આ સમસ્યાના વૈજ્ઞાનિક ઉકેલ તરીકે મૉડર્ન ઘરોમાં સર્કાડિયન લાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે
પ્રતીકાત્મક તસવીર
અત્યારના મૉડર્ન ઘર અને બદલાતી જીવનશૈલીમાં ઇન્ટીરિયર ડિઝાઇનિંગ માત્ર ઘરની સુંદરતા પૂરતું મર્યાદિત નથી રહ્યું, એ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સાથે સીધું જોડાય છે. ઘરોમાં વપરાતી પરંપરાગત લાઇટિંગ્સને એ ખબર નથી હોતી કે અત્યારે દિવસ છે કે રાત છે. પરિણામે રાતે એ બ્રાઇટ વાઇટ કલરની દેખાય છે જે આપણી સ્લીપ સાઇકલને પ્રભાવિત કરે છે. આ સમસ્યાના વૈજ્ઞાનિક ઉકેલ તરીકે મૉડર્ન ઘરોમાં સર્કાડિયન લાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે
લાઇટિંગના પ્રકાર અને ડિઝાઇન
ADVERTISEMENT
કોવ લાઇટિંગ અને ફૉલ્સ સીલિંગ સ્ટ્રિપ્સ
ફૉલ્સ સીલિંગની અંદર કે દીવાલની ધાર પર છુપાવેલી સ્માર્ટ કલર-ટ્યુનેબલ LED સ્ટ્રિપ્સ સર્કાડિયન સિસ્ટમ માટે સારી માનવામાં આવે છે. આ લાઇટો સીધી આંખ પર પડવાને બદલે છત કે દીવાલ પર અથડાઈને ફેલાય છે, જેથી સવારે કે રાત્રે આંખો પર જરાય સ્ટ્રેસ પડતું નથી.
ટ્યુનેબલ ડાઉનલાઇટ્સ
અને સ્પૉટલાઇટ્સ
સીલિંગમાં ફિટ કરવામાં આવતી ડાઉનલાઇટ્સ રૂમના મુખ્ય ભાગોને રોશન કરે છે. આ લાઇટ્સમાં કેલ્વિન ઑટોમેશન સેટ હોવાથી બપોરે એ બ્રાઇટ વાઇટ અને સાંજે સૉફ્ટ વૉર્મ યલો ટોનમાં આપોઆપ શિફ્ટ થઈ જાય છે.
ડેકોરેટિવ લાઇટિંગ
રાત્રિના સમયે લો લેવલ લાઇટિંગ માટે સ્માર્ટ ફ્લોર લૅમ્પ કે વૉલ લાઇટ્સ વપરાય છે. રાત્રે ઊંચી સીલિંગ લાઇટો બંધ કરીને માત્ર નીચેના સ્તરે ઍમ્બર લાઇટ ચાલુ રાખવાથી મગજને સૂર્યાસ્ત પછીનો સંકેત મળે છે. બેડની નીચે કે રસોડાની કૅબિનેટ નીચે લગાવેલી સ્ટ્રિપ લાઇટ્સ રાત્રે વૉશરૂમ કે પાણી માટે ઊઠતી વખતે માત્ર હળવો સૉફ્ટ પ્રકાશ આપે છે, જેથી ઊંઘ ઊડી જતી નથી.
વર્ચ્યુઅલ સ્કાયલાઇટ્સ
આ એક ખૂબ જ ટ્રેન્ડી ડિઝાઇન કન્સેપ્ટ છે. કુદરતી બારી કે રોશનદાન ન હોય એવા રૂમ કે બેઝમેન્ટ જેવા વિસ્તારમાં છત પર વિઝ્યુઅલ સ્કાયલાઇટ પૅનલ મૂકવામાં આવે છે. એ બિલકુલ કુદરતી આકાશ કે સૂર્યપ્રકાશ જેવો જ આભાસ અને પ્રકાશ પૂરો પાડે છે.
સર્કાડિયન લાઇટિંગ એટલે?
સર્કાડિયન લાઇટિંગ એક એવી કૃત્રિમ પ્રકાશ-વ્યવસ્થા છે જે દિવસ દરમ્યાન કુદરતી સૂર્યપ્રકાશના બદલાતા રંગો અને તીવ્રતાની આબેહૂબ નકલ કરે છે. એનું મૂળ કામ છે દિવસના સમયે વધુ તેજસ્વી અને કૂલ પ્રકાશ તથા રાત્રે નરમ અને વૉર્મ પ્રકાશ પૂરો પાડવો.
સર્કાડિયન લાઇટિંગ સિસ્ટમ મુખ્યત્વે સ્માર્ટ LED બલ્બ, સેન્સર અને કમ્પ્યુટર સૉફ્ટવેર ઑટોમેશનના સમન્વયથી કાર્ય કરે છે. આ સિસ્ટમમાં જોડાયેલા સૉફ્ટવેર દિવસના ચોક્કસ સમય અનુસાર લાઇટ્સને ઑટોમૅટિકલી રંગ અને તીવ્રતા બદલવાનો આદેશ આપે છે. ઉદાહરણ તરીકે સવારના સમયે લાઇટિંગનો સૉફ્ટવેર LEDને હળવી સફેદ લાઇટ આપવાનું કહે છે, બપોરના સમયે કૂલ બ્લુ વાઇટ જે કડક સૂર્યપ્રકાશ જેવી અનુભૂતિ કરાવે છે અને સૂર્યાસ્ત પછી પ્રકાશની બ્રાઇટનેસ આપોઆપ ઘટી જાય છે અને એનો રંગ વૉર્મ ઍમ્બર એટલે હળવો નારંગી અથવા પીળો થઈ જાય છે જે કુદરતી સૂર્યાસ્ત થયાનો આભાસ કરાવે છે.
સામાન્ય સર્કાડિયન સેટઅપ એક નક્કી કરેલા ફિક્સ ટાઇમટેબલ મુજબ ચાલે છે, જ્યારે ઍડ્વાન્સ્ડ સેટઅપ ઘરના ચોક્કસ લોકેશનના આધારે સૂર્યોદય અને સૂર્યાસ્તના વાસ્તવિક સમયને ટ્રૅક કરે છે. આનાથી ઋતુઓ બદલાવા છતાં પ્રકાશ-વ્યવસ્થા કુદરતી સૂર્યના સ્થાન સાથે આપોઆપ તાલમેલ જાળવી રાખે છે.
સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા
ઊંઘની ગુણવત્તામાં સુધારો : સાંજ પછીનો હળવો અને ગરમ પ્રકાશ શરીરમાં મેલૅટોનિન નામના સ્લીપ હૉર્મોનને દબાવતી બ્લુ લાઇટને ઓછી કરે છે, જેનાથી શરીરને આરામની સ્થિતિમાં લાવવું સરળ બને છે. જોકે એ ધ્યાન રાખવું જરૂરી છે કે એ અનિદ્રા જેવા રોગોની તબીબી સારવાર નથી. એ માનસિક તનાવ, ઊંઘતાં પહેલાં સ્ક્રીનનો અતિશય ઉપયોગ કે અનિયમિત દિનચર્યા જેવાં આંતરિક કારણોથી થતી ઊંઘની સમસ્યાઓને દૂર કરતી નથી.
કાર્યક્ષમતા અને ફોકસમાં સુધારો : કામના કલાકો દરમ્યાન મળતો કૂલ અને બ્રાઇટ પ્રકાશ વ્યક્તિની સતર્કતા, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને મૂડને સુધારે છે.
ઑટોમેટેડ સુવિધા : એક વાર આ સિસ્ટમ યોગ્ય રીતે સેટ થઈ જાય પછી લાઇટો આપોઆપ પોતાનો રંગ અને બ્રાઇટનેસ બદલે છે. એને વારંવાર મૅન્યુઅલી ડિમ કરવાની કે બલ્બ બદલવાની જરૂર રહેતી નથી.
ઉપયોગ કેવી રીતે કરવો
સર્કાડિયન લાઇટિંગ સિસ્ટમ અમલમાં મૂકવા માટે ઘરના જૂના બલ્બ બદલીને ઍડ્જસ્ટેબલ અને કલર-ટ્યુનેબલ સ્માર્ટ LED બલ્બ લગાવવા પડે છે. ઘરમાં આ વ્યવસ્થા શરૂ કરવા માટે મુખ્યત્વે આ વસ્તુઓની જરૂરિયાત રહે છે.
ટ્યુનેબલ વાઇટ LED બલ્બ અથવા પૅનલ : જે પ્રકાશના કલર ટેમ્પરેચર અને બ્રાઇટનેસને વાદળીથી લઈને ઍમ્બર સુધી બદલવાની ક્ષમતા ધરાવતા હોય.
સ્માર્ટ લાઇટિંગ હબ અથવા કન્ટ્રોલર : જે ઘરના તમામ બલ્બને એકસાથે જોડે છે અને સૉફ્ટવેર કમાન્ડનું સંચાલન કરે છે.
સ્માર્ટ હોમ અસિસ્ટન્ટ
અથવા ઍપ : હોમ અસિસ્ટન્ટ, ગૂગલ હોમ કે ઍક્ટિવ સૉફ્ટવેર આધારિત ઍપ્લિકેશન જે દિવસના સમય અને લોકેશન અનુસાર શેડ્યુલ સેટ કરીને લાઇટોનું ઑટોમેશન કરે છે. ઘરના જુદા-જુદા રૂમમાં જરૂરિયાત મુજબ આ લાઇટિંગ
સેટ કરી શકાય છે. જેમ કે હોમ ઑફિસ અથવા સ્ટડીરૂમમાં દિવસ દરમ્યાન વધુ કૂલ લાઇટ અને
બેડરૂમ કે લિવિંગ એરિયામાં સાંજ પછી સંપૂર્ણ વૉર્મ અને ડિમ લાઇટ રખાય છે.
