અંધેરી-ઈસ્ટમાં આવેલા છૂપા ખજાના જેવા આ સ્થળે ૧૯ ગુફાઓનો સમૂહ છે. ૧૫૦૦થી ૨૦૦૦ વર્ષ જૂની આ ગુફાઓમાં માનવસભ્યતાથી જોડાયેલું અનમોલ અતીત છુપાયેલું છે
ચૈત્યગૃહમાં જોવા મળતો સ્તૂપ અને દીવાલ પર કરવામાં આવેલી કોતરણી.
મુંબઈ જેવા કૉન્ક્રીટના જંગલમાં અનેક ગુફાઓ પોતાનું અસ્તિત્વ ટકાવીને બેઠી છે. આ ગુફાઓ ફક્ત પથ્થરની સંરચના નથી પણ ઇતિહાસની સાક્ષી, ધાર્મિક મહત્ત્વ ધરાવતું સ્થાન અને કળાનો અદ્ભુત નમૂનો છે. ગુફાઓની સંરચના અને એના પર કરવામાં આવેલી નકશી આપણને એ સમયમાં ખેંચીને લઈ જાય છે જ્યાં માનવસભ્યતાથી જોડાયેલું અનમોલ અતીત છુપાયેલું છે. આવી જ એક ગુફા એટલે અંધેરીમાં આવેલી મહાકાલીની ગુફાઓ.
હજારો વર્ષ જૂની ગુફાઓ
એમ મનાય છે કે મહાકાલીની ગુફાઓનું નિર્માણ પહેલી સદીથી છઠ્ઠી સદીની વચ્ચે કરવામાં આવ્યું હતું. એટલે કે આ ગુફાઓ ૧૫૦૦થી ૨૦૦૦ વર્ષ જૂની છે. અહીં કુલ ૧૯ ગુફાઓ છે. આ ગુફાઓને વૉલ્કૅનિક રૉક્સ એટલે કે જ્વાળામુખીમાંથી ફાટી નીકળેલા લાવામાંથી બનેલા ખડકોને કોતરીને બનાવવામાં આવી છે, જે સમય અને મોસમના પ્રભાવથી કમજોર પડી ગઈ છે. ઉત્તર-પશ્ચિમ દિશામાં ચાર ગુફાઓ છે અને દક્ષિણ-પૂર્વ દિશામાં ૧૫ ગુફાઓ એકસાથે બનેલી છે. બૌદ્ધ સાધુઓ અહીં રહેતા, ધાર્મિક વિધિઓ કરતા અને ધ્યાનમાં બેસતા હતા. એ સમયમાં આ
ADVERTISEMENT
જગ્યા જંગલો અને નાનાં-નાનાં ગામડાંઓથી ઘેરાયેલી હશે. એટલે બૌદ્ધ સાધુઓ માટે મેડિટેશન કરવા માટેનું એક ઉત્તમ સ્થળ રહ્યું હશે. મહાકાલી કેવ્સને કોંડીવિટે ગુફાઓના નામથી પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન કાળમાં સાલસેટ આઇલૅન્ડ પર પહેલાં પ્રમુખ વેપારી માર્ગ પર મીઠી નદીના તીરે કોંડકપુરી નામનું ગામ હતું. આ ગામની પૂર્વમાં ડુંગરો પર વેરાવલી નામનો ડુંગર હતો. એના પર આ ગુફાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પ્રાચીન કાળમાં સોપારા વેપારી બંદર તરીકે ઉદયમાં આવેલું મહત્ત્વનું વેપારી કેન્દ્ર હતું. આ વેપારી બંદરથી મોટા-મોટા વેપારી વેપાર માટે સોપારાથી કલ્યાણ અને કલ્યાણથી તેર પૈઠણ અને ઉત્તર ભારતમાં જતા હતા. આ જ વેપારી માર્ગ પર વર્તમાન અંધેરી-ઈસ્ટમાં આવેલી આ જગ્યાએ ગુફાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મુંબઈના પ્રાચીન ઇતિહાસમાં અંધેરીનું નામ ઉદયગિરિ હતું, જે બદલાઈને ઉંદેરી અને પછી અંધેરી થયું હોવાનું માનવામાં આવે છે. પ્રાચીન કોંડકપુરી નગર અને વેરાવલી ડુંગર આ સ્થળનું પ્રાચીન નામ છે. એ હિસાબે આ ગુફાનું પ્રાચીન નામ કોંડીવિટે બૌદ્ધ ગુફા અથવા વેરાવલી બૌદ્ધ ગુફા છે. આ ગુફાની બાજુમાં મહાકાલી માતાજીનું પ્રાચીન મંદિર છે જેથી સ્થાનિક લોકો એને મહાકાલી ગુફાઓના નામથી ઓળખે છે.
ગુફાઓની ખાસિયત
મહાકાલીની ગુફાઓમાંથી ગુફા-નંબર ૯ છે એ ખૂબ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે એ ભારતમાં મળી આવતા સૌથી જૂના ચૈત્યગૃહ (પ્રાર્થના હૉલ)માંથી એક માનવામાં આવે છે. એમ મનાય છે કે અહીંનું ચૈત્યગૃહ બિહારમાં આવેલી લોમસ ગુફાઓના ચૈત્યગૃહ પ્રમાણે કોતરેલું છે, જ્યારે આંધ્ર પ્રદેશની ગુંટુર બૌદ્ધ ગુફાનું ચૈત્યગૃહ પણ આ જ પદ્ધતિનું છે. ચૈત્યગૃહમાં એક અર્ધગોળાકાર સેલ છે, જેની અંદર વચ્ચે એક સ્તૂપ છે. એની ફરતે પ્રદક્ષિણા પથ અને આગળના ભાગે લંબચોરસ હૉલ છે. અર્ધગોળાકાર દીવાલમાં વચ્ચે દરવાજો અને બન્ને બાજુ જાળીદાર બારીઓ બનેલી છે. બૌદ્ધ ભિક્ષુઓ સ્તૂપની ચારે બાજુ પરિક્રમા કરે ત્યારે થોડો પ્રકાશ આવે એ માટે બારીઓ બનેલી છે. જમણી બાજુની જે બારી છે એના પર બે લાઇનમાં પ્રાકૃત ભાષામાં ધમ્મલિપી (બ્રાહ્મી)માં લખાણ છે. લંબચોરસ હૉલ છે એની જમણી દીવાલ પર પ્રાચીન શિલ્પ છે જેમાં ભગવાન બુદ્ધની ધમ્મ ચક્ર પ્રવર્તન મુદ્રા છે. બુદ્ધની મૂર્તિની બન્ને બાજુમાં પદ્મપાણિ અને વજ્રપાણિ બોધિસત્ત્વશિલ્પ છે. બુદ્ધની મૂર્તિ પદ્માસનમાં નથી પણ સિંહાસન પર વિરાજમાન છે અને તેમના પગ કમળના ફૂલ પર છે. આ કમળની દાંડી નાગ રાજાના હાથમાં છે, જે તેમના પરિવાર સાથે દર્શાવવામાં આવ્યા છે. ભગવાન બુદ્ધની આ જે મુખ્ય મૂર્તિ છે એના શીર્ષ ભાગમાં વિદ્યાધર શિલ્પ છે. એ સિવાય સૌથી ઉપર એક લાઇનમાં બુદ્ધનાં છ નાનાં શિલ્પ છે.
ગુફા એક, બે અને ત્રણ ઇન્ટરકનેક્ટેડ છે અને ત્રણેય મળીને એક વિશાળ ગુફાપરિસર બનાવે છે. મધ્ય ભાગમાં આવેલી ગુફા-નંબર બેનો વિહાર ભવ્ય છે. એની અંદર જશો તો વજ્રાસન (સીટ જેવું) દેખાશે અને એની પાછળની ભીંત પર સ્તૂપની આકૃતિ પણ કોતરેલી છે. પ્રાચીન સમયમાં કદાચ ત્યાં બુદ્ધની મૂર્તિ રાખેલી હોઈ શકે. ગુફા-નંબર નવના ચૈત્યગૃહને બાદ કરતાં બાકીની બધી જ ગુફાઓ મુખ્યત્વે વિહાર એટલે કે બૌદ્ધ ભિક્ષુઓના રહેવા અને સાધના માટે બનાવવામાં આવી હતી. અહીંની અલગ-અલગ ગુફાઓમાં તમે જોશો તો ક્યાંક અંદર મોટા-મોટા ખંડ બનેલા છે. કોઈક ગુફાઓમાં દરવાજા અને બારીઓ છે જેથી હવા અને પ્રકાશ આવી શકે. તો અમુકમાં વળી આગળના ભાગે વિશાળ ઓસરી છે. કોઈ ગુફાઓમાં અંદર પથ્થરની બેન્ચ અથવા તો ઓટલા જેવું સ્ટ્રક્ચર છે જેનો ઉપયોગ બૌદ્ધ ભિક્ષુઓ બેસીને આરામ કરવા, સૂવા કે મેડિટેશન કરવા માટે કરતા હોઈ શકે. મહાકાલી ગુફાઓને તમે જોશો તો ક્યાંય ભવ્ય કહી શકાય એવી સજાવટ નથી પણ બૌદ્ધ ભિક્ષુઓ માટે રહેવાની, સાધનાની અને દૈનિય કાર્ય માટે ઉપયોગી સુવિધા આપવાના ઉદ્દેશથી બનાવવામાં આવી હતી.
અન્ય ખાસિયત
મહાકાલી ગુફાઓના સ્તંભ આ ગુફાઓનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ સ્તંભ પહાડને કોતરીને જ ઊભા કરવામાં આવ્યા છે, અલગથી બનાવવામાં આવ્યા નથી. કેટલીક ગુફાઓના સ્તંભ ચોરસ આકારના છે, જ્યારે કેટલીક ગુફાઓમાં આઠ કોણવાળા સ્તંભ જોવા મળે છે. આ સ્તંભો પર એટલી નકશી કે સજાવટ નથી, કારણ કે એનો ઉદ્દેશ સુંદરતાથી વધુ મજબૂતી અને સહારો આપવાનો હતો. ઇન શૉર્ટ મહાકાલી ગુફાઓના સ્તંભ સરળ, સાદગીપૂર્ણ અને ઉપયોગી શૈલીમાં બનાવવામાં આવ્યા છે. એ આપણને એ સમયની બૌદ્ધ વાસ્તુકલાની સાદગી, ટેક્નિક અને પથ્થર કોતરવાની કળાનું પ્રમાણ આપે છે. કેટલીક ગુફાઓના રૂમ સ્તંભો વગરના પણ છે. ગુફાની દીવાલો અને છતને એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે રૂમ સ્તંભો વગર પણ સુરક્ષિત અને ખુલ્લો રહે.
મહાકાલી ગુફાઓમાં વૉટર ટૅન્ક જોવા મળે છે એ પહાડીને કોતરીને જ બનાવવામાં આવી હતી. એનો ઉપયોગ પાણી સંગ્રહિત કરવા માટે થતો હતો જેથી બૌદ્ધ ભિક્ષુઓ લાંબા સમય સુધી ગુફાઓમાં રહીને ધ્યાન અને આધ્યાત્મિક સાધના કરી શકે, તેમને ધાર્મિક વિધિ માટે અને દૈનિક જરૂરિયાતનું પાણી લેવા માટે દૂર સુધી જવું ન પડે. મહાકાલી ગુફાઓની આસપાસના ક્ષેત્રમાં
નાનાં-નાનાં ગામો વસેલાં હતાં. એ સમયે અહીં અનેક તાજા પાણીની ટૅન્ક બનેલી હતી. આ વૉટર ટૅન્ક સમય સાથે નષ્ટ થઈ ગઈ, પણ તેમ છતાં શેષ બચી છે. આ વૉટર ટૅન્ક દર્શાવે છે કે કઈ રીતે પ્રાચીન સમયમાં સસ્ટેનેબલ વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ વિકસિત કરવામાં આવી હતી.
આ સમજવા જેવું છે
ગુફાઓનું મહત્ત્વ ફક્ત ઇતિહાસ અને ધાર્મિક દૃષ્ટિકોણ પૂરતું સીમિત નથી. એના માધ્યમથી એ પણ જાણવા મળે છે કે પ્રાચીન સમયમાં માનવ કઈ રીતે કુદરતી સંસાધનનો ઉપયોગ બુદ્ધિમાનીથી કરતો હતો. પહાડોને કોતરીને જે રીતે ગુફાઓ અને એની અંદર જે રીતે વિહારો અને ચૈત્યગૃહ બનાવવામાં આવ્યાં છે એ એ સમયની જીવનશૈલી, ધાર્મિક અને સામાજિક જીવનની ઝલક આપે છે. મહાકાલીની ગુફાઓ પર્યાવરણ અને શિક્ષાની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે એ કુદરતી સંસાધનના ઉપયોગ અને જાળવણી તેમ જ ટકાઉ જીવનશૈલીની પ્રેરણા આપે છે.
એક સમયે ગાઢ જંગલનો ભાગ એવી ટેકરી પર આવેલી આ ગુફાઓની આસપાસ આજે તો મોટી-મોટી ઇમારતોનો ડેરો જામેલો છે. જોકે એમ છતાં ગુફાઓની આસપાસ થોડીઘણી હરિયાળી હજી છે જે ભૂતકાળના શાંત વાતાવરણની ઝલક આપે છે. મહાકાલી ગુફાઓ આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (ASI)ના સંરક્ષણ હેઠળ છે. સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યાની વચ્ચે આ સ્થળની મુલાકાત લઈ શકાય છે. અહીંની એન્ટ્રી-ફી ૨૦ રૂપિયા છે. કાન્હેરી કેવ્સની જેમ અહીં પર્યટકોની એટલી ભીડ હોતી નથી. એટલે જો તમે એક સાચા ઇતિહાસ અને વાસ્તુશિલ્પ પ્રેમી હો અને તમને શાંતિથી બધી વસ્તુ જોવી અને જાણવી હોય તો તમારા માટે આ એક આઇડિયલ પ્લેસ છે. એ સિવાય ફોટોગ્રાફીના શોખીનો માટે પણ આ એક ઉત્તમ લોકેશન છે. આ જગ્યા એકદમ વેલ-મેઇન્ટેડ અને ક્લીન છે.


