હાઈ કોર્ટે કહ્યું હતું કે જો દરેક મરાઠાને કુણબીનું સર્ટિફિકેટ આપવામાં આવે તો એ તો સામાજિક મૂર્ખામી ગણાશે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મરાઠા સમાજને કુણબી ગણીને તેમને એ માટેનું સીધું સર્ટિફિકેટ આપવામાં આવે જેથી તેમને અધર બૅકવર્ડ ક્લાસ (OBC) હેઠળ અનામત મળે અને એ ૧૦ ટકા મળે એવી ડાયરેક્ટ માગણી મનોજ જરાંગે કરી રહ્યા છે. સરકાર આ બાબતે કાયદાકીય રીતે બંધારણની લિમિટમાં રહીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે, પણ મરાઠાઓને ડાયરેક્ટ એ પ્રમાણે કુણબી ઠેરવી શકાય એમ નથી. આ પહેલાં બૉમ્બે હાઈ કોર્ટે અને સુપ્રીમ કોર્ટે પણ એનો વિરોધ કર્યો છે. કોર્ટે કહ્યું છે કે જો આ રીતે દરેક મરાઠાને કુણબી ગણવામાં આવે તો એ સામાજિક મૂર્ખામી ગણાશે.
શું છે કોર્ટકેસ?
ADVERTISEMENT
બાળાસાહેબ રંગનાથ ચવાણને જાંચપડતાલ સમિતિએ ૨૦૦૧માં કુણબી સર્ટિફિકેટ આપ્યું હતું. એ સામે જગન્નાથ હોલેએ અરજી કરી હતી. જોકે ત્યાં દાદ ન મળતાં તેમણે બૉમ્બે હાઈ કોર્ટમાં કેસ કર્યો હતો જેમાં મહારાષ્ટ્ર શાસન અને બાળાસાહેબ ચવાણને પાર્ટી બનાવવામાં આવ્યાં હતાં. ૨૦૦૩ની ૧૭ ઑક્ટોબરે બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ બી. એચ. માર્લાપલ્લે અને જસ્ટિસ એ. એસ. બગ્ગાએ ચુકાદો આપ્યો હતો. કોર્ટે એના ઑર્ડરના સેક્શન ૧૭માં કહ્યું હતું કે જો આ કેસમાં આ પ્રમાણપત્ર–સર્ટિફિકેટ માન્ય રાખ્યું તો મહારાષ્ટ્રના આખા મરાઠા સમાજને કુણબી તરીકે સ્વીકારવો પડશે અને જો આમ થયું તો એ સામાજિક મૂર્ખાઈ (સોશ્યલ ઍબ્સર્ડિટી) ગણાશે. બૉમ્બે હાઈ કોર્ટના આ ચુકાદાને બાળાસાહેબ ચવાણે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી. એન. અગ્રવાલ અને જસ્ટિસ પી. કે. બાલાસુબ્રમણ્યમની બેન્ચે ૨૦૦૫ની ૧૫ એપ્રિલે ચુકાદો આપતાં કહ્યું હતું કે મુંબઈ હાઈ કોર્ટનો નિર્ણય યોગ્ય છે એટલે એમાં હસ્તક્ષેપ કરવાનું અમને યોગ્ય લાગતું નથી. એમ કહી કોર્ટે એ અરજી ફગાવી દીધી હતી.
બીજો પણ એક કેસ બૉમ્બે હાઈ કોર્ટ સામે આવ્યો હતો જેમાં સુહાસ દશરથે વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર હતી. એ કેસનો ચુકાદો ૨૦૦૨ની ૬ ઑક્ટોબરે જસ્ટિસ બી. એચ. માર્લાપલ્લે અને જસ્ટિસ એન. વી. દાભોળકરની બેન્ચે આપ્યો હતો. એમાં કહેવાયું હતું કે જાંચપડતાલ સમિતિ સામે જે ભૂમિકા માંડવામાં આવી છે એ જો સ્વીકારવામાં આવે તો મરાઠા સમાજની દરેક વ્યક્તિને કુણબીનું સર્ટિફિકેટ આપવું પડશે અને જો આમ થયું તો એ મહારાષ્ટ્રની વાસ્તવિક સમાજવ્યવસ્થા (સ્ટાર્ક સોશ્યલ રિયલિટીઝ)ના વિરોધમાં હશે.

