તેમનું માનવું છે કે જો કાઉન્સિલ તેમની રજૂઆતનો સ્વીકાર કરશે તો ફક્ત વેપારીઓને જ નહીં, ગ્રાહકો અને દેશને પણ આનાથી બહુ મોટો લાભ થશે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઑગસ્ટે લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધન કરતાં આંતરરાષ્ટ્રીય ટૅરિફ યુદ્ધની અસરને ધ્યાનમાં રાખીને દેશના વેપારીઓને ગુડ ન્યુઝ આપ્યા હતા કે દિવાળી પર ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)માં મોટો ફેરફાર થશે. ત્યાર બાદ GST કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે GST કાઉન્સિલની ૫૬મી બેઠક ૩ અને ૪ સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાવાની છે. આ બેઠકમાં GSTના દરમાં સુધારાવધારા કરવા વિશે ચર્ચા થશે. GSTના દરના ફેરફારો નવરાત્રિ વખતે જાહેર થાય એવી શક્યતા છે. જોકે વેપારીઓ મોટી આશા વચ્ચે આ નવા દર શું આવશે અને કઈ પ્રોડક્ટ પર દરમાં શું ફેરફાર થશે એ વાતથી અજાણ છે. ગ્રાહકો પણ ખરીદી વિશે મૂંઝવણમાં છે. આવા સંજોગોમાં અનાજ-કરિયાણા બજાર, ઇલેક્ટ્રૉનિક બજાર, સ્ટેશનરી માર્કેટ દ્વારા તેમની પ્રોડક્ટમાં GSTના દરમાં ફેરફાર કરવાની અને તેમને નડતી તકલીફોની GST કાઉન્સિલ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. તેમનું માનવું છે કે જો કાઉન્સિલ તેમની રજૂઆતનો સ્વીકાર કરશે તો ફક્ત વેપારીઓને જ નહીં, ગ્રાહકો અને દેશને પણ આનાથી બહુ મોટો લાભ થશે.
ઇમ્પોર્ટરોને આવતી ખોટી નોટિસ રોકો અને GST ઘટાડો : મિતેશ મોદી, ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશનના રાષ્ટ્રીય મહાસચિવ અને ચેમ્બર ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડના સચિવ
ADVERTISEMENT
ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશન (AIEA) ૮૦ વર્ષથી વધુ જૂની રજિસ્ટર્ડ સંસ્થા છે જે દેશભરમાં ૪૦૦૦થી વધુ સભ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. મુંબઈ સ્થિત મુખ્ય કાર્યાલય તથા ચારેય મેટ્રો શહેરોમાં ઝોનલ કચેરીઓ દ્વારા અસોસિએશન હંમેશાં સરકાર અને ઉદ્યોગ વચ્ચે બ્રિજ બની રહ્યું છે. આવતા GST સુધારાઓને ધ્યાનમાં રાખીને અમે નાણાપ્રધાન નિર્મલા સીતારમણને દિલ્હીના સંસદસભ્ય અને વેપારી નેતા પ્રવીણ ખંડેલવાલના માધ્યમથી નમ્ર વિનંતી કરીને રજૂઆત કરી છે કે સેમિકન્ડક્ટર, હાર્ડવેર તથા કમ્પોનન્ટ મૅન્યુફૅક્ચરિંગ માટે પર્ફોર્મન્સ લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના જાહેર છે, પરંતુ હાલમાં એના પર ૧૮થી ૨૮ ટકા GST વસૂલાય છે. આ દરને એકસરખા પાંચ ટકા પર લાવવાની જરૂર છે. એનાથી મેક ઇન ઇન્ડિયાને ગતિ મળશે. ગ્રાહકોને સસ્તાં ઉત્પાદનો મળશે અને નિકાસમાં વધારો થવાથી વિદેશી મુદ્રાની કમાણી થશે. એ સિવાય અમારી ઇન્ડસ્ટ્રી કુરિયર ઇમ્પોર્ટ્સમાં ટેક્નિકલ સમસ્યાનો સામનો કરી રહી છે. કુરિયર મારફત આયાત પર આયાતકર્તા IGST અને ડ્યુટી ભરે છે, પરંતુ કસ્ટમ્સ અને GST પોર્ટલની ટેક્નિકલ ખામીને કારણે એ રકમ ઘણી વખત GST પોર્ટલ પર પ્રતિબિંબિત થતી નથી. પરિણામે વેપારીઓને ખોટી નોટિસ મળે છે અને અનાવશ્યક દબાણ સર્જાય છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ તાત્કાલિક જરૂરી છે. અમને આશા છે કે કાઉન્સિલ અમારી આ રજૂઆતોને ઉદ્યોગ અને રાષ્ટ્રીય હિતમાં માન્યતા આપશે.
કાર્બોનેટેડ પીણાંને ૧૮ ટકા GST સ્લૅબમાં રાખો : શંકર ઠક્કર, રાષ્ટ્રીય મંત્રી - કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ
કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભારતિયાએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણને પત્ર લખીને કહ્યું છે કે GST કરપ્રણાલીનું પુનર્ગઠન કરવામાં આવી રહ્યું છે ત્યારે એક તરફ ટૅક્સ-સ્લૅબને ફરીથી વ્યાખ્યાયિત કરવો જરૂરી છે. બીજી બાજુ, બહુ-પરિમાણીય પાલનનો બોજ ઘટાડવો એ આ સુધારાઓનો મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ. દેશના આંતરિક વેપારતંત્રને મજબૂત બનાવવાની આ એક સુવર્ણ તક છે જેનો ખાસ કરીને નાના છૂટક વેપારીઓ, કરિયાણાની દુકાનો ચલાવતા લોકો, ફેરિયાઓ અને પાનની દુકાનો ચલાવતા લોકોને ફાયદો થશે. CAITના એક રિસર્ચ અને અભ્યાસ પ્રમાણે નાના કરિયાણાની દુકાનોના વેચાણનો જથ્થામાં ફક્ત પીણાંનો હિસ્સો લગભગ ૩૦ ટકા છે, પરંતુ કાર્બોનેટેડ પીણાં પરના વર્તમાન ઊંચા કર દરને કારણે તેમની આવકમાં ઘટાડો થયો છે. આ સંજોગોમાં આ પીણાંને ૧૮ ટકા GST સ્લૅબમાં રાખવાં જોઈએ, આનાથી નાના વેપારીઓને ફાયદો થશે.
બ્રૅન્ડેડ અનાજ–કરિયાણાં પર પાંચ ટકા GST કરો અને બે કરોડ રૂપિયા સુધીના ટર્નઓવર ધરાવતા રીટેલ દુકાનદારોને રાહત આપો : રમણીકલાલ છેડા, પ્રમુખ, મુંબઈ ગ્રેન ડીલર્સ અસોસિએશન
૧. હાલમાં બ્રૅન્ડેડ અનાજ–કરિયાણાં–કઠોળ પર પાંચ ટકા GST વસૂલ કરવામાં આવે છે. જો આ વસૂલાત રદ કરવામાં આવે તો અનાજ–કરિયાણાના ભાવ સામાન્ય મધ્યમવર્ગીય જનતા માટે પરવડી શકે એવા રહેશે. એ ઉપરાંત સારી ક્વૉલિટી અને વિવિધ વરાઇટીના અનાજ–કરિયાણાંનો લાભ વધુ લોકોને મળી શકશે.
૨. હાલમાં ૪૦ લાખ રૂપિયાથી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતા રીટેલ દુકાનદારોને GST હેઠળ રજિસ્ટ્રેશન અને રિટર્ન ભરવાનું ફરજિયાત બને છે. આ વ્યવસ્થા નાના રીટેલ દુકાનદારો માટે ભારરૂપ છે, કારણ કે તેમની પાસે GSTની જટિલ કામગીરી સંભાળવા જરૂરી સાધનસામગ્રી કે સ્રોત ઉપલબ્ધ નથી. પરિણામે તેમના પર આર્થિક દબાણ વધે છે અને નફાનું પ્રમાણ ઘટી જાય છે. અમારી સંસ્થા સૂચન કરે છે કે વાર્ષિક બે કરોડ રૂપિયા સુધીના ટર્નઓવર ધરાવતા રીટેલ દુકાનદારો માટે ૦.૫ ટકાનો સ્થિર GST લાગુ કરવામાં આવે. આથી નાના વેપારીઓને રિટર્ન ભરવાની મુશ્કેલીઓ તથા વધારાની કાર્યવાહીમાંથી રાહત મળશે. આ વેપારીઓને સત્તાવાર રીતે પ્રોત્સાહન મળશે અને અનાજ–કરિયાણાંના ભાવ સ્થિર થવાથી જનતાને રાહત મળશે તથા સાથે જ સરકારને પણ GST આવકમાં વધારો થશે.
૩. અત્યાર સુધી દરેક ડ્રાયફ્રૂટ પર પાંચ ટકા વૅલ્યુ ઍડેડ ટૅક્સ (VAT) વસૂલ કરવામાં આવતો હતો, પરંતુ હાલમાં કાજુ અને કિસમિસ સિવાયનાં તમામ ડ્રાયફ્રૂટ્સ પર ૧૨ ટકા GST વસૂલ કરવામાં આવે છે. અમારી ભલામણ છે કે બધાં જ ડ્રાયફ્રૂટ્સને GSTમાંથી મુક્તિ આપવામાં આવે એથી મધ્યમવર્ગીય જનતા પણ ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરી શકે.
૪. સાબુદાણા અને શીંગદાણા પર હાલમાં પાંચ ટકા GST વસૂલાય છે. આ બન્ને વસ્તુઓ હિન્દુ ધર્મના ઉપવાસ દરમ્યાન તેમ જ ગરીબ વર્ગ દ્વારા વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. એથી આ બન્ને વસ્તુઓને GSTમાંથી સંપૂર્ણપણે મુક્ત રાખવા વિનંતી કરવામાં આવે છે.
૫. લાઇફ ઇન્શ્યૉરન્સ અને મેડિકલ ઇન્શ્યૉરન્સનાં પ્રીમિયમ પર હાલમાં ૧૮ ટકા GST વસૂલ કરવામાં આવે છે. ૧૦ લાખ રૂપિયા સુધીની પૉલિસીનાં પ્રીમિયમ પર GST સંપૂર્ણ રદ કરવામાં આવે એવી અમારી ભલામણ છે જેથી મધ્યમ અને ગરીબ વર્ગના વધુ લોકો પૉલિસી લઈ શકે. એટલે પહેલેથી પૉલિસી ધરાવનારાઓને પણ પ્રીમિયમમાં રાહત મળશે.
૬. નાના વેપારીઓ અને સ્વરોજગાર લોકો માટે રિટર્ન ભરવાની સંખ્યા ઘટાડવા વિનંતી છે, જેથી તેઓ પોતાના ધંધાની સાથોસાથ પરિવારને પણ પૂરતો સમય આપી શકે અને કાર્યક્ષમતા જાળવી શકે.
૭. પોષક તત્ત્વોથી ભરપૂર વસ્તુઓ જેમ કે ડ્રાયફ્રૂટ્સ, બ્રૅન્ડેડ અનાજ તથા અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પર જો GST સંપૂર્ણ દૂર કરવામાં આવે તો સામાન્ય જનતા વધુ પ્રમાણમાં એનો ઉપયોગ કરી શકશે, જેના પરિણામે જનસ્વાસ્થ્ય વધુ સારું અને મજબૂત બનશે.
સ્ટેશનરી પ્રોડક્ટ્સ પર GST પાંચ ટકા કરો : કિશોર કેનિયા, સચિવ, ફેડરેશન ઑફ મહારાષ્ટ્ર સ્ટેશનરી મૅન્યુફૅક્ચરર્સ ઍન્ડ ટ્રેડર્સ અસોસિએશન
હવે પછીની GST કાઉન્સિલની મીટિંગમાં સરકાર સ્ટેશનરી પ્રોડક્ટ્સ પર GST પાંચ ટકા કરે એવી અમારી માગણી છે. અત્યારે સ્ટેશનરી પર ૧૨થી ૧૮ ટકા GST લગાડવામાં આવે છે. જો સ્ટેશનરી પ્રોડક્ટ પર GST પાંચ ટકા થાય તો વિદ્યાર્થીઓ, શિક્ષણ, ઑફિસ અને કૉર્પોરેટ પર એની ખૂબ સારી અસર પડી શકે છે. અમારી ઘણા લાંબા સમયથી સરકાર પાસે માગણી છે કે અત્યારના સ્ટેશનરી પરના ૧૨ અને ૧૮ ટકાના દરને બદલે જો એને પાંચ ટકા કરવામાં આવે તો એનાથી શિક્ષણ ક્ષેત્રે નોટબુક, પેન, પેન્સિલ, જ્યૉમેટ્રી બૉક્સ, બૅગ વગેરેના ભાવ ૭થી ૧૦ ટકા ઘટી શકે છે. એનાથી લાખો વિદ્યાર્થીઓને સીધી રાહત મળશે અને શિક્ષણખર્ચ ઘટશે. ઑફિસ અને કૉર્પોરેટ ક્ષેત્રનાં ફાઇલ, ફોલ્ડર, ડાયરી, સ્ટેશનરી સેટ વગેરે સસ્તાં થશે જેથી પ્રશાસનિક અને મૅનેજમેન્ટનો ખર્ચ ઘટશે. સ્કૂલ-કૉલેજ સંસ્થાઓને બલ્ક ખરીદીમાં મોટી બચત થશે, ફી પરના દબાણને ઘટાડી શકાશે. સામાન્ય ગ્રાહકો (પરિવાર કે ઘરેલુ ઉપયોગ)ને પણ આનાથી ફાયદો થશે. સામાન્ય પરિવારનો સ્ટેશનરી પરનો વાર્ષિક ખર્ચ લગભગ ૨૦૦૦ રૂપિયાથી ૫૦૦૦ રૂપિયા થાય છે, શહેરી પરિવારોમાં એનાથી વધુ થાય છે. તેમના એ ખર્ચમાં પાંચ ટકા GSTનો દર થવાથી ૫૦૦થી લઈ ૧૦૦૦ રૂપિયાની બચત થઈ શકે છે. બાળકોના શિક્ષણનો ખર્ચ ઓછો થવાથી મધ્યમ અને નીચલા વર્ગને બહુ મોટી રાહત મળશે.
આનાથી દેશને પણ ફાયદો થશે. શિક્ષણ અને સાક્ષરતાને પ્રોત્સાહન મળશે, ભણતર સસ્તું બનશે, શિક્ષણનો પ્રસાર વધશે, નાના વ્યવસાયોને પ્રોત્સાહન મળશે; સ્ટેશનરીના લાખો વેપારીઓ, પ્રિન્ટર, પૅકેજિંગ યુનિટ અને MSMEને ફાયદો થશે અને ટૅક્સચોરીમાં ઘટાડો થશે. ઊંચા GSTના દરને કારણે ઘણાં સ્થળોએ અનરજિસ્ટર્ડ વેપાર થાય છે જેમાં પાંચ ટકા ટૅક્સથી પારદર્શિતા અને ટૅક્સ અનુપાલન વધશે, રોજગારમાં વૃદ્ધિ થશે, ડિમાન્ડ વધવાથી સ્ટેશનરી ઉદ્યોગમાં નવા રોજગારના અવસર ઊભા થશે.
આજે ભારતની સ્ટેશનરી ઇન્ડસ્ટ્રીની ૨૦૨૪માં અંદાજે માર્કેટ-સાઇઝ લગભગ ૩૦,૦૦૦થી ૩૫,૦૦૦ કરોડ રૂપિયા હતી અને એમાં દર વર્ષે ૧૦થી ૧૨ ટકાનો વધારો થાય છે. આ ઇન્ડસ્ટ્રીના ૯૦ ટકાથી વધુ યુનિટ્સ MSME સાથે જોડાયેલા છે. ભારત પાસે કાચો માલ, પ્રિન્ટિંગ અને પૅકેજિંગનો મજબૂત આધાર છે. ટૅક્સ-રાહતથી આ ઇન્ડસ્ટ્રી બમણી ગતિએ વૃદ્ધિ પામી શકે છે. હાલમાં દર વર્ષે લગભગ ૩૫૦૦થી ૪૦૦૦ કરોડ રૂપિયાની સ્ટેશનરીની નિકાસ થાય છે. ટૅક્સમાં રાહત મળવાથી ઉત્પાદનખર્ચ ઘટશે જેનાથી નિકાસનો દર બમણો થઈ શકે છે. આફ્રિકા, એશિયા અને મધ્ય પૂર્વ ભારતની સસ્તી અને ગુણવત્તાસભર સ્ટેશનરીનાં મોટાં બજાર છે.
અમારી સરકાર પાસે માગણી છે કે આ વખતની કાઉન્સિલની મીટમાં સ્ટેશનરીના દર ઘટાડીને પાંચ ટકા કરવામાં આવે જેથી એનો સીધો લાભ વિદ્યાર્થીઓ અને શિક્ષણક્ષેત્રને થાય, ગ્રાહકોને રાહત મળે, વેપારીઓ અને ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને સૌથી વિશેષ તો સુધારેલા અનુપાલનથી સરકાર વધુ ટૅક્સની વસૂલાત કરી શકે. દેશને સ્ટેશનરી મૅન્યુફૅક્ચરિંગ હબ બનાવવા માટેનો આ એક સુવર્ણ અવસર છે.

