કાળીચૌદશના દિવસે ગુજરાતીઓના ઘરમાં કકળાટ કાઢવાનો રિવાજ હોય છે. ઘરની ગૃહિણીઓ રાત્રે વડાં બનાવીને ઘર નજીકના ચાર રસ્તે મૂકીને કકળાટ કાઢે છે. આપણા પૂર્વજો એમ કહેતા કે ઘર હોય ત્યાં વાસણ તો ખખડે જ એમ પરિવારના સભ્યો વચ્ચે પણ ક્યારેક કંકાસ થઈ જાય.
પ્રતીકાત્મક તસવીર
કાળીચૌદશના દિવસે ગુજરાતીઓના ઘરમાં કકળાટ કાઢવાનો રિવાજ હોય છે. ઘરની ગૃહિણીઓ રાત્રે વડાં બનાવીને ઘર નજીકના ચાર રસ્તે મૂકીને કકળાટ કાઢે છે. આપણા પૂર્વજો એમ કહેતા કે ઘર હોય ત્યાં વાસણ તો ખખડે જ એમ પરિવારના સભ્યો વચ્ચે પણ ક્યારેક કંકાસ થઈ જાય. એમાં કંઈ ખોટું નથી, પણ જો આ કંકાસ રોજનો થઈ જાય તો સંબંધોમાં કડવાશ ઉમેરાતાં વાર લાગતી નથી. એટલે આજે આપણે ઘરમાંથી કંકાસ કાઢવા માટે ખરેખર શું કરવાની જરૂર છે એ જાણીએ
આજે કાળીચૌદશ છે અને બહેનો ઘરમાંથી કકળાટ કાઢવા માટે ચાર રસ્તામાં વડાં મૂકવા જશે, પણ શું તમને એવું લાગ્યું છે કે આમ કરવાથી તમારા ઘરનો કંકાસ ઓછો થઈ ગયો છે? જો તમારો જવાબ ‘ના’ હોય તો તમારે એ વસ્તુ કરવાની જરૂર છે જેનાથી ખરેખર ઘરનો કંકાસ ઓછો થાય. આ કંકાસ ઓછો કરવાનું કામ પણ ઘરના સભ્યોએ જાતે મળીને જ કરવું પડશે. આ કામ કઈ રીતે કરવું? એનું માર્ગદર્શન ચાલો એક્સપર્ટ પાસેથી મેળવીએ.
ADVERTISEMENT
કકળાટનાં કારણો?
ઘરમાંથી કંકાસ દૂર કરવો હોય તો અગાઉ એ જાણવું જરૂરી છે કે એ થવાનું કારણ શું છે? અમારાથી એવી કઈ ભૂલ થઈ રહી છે જે કકળાટનું કારણ બની રહી છે. એ જો ખબર હોય તો આપણે આપણી ભૂલ સુધારી શકીએ છીએ. આ વિશે વાત કરતાં સાઇકોથેરપિસ્ટ ઝીલ જોબનપુત્રા કહે છે, ‘ઘરમાં ઝઘડા થવાનાં અનેક કારણો હોય છે જેમ કે સરખામણી. તમે તમારા બાળકની સરખામણી બીજાં બાળકો સાથે કરતા હો, ઘણી વાર બાળકો પણ તેમનાં માતા-પિતાની સરખામણી બીજાના પેરન્ટ્સ સાથે કરે, સાસુ તેમની વહુની સરખામણી બીજાની વહુ સાથે કરે. બીજું, વધુપડતી અપેક્ષાઓ જે માતા-પિતાને તેમનાં બાળકોથી, એક પતિને તેની પત્નીથી કે પત્નીને તેના પતિથી, સાસુને વહુથી હોઈ શકે અને એ પૂરી ન થાય ત્યારે પછી મતભેદો શરૂ થઈ જાય. ત્રીજું, નિર્ભરતા. જેમ કે ઘરમાં પત્ની પતિ પર ડિપેન્ડ હોય, બાળકો પેરન્ટ્સ પર હોય, વૃદ્ધ માતા-પિતા તેમનાં દીકરા-વહુ પર ડિપેન્ડ રહેતાં હોય છે. એવામાં જો નિર્ભર રહેતી વ્યક્તિનું કામ કરવાનું રહી જાય તો કંકાસ શરૂ થઈ જાય.’
આ સિવાય પણ કંકાસ થવાનાં બીજાં અનેક કારણો હોય એમ જણાવતાં ઝીલ જોબનપુત્રા કહે છે, `ઘણી વાર પૈસાને લઈને પણ ઘરમાં કંકાસ શરૂ થઈ જતો હોય છે. એ સિવાય પરિવારનો વિસ્તાર થાય ત્યારે સમસ્યાઓ આવતી હોય છે. ઘરમાં નવી વહુ આવી હોય તેની ભાષા, વર્તણૂક, વાત કરવાનો અંદાજ, આદતો બધું અલગ હોય તો એને લઈને ઘણી વાર ઘરમાં રકઝક થતી હોય. ઉપરાંત બધાની પ્રાથમિકતા અલગ હોય ત્યારે પણ મતભેદો ઊભા થાય. પેરન્ટ્સને એમ હોય કે બાળક ફૅમિલી ફંક્શન અટેન્ડ કરે પણ બાળકને ફ્રેન્ડ્સ સાથે પાર્ટીમાં જવું હોય તો એને કારણે ઘણી વાર બોલાચાલી થઈ જાય. આમાં બીજો આસ્પેક્ટ એ પણ છે કે ઘણીવાર સંતાનો તેમની સોશ્યલ લાઇફમાં એટલાબધા ઇન્વૉલ્વ હોય કે પેરન્ટ્સને ટાઇમ આપતા નથી અથવા તો ઘણી વાર કપલ તેમનામાં જ એટલા બિઝી હોય કે એજેડ પેરન્ટ્સની જરૂરિયાતો પ્રત્યે ધ્યાન જ આપતા નથી. આ બધા કેસમાં પરિવારના સભ્યો વચ્ચે મનદુઃખ થતાં હોય છે. ઘણી વાર પરિવારનું કોઈ સભ્ય બધાની જરૂરિયાતનું ધ્યાન રાખતું હોય પણ કોઈને તેની કદર ન હોય તો ધીરે-ધીરે એ વ્યક્તિ કામ કરવાનું બંધ કરી દે એટલે પછી બધા ફરિયાદો કરવાનું શરૂ કરી દે અને એને કારણે કંકાસ થાય. કયારેક ઘરનું કામકાજ અને જવાબદારી સરખે ભાગી વહેંચાયેલાં ન હોય ત્યારે એક વ્યક્તિ પર વધુપડતો બોજ આવે ત્યારે ઝઘડાઓ શરૂ થાય. પરિવારના સભ્યોમાં વાતચીતનો અભાવ હોય ત્યારે પણ ઘણી વાર કમ્યુનિકેશન ગૅપ આવી જાય છે, પરિણામે ગેરસમજ ઊભી થાય. ઘણી વાર એજ ગૅપને કારણે પરિવારના સભ્યોના વિચારો મળતા નથી.’
શું કરવું જોઈએ?
ઘરમાં રોજેરોજ કંકાસ થતો હોય તો એને ઓછો કરવા માટે શું કરવું જોઈએ? સ્વભાવમાં કેવાં પરિવર્તન લાવવાં જોઈએ એ વિશે વાત કરતાં ઘાટકોપરમાં ઝીલ ટુ હીલ નામેથી ઘાટકોપરમાં ક્લિનિક ધરાવતાં ઝીલ જોબનપુત્રા કહે છે, ‘સામેવાળી વ્યક્તિ કંઈ બોલતી હોય તો ફક્ત સાંભળી લેવાની વૃત્તિ રાખવાને બદલે તેને સમજવાની ભાવના સાથે વાત સાંભળવી જોઈએ. ઘણી વાર આપણે એમ લાગે કે એ વ્યક્તિ એકની એક વસ્તુ સો વાર બોલ્યા કરે છે, પણ આપણે એમ નથી વિચારતા કે શા માટે તેમને એકની એક વસ્તુ સો વાર બોલવાની જરૂર પડે છે? ઘણી વાર સામેવાળી વ્યક્તિને શાંતિથી સાંભળી લેવાથી પણ તેના મનનો બોજો હળવો થઈ જાય છે. તેમને એવું ફીલ થાય છે કે કોઈ તો છે જે તેમને સમજે છે. જો ઘરે જ એવી કોઈ વ્યક્તિ હોય જે તમારી વાત સાંભળે, તમને સમજી શકે તો તમારે બહારના લોકોને તમારી વાતો શૅર કરવાની જરૂર જ નથી પડતી. એ સિવાય હંમેશાં તમારે તમારી ફૅમિલીને પ્રાયોરિટી આપવી જોઈએ. ઘણી વાર વ્યક્તિ એવું વિચારે કે મારે કંઈ બોલવું જ નથી. હું કંઈક બોલીશ તો વિવાદ થઈ જશે. એ લોકો મને સમજી નહીં શકે. ઘરમાં કંઈક બોલવું હોય તો ખચકાય છે. ખૂલીને બોલી નથી શકતા. આવા વખતે કોઈ પણ વાતને મનમાં ભરી રાખવાને બદલે કહી દેવી સારી. તમે ફૅમિલીને વાત કરતાં અગાઉ જ કહી દો કે હું જે કહેવાનો છું એ કદાચ એટલું સરળ નથી સમજવા માટે. બની શકે એનાથી તમે ગુસ્સે પણ થાવ. પણ તમે મારી વાત સાંભળો. મને સમજવાનો પ્રયત્ન કરો. તો કદાચ આપણે આ વાતનું સોલ્યુશન કાઢી શકીએ છીએ. ઘણી વાર આપણી પાસેથી ઘરવાળાઓને ઘણી બધી અપેક્ષાઓ હોય છે જેને આપણે પૂરી કરવાનો પણ પૂરતો પ્રયત્ન કરીએ છીએ પણ તેમની ઇચ્છાઓ પૂરી કરતાં-કરતાં આપણે થાકી જતા હોઈએ છીએ. આવા સમયે બાઉન્ડરી સેટ કરવી ખૂબ જરૂરી છે કે મારાથી આટલું-આટલું થશે. હું આ નહીં કરી શકું અથવા તો આ કરવામાં મને તમારી હેલ્પ જોઈશે. આમ કરવાથી તમે ફ્રસ્ટ્રેટ થવાથી બચી જશો.’
વાતને આગળ વધારતાં ઝીલ જોબનપુત્રા કહે છે, ‘ગ્રેટિટ્યુડ દેખાડવો ખૂબ જરૂરી છે. ઘરમાં કોઈ આપણા માટે થઈને મહેનત કરતું હોય તો તેમને પ્રશંસાના બે શબ્દો કહેવા જોઈએ. આમ કરવાથી તેમને એવું ફીલ નહીં થાય કે તેમની કોઈને કદર નથી. ઘણી વાર એવું થાય કે ફૅમિલીના કોઈ સભ્યથી અજાણતાં ભૂલ થાય તો આપણે તેને સંભળાવવા બેસી જઈએ છીએ. આવા સમયે આપણે તેને દોષી ફીલ કરાવવાને બદલે એમ કહેવું જોઈએ કે તેં જે કર્યું એ કોઈ ખોટા ઇરાદાથી નથી કર્યું. અજાણતાં ભૂલ થઈ ગઈ છે. જે પણ થયું છે એમાં અમે તારી સાથે છીએ. આ ભૂલને કઈ રીતે સુધારી શકાય અથવા આ સમસ્યામાંથી કઈ રીતે બહાર આવી શકાય એ આપણે બધા મળીને ફોડી લઈશું. જો પરિવાર એક ટીમ બનીને બધા પ્રૉબ્લેમ્સ ફેસ કરે તો ઘરના સભ્યને તેની સમસ્યાઓ શૅર કરવા માટે બહારની વ્યક્તિનો સહારો નહીં લેવો પડે. એ સિવાય આપણે પરિવારના સભ્યોની બીજા સાથે સરખામણી કરવાનું છોડીને એ જેવા છે તેવા સ્વીકારતાં શીખવું જોઈએ. તેમને એ વાતનો અહેસાસ અપાવવો જોઈએ કે મારા માટે તો તું જ બેસ્ટ છે. મને કંઈ જરૂર પડે ત્યારે તું જ મારી મદદ માટે હાજર હોય છે. ઘણી વાર વ્યક્તિને તેનામાં રહેલા દોષો ગણાવવા કરતાં તેનામાં જે સારા ગુણો છે એની પ્રશંસા કરીએ તો એ વધુ બહેતર બનવાનો પ્રયત્ન કરશે. ઘણી વાર આપણને એવો ભય હોય છે કે હું આમ કરીશ તો ખબર નહીં મારો પરિવાર મારા વિશે શું વિચારશે? જે ફૅમિલીમાં સ્વીકૃતિ હશે ત્યાં આવી સમસ્યા નહીં નડે. ઘરમાં કમ્ફર્ટ હોય તો બહાર શોધવા ન જવું પડે. ઘણાં ઘરોમાં વડીલો ખૂબ જ જડ બની જતા હોય છે; જેમ કે આ આવી રીતે જ કરવાનું, આ આવી રીતે જ હોય, આપણે આમ જ કરીએ છીએ. ઘરના વડીલોએ આવી માનસિકતા બદલીને જે નવી જનરેશન છે તેને તેની રીતે કામ કરવાની છૂટ આપવી જોઈએ. એ સિવાય પરિવારના સભ્યો વચ્ચે હેલ્ધી ટચ હોવો જોઈએ જેમ કે સંતાનને માતા-પિતા પાસેથી આલિંગન જોઈતું હોય કે ખોળામાં માથું રાખીને સૂવું હોય તો તેને એમ કરવા દેવું જોઈએ. એમ ન કહેવું જોઈએ કે તું હવે મોટો થઈ ગયો છે, શું દર વખતે ચિપકવા આવે છે? ઘણી વાર આપણે જેની સાથે લાગણીના સંબંધોથી જોડાયેલા છીએ તેમની પાસેથી મળતું એક આલિંગન પણ આપણને આપણી બધી ચિંતાઓ ભુલાવી દેતું હોય છે.’
પાસ્ટ ટ્રૉમા બની શકે કંકાસનું કારણ
ભૂતકાળમાં થયેલી એવી કોઈ ઘટના તમારા વર્તમાન જીવનમાં કંકાસનું કારણ કઈ રીતે બની શકે છે એ વિશે વાત કરતાં સાઇકોલૉજિસ્ટ ડૉ. જાનવી દોશી સુતરિયા કહે છે, ‘એક પરિવારમાં ડિફરન્ટ જનરેશનના સભ્યો રહેતા હોય ત્યારે બધા જ તેમના જીવનના વિવિધ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોય, તેમના વિચારો જુદા હોય, તેમની પ્રાથમિકતાઓ અલગ હોય. એટલે મતભેદો તો થવાના જ છે. મતભેદનાં અનેક કારણો હોઈ શકે જેમ કે પૈસાને લઈને, પસંદ-નાપસંદને લઈને, ઘરની જવાબદારી સંભાળવાને લઈને વગેરે. એ સિવાય ભૂતકાળમાં એવો કોઈ ટ્રૉમા રહી ગયો જેમ કે બાળપણમાં માતા-પિતાના ઝઘડાઓ વચ્ચે ઉછેર, લગ્નજીવનના શરૂઆતના સમયગાળામાં સાસરિયાં તરફથી સપોર્ટ ન મળ્યો હોય, પતિનું અફેર થયું હોય આ બધી વસ્તુ તમારા વર્તમાન જીવન પર અસર પાડી શકે છે. કોઈ પણ નેગેટિવ ઇમોશનથી સમય રહેતાં ડીલ કરવામાં ન આવે તો એ દબાઈ જતાં નથી, ઊલટાનાં એ તમારા સબકૉન્શિયસ માઇન્ડમાં રહે છે અને એ પછી તમારા રોજિંદા જીવન પર અસર કરે છે. ઘરમાં કંઈ પણ એવું થાય જે આપણે નથી ગમતું તો આપણે તરત ચિડાઈ જઈએ, આપણી સહનશક્તિ ઘટી જાય, ઘરના બીજા સભ્યો સાથેનો આપણો વ્યવહાર બદલાઈ જાય. આવી પરિસ્થિતિમાં તમારે કાઉન્સેલરની મદદ લેવી જોઈએ. અમે ક્લાયન્ટને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે ભૂતકાળમાં જે થયું છે એને બદલી શકવાના નથી. એટલે ભૂતકાળમાં જે થયું છે એને બદલવાનો નિર્થક પ્રયાસ છોડીને જે થયું છે એનો સ્વીકાર કરીને આગળ વધવું જોઈએ. જે થયું એમાં ભલે કોઈની પણ ભૂલ હોય, પણ હવેથી હું ફક્ત વર્તમાન પર ફોકસ કરીશ. ઘરમાં થતા કંકાસ ઘણી વાર વ્યક્તિને માનસિક રીતે ખૂબ જ અફેક્ટ કરતા હોય છે. લાંબા ગાળે વ્યક્તિ ઍન્ગ્ઝાયટી, ડિપ્રેશનમાં જઈ શકે. પ્રૉબ્લેમ વધુપડતો સિરિયસ થઈ જાત તો સુસાઇડ કરવાના પણ વિચારો આવવા લાગે છે.’