તાજેતરમાં ગ્રીસમાં યોજાયેલી એક ઇવેન્ટમાં છત્તીસગઢનો અનિમેષ કુજુર ૧૦૦ મીટરની દોડ ૧૦.૧૮ સેકન્ડમાં પૂરી કરીને એ રેસમાં તો ત્રીજો આવ્યો, પણ દેશનો સૌથી ઝડપી દોડવીર બની ગયો છે
અનિમેષ કુજુર
ક્રિકેટ પાછળ ગાંડા થનારા આપણે ઇન્ડિયાની ઇંગ્લૅન્ડ-ટૂરમાં શું ચાલી રહ્યું છે એમાં ગળાડૂબ છીએ ત્યારે એક્ઝૅક્ટ એક વીક પહેલાં એટલે કે પાંચમી જુલાઈના દિવસે ગ્રીસના વારી નામના શહેરમાં યોજાયેલી ડ્રોમિયા ઇન્ટરનૅશનલ સ્પ્રિન્ટ મીટમાં આપણા જ એક ભારતીયે દુનિયાભરના ઍથ્લીટની આંખોમાં અચરજ આંજી દીધું અને માત્ર ૧૦.૧૮ સેકન્ડમાં ૧૦૦ મીટરની રેસ જીતીને દેશને જ નહીં, ખોબા જેવડા છત્તીસસગઢ અને છત્તીસગઢમાં આવેલા ઘુઇતાંગર નામના ગામને પણ દુનિયાની આંખ સામે મૂકી દીધું.
આપણે વાત કરીએ છીએ દેશના ફાસ્ટેસ્ટ રનર એવા અનિમેષ કુજુરની. અનિમેષે ૧૦૦ મીટરની દોડ ૧૦.૧૮ સેકન્ડમાં પૂરી કરીને નવો નૅશનલ રેકૉર્ડ બનાવ્યો છે. તેણે ચાર મહિના પહેલાં ૧૦.૨૦ સેકન્ડમાં ૧૦૦ મીટર દોડનારા ઍથ્લીટ ગુરિન્દરવીર સિંહને પાછળ રાખીને નવો રેકૉર્ડ બનાવ્યો છે. ગુરિન્દરવીર સિંહે આ રેકૉર્ડ બૅન્ગલોરમાં ૮ માર્ચે યોજાયેલી ઇન્ડિયન ગ્રાં પ્રી 1માં બનાવ્યો હતો.
ADVERTISEMENT
અનિમેષની વાત કરીએ તો તે માત્ર ૨૨ વર્ષનો છે. ગ્રીસમાં યોજાયેલી ડ્રોમિયા ઇન્ટરનૅશનલ સ્પ્રિન્ટમાં એ ત્રીજા ક્રમે આવ્યો પણ એના આ ત્રીજા ક્રમે દેશના તમામ ઍથ્લીટ-લવર્સના મનમાં આશા જન્માવી દીધી કે અનિમેષ ભારતનું નામ ઍલિમ્પિક્સમાં પણ ઝળકાવી શકે છે. જે અનિમેષના અત્યારે ઓવારણાં લેતાં દેશવાસીઓ થાકતા નથી એ અનિમેષને આ સફળતા કંઈ રાતોરાત નથી મળી. આ સફળતા માટે તેણે અથાગ સંઘર્ષ કર્યો છે, જે ખરેખર જાણવા જેવો છે. ફુટબૉલ પ્લેયર બનવા માગતા અનિમેષની લાઇફમાં કેવી રીતે ઍથ્લીટ બનવાનું આવ્યું અને ખાલી ખિસ્સે તેણે કેવી-કેવી તકલીફો વેઠી એ જાણ્યા પછી મનમાં ચોક્કસપણે આવી જાયઃ જેને કરવું છે તેને ક્યાંય કોઈ તકલીફ પડતી નથી.
ઑન યૉર માર્ક્સ...
છત્તીસગઢના ઘુઇતાંગર નામના ગામમાં રહેતા અનિમેષને અત્યારે દુનિયાની બેસ્ટ શૂ-બ્રૅન્ડ સાઇન કરવા માગે છે પણ આ અનિમેષે ૧૭ વર્ષ સુધી પગમાં ચંપલ પણ નહોતાં પહેર્યાં. હા, આ હકીકત છે. ૨૦૦૩ની બીજી જુલાઈના દિવસે જન્મેલા અનિમેષના પપ્પા અર્જુન કુજુર ટ્રાફિક-ડિપાર્ટમેન્ટમાં DSP છે પણ શરૂઆતનાં વર્ષોમાં તે નાની પોઝિશન પર હતા. અનિમેષનાં મમ્મી રીના કુજુર પણ પોલીસ-ડિપાર્ટમેન્ટમાં. મમ્મી-પપ્પા બન્ને સરકારી નોકરિયાત, બન્નેની ટ્રાન્સફરેબલ જૉબ એટલે બને એવું કે દર અઢી-ત્રણ વર્ષે તેમની ડ્યુટી નવા વિસ્તારમાં આવે અને તેમણે બિસ્તરા-પોટલાં બાંધીને રવાના થવું પડે. આવી પરિસ્થિતિમાં અનિમેષનું મોટા ભાગનું બાળપણ તેના મૂળ વતન એવા ઘુઇટાંગર નામના ગામમાં જ વીત્યું. આર્થિક પરિસ્થિતિ કંગાળ એવું તો ન કહેવાય, પણ અનિમેષ જે ગામમાં રહેતો એ પહાડી વિસ્તાર એટલે કાં તો તમારી પાસે ખાસ પ્રકારનું ટ્રેકિંગ થઈ શકે એ પ્રકારનાં શૂઝ હોવાં જોઈએ અને કાં તો ઉઘાડા પગ હોવા જોઈએ જેથી જમીન પર પકડ મજબૂત રહે. અનિમેષના પપ્પા અર્જુન કુજુર કહે છે, દીકરો આવું દોડે છે એ વાત તો મને વર્ષો પછી ખબર પડી.
નાનપણ વતનમાં વીત્યું અને એ પછી અનિમેષને છઠ્ઠા ધોરણમાં ઍડ્મિશન મળ્યું છત્તીસગઢના અંબિકાપુર નામના ગામમાં આવેલી સૈનિક સ્કૂલમાં. અહીં સુધી દોડવું એ અનિમેષ માટે પણ બસ, શેરી-ગલીઓમાં લગાડવામાં આવતી નૉર્મલ રેસ માત્ર હતી, પણ સૈનિક સ્કૂલમાં ગયા પછી અનિમેષને એ દોટનો બેનિફિટ સ્કૂલની ફુટબૉલ ટીમમાં થયો અને અનિમેષના મનમાં આવ્યું કે પોતે ફુટબૉલ માટે તૈયારી કરે. તેણે તૈયારીઓ પણ શરૂ કરી પણ એ તૈયારી દરમ્યાન હંમેશાં બનતું એવું કે તેના સાથી પ્લેયર અનિમેષનો રિધમ મૅચ ન કરી શકે. અનિમેષ એ લોકોથી હંમેશાં આગળ હોય. આ વાત નોટિસ કરી અનિમેષના પહેલા કોચ અને સ્કૂલના સ્પોર્ટ્સ ટીચર જે. બી. મૅથ્યુએ. તેમણે અનિમેષની દોટ પર ફોકસ કરવાનું શરૂ કર્યું અને તેમની આંખોમાં તાજ્જુબ પથરાઈ ગયું. છોકરો હવાથી પણ આગળ નીકળી જાય અને પ્રકાશને પણ પાછળ રાખી દે.
બી રેડી...
અનિમેષ કોઈ કાળે ફુટબૉલ છોડવા રાજી નહોતો. ખુદ અનિમેષ કુજુરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે એક વખત તો મને એવો પણ વિચાર આવ્યો હતો કે સર તેના બીજા કોઈ ફેવરિટ સ્ટુડન્ટને ટીમમાં લેવા માટે મને ખોટી ઍડ્વાઇઝ આપતા હશે.
અનિમેષ શરૂઆતનાં વર્ષોમાં બન્ને ગેમ પર એટલે કે રેસ અને ફુટબૉલ એમ બન્ને પર ધ્યાન આપતો પણ રેસની વાત આવે, દોટ મૂકવાની વાત આવે કે તરત તેને પગમાં પહેરાવવામાં આવેલાં શૂઝ ખૂંચવા માંડે અને તેની દોટ ધીમી પડી જાય. જોકે થોડા સમયની મહેનત પછી શૂઝ સાથે પણ અનિમેષે પોતાના પગમાં હવા ભરી દીધી અને તે પોતાની અવ્વલ સ્પીડ પર આવી ગયો. અર્જુન કુજુરે કહ્યું હતું, ‘ગ્રીસમાં અનિમેષને બ્રૉન્ઝ મેડલ મળ્યો એ વાતની ખુશી કરતાં અમને વધારે ખુશી એ છે કે અનિમેષે સૌથી ફાસ્ટ ભાગવાનો ભારતનો રેકૉર્ડ બનાવ્યો છે. અનિમેષના કારણે અમને હવે માનથી જુએ છે.’
પ્રી-કોવિડ કાળ સુધી અનિમેષ ફુટબૉલ અને દોડ બન્નેમાં ઇન્વૉલ્વ્ડ હતો પણ કોવિડને કારણે અનિમેષનું ધ્યાન ઑટોમૅટિકલી દોડમાં વધી ગયું. બન્યું એમાં એવું કે કોવિડની ગાઇડલાઇન વચ્ચે લાંબો સમય સુધી ફુટબૉલ માટે ટીમ કે અન્ય પ્લેયર્સને મળવાનું શક્ય બન્યું નહીં તો એમાં મૅચની તો વાત જ ક્યાં આવે? પણ રનિંગની પ્રૅક્ટિસ માટે તેણે કોઈને મળવાનું નહોતું કે એમાં કોઈ ગાઇડલાઇનનો ભંગ નહોતો થતો.
કોવિડ પિરિયડના નવથી દસ મહિનાના ગાળામાં અનિમેષે એકલા, કોઈની પણ મદદ વિના પોતાની પ્રૅક્ટિસ ચાલુ રાખી અને એનું પરિણામ એ આવ્યું કે બધું નૉર્મલ થતા સુધીમાં દેશને એક એવો સુપર-નૉર્મલ ઍથ્લીટ મળ્યો જે દુનિયાની નજર દેશ તરફ ખેંચી લેવાનો હતો.
થ્રી, ટૂ, વન ઍન્ડ ગો...
ગુવાહાટીમાં થયેલી અન્ડર-18 નૅશનલ સ્પોર્ટ્સ મીટમાં અનિમેષ પહેલી વાર સ્પાઇક શૂઝ પહેરીને રેસમાં ઊતર્યો. અગાઉ તેણે સ્પોર્ટ્સ શૂઝ પહેરવાનાં શરૂ કરી દીધાં હતાં પણ એ સ્ટેટ લેવલની કૉમ્પિટિશન હતી અને આ નૅશનલ કૉમ્પિટિશન હતી. આ કૉમ્પિટિશનમાંથી ઇન્ડિયાની ટીમનું સિલેક્શન થવાનું હતું એટલે આવનારા સિલેક્શનને ધ્યાનમાં રાખીને અનિમેષે વર્તવાનું હતું.
પહેલી વાર સ્પાઇક શૂઝ પહેર્યા પછી અનિમેષ ૧૦૦ અને ૨૦૦ મીટરની રેસમાં ચોથા નંબરે આવ્યો પણ તેના માટે તો આ નેટ પ્રૅક્ટિસ હતી. મનોમન તેણે નક્કી કરી લીધું હતું કે હવે તે બેન્ચ માર્ક સેટ કરશે અને બન્યું પણ એવું જ. અનિમેષ કુજુરે ૧૦૦ મીટરમાં નૅશનલ રેકૉર્ડ હમણાં બનાવ્યો તો તેણે અગાઉ ૨૦૦ મીટર માત્ર ૨૦.૩૨ સેકન્ડમાં પાર કરીને એ પણ નૅશનલ રેકૉર્ડ બનાવી લીધો હતો. આ ઉપરાંત ૪ x ૧૦૦ મીટર ફક્ત ૩૮.૬૯ સેકન્ડમાં પૂરી કરીને એ પણ નૅશનલ રેકૉર્ડ બનાવ્યો. અનિમેષ છેલ્લા સાત મહિનાથી સ્વિટ્ઝરલૅન્ડમાં પ્રૅક્ટિસ કરે છે. અર્જુન કુજુરને ખુશી એ વાતની છે કે અનિમેષને આજે રાષ્ટ્રીય સ્તરે સન્માન મળે છે. અર્જુન કુજુર કહે છે, ‘અનિમેષની સફળતા આદિવાસી એરિયામાં રહેતા બીજા યંગસ્ટર્સ માટે પ્રેરણા બને એનાથી મોટી ખુશીની વાત બીજી કઈ હોઈ શકે?’

