાનો કન્ટ્રોલ છે. જેમ કે ટંગસ્ટન જે મિસાઇલ્સ બનાવવામાં ડિફેન્સ ક્ષેત્રે ખાસ જરૂરી છે એનું ૮૦ ટકા ઉત્પાદન ચીન કરે છે. ચાઇનાનું એક્સપોર્ટ્સ અંકુશનું પગલું અમેરિકાને ઘણું કઠવાનું છે. લાગે છે કે ટ્રમ્પ સામે બાપ કા, દાદા કા, ભાઈ કા, સબ કા બદલા ચાઇના વહેલું-મોડું લઈને જ છોડશે.
ADVERTISEMENT
ટ્રમ્પના ટૅરિફ-વૉરની વળતા હુમલાના કારણે હવા નીકળી ગઈ હોવાની લાગણીમાં શૅરબજારો પોરસાયાં છે. ગઈ કાલે એશિયા ખાતે હૉન્ગકૉન્ગ પોણાત્રણ ટકા, સાઉથ કોરિયા સવા ટકો, જપાન અને થાઇલૅન્ડ પોણો ટકો, તાઇવાન અને ઇન્ડોનેશિયા અડધો ટકો, ન્યુ ઝીલૅન્ડ તેમ જ મલેશિયા પોણો ટકો અપ હતા. ચાઇના હજી રજામાં છે. યુરોપ રનિંગમાં નેગેટિવ બાયસ સાથે ફ્લૅટ હતું. બિટકૉઇન ત્રણેક ટકાના ઘટાડે ૯૮,૫૦૬ ડૉલર ચાલતો હતો.
ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૫૦૦ પૉઇન્ટ પ્લસમાં, ૭૭,૬૮૭ ખૂલી ૧૩૯૭ પૉઇન્ટના ઉછાળે ૭૮,૫૮૪ તથા નિફ્ટી ૩૭૮ પૉઇન્ટના જમ્પમાં ૨૩,૭૩૯ બંધ થયો છે. આરંભથી અંત સુધી મજબૂત રહેલા બજારમાં શૅરઆંક નીચામાં ૭૭,૪૦૨ તથા ઉપરમાં ૭૮,૬૫૮ દેખાયો હતો. FMCGની સામાન્ય પીછેહઠ બાદ કરતાં બજારના તમામ ઇન્ડાઇસિસ વધ્યા છે. સેન્સેક્સ નિફ્ટીની પોણાબે ટકાની મજબૂતી સામે કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સાડાત્રણ ટકા નજીક કે ૨૦૪૯ પૉઇન્ટ, પાવર યુટિલિટીઝ એનર્જી તથા ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ બેથી અઢી ટકા, મેટલ તથા હેલ્થકૅર દોઢ ટકાથી વધુ, ફાઇનૅન્સ ઇન્ડેક્સ બે ટકા, બૅન્ક નિફ્ટી બે ટકા નજીક કે ૯૪૭ પૉઇન્ટ, પીએસયુ બૅન્ક નિફટી અઢી ટકા નજીક, પીએસયુ બેન્ચમાર્ક ૨.૪ ટકા ઊંચકાયો હતો. સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૯૫૧ શૅર સામે ૮૬૩ જાતો નરમ હતી. બજારનું માર્કેટકૅપ ૫.૯૯ લાખ કરોડ રૂપિયા વધી ૪૨૫.૫૧ લાખ કરોડને વટાવી ગયું છે.
નફો ૪૩ કરોડ ઘટતાં થૉમસ કુકનું માર્કેટકૅપ ૯૭૮ કરોડ સાફ થયું
સ્વિગીનાં પરિણામ આજે છે. નેટલૉસ વધવાની ધારણામાં શૅર ૫.૪ ટકા ગગડી ૪૩૪ અંદર ઊતરી ગયો છે. વૉલ્યુમ સવાયું હતું. ભારતી ઍરટેલનાં પરિણામ ગુરુવારે આવશે. શૅર અડધા ટકાની આગેકૂચમાં ૧૬૬૧ હતો. બૉમ્બે ડાઇંગ પ્રોત્સાહક રિઝલ્ટ પાછળ ૧૬૫ નજીક જઈ અઢી ટકા વધી ૧૫૯ થયો છે. થોડાક દિવસ પૂર્વે લિસ્ટેડ થયેલી મોબિક્વિકની ત્રિમાસિક નેટલૉસ પંચાવન કરોડ વટાવી ગઈ છે. અગાઉના વર્ષે સવાપાંચ કરોડનો નેટ નફો કંપની એ કર્યો હતો. શૅર નીચામાં ૩૮૫ થયા બાદ માત્ર પોણા ટકાની નરમાઈમાં ૪૦૩ બંધ થયો છે એ નવાઈ કહેવાય. ગાર્ડન રિચનો નફો ૮૮ કરોડથી વધી ૯૮ કરોડ થયો છે. ભાવ ઉપરમાં ૧૫૮૯ થઈ પોણો ટકો સુધરી ૧૫૨૧ હતો. માઝગાવ ડૉકનાં પરિણામ ૭મીએ છે. ભાવ પોણાબે ટકા ઘટી ૨૧૯૫ રહ્યો છે.
ભારત બીજલી પરિણામની અસરમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૩૪૪૩ વટાવી આઠ ગણા કામકાજમાં ૧૯ ટકા કે ૫૪૩ રૂપિયાની છલાંગ લગાવી ૩૪૧૨ થઈ ‘એ’ ગ્રુપ ખાતે ઝળકી છે. કલ્યાણ જ્વેલર્સ સવાબાર ટકા ઊછળીને ૫૬૬ નજીક સરકી છે. એજીસ લૉજિસ્ટિક્સ ૧૨ ટકા, ટેક્નૉ ઇલેક્ટ્રિક સવાઅગિયાર ટકા અને નુવામા વેલ્થ ૧૧ ટકા કે ૫૬૮ રૂપિયા ઊંચકાયા હતા.
થૉમસ કુકનો ત્રિમાસિક નફો અગાઉના ૯૦ કરોડથી ૪૮ ટકા ઘટી ૪૭ કરોડ નોંધાયો છે જેમાં શૅર સાડાછ ગણા કામકાજે નીચામાં ૧૪૧ થઈ પોણાતેર ટકા તૂટીને ૧૪૩ની અંદર બંધ થયો છે. મઝાની વાત એ છે કે ત્રિમાસિક નફામાં આશરે ૪૩ કરોડ રૂપિયાનો ઘટાડો કંપનીને બહુ ભારે પડ્યો છે એનું માર્કેટકૅપ ૯૭૮ કરોડ રૂપિયા ગગડી ગઈ કાલે ૬૭૧૭ કરોડ રહ્યું છે. એકના શૅરની બુકવૅલ્યુ ૪૬ રૂપિયા નજીકની છે. છેલ્લે બોનસ મે ૨૦૦૦માં આવ્યું હતું. ફેરફેક્સ ગ્રુપ પ્રમોટર તરીકે ૬૩.૮ ટકા હોલ્ડિંગ ધરાવે છે.
અગરવાલ હેલ્થકૅર અને માલપાણીનાં નબળાં લિસ્ટિંગ
અગરવાલ હેલ્થકૅર એકના શૅરદીઠ ૪૦૨ની ઇશ્યુ પ્રાઇસ સામે ડિસ્કાઉન્ટમાં ૩૯૭ ખૂલી નીચામાં ૩૭૦ અને ઉપરમાં ૪૧૩ નજીક જઈ ૪૦૧ ઉપર બંધ થતાં અત્રે નજીવી લિસ્ટિંગ લૉસ મળી છે. SME સેગમેન્ટમાં માલપાણી પાઇપ્સ શૅરદીઠ ૯૦ની ઇશ્યુ પ્રાઇસ અને બેના પ્રીમિયમ સામે બિલો-પાર, ૮૬ ખૂલી નીચામાં ૮૧ અને ઉપરમાં ૯૦ બતાવી ૮૪ બંધ રહેતાં એમાં સવાછ ટકાથી વધુની લિસ્ટિંગ લૉસ ગઈ છે. ગુજરાતના પાલનપુર ખાતેની ચામુંડા ઇલેક્ટ્રિકલ્સનો ૧૦ના શૅરદીઠ ૫૦ના ભાવનો ૧૪૬૦ લાખ રૂપિયાનો SME ઇશ્યુ પ્રથમ દિવસે સાડાપંદર ગણો છલકાયો છે. પ્રીમિયમ ૧૧ રૂપિયાએ ટકેલું છે. કેન એન્ટરપ્રાઇઝિસ શૅરદીઠ ૯૪ના ભાવે તથા એમ્વીલ હેલ્થકૅર ૧૧૧ના ભાવે આજે SME IPO કરવાની છે. એમ્વીલમાં ગ્રે માર્કેટ ખાતે ૧૩ પ્રીમિયમ બોલાય છે.
૭મીએ રિઝર્વ બૅન્કની પૉલિસી મીટિંગ છે. એમાં રેપો-રેટ ઘટવાની હવા જોરશોરથી ચાલુ થઈ ગઈ છે. ગઈ કાલે બૅન્કિંગના ૪૧માંથી માત્ર ૪ શૅર માઇનસ હતા. ધનલક્ષ્મી બૅન્ક પોણાત્રણ ટકા તો એયુ બૅન્ક પોણાબે ટકા નરમ હતી. બારેબાર સરકારી બૅન્કો વધી છે. ઇક્વિટાસ બૅન્ક સર્વાધિક સવાપાંચ ટકા મજબૂત હતી. જનાસ્મૉલ બૅન્ક, યુનિયન બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, ઇન્ડ્સઇન્ડ બૅન્ક સાડાત્રણથી સાડાચાર ટકા ઊચકાઈ છે. ફાઇનૅન્સ શૅરો પણ લાઇમલાઇટમાં હતા. સંબંધિત ઇન્ડેક્સ ૧૫૧માંથી ૧૨૪ શૅરના સથવારે બે ટકા પ્લસ હતો. પીએસયુ ઇન્ડેક્સ ૬૩માંથી ૫૮ શૅરના સુધારામાં અઢી ટકા નજીક બાઉન્સબૅક થયો છે. સ્મૉલકૅપ તથા મિડકૅપ માર્કેટ અન્ડરપર્ફોર્મર હતું.
HDFC, રિલાયન્સ, લાર્સન અને ICICIનું પ્રદાન ૭૬૪ પૉઇન્ટનું
લાર્સન આગલા દિવસના ધબડકાને સરભર કરતાં સવાચાર ટકા કે ૧૪૧ની તેજીમાં ૩૪૨૮ બંધ આપી સેન્સેક્સ ખાતે બેસ્ટ ગેઇનર બન્યો છે. નિફટી ખાતે શ્રીરામ ફાઇનૅન્સ સાડાપાંચ ટકા ઊછળી ૫૭૭ બંધ આપી ટૉપ ગેઇનર હતો. HDFC બૅન્ક અઢી ટકાના જમ્પમાં બજારને સર્વાધિક ૨૭૪ પૉઇન્ટ ફળી છે. રિલાયન્સ સવાત્રણ ટકાના જોરમાં ૧૨૮૬ થતાં માર્કેટને ૨૩૮ પૉઇન્ટ મળી ગયા હતા. લાર્સનનું પ્રદાન સેન્સેક્સમાં ૧૫૭ પૉઇન્ટ હતું. ઇન્ફોસિસ પોણાબે ગણા કામકાજે બે ટકા નજીક વધી ૧૮૯૯ના બંધમાં ૧૧૦ પૉઇન્ટ અને ICICI બૅન્ક સવા ટકો વધી ૯૫ પૉઇન્ટ ફળ્યો છે. અન્યમાં અલ્ટ્રાટેક, તાતા મોટર્સ, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, અદાણી પોર્ટ્સ, ભારત ઇલેક્ટ્રિક ત્રણથી પોણાચાર ટકા મજબૂત હતા. સિપ્લા, ONGC, કોટક બૅન્ક, HCL ટેક્નૉ, સ્ટેટ બૅન્ક, NTPC, ભારત પેટ્રો, ઍક્સિસ બૅન્ક, એશિયન પેઇન્ટ્સ બેથી પોણાત્રણ ટકા વધ્યા હતા.
આઇટીસી માથે રિઝલ્ટ વચ્ચે સામાન્ય સુધારે ૪૫૫ હતો પણ તેની આઇટીસી હોટેલ્સ સવાચાર ટકા ગગડી ૧૬૫ નીચેના બંધમાં સેન્સેક્સમાં ટૉપ લૂઝર બની છે. નિફ્ટી ખાતે ટ્રેન્ટ ૩૮૫ રૂપિયા કે સવાછ ટકા તૂટ્યો હતો. અન્યમાં બ્રિટાનિયા દોઢ ટકા, હીરો મોટોકૉર્પ ૧.૨ ટકા, ઝોમાટો દોઢ ટકા, નેસ્લે તથા આઇશર પોણા ટકા જેવા નરમ હતા. બજાજ ફાઇનૅન્સ ૮૪૯૨ના નવા શિખરે જઈ નજીવા સુધારે ૮૪૩૬ હતો. બજાજ ફીનસર્વ એક ટકાથી વધુ સુધરી હતી.
રિલાયન્સની જિયો ફાઇનૅન્શિયલ પોણાપાંચ ટકા જેવા ઉછાળે ૨૪૫ વટાવી ગઈ છે. અદાણી ગ્રુપમાં અદાણી એન્ટરપ્રાઇઝ પોણાબે ટકા, અદાણી પોર્ટ્સ પોણાચાર ટકા, અદાણી પાવર પોણો ટકો, અદાણી એનર્જી ત્રણ ટકાથી વધુ, અદાણી ગ્રીન સવા ટકો, અદાણી ટોટલ ૧.૪ ટકા, અદાણી વિલ્મર ત્રણ ટકા, NDTV દોઢ ટકો, એસીસી પોણાબે ટકા, અંબુજા સિમેન્ટ્સ પોણાચાર ટકા, સાંધી ઇન્ડસ્ટ્રીઝ સવાચાર ટકા ઊંચકાઈ હતી.