Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પૈસો આવે ત્યારે કમર પર લાત મારીને તમને ટટ્ટાર બનાવી દે, પણ જાય ત્યારે પેટમાં એવી લાત મારે કે તમે બેવડ વળી જાઓ

પૈસો આવે ત્યારે કમર પર લાત મારીને તમને ટટ્ટાર બનાવી દે, પણ જાય ત્યારે પેટમાં એવી લાત મારે કે તમે બેવડ વળી જાઓ

Published : 05 October, 2026 02:29 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

આ ફિલ્મમાં એવું શું છે એ જોવા તેમણે ઘરે ફિલ્મનું સ્ક્રીનિંગ કરાવ્યું.

‌ફિલ્મ ‘જય સંતોષી મા’નું એક દૃશ્ય.

વો જબ યાદ આએ

‌ફિલ્મ ‘જય સંતોષી મા’નું એક દૃશ્ય.


સાવ ટૂંકા બજેટમાં ‘જય સંતોષી મા’નું શૂટિંગ શરૂ થયું. જાણે કોઈ દેવાળું ફૂંકેલા પ્રોડ્યુસરની ફિલ્મ બનતી હોય એમ દરેક ડિપાર્ટમેન્ટમાં વધુમાં વધુ કેમ કરકસર થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવતું. સંગીતકાર સી. અર્જુને ફિલ્મની રિલીઝ પહેલાં ગીતોને લોકપ્રિય બનાવવા શું ગતકડાં કર્યાં એની વાત કરતાં તે કહે છે...

ફિલ્મનું બજેટ સાવ નાનું હતું. પ્લેબૅક માટે લતાજી તો પોસાય જ નહીં એટલે ઉષા મંગેશકરને બોલાવ્યાં. ૧૦-૧૫ મ્યુઝિશ્યન્સથી વધારે બોલાવી શકાય એમ હતું જ નહીં. આવી હાલતમાં ગીતો રેકૉર્ડ થયાં, પણ રેકૉર્ડ લે કોણ? બાંદરામાં એક રેકૉર્ડની દુકાનમાં હું આંટો મારતો. કઈ ફિલ્મની રેકૉર્ડ્‍સ વેચાય છે? કેટલી વેચાય છે? આવી વાતો દુકાનદાર સાથે થાય. આમ તેની સાથે થોડી ઓળખાણ થઈ.



એક દિવસ મેં તેને કહ્યું કે મારી ફિલ્મ ‘જય સંતોષી મા’ રિલીઝ થવાની છે, એની બે-ત્રણ રેકૉર્ડ્‍સ મગાવીને રાખજો. પેલો કહે, અમારે ત્યાં તો શું, બીજા કોઈને ત્યાં પણ આવી રેકૉર્ડ્‍સ નહીં વેચાય; તારા મનમાં ખોટી આશા હોય તો કાઢી નાખજે. મેં કહ્યું, વધારે નહીં તો કેવળ એક રેકૉર્ડ રાખો; જો નહીં વેચાય તો હું ખરીદી લઈશ, બસ? 


તેણે એક EP (એક્સ્ટેન્ડેડ પ્લે) રેકૉર્ડ મગાવી. (વર્ષો પહેલાં રેકૉર્ડ્સની શરૂઆત થઈ ત્યારે ૭૮ RPMની રેગ્યુલર રેકૉર્ડ આવતી, જેમાં આગળ-પાછળની સાઇડમાં એક-એક ગીત હોય. એ થાળી રેકૉર્ડ તરીકે પ્રચલિત થઈ. એનું ચલણ ઓછું થયું એટલે ૪૮ RPMવાળી EP આવી, જેમાં આગળ-પાછળ બે-બે ગીત આવતાં. ત્રીજી ટાઇપની રેકૉર્ડ હતી ૩૩ RPMની LP (લૉન્ગ પ્લે) જેમાં ફિલ્મનાં બધાં ગીતો હોય.)

હું રાજી થયો કે તેણે મારું માન રાખી એક EP તો મગાવી. રોજ સાંજે તેની દુકાને જાઉં અને પૂછું કે રેકૉર્ડ વેચાઈ? એક દિવસ પેલો કંટાળીને કહે, રોજ-રોજ મારું માથું ન ફેરવ, જ્યારે વેચાશે ત્યારે સામેથી કહીશ. હું નિરાશ થઈ ગયો. ૧૫-૨૦ દિવસ થયા. મહિનો વીત્યો. તેનો કોઈ મેસેજ ન આવ્યો એટલે હું તેની દુકાને પહોંચ્યો. મને જોઈને તે કહે, જો, આ ડ્રૉઅરમાં જ તારી રેકૉર્ડ છે, પૅકેપૅક પડી છે. મેં કહ્યું, તમે એક ભૂલ કરી, એને શોકેસમાં મૂકી હોત તો લોકોની નજરે ચડત. તેણે કહ્યું, કાલે આવજે, તારી રીતે શો-કેસમાં ગોઠવી દેજે.


બીજા દિવસે મેં રેકૉર્ડને શો-કેસમાં એવી રીતે ગોઠવી કે દૂરથી પણ લોકોને દેખાય. પછી મેં રોજ ત્યાં જવાનું બંધ કરી દીધું. ત્યાંથી પસાર થવાનું થાય તો દૂરથી જોઉં કે રેકૉર્ડ હજી ત્યાં જ પડી છે. મનમાં થતું કે હું એવો બેકાર સંગીતકાર છું કે મારી એક રેકૉર્ડ પણ વેચાતી નથી!

થોડા દિવસો પછી દૂરથી જોયું તો શો-કેસમાં રેકૉર્ડ નહોતી. હું ખુશ થતો બસમાંથી ઊતરીને દોડતો દુકાને પહોંચ્યો અને કહ્યું, મારી રેકૉર્ડ વેચાઈ ગઈને? પેલાએ મોઢું બગાડતાં કહ્યું, તને કોણે કહ્યું કે રેકૉર્ડ વેચાઈ ગઈ? મેં કહ્યું, શોકેસમાં તો દેખાતી નથી? પેલાએ કંટાળાજનક ચહેરે શોકેસ તરફ આંગળી ચીંધતાં કહ્યું, તેં જે રેકૉર્ડ આપી હતી એનું કવર લાલ રંગનું હતું, આ જો તડકામાં એ કવર પીળા કલરનું થઈ ગયું છે; હવે આવીને પૂછતો નહીં કે રેકૉર્ડ વેચાઈ કે નહીં?

એ દિવસે હું એટલો ભાંગી પડ્યો કે વિચારો કરતો બાંદરાથી સાન્તાક્રુઝ ચાલતો ગયો. ત્યારે ખબર નહોતી કે થોડા દિવસોમાં રેકૉર્ડની એટલી ડિમાન્ડ નીકળશે કે રેકૉર્ડ ડીલર્સને ડિલિવરી માટે રાહ જોવી પડશે. પછી તો એવો સમય આવ્યો કે પાનના ગલ્લા પર, હોટેલમાં અને રેડિયો પર સતત ગીતો વાગતાં હતાં.

પૂરી ફિલ્મનું મ્યુઝિક લગભગ ૪૦,૦૦૦ રૂપિયામાં પૂરું કર્યું હતું એટલે મારા, પ્રદીપજીના અને સિંગર્સના પેમેન્ટના આટલા થયા. ત્યારે ખબર નહોતી કે ૧૧થી ૧૨ લાખ રૂપિયા રૉયલ્ટીના પ્રોડ્યુસરને મળશે. અમને રૉયલ્ટીનો એક પૈસો ન મળ્યો. હા, પ્રોડ્યુસરે ટોકનમાં મને એક ફ્રિજ આપ્યું, જે આજે પણ ફિલ્મની યાદગીરીરૂપે મોજૂદ છે.

ફિલ્મનાં ગીતોએ ગીતમાલામાં ધૂમ મચાવી. આજે પણ ‘મૈં તો આરતી ઉતારું રે, સંતોષી માતા કી’ (ઉષા મંગેશકર), ‘મદદ કરો સંતોષી માતા’ (ઉષા મંગેશકર) અને બીજાં ગીતો લોકપ્રિય છે. ખુદ લતાજીને અને આશાજીને નવાઈ લાગી કે ઉષા મંગેશકરનાં ગીતો આટલાં લોકપ્રિય કેમ થયાં. આ ફિલ્મમાં એવું શું છે એ જોવા તેમણે ઘરે ફિલ્મનું સ્ક્રીનિંગ કરાવ્યું.

એ દિવસોમાં આજની જેમ એક જ દિવસે પૂરા ભારતમાં ફિલ્મ રિલીઝ નહોતી થતી. પ્રથમ મુંબઈ અને બીજાં મોટાં શહેરોમાં રિલીઝ થયા પછી મહિનાઓ બાદ નાનાં સેન્ટર અને ગામડાંઓમાં ફિલ્મ રિલીઝ થતી એટલે અનેક પ્રેક્ષકો મોટાં શહેરોમાં ફિલ્મ જોવા આવતા. અનેક થિયેટરોને મંદિરની જેમ સજાવવામાં આવતાં. ઇન્ટરવલમાં ગોળ અને ચણાનો પ્રસાદ વહેંચાતો. પડદા પર ફૂલ અને પૈસાનો વરસાદ થતો.

ફિલ્મનાં મુખ્ય કલાકાર કાનન કૌશલ અને આશિષકુમાર હતાં. અનીતા ગુહાએ ‘સંતોષી મા’નો રોલ નિભાવ્યો. થિયેટરના મંદિરમાં તેનું મોટું ‘કટઆઉટ’ મૂકીને હારતોરા પહેરાવવામાં આવતા. તે જાહેરમાં દેખાય તો લોકો તેને પગે લાગતા. ખાસ કરીને ઉત્તર ભારતનાં અનેક ગામો અને શહેરોમાં સંતોષીમાતાનાં મંદિરો બનવા લાગ્યાં. ઘણાં શહેરોમાં ફિલ્મની સિલ્વર અને ગોલ્ડન જ્યુબિલી થઈ. મુંબઈના અલંકાર થિયેટરમાં આ ફિલ્મ ૬૦ અઠવાડિયાં સુધી ચાલી હતી. ૨૦ લાખની ફિલ્મે પાંચ કરોડનો વકરો કર્યો એ મોટો ચમત્કાર હતો.

ફિલ્મની અઢળક સફળતાને કારણે સંતરામ બોહરા સાતમા આસમાનમાં હતા. કવિ પ્રદીપજીને આપેલું વચન તેમણે પાળ્યું. તેમના ઘરે ઍર-કન્ડિશનર ફિટ કરાવતાં તેમણે કહ્યું, હવે આપ શાંતિથી કવિતા લખી શકશો. ખુદ્દાર કવિએ જવાબ આપ્યો, કર્કશ અવાજોની વચ્ચે લખાયેલી કવિતાએ જ આ ઘર આપ્યું છે અને આજે આ ઍર-કન્ડિશનર પણ. કવિની સજ્જતાને બહારનો કોલાહલ કદી ખલેલ ન પડી શકે.

ફિલ્મની અધધધ સફળતા એ હિન્દી ફિલ્મોના ઇતિહાસની એક એવી ઘટના હતી જેનાં કારણો દરેકની સમજ બહાર હતાં. નસીબની બલિહારીનો આ કિસ્સો ‘અનપૅરૅલલ’ હતો. જોકે આમાં દરેક ખુશનસીબ નહોતા. શરૂઆતમાં સંતરામ બોહરા અને આશિષકુમાર પાર્ટનર હતા. પોતાના ઇન્વેસ્ટમેન્ટ તરીકે તે હીરો તરીકે કામ કરવાના પૈસા નહોતા લેવાના. અધવચ્ચે કંઈક એવું બન્યું કે તે કામ કરવાના પૈસા લઈને પાર્ટનરશિપમાંથી છૂટા થયા. ફિલ્મ હિટ થઈ ત્યારે ઈર્ષાથી બળીને તેણે સંતરામ પર કેસ કર્યો જે બિલકુલ ગેરવાજબી હતો. કોર્ટમાં તેની હાર થઈ. ગુસ્સામાં આવી તેણે એક ફિલ્મ બનાવી ‘સોલહ શુક્રવાર’ (ગીત-સંગીત રવીન્દ્ર જૈન) જે ‘સુપરફ્લૉપ’ હતી.

ફિલ્મની અઢળક સફળતાને ચરી ખાવા ૧૯૮૦માં ‘સંતોષી મા કી મહિમા’ બની. થોડાં વર્ષો બાદ ‘જય જય સંતોષી મા’ આવી. ગુજરાતીમાં ‘જય સંતોષી મા’ નામે એક ફિલ્મ બની. આ નામની એક સિરિયલ પણ બની. દરેકે સંતોષી માના નામે પ્રેક્ષકોની આસ્થાને રોકડી કરવાના ભરપૂર પ્રયત્નો કર્યા. કોઈ સફળ ન થયું. સંતરામ બોહરા જે કમાયા એમાંથી તેમણે ‘ઘર કી લાજ’, ‘નવાબ સાહબ’ અને બીજી વાહિયાત ફિલ્મો બનાવી. નિષ્ફળ ફિલ્મોને કારણે પૈસાની હાલત તેમની પહેલાં જેવી હતી એવી થઈ ગઈ. વર્ષો વીત્યાં, પણ ઘરે પારણું ન બંધાયું. ફાઇનૅન્સર કેદારનાથ અગરવાલને રક્તપિત્તનો રોગ થયો. સ્વજનો પણ નજીક જવા તૈયાર નહોતા. એકલતામાં તેમણે અંતિમ દિવસો વિતાવ્યા.

ફિલ્મની સફળતાના સાચા હકદારોને નામ પૂરતા પૈસા મળ્યા. જેમને કેવળ તકદીરના જોરે બેસુમાર પૈસા મળ્યા તેમની પાછલી જિંદગી બદતર હાલતમાં વીતી. લક્ષ્મી ચંચળ છે એ વાત જ્યારે આ લોકોને સમજાઈ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.

પૈસો આવે છે ત્યારે કમર પર લાત મારે છે એટલે માણસ ટટ્ટાર થઈને રુઆબથી ચાલે છે, પરંતુ પૈસો જાય છે ત્યારે પેટમાં લાત મારીને જાય છે. પરિણામે માણસ એવો બેવડ વળી જાય છે જેની કદી કળ વળતી નથી.

Whatsapp-channel Whatsapp-channel

05 October, 2026 02:29 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK