ધીરુભાઈનું બૅકવર્ડ ઇન્ટિગ્રેશન એટલે કે પાછળ જઈને જે-જે જરૂરિયાત હોય એની વ્યવસ્થા, એનું સેટઅપ અથવા તો એની સિસ્ટમ પણ આપણે જ ઊભી કરીએ
ધીરુભાઈ અંબાણી
મેં બાવન વર્ષ રિલાયન્સમાં કામ કર્યું છે અને આજે ૮૧ વર્ષની ઉંમરે પણ દરરોજ ઑફિસ જાઉં છું. અઢળક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલો છું અને યુવાનોમાં એજ્યુકેશનને લગતી લોન મળે એ માટેનાં કાર્યોમાં સક્રિય છું. દરેક સ્તર પર મેં જોયું છે કે સૌથી મહત્ત્વનું છે સ્વાવલંબન. દરેક અલગ-અલગ લેયર પર સ્વાવલંબન પર ફોકસ કરીએ. પહેલાં તમે સ્વાવલંબી બનો, પછી તમારા પરિવારને બનાવો. ધીમે-ધીમે તમારા સમાજને અને પછી તમારા દેશને. સ્વાવલંબન માટેનું આપણું કમિટમેન્ટ જ સફળતાની નિશાની છે. બાવન વર્ષની રિલાયન્સની સફરમાં ધીરુભાઈ સાથે ક્લોઝલી કામ કરતી વખતે આ એક જ બાબત છે જે હું શીખ્યો છું અને તેમની સફળતાનો જો બે શબ્દમાં સાર આપવો હોય તો કહી શકાય કે સ્વાવલંબન માટેની તેમની અદમ્ય ઇચ્છા.
આજે શિક્ષણ સ્વાવલંબન માટેનું મહત્ત્વનું પાસું મનાય છે, પરંતુ શિક્ષણ એટલે માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં પરંતુ દુનિયાની તમામ વાસ્તવિકતાઓની સભાનતા અને એને સમજીને તમામ સમસ્યાઓમાંથી રસ્તો કાઢવાની આવડત તેમ જ સૂઝબુઝ જેને આપણે ગુજરાતીમાં ગણતર કહીએ છીએ. દેશનું સ્વાલંબન જ્યારે કોઈ કંપનીનો ગોલ હોય ત્યારે એ કંપનીને વિકાસના પંથે આગળ વધતા કોઈ રોકી ન શકે. ધીરુભાઈનું બૅકવર્ડ ઇન્ટિગ્રેશન એટલે કે પાછળ જઈને જે-જે જરૂરિયાત હોય એની વ્યવસ્થા, એનું સેટઅપ અથવા તો એની સિસ્ટમ પણ આપણે જ ઊભી કરીએ. કાચા માલની જરૂર હોય તો એ પણ આપણે જ બનાવીએ. આજે રિલાયન્સ બૅકવર્ડ ઇન્ટિગ્રેશનની જેમ જ હવે વિવિધ અન્ય કંપનીઓનું એક્વિઝિશન કરીને હૉરિઝેન્ટલ ઇન્ટિગ્રેશન કરી રહ્યું છે. સફળતા માટે રાઇટ સ્ટ્રૅટેજી પણ મહત્ત્વની છે. આજે હું તમારી સાથે પાંચ એવી વસ્તુ શૅર કરીશ જે રિલાયન્સ પાસેથી હું શીખ્યો છું અને આજે પણ મુકેશભાઈ, અનંત અને આકાશ તેમ જ ઈવન સામાજિક કાર્યોમાં નીતાબહેન પણ તેને ફૉલો કરી રહ્યાં છે. સૌથી પહેલાં થિન્ક બિગ. ખૂબ મોટું વિચારો. કર લો દુનિયા મુઠ્ઠી મેંના વિચાર સાથે રિલાયન્સ ટેલિકૉમમાં આવ્યું અને આજે જુઓ, ખરેખર એવું થયું છે. દૂરનું વિચારો એ બીજી વાત. ત્રીજી વાત સ્ટ્રૅટેજી અને પૂરતું પ્લાનિંગ કરીને દરેક ફ્રન્ટ પર નજર રાખીને આગળ વધો. ચોથા નંબરે ટીમ મજબૂત બનાવો અને ટીમ પર ભરોસો મૂકીને બેસ્ટ ટૅલન્ટને સાથે રાખો. અને છેલ્લે દેશ સર્વોપરી છે અને તમારું દરેક પગલું તમારા દેશ માટે ઉદ્ધારક હોય એવું રાખો.
ADVERTISEMENT
જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં સફળતામાં આ બાબતો મારી દૃષ્ટિએ મહત્ત્વની છે.
- વિનોદ અંબાણી (ફેડરેશન ઑફ મોઢ વણિક સમાજના વાઇસ ચૅરમૅન વિનોદ અંબાણી ઘણી સામાજિક સંસ્થાઓમાં સક્રિય છે.)


