મિથુન સાથે ડિસ્કો ડાન્સર અને કસમ પૈદા કરનેવાલે કી જેવી ફિલ્મોમાં કામ કરનાર ઍક્ટર કરણ રાઝદાને સ્ટાર જોડી વિશે કર્યો ખુલાસો. પહેલી વખત ૧૯૮૪માં ‘જાગ ઉઠા ઇન્સાન’ના સેટ પર થઈ હતી અને તેમને એકમેક સાથે પ્રેમ થઈ ગયો હતો, ૧૯૮૫માં ચૂપચાપ કોર્ટ-મૅરેજ કર્યા હતા.
મિથુન ઍન્ડ શ્રીદેવી
બૉલીવુડની કેટલીક લવ-સ્ટોરી એવી હોય છે જેની સંપૂર્ણ હકીકતની ભાગ્યે જ કોઈને ખબર હોય છે. આવી જ લવ-સ્ટોરી હતી મિથુન ચક્રવર્તી અને શ્રીદેવીની. રિપોર્ટ પ્રમાણે આ બન્ને સ્ટાર્સની મુલાકાત પહેલી વખત ૧૯૮૪માં ‘જાગ ઉઠા ઇન્સાન’ના સેટ પર થઈ હતી અને તેમને એકમેક સાથે પ્રેમ થઈ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે મિથુન અને શ્રીદેવીએ ૧૯૮૫માં ચૂપચાપ કોર્ટ-મૅરેજ કરી લીધાં હતાં પણ એ લગ્નથી મિથુનની પત્ની યોગિતા બાલીને ભારે આંચકો લાગ્યો હતો અને તેણે સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. આખરે ૧૯૮૮માં મિથુન અને શ્રીદેવીની રિલેશનશિપ તૂટી ગઈ હતી અને પછી શ્રીદેવીએ ૧૯૯૬માં બોની કપૂર સાથે લગ્ન કરી લીધાં હતાં. શ્રીદેવી અને બોનીએ લગ્ન કર્યાં ત્યારે બોની પરણેલો હતો અને તેના પરિવારમાં પત્ની મોના, દીકરો અર્જુન અને દીકરી અંશુલા હતાં.
મિથુન-શ્રીદેવીની રિલેશનશિપ આજે પણ રહસ્યમય છે, કારણ કે બન્નેમાંથી કોઈએ ક્યારેય આ વિશે વાત નહોતી કરી. ચર્ચા પ્રમાણે મિથુન પત્ની યોગિતાને ડિવૉર્સ આપવા તૈયાર નહોતો જેને કારણે તેમના સંબંધનો અંત આવ્યો હતો. હવે મિથુન અને શ્રીદેવીના સંબંધો વિશે મિથુન સાથે ‘ડિસ્કો ડાન્સર’ અને ‘કસમ પૈદા કરનેવાલે કી’ જેવી ફિલ્મોમાં કામ કરનારા કરણ રાઝદાને ખુલાસો કર્યો છે.
એક ઇન્ટરવ્યુમાં કરણે કહ્યું હતું કે ‘શ્રીદેવી અને મિથુન આખી-આખી રાત લડતાં રહેતાં હતાં. જોકે મિથુનમાં ગજબની એનર્જી હતી. તે આખી રાત ફોન પર લડીને બીજા દિવસે શૂટિંગ પર સમયસર પહોંચી જતો હતો. મિથુન બહુ ઇમોશનલ વ્યક્તિ છે અને તે દિલ ખોલીને પોતાની વાત કરે છે. તે બહુ સાફ દિલનો માણસ છે.’

