નશામુક્તિની દિશામાં ઐતિહાસિક કદમ
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશની સરકારે પહેલી એપ્રિલથી લાગુ કરવામાં આવે એ રીતે ૧૯ ધાર્મિક શહેરો અને ગ્રામપંચાયતોમાં શરાબના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. લોકોની ભાવનાનું સન્માન કરવા અને નશામુક્તિને પ્રોત્સાહન આપવાની દિશામાં આ ઐતિહાસિક પગલું છે. ૨૪ જાન્યુઆરીએ લોકમાતા અહિલ્યાબાઈ હોળકરની નગરી મહેશ્વરમાં યોજાયેલી કૅબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ક્યાં મુકાયો પ્રતિબંધ?
ADVERTISEMENT
ઉજ્જૈન, ઓમકારેશ્વર, મહેશ્વર, મંડલેશ્વર, ઓરછા, મૈહર, ચિત્રકૂટ, દતિયા, પન્ના, મંડલા, મુલતાઈ, મંદસૌર અને અમરકંટકના સંપૂર્ણ નગર પરિસરમાં શરાબના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ સિવાય સલકનપુર, કુન્ડલપુર, બાંદકપુર, બરમાન કલાં, બરમાન ખુર્દ અને લિંગા ગ્રામપંચાયતની સીમામાં તમામ શરાબની દુકાનો અને બારને બંધ રાખવામાં આવશે.
શરાબના ભાવમાં વધારો થશે
સરકારે જાહેર કરેલી નવી નીતિ હેઠળ આ વિસ્તારોમાં દારૂની દુકાનોનાં નવાં લાઇસન્સ જાહેર કરવામાં નહીં આવે. હાલની દુકાનોને પણ બંધ કરી દેવાનો આદેશ છે. શરાબનું વેચાણ બંધ કરવાથી થનારા નુકસાનની ભરપાઈ કરવા માટે અન્ય સ્થળોએ શરાબના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

