કરોડો રૂપિયાના દાગીનાની લૂંટની ફરિયાદ નોંધાતાં ઝોન ચારના ચુનંદા ઑફિસરોના વડપણ હેઠળ ૮ ટીમ બનાવવામાં આવી હતી
પ્રતીકાત્મક તસવીર
શિવડીના જ્વેલરના ડિલિવરી એક્ઝિક્યુટિવ શામળભાઈ રબારી અને તેમના સહકર્મીને ૧૩ ઑક્ટોબરે રફી અહમદ કિડવાઈ માર્ગ પર બાઇક પર આવેલા બે લૂંટારાઓ ગન દેખાડી ધમકાવીને તેમની પાસેથી ૨.૨૯ કરોડ રૂપિયાના દાગીનાની બૅગ લઈને નાસી છૂ્ટ્યા હતા. એ કેસ રફી અહમદ કિડવાઈ માર્ગ પોલીસે ઉકેલી લીધો છે એટલું જ નહીં, એ કેસમાં લૂંટાયેલી ૧૦૦ ટકા જ્વેલરી પાછી મેળવવામાં પોલીસને સફળતા મળી છે.
કરોડો રૂપિયાના દાગીનાની લૂંટની ફરિયાદ નોંધાતાં ઝોન ચારના ચુનંદા ઑફિસરોના વડપણ હેઠળ ૮ ટીમ બનાવવામાં આવી હતી. એ પછી એ વિસ્તારના ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કરવામાં આવ્યાં હતાં અને એના આધારે ટેક્નિકલ માહિતી કઢાવવામાં આવી હતી. એ માહિતીના આધારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી ૨૧ વર્ષના ભાણારામ રબારી અને ૨૧ વર્ષના લીલારામ દેવાસીને ઝડપી લેવાયા હતા. તેમની પાસેથી તેમણે લૂંટેલા ૨૦૬૭.૧૪૩ ગ્રામના સોનાના તમામ દાગીના હસ્તગત કરી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ લૂંટમાં તેમને સાથ આપનાર અન્ય બે આરોપીઓને પણ ઝડપી લેવાયા હતા.

