નવા હરીફો અને નવી ટેક્નૉલૉજીને કારણે જામેલા ધંધાર્થીઓને પણ સપોર્ટની જરૂર પડતી હોય છે. એ જ કારણે કદાચ બિઝનેસ ફોરમ કે કમ્યુનિટી નેટવર્ક અસ્તિત્વમાં આવ્યાં છે
પ્રતીકાત્મક તસવીર
તમે માર્ક કર્યું હશે કે તમારા ઘરની નજીકની મોચીની જગ્યા પર બે-ચાર મહિને કોઈ બીજો માણસ આવીને બેઠો હોય છે. ‘વો મેરા ભાઈ હૈ, અભી ગાંવ ગયા હૈ’, તે તમને કહેશે. તમે માની લો છો. થોડાક મહિનામાં ત્રીજો માણસેય કદાચ આવે. ને પાછો પહેલો જૂનો મોચી આવી જશે. અને આમ ચક્કર આખું વર્ષ ચાલ્યા કરે છે. તમે અવિશ્વાસ નથી કરતા. નવા માણસને પણ તમારાં બૂટ, ચંપલ, બૅગ વગેરે રિપેર કરવા આપી આવો છો. તદ્દન નવા માણસ પર સામાન્ય રીતે વિશ્વાસ મૂકીએ? નહીંને? પણ અહીં મોચીની જગ્યા જાણીતી છે. તેથી પેલા જૂના મોચી પરનો વિશ્વાસ તદ્દન અજાણી વ્યક્તિ પર ટ્રાન્સફર થયો. જૂનાએ જમાવેલી ગુડવિલ નવાને રેડીમેડ મળી ગઈ. દુકાનની ગુડવિલ જાળવી રાખવા જેવી આ બિઝનેસ ટેક્નિક નથી? એ જ રીતે ઘરમાં કામ કરતી બાઈ તેના ગામ જાય ત્યારે બીજા કોઈને મૂકતી જાય છે. આપણને કહે કે થોડા દિવસ આ આવશે. તમે કોઈ ચકાસણી, ભાવતાલ, રકઝક નહીં કરો. કારણ કે ગુડવિલ ટ્રાન્સફર થઈ છે. જૂનાએ નવાને રેડીમેડ ધંધો આપી દીધો છે. નહીં તો નવી દુકાનને ઘરાકો બાંધતાં તો વર્ષો નીકળી જતાં હોય છે. આ બિઝનેસ ટેક્નિક કોણે શીખવાડી તેમને? નેસેસિટી ઇઝ ધ મધર ઑફ ઇન્વેન્શન.
આ જ નવી-નવી જરૂરિયાતે નવાં-નવાં બિઝનેસ નેટવર્ક્સ ઊભાં કર્યાં છે. દરેક ધંધા/વ્યવસાયમાં સ્પર્ધાનો સામનો કરવો જ પડતો હોય છે. નવા હરીફો અને નવી ટેક્નૉલૉજીને કારણે જામેલા ધંધાર્થીઓને પણ સપોર્ટની જરૂર પડતી હોય છે. એ જ કારણે કદાચ બિઝનેસ ફોરમ કે કમ્યુનિટી નેટવર્ક અસ્તિત્વમાં આવ્યાં છે. વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક, જૈન કમ્યુનિટી ફોરમ કે એવા જુદી-જુદી જ્ઞાતિનાં ગ્રુપ્સનો હેતુ તો આખરે ધંધાને જાળવી રાખવાનો અને કમ્યુનિટીના નવા યુવાન વ્યવસાયિકોને ટેકો આપવાનો જ હોય છે. એકબીજાના અનુભવમાંથી નાણાકીય અને કાયદાકીય ગૂંચમાંથી બચી શકાય છે. બૅન્કિંગની કલમોમાં અટવાઈ જતાં બચી શકાય છે. જેમ કે ગૅરન્ટર, કો-ઍપ્લિકન્ટ, જૉઇન્ટ અકાઉન્ટ હોલ્ડર, નૉમિની, ઍડ-ઑન કાર્ડ હોલ્ડર વગેરેના અર્થ અને એ સાથે સંકળાયેલી સત્તા અને જવાબદારીઓ બન્ને જાણવાં જરૂરી હોય છે, જે એક ફાઇનૅન્શિયલ એક્સપર્ટ ધંધાર્થીને સમજાવી અજાણપણે થતી ભૂલોમાંથી બચાવી શકે છે. તેમ જ એક લીગલ એક્સપર્ટ નવી બદલાતી કાયદાકીય ભાષાથી ઉદ્યોગપતિને ચેતવી શકે છે. આ બધું એક નેટવર્ક કે ફોરમના પ્લૅટફૉર્મ પરથી થતું હોય ત્યારે અજાણ્યાઓ વચ્ચે પણ વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય છે, પેલા મોચીની જાણીતી જગ્યાની જેમ જ. બિઝનેસ નેટવર્ક્સ તમને રેડીમેડ ગુડવિલ આપે છે.
ADVERTISEMENT
-યોગેશ શાહ

