ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ ૧૬ પ્રધાનોનાં રાજીનામાં લેવાયાં
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ
૨૫થી ૨૭ સભ્યોનું બની શકે છે પ્રધાનમંડળ : નાયબ મુખ્ય પ્રધાન પણ કોઈને બનાવી શકે છે BJP : કૉન્ગ્રેસની વંડી ઠેકીને BJPમાં જોડાઈને વિધાનસભ્ય બનેલા વિધાનસભ્યોને મળી શકે છે પ્રધાન તરીકેની દિવાળી ગિફ્ટ : કોને મળશે પ્રધાનપદ એની અટકળો ચાલી છે, પણ BJP હંમેશાં જાણીતી છે સરપ્રાઇઝ આપવા માટે : ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે પદનામિત પ્રધાનોનો શપથવિધિ સમારોહ
ગઈ કાલે બપોરે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી પાછા ગાંધીનગર પહોંચ્યા એ પછી તરત જ તેમની સરકારના તમામ ૧૬ પ્રધાનોનાં રાજીનામાં લેવામાં આવ્યાં હતાં. સામાન્ય રીતે દર બુધવારે મળતી કૅબિનેટની બેઠક પણ ૧૫ ઑક્ટોબરે મળી નહોતી. ગઈ કાલે કૅબિનેટની બેઠક મળશે એવું નક્કી થયેલું, પરંતુ એ અચાનક મોકૂફ રાખવામાં આવી અને હવે પ્રધાનમંડળના વિસ્તરણ પછી જ કૅબિનેટની બેઠક મળે એવી સંભાવના છે. બે દિવસ માટે BJPના તમામ વિધાનસભ્યો અને પ્રધાનોને ગાંધીનગરમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી.
આજે ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિરમાં સવારે ૧૧.૩૦ વાગ્યે ગુજરાતના પ્રધાનમંડળના નવા પ્રધાનોનો શપથવિધિ સમારોહ યોજાશે. આ શપથવિધિમાં પ્રધાન તરીકે કોણ પડતા મુકાશે અને નવા કોણ આવશે એ નામોની અટકળો ચર્ચાના ચકડોળે ચડી છે, પણ ભારતીય જનતા પાર્ટી (BJP) હંમેશાં સરપ્રાઇઝ આપવા માટે જાણીતી છે. ચર્ચા એવી છે કે રાજીનામું આપનારા પાંચથી છ પ્રધાનો રિપીટ થઈ શકે છે. એમાંથી કેટલાકને પ્રમોશન મળશે તો કેટલાકનાં ખાતાં બદલાઈ શકે છે.
ADVERTISEMENT
વિસ્તરણ કે પુન: રચના?
તમામ પ્રધાનોનાં રાજીનામાં લેવાતાં પ્રશ્ન એ ઊઠ્યો હતો કે ગુજરાતમાં પ્રધાનમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે કે પુન: રચના? બીજી તરફ પદનામિત પ્રધાનોની શપથવિધિ માટે મહાત્મા મંદિર ખાતે તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. પ્રધાનમંડળના વિસ્તરણ કમ પુન: રચનામાં આ વખતે ૨૫થી ૨૭ સભ્યોનું પ્રધાનમંડળ બની શકે છે. એટલું જ નહીં, કદાચ નાયબ મુખ્ય પ્રધાન તરીકે પણ કોઈ વિધાનસભ્યની પસંદગી થઈ શકે છે. ગુજરાતમાં ઝોન વાઇઝ બૅલૅન્સ જાળવવાનો પ્રયાસ પણ હાઇકમાન્ડ કરશે અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમ જ સૌરાષ્ટ્ર–કચ્છમાંથી પ્રતિનિધિત્વ આપીને ઝોન પ્રમાણે પ્રધાનોનું બૅલૅન્સ કરવામાં આવે એવી શક્યતા છે. તમામ પ્રધાનોનાં રાજીનામાં લેવાયાં છે, પરંતુ આમાંથી કેટલાક પ્રધાનોને ફરી વાર પ્રમોશન સાથે સમાવવામાં આવે એવી પણ શક્યતા જોવાઈ રહી છે. પ્રધાનમંડળમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી મહિલા વિધાનસભ્યને પ્રધાન બનાવાય એવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે.
નવા કોણ જોડાઈ શકે છે?
કૉન્ગ્રેસની વંડી ઠેકી BJPમાં જોડાઈને વિધાનસભ્ય બનેલા વિધાનસભ્યોને પણ પ્રધાન તરીકેની ગિફ્ટ મળી શકે છે. કૉન્ગ્રેસના એક સમયના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા, સી. જે. ચાવડા ઉપરાંત યુવા નેતા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને BJP પ્રધાનપદની દિવાળી ગિફ્ટ આપે છે કે કેમ એ આજે ખબર પડી જશે.
ગઈ કાલે રાજીનામા બાદ સાંજે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં આવેલી પ્રધાનોની ઑફિસમાંથી કેટલાક પ્રધાનોએ તેમની ઑફિસ ખાલી કરવાનું પણ શરૂ કરી દીધું હતું.

