સામાન્ય લાઇનમાં દર્શન માટે ઊભેલા લોકોને પણ સારી રીતે દર્શન થાય અને VIP લોકો જેવી જ સિક્યૉરિટી પણ મળી રહે એવી રજૂઆત અરજીમાં કરવામાં આવી છે.
લાલબાગચા રાજાનાં દર્શનમાં VIP કલ્ચરનો વિરોધ, માનવઅધિકાર પંચ સમક્ષ ફરિયાદ થઈ
લાલબાગચા રાજાની પ્રસિદ્ધિ દેશવિદેશમાં ફેલાયેલી છે. ગણેશોત્સવ દરમ્યાન લાખો ભક્તો રાજાધિરાજનાં દર્શન કરવા આવે છે. કલાકો સુધી લાંબી લાઇનોમાં ઊભા રહીને ભક્તો બાપ્પાનાં દર્શન કરે છે, પણ VIP લોકોને સીધા દર્શન કરવા માટે લઈ જવામાં આવે છે જેને લીધે પંડાલમાં પણ VIP અને નૉન-VIP લાઇનના લોકોમાં ઘર્ષણ થાય છે. સામાન્ય પ્રજાએ VIP કલ્ચર સામે નારાજગી વ્યક્ત કરી છે. લોકોની લાગણીને વાચા આપવા માટે ધાર્મિક આયોજનમાં VIP કલ્ચરને પ્રોત્સાહન આપવાના મામલે ઍડ્વોકેટ આશિષ રાય અને પંકજ મિશ્રાએ મહારાષ્ટ્ર રાજ્ય માનવઅધિકાર પંચ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.
સામાન્ય લાઇનમાં દર્શન માટે ઊભેલા લોકોને પણ સારી રીતે દર્શન થાય અને VIP લોકો જેવી જ સિક્યૉરિટી પણ મળી રહે એવી રજૂઆત અરજીમાં કરવામાં આવી છે.
ADVERTISEMENT
અનેક લોકોએ આ વર્ષે લાલબાગચા રાજાના મંડળ તરફથી કરવામાં આવતી વ્યવસ્થા અને પોલીસવ્યવસ્થામાં ગેરશિસ્તપણું હોવાની ફરિયાદ કરી હતી. આ જ વિસ્તારમાં ફૂડ-સ્ટૉલ ધરાવતા એક વેપારીએ જણાવ્યું હતું કે ‘પોલીસ-વ્યવસ્થા ભીડને કાબૂમાં રાખવા માટે હોવી જોઈએ એને બદલે અનેક પોલીસો જુદા-જુદા VIP ગ્રુપને દર્શન માટે એસ્કૉર્ટ કરીને લઈ જવામાં જ વ્યસ્ત રહે છે જેને કારણે સ્વયંસેવકો પણ તેમનું કામ બરાબર કરી શકતા નથી. એટલે જ આ વર્ષે દર્શનાર્થીઓને ખૂબ જ હાલાકી થઈ રહી છે.’
ઍડ્વોકેટ આશિષ રાજ અને પંકજકુમાર મિશ્રાએ અરજી દાખલ કરતાં નોંધ્યું હતું કે ‘કલાકો સુધી દર્શન માટે લાઇનમાં ઊભા રહેતા લોકોને મૂળભૂત સુવિધા કે સુરક્ષા પણ મળતી નથી. સરકારી સુવિધા માત્ર VIP લોકોને લઈ જવા અને લાવવા પૂરતી જ મર્યાદિત રહી ગઈ છે. સામાન્ય દર્શનાર્થીઓને ધક્કા મારીને બહાર કાઢવામાં આવે છે અને VIP લાઇનના દર્શનાર્થીઓ આરામથી બાપ્પા પાસે ઊભા રહીને ફોટો પડાવે છે. આવા વર્તનને લીધે ધાર્મિક લાગણી તો દુભાય જ છે અને સાથે પંડાલમાં ઉપસ્થિત બાઉન્સર્સ અને વ્યવસ્થાપકો અમુક વાર અપમાનિત કરે એવા શબ્દો બોલીને દર્શનાર્થીઓને ઠેસ પહોંચાડે છે.’

