અમદાવાદનું જેલ ભજિયા હાઉસ હવે માત્ર સ્વાદનું સરનામું નહીં, ઇતિહાસને ચાખવાનું પણ નવું સ્થળ બની ગયું છે
અમદાવાદનું જેલ ભજિયા હાઉસ
એક રમૂજી સમાચાર તાજેતરમાં વાંચવામાં આવ્યા. અમદાવાદના ‘જેલ ભજિયા હાઉસ’ને હવે એક નવો અને આકર્ષક હેરિટેજ લુક આપવામાં આવ્યો છે. વાંચીને તમે પણ મલકી તો ગયા જ હશો. એક તો ભજિયા હાઉસ અને એને હૅરિટેજ લુક? વાત જ કેવી કૉમિક છે!
જેલનું નામ સાંભળતાં જ આપણા મનમાં સામાન્ય રીતે ૩ વસ્તુ આવે : કેદી, સળિયા અને સજા. જોકે અમદાવાદે આ ત્રણેયની વચ્ચે એક ચોથી વસ્તુ પણ ઉમેરી દીધી છે - ભજિયાં. કયો ગુજરાતી ભજિયાંનો શોખીન ન હોય?
ADVERTISEMENT
૩ માળની ઇમારતને અદ્યતન લુક આપીને એમાં રેસ્ટોરાં અને બૅન્ક્વેટ હૉલની સાથે એક વિશેષ મ્યુઝિયમ પણ છે. એમાં સ્વતંત્રતાસેનાનીઓએ સાબરમતી જેલમાં વિતાવેલા સમયની અને બલિદાનની ગૌરવશાળી ઝાંખી દર્શાવવામાં આવી છે. અહીં આવતા મુલાકાતીઓ માટે સાબરમતી જેલના કેદીઓ દ્વારા જાતે તૈયાર કરવામાં આવતાં ભજિયાં મુખ્ય આકર્ષણ તો છે જ. એટલે જે સ્થળનું નામ સાંભળીને અત્યાર સુધી જીભ પર ચટાકો આવતો હતો ત્યાં હવે આંખો અને મનને પણ ઇતિહાસનો સ્વાદ મળશે. ઉપરાંત ‘જેલર અને કેદી’ની યુનિક થીમથી આખું ભવન તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો આ નવનિર્મિત ભવનની એક કાલ્પનિક સફરે, હેરિટેજ વૉકના અંદાજમાં.
lll
‘મિત્રો, આજે આપણે જે ઇમારતની સામે ઊભા છીએ એને માત્ર એક રેસ્ટોરાં તરીકે જોવાની નથી, પણ એ ઇમારતની પાછળનો જે ઐતિહાસિક સંદર્ભ છે એ જાણવાનો છે.’
હેરિટેજ વૉકના ગાઇડ તરીકે મેં ગંભીર શરૂઆત કરી. ગ્રુપમાં સૌના મોઢા પર અચરજ દેખાતું હતું. ‘સાબરમતી જેલ... અનેક નેતાઓ આ સળિયા પાછળ કેદ થયા હતા. આ માત્ર ઐતિહાસિક નામ નથી, ભારતના સ્વતંત્રતાસંગ્રામના સેનાનીઓએ વેઠેલી યાતનાઓ અને એ સમયની સ્મૃતિઓનું કાયમી સરનામું છે.’
સાંભળીને એક યુવતીએ ઇન્ટેલિજન્ટ કમેન્ટ કરી, ‘પણ સળિયા તેમના વિચારોને કેદ કરી શક્યા નહોતા.’
બધાએ તાળીઓ પાડી. મને પણ બહુ ગમ્યું. ચાલો, આ વૉકનો હેતુ ભજિયાંપાર્ટી પૂરતો નહીં રહે.
એક વડીલે ઉમેર્યું, ‘આપણે જે આઝાદી આજે ભોગવી રહ્યા છીએ એની પાછળ બલિદાનની અનેક અજાણી વાર્તાઓ છે.’
પ્રતિસાદ મને ગમ્યો. મેં ઉમેર્યું, ‘એટલે જ જે ઇતિહાસ પુસ્તકોમાં ધરબાઈ ગયો છે એને એ સ્થળે ઊભા રહીને ફરી જીવંત કરવો છે.’
કોઈ ઇમારતનું નિરીક્ષણ કરવા લાગ્યું તો કોઈ ફોટો પાડવા લાગ્યું. બધા ઇન્વૉલ્વ થઈ રહ્યા હતા. મેં રસ પડે એ રીતે વિગતો આપવાનું શરૂ કર્યું...
‘અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર રેસ્ટોરાં અને પહેલા માળે બૅન્ક્વેટ હૉલ છે. વેઇટરોનો ડ્રેસ જેલના કેદીઓ જેવો જ રાખવામાં આવ્યો છે અને કાઉન્ટર પર જેલરના લુકમાં કૅશિયર બેઠો હોય છે.’
બધાને બહુ નવાઈ લાગી, પણ હૅરિટેજ વૉકમાં ગંભીરતા લાંબો સમય ચાલતી નથી.
એક બહેને કમેન્ટ કરી, ‘એટલે સર, ભજિયાં જૂનાં જ રહેશે કે એને પણ નવો લુક આપવામાં આવ્યો છે?’
ગ્રુપમાં હાસ્ય ફેલાયું. દરેકને કંઈક કહેવું હતું.
‘ભજિયાં તો અમદાવાદની ખાણી-પીણીના હેરિટેજનો જ ભાગ છે.’
‘એટલે આપણે ઇમારત જોવા આવવાનું અને ભજિયાં ખાઈને જવાનું.’
‘ભજિયાં જ શા માટે? આખી થાળી ખાઈને જ જજોને.’
‘શું વાત કરો છો?’
‘હા, આ પ્રોજેક્ટનું એક વિશેષ આકર્ષણ ગાંધી-થાળી પણ છે.’ મેં ધ્યાન દોર્યું.
એક યુવાને તરત પૂછ્યું, ‘ગાંધીજીનું નામ ભોજન સાથે કેમ જોડવામાં આવ્યું?’
મેં થોડી ગંભીરતા લાવીને સમજાવ્યું, ‘ગાંધીજીના જીવનમાં ખોરાકનો સંબંધ માત્ર સ્વાદ સાથે નહોતો. સાદગી, આરોગ્ય અને જરૂરિયાત પૂરતું જ જમવું એ તેમના જીવનદર્શનનો ભાગ હતો. એટલે ગાંધી-થાળીને એક મેનુ તરીકે ન જોતાં એક વિચાર સાથે જોડવી જોઈએ.’
પેલા યુવાને તરત જ ફરી પૂછ્યું, ‘તો-તો થાળી સાવ સાદી હશેને?’
‘સાદી એટલે સ્વાદ વગરની નહીં. બીજી હોટેલો જેવી મસાલેદાર નહીં, પણ ઘર જેવી દાળ-ભાત-શાક-રોટલી-છાશની સંપૂર્ણ થાળી. પૂરેપૂરી પૌષ્ટિક અને એ બનાવે છે જેલની સજા ભોગવતા કેદીઓ જ.’
‘સાદું અને સારું પણ. આપણા પેટને તો સજા નહીં જ થાય.’
ફરી હાસ્યનું મોજું ફરી વળ્યું. એક ભાઈએ કહ્યું, ‘પણ હૅરિટેજ વૉક અને ભોજનને સાથે લાવવાની શી જરૂર?’
આ પ્રશ્નએ વાતને ઊંડાણ આપ્યું.
મેં કહ્યું, ‘કારણ કે શહેરનો ઇતિહાસ માત્ર એની ઇમારતોમાં જ નથી હોતો; લોકોની ભાષામાં, વસ્ત્રોમાં, તહેવારોમાં અને ખાવાની ટેવોમાં પણ હોય છે. કોઈ શહેરને સમજવું હોય તો એની શેરીઓમાં પણ ફરવું પડે, તેમની જૂની વાતો સાંભળવી પડે, તેમની રસોઈનો સ્વાદ પણ જાણવો પડે.’
મ્યુઝિયમથી પાછા ફરતાં પેલી કલ્પનાશીલ યુવતીએ સરસ વાકય કહ્યું, ‘આ દીવાલોએ જે સમય જોયો એ તમે અમને બતાવ્યો. જાણે ટાઇમ-કૅપ્સ્યુલમાં ભૂતકાળનો પ્રવાસ કર્યો.’
બીજા ભાઈએ કહ્યું, ‘છૂટા પડતાં પહેલાં ચાલો એક ગ્રુપ-સેલ્ફી લઈ લઈએ. ચીઈઈ...ઝ. ના... ના... ભજિયાંઆઆઆ...’
બાય ધ વે
તમને ખબર છે આ ‘જેલ ભજિયા હાઉસ’ ક્યારે શરૂ થયું? એનું આવું નામ કેમ છે? એ આટલું પૉપ્યુલર કેમ છે? તો મિત્રો, એનો ઇતિહાસ અમદાવાદની પતંગો જેટલો જ ભાતીગળ છે. ૧૯૯૮માં ઉતરાણ વખતે શાહીબાગ પોલીસ ક્વૉર્ટર્સ ખાતે જેલ દ્વારા ભજિયાંનો એક સ્ટૉલ રાખવામાં આવ્યો હતો. ચંદુ પીતાંબર નામના કેદી દ્વારા બનાવેલાં ભજિયાંનો સ્વાદ બધાને એટલો ગમ્યો કે પછી કાયમી ધોરણે સ્ટૉલ રાખવાનું નક્કી કરવામાં આવ્યું. પછી તો ધીમે-ધીમે અમદાવાદના ફૂડ-કલ્ચરનો એ એક અંતરંગ હિસ્સો બની ગયો. તો જશોને ભજિયાં ખાવા જેલમાં?
- યોગેશ શાહ
