ઘરમાં હોઈએ ત્યારે આપણી કમ્ફર્ટના હિસાબે આપણે ખોળામાં લૅપટૉપ રાખીને કામ કરતા હોઈએ છીએ, પણ એને કારણે ઘણી વાર લૅપટૉપની ગરમ હવા તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે
પ્રતીકાત્મક તસવીર
આજકાલ વર્ક ફ્રૉમ હોમનું પ્રમાણ વધ્યું છે. એવામાં લોકો લૅપટૉપને સીધા ખોળામાં રાખીને કામ કરવાનું ચાલુ કરી દે છે. જોકે જાણતાં-અજાણતાં તમે આવી રીતે લાંબા સમય સુધી લૅપટૉપને તમારા ખોળામાં રાખીને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યા છો.
લૅપટૉપને ખોળામાં રાખીને કામ કરવાથી એમાંથી નીકળતી ગરમ હવા ત્વચાના સંપર્કમાં આવે છે. એને કારણે ટોસ્ટેડ સ્કિન સિન્ડ્રૉમ થઈ શકે છે. આ એક સ્કિન-કન્ડિશન છે જેમાં લૅપટૉપમાંથી નીકળતી લો ગ્રેડ હીટના વારંવાર સંપર્કમાં આવવાથી ત્વચા પર જાળી જેવી પૅટર્નમાં રેડનેસ અને હાઇપરપિગમેન્ટેશન થઈ જાય છે.
ADVERTISEMENT
લૅપટૉપ જેવા ડિવાઇસમાંથી નીકળતી ગરમ હવા એટલી સ્ટ્રૉન્ગ નથી હોતી કે એ ત્વચાને બાળી નાખે. જોકે એ ત્વચાની સુપરફિશ્યલ બ્લડ વેસલ્સ એટલે કે ત્વચાની સપાટીની નજીકની નસને અને ઇલૅસ્ટિક ફાઇબર્સને નુકસાન પહોંચાડી શકે છે. ઘણા લોકોને ટોસ્ટેડ સ્કિન સિન્ડ્રૉમને કારણે ત્વચા પર ખંજવાળ, બળતરા થતી હોય છે.
ટોસ્ટેડ સ્કિન સિન્ડ્રૉમથી બચવા માટે તમારી ત્વચા લૅપટૉપ જેવા ઇલેક્ટ્રિક ડિવાઇસની ગરમ હવાના સંપર્કમાં ન આવે એનું ધ્યાન રાખવું જોઈએ.
લૅપટૉપ ડાયરેક્ટ ત્વચાના સંપર્કમાં ન આવે એ માટે વચ્ચે એક બૅરિયરનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે ખોળા પર ટૉવેલ કે કોઈ કપડું મૂકીને એના પર લૅપટૉપ રાખવું જોઈએ. એ સિવાય તમે લૅપટૉપ ડેસ્કનો પણ ઉપયોગ કરી શકો.
લૅપટૉપને કલાકો સુધી એકધારું ખોળામાં રાખવાને બદલે વચ્ચે-વચ્ચે તમારે એને બાજુમાં મૂકીને થોડો બ્રેક લેવો જોઈએ.
હીટિંગ પૅડ પણ નુકસાન પહોંચાડે
ઘણી વાર લોકો દુખાવામાંથી રાહત મેળવવા માટે ઇલેક્ટ્રિક હીટિંગ પૅડનો ઉપયોગ કરતા હોય છે, પણ લાંબા સમય સુધી વારંવાર એનો ઉપયોગ કરવાથી પણ ટોસ્ટેડ સ્કિન સિન્ડ્રૉમની સમસ્યા થઈ શકે છે. એટલે જયારે પણ હીટિંગ પૅડનો ઉપયોગ કરો ત્યારે હીટનું લેવલ વધુપડતું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું.
ત્વચા પર લાલ કલરની જાળી જેવી પૅટર્ન બની ગઈ હોય કે પછી ખંજવાળ કે બળતરા થતી હોય તો સૌથી પહેલાં તો જે પણ હીટનો સોર્સ હોય એટલે કે લૅપટૉપ કે હીટિંગ પૅડ ત્વચાના સંપર્કમાં ન આવે એનું ધ્યાન રાખવું અને સ્કિનને હીલ થવાનો સમય આપવો જોઈએ. જો સમસ્યા વધુ લાગે તો તરત ડર્મેટોલૉજિસ્ટ પાસે જઈને સારવાર કરાવવી જોઈએ.

