તમે જુઓ, અત્યારનો જે માહોલ છે એમાં માણસ સતત પોતાને બિચારો અથવા પીડિત માને છે અને તેનાં રીઍક્શન મેજરલી નેગેટિવ છે.
અનુજા સંઘવી
આજકાલ બધા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એટલે કે AIથી ગભરાઈ રહ્યા છે. જોકે જે ખરેખર માણસ છે એનાથી AI ડરશે, માણસે એમાં ડરવું નહીં પડે. અત્યારે પ્રૉબ્લેમ જ એ થયો છે કે માણસ પોતે ભૂલી ગયો છે કે માણસાઈ જેવું પણ કંઈક એક્ઝિસ્ટ કરે છે. સતત દોડતા રહેવાની આપણી લાઇફસ્ટાઇલે આપણને ભુલાવી દીધું છે કે આપણે મશીન નહીં પણ માણસ છીએ. ભગવાને આપણને વૈચારિક ક્ષમતા પણ આપી છે અને દરેક ઘટના આપણને કંઈક શીખવવા આવી રહી છે.
તમે જુઓ, અત્યારનો જે માહોલ છે એમાં માણસ સતત પોતાને બિચારો અથવા પીડિત માને છે અને તેનાં રીઍક્શન મેજરલી નેગેટિવ છે. માત્ર વ્યક્તિગત રીતે જ નહીં, દુનિયાની દૃષ્ટિએ પણ આખી વાતને જોશો તો સમજાશે કે દેશો-દેશો વચ્ચે વૈમનસ્ય વધ્યું છે. કોઈને પાવર જોઈએ છે તો કોઈને પ્રતિકાર કરવામાં જ સમય વિતાવવો છે. સામાન્ય વિવેકબુદ્ધિ હોય એનો અભાવ દેખાય છે, કારણ કે માણસ માણસ બનવાનું ભૂલી જાય છે. દરેક ઘટના તમને કંઈક શીખવવા આવે છે કે તમે વધુ સારા માણસ કેવી રીતે બની શકો. હું તમને દાખલો આપીને આખી વાત સમજાવું. એક મહિના પહેલાં સાઉથ મુંબઈના મારા ઘરે ચોરી થઈ અને સારોએવો સામાન ગયો. પોલીસમાં ફરિયાદ કરી, ભવિષ્યમાં આવું ન થાય એની કાળજી પણ લીધી અને બસ. મારા માટે આ ઘટના મારે હજી અલર્ટ રહેવાની જરૂર છે એ વાતનું રિમાઇન્ડર હતું. ગુસ્સો, ડિપ્રેશન, ચોરનું તો બહુ જ ખરાબ થાય જેવા કોઈ વિચાર, ભાવ કે લાગણીઓને મેં હવા જ ન આપી. તમને ખબર છે કે આપણે બે જ દિશામાં લાગણીઓ કે વિચારોને લઈ જવા માટે ટેવાઈ ગયા છીએ. પહેલી દિશા છે રિવેન્જની, ગુસ્સાની કે સામેવાળાને દેખાડી દેવાની અને બીજી દિશા છે બિચારાપણાની, હતાશાની કે પારાવાર નિરાશાની. કાં તો આપણે વિચારીએ છીએ કે હું તો બદલો લઈને જ રહીશ અથવા કાં તો મારી જ સાથે આવું કેમ થાય છે, હું જ કેમ આટલી હેરાન થાઉં છું, મારી સાથે માત્ર અન્યાય જ થયો છે.
ADVERTISEMENT
આપણે સતત એ ભૂલી જઈએ છીએ કે આપણે માણસ છીએ. આપણને વિશિષ્ટ બુદ્ધિ મળી છે જાતને કેળવવાની. તમે જુઓ, પ્રકૃતિનાં બાકી બધાં જ તત્ત્વો પોતપોતાની રીતે સેટ છે. કૂતરાને કહેવું નથી પડતું કે તું કૂતરો છે એટલે કૂતરાની જેમ બિહેવ કર. ગધેડાને પણ નથી કહેવું પડતું. આ ઝાડ, પાન કે નાનકડી કીડી પણ પોતાનો કિરદાર મસ્ત નિભાવે છે; પરંતુ માણસ વારંવાર ભૂલી જાય છે કે તે માણસ છે. તેનામાં દરેક પરિસ્થિતિમાં સારું શોધી શકવાની અફલાતૂન ક્ષમતા પ્રકૃતિએ આપી છે. માણસ જો માણસાઈની દિશામાં સક્રિય થયા વિના આમ ને આમ જ કન્ટિન્યુ કરશે તો નક્કી છે કે માણસની જગ્યા મશીન લઈ લેશે જેની શરૂઆત થઈ ગઈ છે. તમે માણસ તરીકેના ગુણોને વિકસાવતા રહ્યા, સતત તમારી અંદરના સૉફ્ટવેરને બહેતર હ્યુમન બનવાની દિશામાં અપડેટ કરતા રહ્યા તો AI શું, AIના બાપુજી આવશે તો પણ તમારું કંઈ નહીં બગાડી શકે.
- અનુજા સંઘવી
જૅપનીઝ મિયાવાકી પદ્ધતિની મદદથી પાંચ લાખથી વધુ વૃક્ષો ઉગાડનારાં અનુજા સંઘવી પ્રકૃતિ બચાવવા ખેડૂતો સાથે મળીને પણ કાર્ય કરી રહ્યાં છે.
