શ્રમ એવ જયતે એટલે કે શ્રમ સદા વિજયી થાય છે - આવું ટ્વીટ કરીને નરેન્દ્ર મોદીએ દેશમાં શ્રમકાયદાઓમાં ઐતિહાસિક સુધારાઓની જાહેરાત કરી : દેશની ૪૦ કરોડની વર્કફોર્સને વ્યાપક લાભ પહોંચાડનારી ૪ શ્રમસંહિતાઓને કેન્દ્ર સરકારે લાગુ કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર
દેશમાં શ્રમનિયમો અને કાયદાઓમાં મોટો સુધારો સરકારે અમલમાં મૂક્યો છે. પાંચ વર્ષ પહેલાં પાર્લમેન્ટ દ્વારા મંજૂર થયેલી નવી ચાર શ્રમસંહિતાઓ (લેબર કોડ્સ)ને ગઈ કાલે સરકારે નોટિફિકેશન જાહેર કરીને લાગુ કરી હતી. જૂના ૨૯ કેન્દ્રીય શ્રમકાયદાઓને રદ કરીને એમના સ્થાને અમલમાં મૂકવામાં આવેલા આ નવા કોડ્સને લીધે હવે તમામ કામદારો-કર્મચારીઓ માટે હેલ્થ ઇન્શ્યૉરન્સ, ફરજિયાત અપૉઇન્ટમેન્ટ લેટર તેમ જ કૉન્ટ્રૅક્ટ પરના કર્મચારીઓને પણ કાયમી કર્મચારીઓ જેવી જ સુવિધા મળી શકશે. એક અંદાજ પ્રમાણે આનો સીધો ફાયદો દેશની ૪૦ કરોડ જેટલી વર્કફોર્સને થશે.
આ નવા નિયમોનો લાભ ઑફિસ કર્મચારીઓ ઉપરાંત છૂટક મજૂરી કરતા કામદારો અને મજૂરોને પણ મળશે. આ નવા લેબર કોડ્સમાં કંપનીઓ અને કર્મચારીઓ બન્નેના હિતને ધ્યાનમાં રાખીને વ્યાપક સુધારા અમલમાં મૂકવામાં આવ્યા છે. ઘણા સમયથી આ સંહિતાઓ અમલમાં આવે એની રાહ જોવાતી હતી. અમેરિકાના ટૅરિફ-પ્રેશર વચ્ચે દેશમાં રોકાણકારોને આકર્ષવા માટે આ સુધારાઓનો અમલ જરૂરી મનાતો હતો. નવી ૪ સંહિતામાં સેક્ટર-સ્પેસિફિક નિયમો પણ ઘડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
શું ફરક પડશે નવા સુધારાઓથી?
* ગ્રૅચ્યુઇટી માટે હવે ઓછામાં ઓછી પાંચ વર્ષની નોકરીની જરૂર નહીં રહે, કર્મચારી ફક્ત એક વર્ષની નોકરી પછી ગ્રૅચ્યુઇટી માટે પાત્ર બનશે.
* સમાજના ચોક્કસ આધારોને ધ્યાનમાં રાખીને મિનિમમ વેજ (ન્યુનતમ પગાર) નક્કી કરવામાં આવશે. કોઈ પણ કામદારને એનાથી ઓછું વેતન નહીં આપી શકાય.
* ૪૦થી વધુ ઉંમરના દરેક કર્મચારીનું દર વર્ષે ફ્રી હેલ્થ ચેકઅપ કરવામાં આવશે.
* દરેક સેક્ટરમાં મહિલાઓને નાઇટ શિફ્ટમાં પણ કામ કરવાની પરવાનગી મળશે. જોકે તેમની સુરક્ષાની પૂરી વ્યવસ્થા કરવી પડશે અને એ માટે મહિલાની પોતાની મંજૂરી પણ જોઈશે.
* કર્મચારીઓને સમયસર પગાર આપવો પડશે.
* ઑડિયો-વિઝ્યુઅલ અને ડિજિટલ મીડિયામાં કામ કરતા વર્કર્સને ઓવરટાઇમના કલાકો માટે સામાન્ય રેટ કરતાં ડબલ પગાર આપવો પડશે.


