મરાઠી ન બોલવા બદલ માર ખાઈને જીવ આપનારો ટીનેજર મહારાષ્ટ્રિયન જ હતો એટલે BJP ભડકી
ઠાકરે બંધુઓની ફાઇલ તસવીર
કલ્યાણ લોકલમાં મરાઠી ન બોલવા બદલ એક મરાઠી ટીનેજર પર ચાર-પાંચ લોકોએ હુમલો કર્યો હતો જેને લીધે વ્યથિત થઈને તેણે આત્મહત્યા કરી હતી. આ બનાવ હવે રાજકીય રૂપ લઈ રહ્યો છે. મરાઠી બોલવાના મુદ્દે નૉન-મરાઠી લોકોની મારપીટ કરનારા અને ધાકધમકી આપનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરે અને શિવસેના (UBT)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે ભાષાવાદ કરીને સમાજમાં ઝેર ફેલાવી રહ્યા હોવાની ટિપ્પણી ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈના પ્રમુખ અમીત સાટમે કરી હતી.

ADVERTISEMENT
મરાઠી ટીનેજર અર્ણવ ખૈરે
અમીત સાટમે આ બનાવની આકરી ટીકા કરતાં કહ્યું હતું કે ‘ઉદ્ધવ અને રાજ ઠાકરે સમાજમાં વૈમનસ્ય ઊભું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સમાજને વિભાજિત કરવાની કોશિશ કરી રહ્યા છે. આ પ્રકારનાં કામ કરીને તેઓ સમાજમાં ઝેર ફેલાવી રહ્યા છે. ભાષા સંપર્કનું મધ્યમ છે, સંઘર્ષનું નહીં. આનું જ પરિણામ છે કે એક મરાઠી યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ઉદ્ધવ અને રાજ ઠાકરેને મરાઠી માણૂસ આનો પાઠ ભણાવીને રહેશે, ચૂપ નહીં બેસે.’
આ મુદ્દા પર અમીત સાટમે આજે સદ્બુદ્ધિ આંદોલન કરવાની જાહેરાત કરી છે. શિવાજી પાર્કમાં બાળાસાહેબ ઠાકરે સ્મારક ખાતે આજે BJPના કાર્યકરો સાથે મળીને ભાષાવાદ પર ઠાકરે બંધુઓનો વિરોધ કરવાની તેમણે તૈયારી બતાવી હતી.
અમીત સાટમે આ ઘટના માટે ઠાકરે બંધુઓને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે સોશ્યલ મીડિયા પર કહ્યું હતું કે ‘ઠાકરે પરિવાર દ્વારા ઉત્તર ભારતીયોને માર મારવાની ઘટના હવે આપણા ઘરઆંગણે પહોંચી ગઈ છે. ઠાકરે બંધુઓ સમાજમાં જે ઝેર વાવી રહ્યા છે એનાં પરિણામો જુઓ. બાળકો ફ્રેન્ચ અને જર્મન શીખશે, પણ જો તમે હિન્દીમાં એક વાક્ય બોલશો તો તમે મરી જશો.’


