હવે તો બહુ મોડું થઈ ગયું છે... શું તમે પણ આવું જ વિચારો છો? તો જીવનનો નવો પ્રારંભ કરવામાં આ ૧૦ પગલાં મદદરૂપ થશે
પ્રતીકાત્મક તસવીર
ક્યારેય એવું બન્યું છે કે તમને અચાનક લાગ્યું હોય કે તમે આખી જિંદગી બધાની જરૂરિયાતો પૂરી કરવામાં વ્યસ્ત રહ્યા, પરંતુ તમારી પોતાની ઇચ્છાઓ માટે જાણે સમય જ કાઢ્યો નથી? પછી મનમાં બીજો સવાલ આવ્યો હોય કે ‘હવે તો બહુ મોડું થઈ ગયું છેને?’ કદાચ આ જ સવાલ ૪૦ કે ૫૦ પછી નવી શરૂઆત કરવા ઇચ્છતા મોટા ભાગના લોકોનો સૌથી મોટો અવરોધ છે; પણ જો થોડું થોભીને વિચારીએ તો સમજાય છે કે ઘણી વાર આપણને ઉંમર રોકતી નથી હોતી, ઉંમર સાથે જોડાયેલી આપણી પોતાની માન્યતાઓ હોય છે
જીવનની શરૂઆતનાં વર્ષોમાં આપણને લાગે છે કે આગળ વધવા માટે અનંત સમય છે. ૨૦ વર્ષની ઉંમરે ૩૦ બહુ દૂર લાગે છે, ૩૦ની ઉંમરે ૪૦ સુધી ઘણો સમય બાકી લાગે છે અને ૪૦ પછી અચાનક ઘડિયાળ ઝડપથી ચાલતી હોય એવું અનુભવાય છે. આ તબક્કે વ્યક્તિ પોતાના જીવનની સરખામણી આસપાસના લોકો સાથે કરવા લાગે છે. કોઈએ ઘર ખરીદી લીધું છે, કોઈનો વ્યવસાય સારી રીતે ચાલી રહ્યો છે, કોઈ સંતાનોની જવાબદારીમાંથી બહાર આવી રહ્યો છે અને કોઈ નિવૃત્તિનું આયોજન કરી રહ્યો છે. એ વચ્ચે જો પોતાના મનમાં કોઈ અધૂરું સપનું માથું ઊંચું કરે તો પહેલો વિચાર ઘણી વાર એ જ આવે છે કે આ બધું હવે શા માટે? લોકો શું કહેશે? આ બધું કરવાની ઉંમર તો નીકળી ગઈ... કોઈ નવી વસ્તુ શીખવાની ઇચ્છા થઈ હોય, કારકિર્દીમાં ફેરફાર કરવાનો વિચાર આવ્યો હોય, વર્ષોથી મનમાં રહેલું કોઈ કામ શરૂ કરવાની ઇચ્છા થઈ હોય પણ ઉંમરને કારણે તમે અટકાવી દીધી હોય? નવી શરૂઆતનો અર્થ હંમેશાં નોકરી છોડવી, શહેર બદલવું કે મોટો બિઝનેસ શરૂ કરવો જ હોય એવું પણ નથી. ક્યારેક નવી શરૂઆત એટલે વર્ષોથી મુલતવી રાખેલો કોઈ શોખ ફરી જીવંત કરવો, નવી સ્કિલ શીખવી, પોતાની ઓળખ માટે થોડો સમય કાઢવો અથવા પોતાના જીવન વિશે ફરી એક વાર વિચારવું. તો સવાલ એ નથી કે હવે બહુ મોડું થઈ ગયું છે. સવાલ એ છે કે આગળનાં વર્ષોમાં હું મારી જિંદગીમાં શું ઉમેરવા માગું છું?
ADVERTISEMENT
૪૦ કે ૫૦ પછી વ્યક્તિ પાસે યુવાની જેટલો સમય અને જોખમ લેવાની સ્વતંત્રતા કદાચ ન હોય, પણ તેની પાસે જીવનને સમજવાની એવી ક્ષમતા હોય છે જે માત્ર પુસ્તકો કે કોર્સથી મળતી નથી. એટલે નવી શરૂઆતનો અર્થ ભૂતકાળને ભૂંસી નાખવો નહીં, ભૂતકાળમાંથી મળેલા અનુભવને નવી દિશામાં ઉપયોગમાં લેવાનો છે. આ સમયે લાઇફને રી-સ્ટાર્ટ કરવાનું મન થાય તો કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ એ લાઇફ-કોચ અને હૉલિસ્ટિક હીલર ડૉ. મેઘાવી શાહ પાસેથી જાણીએ. તેમની આ ૧૦ વાતો નવી શરૂઆત કરવામાં મદદ કરશે.
સૌથી પહેલાં પૂછો કે મારે ખરેખર શું બદલવું છે?
નવી શરૂઆતની વાત આવે ત્યારે આપણે ઘણી વાર સીધા ઉકેલ વિશે વિચારવા લાગીએ છીએ. નોકરી બદલવી છે? બિઝનેસ કરવો છે? કોઈ કોર્સ કરવો છે? જોકે એ પહેલાં એક મૂળ પ્રશ્ન જરૂરી છે કે મને ખરેખર જોઈએ શું છે? ક્યારેક વ્યક્તિને પોતાની કારકિર્દીથી સમસ્યા હોતી નથી, પરંતુ એકસરખી દિનચર્યાથી કંટાળો આવ્યો હોય છે. કોઈને નોકરી છોડવી નથી, પણ પોતાની પસંદગીનું કંઈક કરવાની જગ્યા જોઈએ છે. કોઈને પૈસા કરતાં પોતાની ઓળખ ફરીથી સ્થાપિત કરવાની જરૂરિયાત અનુભવાય છે. એટલે નવી શરૂઆત પહેલાં થોડો સમય પોતાની સાથે વાત કરો. મને શું ગમે છે? કઈ પ્રવૃત્તિ કર્યા પછી મને સારી ફીલિંગ આપે છે? હું વર્ષોથી શું કરવા માગતો હતો? જો લોકો શું કહેશે એની ચિંતા ન હોત તો હું શું અજમાવત? આવા સવાલો ઘણી દિશાઓ ખોલી શકે છે.
તમને ઉંમર રોકે છે કે ‘લોકો શું કહેશે’નો ડર?
આપણો સૌથી મોટો અવરોધ ઉંમર નથી હોતો, પરંતુ સમાજની અપેક્ષા હોય છે. ૫૦ વર્ષની વ્યક્તિ ગિટાર શીખવા જાય તો કોઈ પૂછે, હવે આ ઉંમરે? ૪૫ વર્ષની કોઈ વ્યક્તિ નવો વ્યવસાય શરૂ કરે તો તરત સવાલ થાય, આટલાં વર્ષ પછી કેમ? આવા પ્રશ્નો ધીમે-ધીમે આપણા પોતાના વિચારો બની જાય છે. પછી બહારનો માણસ કંઈ કહે એ પહેલાં જ આપણે પોતાની જાતને રોકી દઈએ છીએ. જોકે એક વાત સમજવી જરૂરી છે કે બીજાની સલાહ અને બીજાની મંજૂરી એક જ વસ્તુ નથી. પરિવાર કે મિત્રો આર્થિક સુરક્ષા વિશે પ્રશ્ન પૂછે તો એ સાંભળવા યોગ્ય છે, પરંતુ માત્ર સમાજ શું કહેશે એ કારણે પોતાની દરેક ઇચ્છાને દબાવી દેવી જરૂરી નથી.
૫૦ પછી શરૂઆત એટલે શૂન્યથી શરૂઆત નહીં
આ કદાચ સૌથી મહત્ત્વની સમજ છે. ૫૦ વર્ષની ઉંમરે કોઈ નવી દિશામાં જતી વ્યક્તિ પાસે ૨૦ વર્ષની વ્યક્તિ કરતાં ઓછી નહીં, પરંતુ તેમની પાસે ઘણી બાબતોમાં અનુભવની મૂડી હોય છે. ધારો કે બાવન વર્ષનો બૅન્કર હવે ડિજિટલ અથવા ડેટા સંબંધિત નવી સ્કિલ શીખવા માગે છે. તે કદાચ ટેક્નૉલૉજીમાં નવી વ્યક્તિ જેવો હશે, પરંતુ તે શૂન્ય પર નથી. તેને ગ્રાહકો સાથે વાતચીતનો અનુભવ છે, નિર્ણય લેવાની સમજ છે, દબાણમાં કામ કરવાની ટેવ છે અને વર્ષોના વ્યાવસાયિક અનુભવથી બનેલી સમજ છે. એ જ રીતે વર્ષો સુધી ઘર સંભાળનાર મહિલાએ કદાચ પોતાને મેં તો કંઈ કર્યું જ નથી એવું માન્યું હોય; પણ ઘરનું બજેટ, સમયનું આયોજન, અનેક લોકોની જરૂરિયાતો સંભાળવી, મુશ્કેલીમાં નિર્ણય લેવો આ બધી કુશળતાઓ છે. નવી શરૂઆતમાં આ અનુભવ કામ આવી શકે છે.
પૅશન શોધવાની ઉતાવળ ન કરો, પહેલા કંઈક અજમાવો
મારું પૅશન શું છે? આ પ્રશ્ન બહુ સાંભળવા મળે છે, પણ દરેક વ્યક્તિને તરત જ એનો જવાબ મળી જાય એવું નથી. ક્યારેક રસ કામ શરૂ કર્યા પછી ઊભો થાય છે. એટલે ૪૦ કે ૫૦ પછી જીવન બદલવું હોય તો એમ પૂછો કે આગામી ૩ મહિનામાં હું શું અજમાવી શકું? લેખન, શિક્ષણ, ફોટોગ્રાફી, સંગીત, કુકિંગ, કન્સલ્ટિંગ કે કોઈ નવી ટેક્નિકલ સ્કિલ જેવું કંઈક નાનું અજમાવો. શરૂઆતમાં એને વ્યવસાય બનાવવો જરૂરી નથી. પહેલાં જાણો કે તમને એ કામ ખરેખર ગમે છે કે નહીં.
મોટો નિર્ણય લેતાં પહેલાં નાનો પ્રયોગ કરો
૪૮ વર્ષની એક મહિલાને વર્ષોથી કુકિંગનો શોખ હતો. તેને લાગતું હતું કે પોતાનો ફૂડ-બિઝનેસ શરૂ કરવો જોઈએ, પણ સીધું મોટું રોકાણ કરવાને બદલે ઘરેથી થોડા-થોડા ઑર્ડર લેવાનું શરૂ કર્યું. આવા નાના પ્રયોગો આપણને બે વસ્તુ શીખવે છે કે કામ આપણને ખરેખર ગમે છે કે નહીં અને આપણે એની વાસ્તવિક મુશ્કેલીઓ સંભાળી શકીએ છીએ કે નહીં. નવી શરૂઆતનો અર્થ હંમેશાં બધું છોડીને કૂદી પડવું નથી. ઘણી વાર જૂના જીવનમાં નવી બારી ખોલવી વધુ સમજદારીભર્યું પગલું હોય છે. નાનો પ્રયોગ સફળ થાય તો ધીમે-ધીમે એને મોટો કરી શકાય.
નવી શરૂઆત કરો, પણ આર્થિક વાસ્તવિકતા ભૂલશો નહીં
ઉંમર વધે ત્યારે જવાબદારીઓનો સ્વભાવ પણ બદલાય છે. પચીસ વર્ષની ઉંમરે નોકરી છોડીને નવી શરૂઆત કરવી અને પચાસ વર્ષની ઉંમરે એ જ નિર્ણય લેવો એકસરખો નથી. સેવિંગ્સ, લોન, બાળકોની જરૂરિયાતો, પરિવારની જવાબદારીઓ અને નિવૃત્તિનું આયોજન આ બધું ધ્યાનમાં લેવું પડે. એટલે નવી શરૂઆતનો ઉત્સાહ જેટલો જરૂરી છે એટલું જ જરૂરી છે આયોજન. જો નવો વ્યવસાય શરૂ કરવો હોય તો પહેલાં નાનું મૉડલ અજમાવી શકાય. નવી સ્કિલ શીખવી હોય તો નોકરી સાથે શીખી શકાય. કારકિર્દી બદલવી હોય તો પહેલાં પાર્ટ-ટાઇમ અથવા પ્રોજેક્ટ-આધારિત તક શોધી શકાય. સાહસનો અર્થ જોખમને અવગણવો નથી, જોખમને સમજીને પગલું ભરવું છે.
પરિવાર કહે ‘હવે શું જરૂર છે?’ ત્યારે શું કરશો?
નવી શરૂઆતનો નિર્ણય માત્ર વ્યક્તિગત નથી હોતો. ખાસ કરીને ૪૦ કે ૫૦ પછી પરિવારની ચિંતા પણ જોડાયેલી હોય છે. જીવનસાથીને આર્થિક સુરક્ષાની ચિંતા હોઈ શકે, બાળકોને પરિવર્તન સમજવામાં સમય લાગી શકે. આ સ્થિતિમાં બે અતિરેક ટાળવા જેવા છે. એક તરફ પરિવારની દરેક વાતને અવગણવી નહીં અને બીજી તરફ પરિવારની મંજૂરી વગર એક પગલું પણ ન ભરવું એવું પણ જરૂરી નથી. તમારી યોજના પરિવાર સાથે સ્પષ્ટ રીતે શૅર કરો. તમે શું કરવા માગો છો, કેટલું જોખમ છે, કેટલો સમય આપશો અને આર્થિક અસર શું થશે આ બધું સમજાવો. ઘણી વાર વિરોધનું મૂળ કારણ તમારી ઇચ્છા નહીં, અનિશ્ચિતતા હોય છે.
કદાચ તમને કારકિર્દી નહીં, તમારી ઓળખ પાછી જોઈએ છે
નવી શરૂઆતનો અર્થ દરેક વખતે કારકિર્દી બદલવી નથી. ખાસ કરીને વર્ષો સુધી પરિવારને પ્રાથમિકતા આપ્યા પછી કોઈ વ્યક્તિને એવું લાગી શકે કે હું મારા માટે શું છું? બાળકો મોટાં થઈ ગયાં હોય, જવાબદારીઓ થોડી હળવી થઈ હોય અને અચાનક સમય મળવા લાગ્યો હોય ત્યારે આ પ્રશ્ન વધુ સ્પષ્ટ બને છે. આ સમયે કોઈ શોખ, મિત્રમંડળ, સામાજિક પ્રવૃત્તિ, અભ્યાસ અથવા સર્જનાત્મક કામ જીવનમાં નવી ઊર્જા લાવી શકે છે. પોતાની ઓળખ માટે દર અઠવાડિયે થોડા કલાકો કાઢવા પણ નવી શરૂઆત બની શકે છે.
સત્ય સ્વીકારો, સમય પાછો નહીં આવે
નવી શરૂઆત વિશે વાત કરતી વખતે માત્ર ઉત્સાહની વાત કરવી સરળ છે, પરંતુ વાસ્તવિકતા સ્વીકારવી પણ જરૂરી છે. કેટલાક અવસર કદાચ હવે પહેલાં જેવા ઉપલબ્ધ નહીં હોય. શરીર, જવાબદારીઓ, આર્થિક સ્થિતિ અને સમય બધું ઉંમર સાથે બદલાય છે; પણ કેટલીક બાબતો પહેલાં જેવી શક્ય નથી અને હવે કંઈ જ શક્ય નથી આ બન્ને વાક્યો એકસરખાં નથી. ૪૦ પછી કદાચ તમે ૨૦ની જેમ કારકિર્દી શરૂ ન કરી શકો, પણ તમારા અનુભવના આધારે નવી ભૂમિકા બનાવી શકો. ૫૦ પછી કદાચ દરેક જોખમ લઈ ન શકો, પરંતુ વિચારપૂર્વકના પ્રયોગો કરી શકો છો.
પાંચ વર્ષ પછી તમારી જાતને શું કહેવા માગો છો?
આ સવાલ કદાચ આખી ચર્ચાનો સૌથી ઉપયોગી સવાલ બની શકે છે. કલ્પના કરો કે આજે નહીં પણ પાંચ વર્ષ પછી તમે આ જ જગ્યાએ ઊભા છો. ત્યારે તમે તમારી જાતને શું કહેવા માગશો? મેં પ્રયાસ કર્યો હતો, કદાચ બધું સફળ ન થયું પરંતુ મેં મારી ઇચ્છાને એક તક આપી હતી અથવા હું માત્ર એ વિચારતો રહ્યો કે હવે બહુ મોડું થઈ ગયું છે. દરેક નવી શરૂઆત સફળ જ થાય એવું નથી. કેટલાક પ્રયાસો અધૂરા રહી શકે છે, કેટલાક રસ્તા ખોટા સાબિત થઈ શકે છે; પણ નિષ્ફળ પ્રયાસ પણ અનુભવ આપે છે. સૌથી મોટું નુકસાન ઘણી વાર નિષ્ફળ થવામાં નહીં, પ્રયાસ કર્યા વગર માત્ર ઉંમરને કારણ બનાવીને અટકી જવામાં હોય છે. ૪૦ કે ૫૦ પછીનું જીવન અંતિમ પડાવ નથી. એ જીવનના એવા તબક્કાની શરૂઆત હોઈ શકે છે જ્યાં નિર્ણય માત્ર બીજાની અપેક્ષાઓથી નહીં, પોતાની સમજથી લેવાય; કારણ કે નવી શરૂઆત માટે ઉંમર કરતાં વધુ સચોટ સમજ જરૂરી છે.
