° °

આજનું ઇ-પેપર
Thursday, 21 October, 2021


બેધારી તલવાર બની શકે છે 5G

19 September, 2021 05:05 PM IST | Mumbai | Aashutosh Desai

રેડિયેશનની અસરો તેમ જ સાઇબર સિક્યૉરિટી એ બે બાબતોનું જોખમ તો છે જ, પણ સાથે હજી બીજી કોઈ બાબતે નુકસાન ન કરે એ બાબતે સચેત થવું જરૂરી છે

બેધારી તલવાર બની શકે છે 5G

બેધારી તલવાર બની શકે છે 5G

ટેક્નૉલૉજીમાં આવી રહેલા જબરદસ્ત બદલાવો આપણી જિંદગીને જેટલી સરળ, ઝડપી અને મૉડર્ન બનાવી રહ્યા છે એની સાથોસાથ સલામતીનું જોખમ પણ વધારી રહ્યા છે. રેડિયેશનની અસરો તેમ જ સાઇબર સિક્યૉરિટી એ બે બાબતોનું જોખમ તો છે જ, પણ સાથે હજી બીજી કોઈ બાબતે નુકસાન ન કરે એ બાબતે સચેત થવું જરૂરી છે

થોડા મહિના પહેલાં બૉલીવુડ-ઍક્ટ્રેસ જુહી ચાવલાએ સોશ્યલ કન્સર્ન નવી આવી રહેલી 5G ટેક્નૉલૉજી માટે સવાલ ઉઠાવતી એક અરજી કોર્ટમાં નાખી હતી. તેનું કહેવું હતું કે વાયરલેસ કમ્યુનિકેશનની દુનિયા જે આજે વિશ્વમાં સૌથી ઝડપથી બદલાઈ રહી છે, આગળ વધી રહી છે અને જેમાં રોજેરોજ કોઈ નવાં-નવાં ડેવલપમેન્ટ આવતાં રહે છે એ દુનિયાનું એક અત્યંત આધુનિક આયામ 5G માટે ભારતમાં મંજૂરી ન અપાવી જોઈએ અને સરકારે એના પર પ્રતિબંધ લાવવો જોઈએ. શા માટે? તો જુહીમૅડમનું કહેવું છે કે 5G સ્વાસ્થ્યને અનેક રીતે હાનિ પહોંચાડે છે અને એને કારણે થતું નુકસાન ખૂબ મોટું અને જોખમી છે. માત્ર મનુષ્યો જ નહીં, પરંતુ જીવમાત્રને એના રેડિયેશનને કારણે ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. તેની વાત સાવ ખોટી પણ નથી. એ કબૂલ, પરંતુ આ દુનિયામાં દરેક ચીજનાં બે પાસાં હોય જ છે. જે અસર કરે છે એ આડઅસર પણ કરી જ શકે છે. જે તમારું કામ સરળ બનાવે છે એ જ તમારા કામમાં ગરબડ-ગોટાળા પણ પેદા કરી શકે છે. જે તમને એક બાબતમાં રાહત આપે છે એ જ ચીજ બીજી અનેક બબાલ ખડી પણ કરી શકે છે. પહેલી વાર તો હાઈ કોર્ટે જુહી ચાવલાને આવા ખોટા સવાલ ખડા કરીને કોર્ટનો સમય બરબાદ કરવા માટે ઠપકો ઠોકી દીધો હતો છતાં થોડા સમય પછી ફરીથી એ જ 5G માટે ફરીથી તેણે સવાલ ઉઠાવ્યો. આ વખતે તેનું કહેવું હતું કે ‘5Gથી શું-શું આડઅસર થાય છે એ બાબતે સંશોધન અને વિચારણા થવાં જોઈએ.’
જુહી ચાવલાની વાતમાં કેટલું તથ્ય છે એ બાબતે જજમેન્ટ પર પહોંચતાં પહેલાં આપણે જરા ટેક્નૉલૉજીની આ જનરેશન્સમાં ડૂબકી મારી લઈએ તો કેવું!
આ 1G, 2G, 3G છે શું?
આપણને બધાને એ તો ખબર છે કે આ બધાં જે 2G, 3G, 4G કરે છે એમાં ‘G’નો મતલબ છે ‘જનરેશન.’ તો એ જનરેશનમાં સૌથી પહેલાં આવ્યા આ હમણાંના 4Gના પરદાદા એટલે કે 1G જ્યારે 1Gનો એરા હતો ત્યારે બ્રીફકેસની સાઇઝના ફોન્સ આવતા હતા અને એનો ઉપયોગ મહદંશે ટૂંકા કન્વર્ઝેશન્સ માટે અને એ પણ ખૂબ ઓછા લોકો દ્વારા કરવામાં આવતો હતો. એની પાછળનું એક કારણ એ હતું કે એ સમયે આ ટેક્નૉલૉજી વાપરવામાં ખૂબ મોંઘી, ખર્ચાળ અને જરૂરિયાત પૂરતી હતી. એ સમયે ફોન્સ કે મોબાઇલ્સ હજી જીવનજરૂરિયાતની મૂળભૂત વસ્તુ તરીકે કે પછી સ્ટેટસ સિમ્બૉલ ગણાવાને હજી વર્ષોની વાર હતી. 
પછી આવ્યું 2G. આ સમય હતો ટેલિકમ્યુનિકેશનની દુનિયામાં ૧૮૦ ડિગ્રી ફેરફારનો, વિકાસનો, બદલાવનો અને પ્રગતિની વ્યાખ્યામાં નવા શબ્દના આમેજનો. 2Gના એરાથી ટેલિકમ્યુનિકેશનની આખી પરિભાષા જ બદલાઈ ગઈ. જે લોકો ઘરમાં વાયરના દોરડાવાળા અને ગોળ ચકરડું ફેરવીને નંબર ડાયલ કરી કૉલ લગાડવા ટેવાયેલા હતા તેમના હાથમાં 2G દ્વારા કંઈક એવું રમકડું આવી ગયું. સ્કૂલના કમ્પાસ-બૉક્સ કરતાંય નાના એવા આ મોબાઇલ ફોન નામના ડબલાએ આપણા જીવનમાં એ રીતે એન્ટ્રી લીધી કે લોકોનું જીવન અને જીવનશૈલી બદલાઈ ગયાં. 2Gના સમય બાદ મોબાઇલ અને ટેલિકમ્યુનિકેશનની દુનિયાએ જે પ્રગતિ અને સ્વીકૃતિની રાહ પકડી એ હજી આજ સુધી અટકી નથી.
ત્યાર બાદ આવ્યું 3G. આ એ સમય હતો જ્યારે હવે મોબાઇલ ફોન્સ હતા એના કરતાં વધુ નાના થઈ ગયા. હવે તમારા ગજવામાં રહી શકે એવા ફોન બજારમાં આવવા માંડ્યા હતા. SMS તથા ઇન્ટરનેટ ફૅસિલિટીનું ચલણ આ સમય દરમ્યાન જબરદસ્ત વિકસ્યું. આથી 3Gના સમય દરમ્યાન SMS અને ઇન્ટરનેટનો ધરખમ વિકાસ શરૂ થયો. 
4Gનો ધમાકો 
વાયરલેસ કમ્યુનિકેશન ક્ષેત્રે કોઈક એવી ટેક્નૉલૉજી વિકસાવવી જોઈએ જેને કારણે હું ગૂગલ પાસે કંઈક માગું અને  એ ઘડીભરમાં હાજર કરી દે. બસ ટેક્નોસૅવી અને જિનીયસ દિમાગની આ ભૂખને પરિણામે આપણા બધાને હાઈ ફ્રિક્વન્સી, હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સમિશન મળ્યું અને એને આપણે બધા 4Gના નામે ઓળખતા થયા.
4G આવવાને કારણે મોબાઇલ ટેક્નૉલૉજી અને ટેલિકમ્યુનિકેશનની દુનિયામાં જે સૌથી પહેલો અને ધરખમ ફેરફાર આવ્યો તે એ કે જે હરીફાઈ અને દાવાઓ આજસુધી કૉલ કનેક્ટ, SMS સેવા અને મૅક્સિમમ કવરેજ પર ચાલતી હતી એ સંપૂર્ણપણે બદલાઈને નેટવર્ક અને હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સમિશન વિશે થવા માંડી. આજે વાતો થાય છે બેસ્ટ સ્પીડની, બફરિંગલેસ સર્ફિંગ અને ખલેલ વિનાના વિડિયો કન્ટેન્ટ ઍક્સેસની. પણ કહેવાય છેને કે અસંતોષ એ માનવીનો મૂળભૂત સ્વભાવ છે અને આ અસંતોષમાંથી જ જન્મે છે ઇન્વેશન! કહેવાય છે કે ભૂખ એ ખોરાકનું જન્મસ્થાન છે. એ જ રીતે 4G જેવા હાઈ સ્પીડ ઇન્ટરનેટનો અનુભવ કર્યા પછી પણ આપણને એનાથી સંતોષ નથી અને આપણે એ વિચારવા માંડ્યા કે હજી આથી વધુ બહેતર શું થઈ શકે? અને આ ભૂખને પરિણામે આપણે આજે આવી પહોંચ્યા છીએ 5G નામના નવા મહેમાનના ઘરઆંગણે. 
 5G એટલે શું?
એમાં પણ આગળની જેમ જ 5G એટલે 5th જનરેશન. સાદી ટેક્નિકલ સમજ કંઈક એવી છે કે 4G કરતાં આશરે ૧૦૦ ગણું ઝડપી સેલ્યુલર નેટવર્ક એટલે 5G. પરંતુ એનો અર્થ શું? એનાથી શું બદલાશે અને કેવું બદલાશે. તો એનો જવાબ કંઈક આ પ્રકારે હોઈ શકે. 5G એક એવી વાયરલેસ બૅન્ડવિથ સેવા છે જેને કારણે ઇન્ટરનેટ સેવા લગભગ રિયલ ટાઇમ સ્પીડ પર આવી જશે. કનેક્ટિવિટી, ઈ-સ્વાસ્થ્ય, ઈ-સેવા, ઈ-ગેમિંગ, સર્ફિંગ,  ક્લાઉડ સ્ટોરેજ, ડેટા ટ્રાન્સમિશન એ બધું જ જે હમણાં આંખના પલકારા જેટલી સ્પીડમાં થાય છે એ 5G આવ્યા બાદ આંખના પલકારા જેટલો સમય પણ નહીં લગાડે. મતલબ કે ધારી લો કે તમે ૧ GBની કોઈ ફાઇલ હમણાં 4G નેટવર્ક સ્પીડમાં ડાઉનલોડ કરવા મૂકી છે અને એને ડાઉનલોડ થવામાં ૩ મિનિટ લાગે છે તો શક્ય છે 5G આવ્યા બાદ એ ૩૦ સેકન્ડમાં થઈ જાય. સાથે જ માનો કે તમે કોઈ ઈ-મેઇલ કરી હોય અને એ તમારા ઑફિસ કલીગને કે અમેરિકામાં રહેતા મિત્રને 4G નેટવર્ક સ્પીડમાં મળતાં જો ૪ મિનિટ લાગતી હશે તો 5Gમાં એ જ ઈ-મેઇલ અડધી સેકન્ડમાં મળી જશે. મતલબ કે રિયલ ટાઇમ અપડેટ.
આમાં નુકસાનની વાત ક્યાં છે?
5G એ વાયરલેસ કમ્યુનિકેશન સિસ્ટમ છે જે કમ્યુનિકેટ કરવા માટે રેડિયો ફ્રિક્વન્સી જેને આપણે સ્પેક્ટ્રમ તરીકે ઓળખીએ છીએ એના દ્વારા હવામાંથી માહિતી ઉઠાવી અથવા ટ્રાવેલ કરાવી આપણા સુધી પહોંચાડે છે. જે પ્રમાણે 4G કરે છે અદ્દલ એ જ પ્રમાણે, પરંતુ ફરક માત્ર એટલો જ કે 4G જે રેડિયો ફ્રિક્વન્સી વાપરે છે એના કરતાં 5G ડેટા ટ્રાન્સમિટ કરવા માટે વધુ ઝડપી રેડિયો ફ્રિક્વન્સી વાપરશે. આ હાયરબૅન્ડ વેવને એમએમ વેવ (મિલીમીટર વેવ) તરીકે ઓળખવામાં આવે છે. આ 5G નેટવર્કનો સૌથી પહેલાં ઉપયોગ અને અડેપ્ટેશન ૨૦૧૯માં એપ્રિલ મહિનામાં સાઉથ કોરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આખા સાઉથ કોરિયામાં સૅમસંગ, એરિક્સન અને નોકિયાનાં સ્ટેશન્સ 5G  ડેટા ટ્રાન્સમિશન માટે વપરાયાં હતાં. જોકે હવે તો આખા વિશ્વમાં અનેક દેશો એમાં રોકાણ અને એનો ઉપયોગ કરી રહ્યા છે. એ જ રીતે ભારતમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા 5G ડેટા ટ્રાન્સમિશન સ્પેક્ટ્રમનું વેચાણ ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે.    
5Gથી ફાયદા શું થશે?  
તો સૌથી પહેલો અને નજર સામે દેખાતો ફાયદો એ છે કે 5G ડેટા ટ્રાન્સમિશનને કારણે કમ્યુનિકેશન અને સર્ફિંગ સ્પીડમાં હાલ કરતાં જબરદસ્ત લગભગ ૧૦૦ ગણો વધારો થઈ જશે. અને 5G  ડેટા ટ્રાન્સમિશન લેટેન્સી ઘટાડશે એટલે બીજા શબ્દોમાં કહીએ તો ઝડપી રિસ્પૉન્સ. સાથે જ ડાઉનલોડ સ્પીડ તો વધી જ જશે અને ઑપરેશનલ એફિસિયન્સી વધશે એ નફામાં. મતલબ કે વાહનવ્યવહાર, સ્વાસ્થ્ય સંબંધી સેવાઓમાં તાકીદની સેવા, હવામાન ખાતાની સેવા અને બીજી ઇમર્જન્સી સેવાઓનો રિસ્પૉન્સ ટાઇમ ખૂબ ઝડપી થઈ જશે, કારણ કે તેમને માહિતી હમણાં મળે છે એના કરતાં ૧૦૦ ગણી વધુ ઝડપે મળતી થશે. એ કઈ રીતે? તો સમજો કે તમે આજે ગૂગલને કે બીજી ઍપ્લિકેશન્સને જે કમાન્ડ આપો છો એ કમાન્ડને સમજી એના પર રિસ્પૉન્સ કરતાં આજે ગુગલ કે બીજી ઍપ્લિકેશનને લગભગ અડધી સેકન્ડ લાગે છે, પરંતુ એ જ કમાન્ડને સમજીને સામે પહોંચાડતાં લગભગ ૩થીપાંચ મિનિટ લાગે છે. આ સમય સ્થળ અને સંજોગો પર હજી આજેય વધુ આધારિત છે. જ્યારે 5G ડેટા ટ્રાન્સમિશન આવી જવાથી આ રિસ્પૉન્સ ટાઇમ ઘટી જશે. મતલબ કે ટ્રાફિક અપડેટ, ઍક્સિડન્ટ અપડેટ, ઍમ્બ્યુલન્સ સેવા, ફાયર સ્ટેશન સેવા, સંભવિત કુદરતી આપદાની જાણકારી એ બધું હાલમાં છે એના કરતાં ખૂબ ઝડપી 5Gને કારણે થઈ શકે.
સ્પીડ અને ડેટા ઍક્યુરસી
ઑટોમૅટેડ મશીન્સ હાલમાં જે કાબેલિયતથી કામ કરે છે એના કરતાં એનો રિસ્પૉન્સ રેટ 5Gને કારણે વધી જશે, મતલબ કે એની કાબેલિયત લગભગ બેવડાઈ જશે એમ કહી શકાય. આ સિવાય આપણે રોજબરોજના જીવનમાં જે રીતે મોબાઇલ વાપરતા થઈ ગયા છે એ વિશેની વાત કરીએ તો વૉટ્સઍપ-મેસેજથી લઈને વિડિયો સર્ફિંગ કે ડાઉનલોડની સ્પીડ હાલમાં છે એના કરતાં લગભગ ૫૦થી ૧૦૦ ગણી વધી જશે એ કહી શકાય. સાથે જ ગેમિંગ એક્સ્પીરિયન્સ 5G આવવાથી સાવ નોખો થઈ જશે. સ્પીડ અને કન્ટેન્ટમાં લગભગ રિયલ અપડેશન સુધીના પગથિયે આપણે પહોંચી જઈશું.
શું તમે માનશો કે આ 5G ડેટા ટ્રાન્સમિશન તમારા વાહનવ્યવહારની વ્યવસ્થા પણ ધરમૂળથી બદલી નાખવા માટે સક્ષમ છે? શું તમે માનશો કે આ 5G ડેટા ટ્રાન્સમિશનને કારણે વાહનો એકમેક સાથે વાત કરતાં થઈ જશે? નહીં? વાંચો ત્યારે. 5G ડેટા ટ્રાન્સમિશનને કારણે દરેક વાહનની ઍક્યુરેટ અને ઝડપી માહિતી બીજા વાહનને મળતી થશે, જેમાં એની આસપાસનું વાહન કેટલી સ્પીડમાં કઈ તરફ અને કઈ રીતે જઈ રહ્યું છે એ તમામ બાબતો વિશે વાહન હાંકનારને માહિતગાર કરશે. એને કારણે અકસ્માતની સંભાવના લગભગ નહીંવત્ થઈ જશે, એટલું જ નહીં, તમારી કાર કે ટ્રક એની આજુબાજુનાં તમામ ડિવાઇસને કનેક્ટ કરી શકશે. મતલબ કે વેહિકલ-ટુ-વેહિકલ કમ્યુનિકેશન. તમારું વાહન ટ્રાફિક લાઇટથી લઈને આગળ થયેલા કોઈ અકસ્માત સુધ્ધાંની માહિતી એકઠી કરી શકશે.
આ બધી બાબત કરતાં સૌથી મહત્ત્વનો ફેરફાર જે આવી શકે એ છે ઇન્ડસ્ટ્રિલ ફેરફારો. જેમ કે 5G ફ્લેક્સિબલ, અફિસિયન્ટ અને રિસ્પૉન્સિબલ બિઝનેસ એન્વાયર્નમેન્ટનું પ્રણેતા બની શકે છે. કારણ કે મોટા ભાગની કંપનીઓની પ્રોડક્શન લાઇન ડિમાન્ડ અને સપ્લાય પર ઑટોમેશન દ્વારા કામ કરતી થઈ જશે. વળી જે-તે મશીન્સની ડિજિટલ રેપ્લિકા એટલે કે કૉપી તૈયાર હશે જ જે મશીનમાં આવનારી સંભવિત ખરાબી વિશે પહેલેથી જ ચેતવણી આપી શકશે. સાથે જ એ પ્રૉબ્લૅમ ક્યાં છે અને કઈ રીતનો છે એ શોધી આપવામાં પણ રિયલ ટાઇમ બેઝિસ પર મદદ કરશે. તો વળી ઇલેક્ટ્રિસિટી ગ્રિડમાં પણ હાલમાં જે કાર્બનનું ઉત્સર્જન થાય છે એ 5Gને કારણે ઘટી શકે. ટૂંકમાં માહિતી એકઠી કરવાથી લઈને પ્રસારણ સુધી અને ડેટા જમા કરવાથી લઈને વપરાશ સુધીની તમામ કાર્યવાહી બુલેટ ટ્રેન કરતાં નહીં, પણ આંખનો પલકારો પડે એના કરતાં પણ વધુ ઝડપી બની જશે. 
તો ગેરફાયદા શું છે?
સવાલ એ છે કે જો આટલા બધા ફાયદા હોય અને આ 5G જો આપણને જ નહીં, પણ આપણી આસપાસના વિશ્વને પણ જો આટલું ઍડ્વાન્સ અને આટલું ઝડપી બનાવી દેવાનું હોય તો પછી એમાં ખોટું શું છે? ગેરફાયદો શું છે? કહેવાય છેને... ‘No Lunch is Free in This World!’ એ જ રીતે આટલીબધી સુવિધા પણ મફત તો મળી જ નહીં શકે. જેટલા ફાયદા વધુ એટલા જ નુકસાનની શક્યતા પણ વધુ હોય તો એ નકારી તો ન જ શકાય.
સાઇબર સિક્યૉરિટી મોટો ઇશ્યુ. વિચાર કરો કે જે કમ્યુનિકેશન સેવા તમને આટલી ઝડપથી માહિતીની આપ-લે કરવાની સુવિધા આપી શકે એ કમ્યુનિકેશન સેવા જો હૅક થઈ જાય તો? તમારા-મારા પર્સનલ ડેટા કે માહિતી તો ઠીક, જો કૉર્પોરેટ કે દેશની સરકારની માહિતી હૅક કરી લેવામાં આવે તો? કેટલું મોટું જોખમ થઈ જાય અને 5Gમાં શક્ય છે કે એ હૅકિંગ દ્વારા થતી ચોરી તાકીદે નહીં પણ પકડાય, કેમ? કારણ કે 4Gના આ સમય દરમ્યાન હાર્ડવેર કનેક્શનના ટ્રાફિક પૉઇન્ટ્સ ઓછા છે જેને કારણે સતત સિક્યૉરિટી ચેક કરતા રહેવું કે ફૉલ્ટ હોય તો એ શોધવું પ્રમાણમાં સરળ છે, જ્યારે 5G એક ડાયનૅમિક સૉફ્ટવેર બેઝ સિસ્ટમ છે અને એથી જ એના ટ્રાફિક રાઉટિંગ પૉઇન્ટ્સ પણ 4Gની સરખામણીએ વધુ છે. આથી સ્વાભાવિક છે કે જો આ સિસ્ટમ હૅક થઈ તો એ શોધવું પ્રમાણમાં મુશ્કેલ બને. હવે આ આખી સિસ્ટમને સિક્યૉર્ડ કરવા માટે સતત દરેક પૉઇન્ટને મૉનિટર કરતા રહેવું પડે, પરંતુ શક્ય છે કે કેટલાક રિમોટ એરિયામાં એવું નહીં થઈ શકે તો આખી સિસ્ટમ જોખમમાં મુકાઈ જાય એવી શક્યતાને નકારી ન શકાય.
 સ્વાસ્થ્યની દૃષ્ટિએ 5G 
આપણી ગલીના નાકા પર બેસતા કોઈ ભાણિયા, કાણિયા, મનિયાનું નહીં, પણ અમેરિકાની સંસ્થા FDAનું આ બાબતે શું કહેવું છે એ જાણીએ. ડૉ. જેફરી સોંરેં જે FDAમાં સેન્ટર ફૉર ડિવાઇસિસ ઍન્ડ રેડિયોલૉજિકલ હેલ્થના ડિરેક્ટર છે તેમણે હમણાં થોડા સમય પહેલાં જ નૅશનલ ટૉક્સિકોલૉજિકલ પ્રોગ્રામ સ્ટડી અંતર્ગત એક અભ્યાસ હાથ ધર્યો હતો. તેમનું કહેવું છે કે જ્યારથી આપણે 2G ટ્રાન્સમિશન સેવાઓ વાપરતા થયા ત્યારથી જ ફોન રેડિયેશનને કારણે આપણા શરીરમાં કાર્સિનોજેનિક (કૅન્સર્સ) ગતિવિધિઓ વધુ કાર્યશીલ થઈ હોવાનું નોંધાયું છે. અમે  હમણાં જ હાથ ધરેલા એક સર્વેમાં નોંધ્યું છે કે 5G ડેટા ટ્રાન્સમિશનને કારણે જે રેડિયેશન હવામાં તરંગો થકી ગ્રહણ થાય છે એમાં કાર્સિનોજેનિક ગતિવિધિ ૬ ટકા જેટલી વધુ હોય છે, પરંતુ સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે આ ટકાવારી પ્રમાણમાં ઘણી ઓછી છે અને એણે કારણે નવી ટેક્નૉલૉજીને કારણે વધુ નુકસાન થશે એમ માનવું જરા વધુ પડતું છે. હાલમાં 4Gના ઉપયોગને કારણે પણ આપણે આ નુકસાન ભોગવી રહ્યા છીએ અથવા એનું જોખમ આપણી સામે ઊભું જ છે અને અમારા આભ્યાસ તારણને નૅશનલ કૅન્સર સોસાયટી, વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અને FCC સાથે બીજાં અનેક ઑર્ગેનાઇઝેશન્સ સ્વીકૃતિ આપી ચૂક્યાં છે.
પરંતુ હા, હાઈ રેડિયેશન ફ્રિક્વન્સીને કારણે બહેરાશ, ભૂલકણાપણું (અલ્ઝાઇમર્સ) હાઈ બ્લડપ્રેશર તથા કાર્સિનોજેનિક (કૅન્સર્સ) બીમારીઓની શક્યતા વધી જાય છે એ વાત નકારી શકાય નહીં. મોબાઇલ અને હાઈ રેડિયેશન ફ્રિક્વન્સી અથવા કહો કે ડેટા ટ્રાન્સમિશનનો ઉપયોગ કરતા લોકો કરતાં આ હાઈ રેડિયેશન ફ્રિક્વન્સી અથવા ડેટા ટ્રાન્સમિશન ઝીલતા ટાવર નીચે, નજીક કે બાજુમાં રહેતા લોકોને વધુ જોખમ છે એ વાસ્તવિકતા સામે આપણે આંખ આડા કાન કરી શકીએ એમ નથી.

તમે ધાર્યું પણ નહીં હોય એવું કામ કરશે ડ્રૉન
ડ્રૉન્સ હવે માત્ર ફોટોગ્રાફી કે દેખરેખ રાખવાના કામ માટે જ ઉપયોગી ગૅજેટ નહીં રહે. ડ્રૉન્સનો ઉપયોગ અનેકગણો વધશે અને આપણે વિચાર્યું કે ધાર્યું પણ નહીં હોય એટલો ઉપયોગ ડ્રરૉન્સનો થઈ શકશે, કારણ કે ડ્રૉને પોતાના કચકડે જમા કરેલી માહિતી એ પોતાના માલિક સુધી પહોંચાડતાં આંખના પલકારા જેટલો સમય પણ નહીં લગાડે.

શું તમે જાણો છો?
 વિશ્વનું પહેલું 1G નેટવર્ક નિપોન ટેલિગ્રાફ ઍન્ડ ટેલિફોન દ્વારા ૧૯૭૯માં લૉન્ચ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ એ જાહેર જનતા માટે આ ટેલિફોન સેવા સૌપ્રથમ વાર ટોક્યોમાં, હા, જ્યાં હમણાં ઑલિમ્પિક્સ રમાઈ હતી ત્યાં જપાનમાં ૧૯૮૪માં શરૂ થઈ હતી.
  ત્યાર બાદ 2G  જીએસએમ (ગ્લોબલ સિસ્ટમ ફૉર મોબાઇલ કમ્યુનિકેશન) સૌપ્રથમ વાર ૧૯૯૧માં ફિનલૅન્ડમાં લૉન્ચ થઇ હતી, જે 0.2 એમબીપીએસની ઝડપે ડેટા કમ્યુનિકેશન કરી શકતી હતી.
 ૨૦૦૧માં NTT ડોકોમો દ્વારા જપાનમાં 3G મોબાઇલ સેવા 2એમબીપીએસની ઝડપે શરૂ થઈ હતી, જ્યારે 4G તો છેક ૨૦૦૯માં નૉર્વેમાં કમર્શિયલી પહેલી વાર લૉન્ચ કરવામાં આવી. જ્યારે 4G શરૂ થયું ત્યારે સાદી ભાષામાં કહીએ તો એની શરૂઆતની ઇન્ટરનેટ સર્ફિંગ સ્પીડ માત્ર ૧૨.૫ એમબીપીએસ હતી.

19 September, 2021 05:05 PM IST | Mumbai | Aashutosh Desai

અન્ય લેખો

ઍન્ટિક ચીજો માટે વીકમાં એક આંટો ચોરબજારનો પાક્કો

૭૭ વર્ષના પ્રવીણ વસાએ હવે જોકે થોડા સમયથી એ બંધ કર્યું છે પરંતુ પોસ્ટલ સ્ટૅમ્પ્સથી લઈને લિમિટેડ એડિશન કૉઇન્સ, જૂની પેન અને બૉલપેન, યુનિક ચલણી નોટો જેવી તો કેટલીયે વસ્તુનું કલેક્શન તેમની પાસે છે

20 October, 2021 07:28 IST | Mumbai | Ruchita Shah

૮૩ વર્ષની ઉંમરે સ્વરમાં એવી જ મીઠાશ જળવાઈ કઈ રીતે?

ગુજરાતી સુગમ સંગીત અને શાસ્ત્રીય સંગીત સાથે જેમનો જીવનભરનો અતૂટ નાતો રહ્યો છે એવાં પૌરવી દેસાઈને જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે શું કહ્યું એ વાંચી લો

20 October, 2021 07:13 IST | Mumbai | Varsha Chitaliya

સ્વના સર્કલમાંથી બહાર લાવવાની જવાબદારી કોણ નિભાવે છે?

ચાર પાર્ટમાં વહેંચાયેલી ‘ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગી’માં પરમહંસ યોગાનંદના જીવનની તો વાત છે જ, પણ પરમાત્મા અને અકળ વિજ્ઞાનને પામવાના રસ્તાઓ વિશે પણ તેમણે વાત કરી છે

20 October, 2021 07:10 IST | Mumbai | Rashmin Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK