ઠંડીમાં ત્વચાની ડ્રાયનેસની સમસ્યા ઓછી કરવા માટે સ્કિન-કૅરની સાથે ડાયટમાં કઈ વસ્તુનો સમાવેશ કરવો જેથી ત્વચા અંદરથી મૉઇશ્ચરાઇઝ્ડ રહે એ જાણી લો
પ્રતીકાત્મક તસવીર
શિયાળામાં હવા ઠંડી અને સૂકી હોય છે જેની સીધી અસર સ્કિન પર પડતી હોય છે. એટલે શિયાળામાં સ્કિનનું મૉઇશ્ચર ઝડપથી સુકાઈ જાય છે અને ત્વચા ડ્રાય અને નિસ્તેજ થઈ જાય છે. એમાં પણ ઠંડીમાં લોકો વધારે પડતા ગરમ પાણીથી નહાતા હોય છે અથવા તો ઘરમાં હીટર ચલાવતા હોય છે. એને કારણે પણ ત્વચામાં ડ્રાયનેસ વધી જતી હોય છે. એનું પરિણામ એ આવે છે કે સ્કિનનું પ્રોટેક્ટિવ લેયર નબળું પડી જાય છે અને ત્વચા ખરબચડી થઈને ફાટવા લાગે છે. હાથ, પગ અને ચહેરો ઠંડીમાં સૌથી વધારે પ્રભાવિત થાય છે કારણ કે એ હિસ્સો હંમેશાં હવા, ધૂળ અને પાણીના સંપર્કમાં રહે છે. હાથ-પગની સ્કિન જાડી હોય છે અને એમાં ઑઇલ ગ્લૅન્ડ ખૂબ ઓછી હોય છે તેથી એનું મૉઇશ્ચર જલદીથી પ્રભાવિત થાય છે અને સ્કિન ઝડપથી ફાટવા લાગે છે. એ સિવાય ઠંડીમાં આ હિસ્સાઓમાં બ્લડ-સર્ક્યુલેશન પણ ઓછું થઈ જાય છે જેનાથી સ્કિનની રિપેર પ્રોસેસ ધીમી પડી જાય છે. એટલે શિયાળામાં ચહેરા, હાથ અને પગમાં ડ્રાયનેસ અને ક્રૅકિંગ સૌથી પહેલાં અને સૌથી વધુ દેખાય છે.
ઠંડીમાં ડ્રાયનેસની સમસ્યા ફકત બહારથી સ્કિન-કૅર કરવાથી નહી પણ ડાયટથી પણ ઘણી હદે કન્ટ્રોલ થઈ શકે છે. એ માટે સૌથી પહેલાં તો આખા દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ કારણ કે શિયાળામાં ભલે તરસ ન લાગે, પણ શરીરને હાઇડ્રેશનની જરૂર તો એટલી જ હોય છે. પાણીની કમી સ્કિનને અંદરથી ડ્રાય કરી દે છે. એ સિવાય ડાયટમાં હેલ્ધી ફૅટ્સ જેમ કે ઘી, અખરોટ, બદામ, ફ્લેક્સ સીડ્સ, ચિયા સીડ્સ વગેરે જેવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ. આ વસ્તુઓ સ્કિનનું મૉઇશ્ચર જાળવી રાખે છે અને ડ્રાયનેસ ઓછી કરે છે. વિટામિન Eથી ભરપૂર ફૂડ્સ જેમ કે સનફ્લાવર સીડ્સ, બદામ, પાલક અને અવાકાડો સ્કિનની સૉફ્ટનેસ વધારે છે. વિટામિન C ધરાવતાં ફળ જેમ કે સંતરાં, જામફળ, મોસંબી, કીવી વગેરે સ્કિન રિપેર કરે છે અને કોલૅજનને મજબૂત બનાવે છે. વિટામિન A અને બિટા કૅરોટિન માટે ગાજર, શક્કરિયાં અને કોળું ખાવાથી સ્કિનની બહારની પરત હેલ્ધી રહે છે. સાથે જ પ્રોટીનનું સેવન પણ સ્કિનના રિપેરિંગમાં મદદ કરે છે. ઠંડીમાં પૌષ્ટિક સૂપ શરીરને ગરમ રાખવાની સાથે સારુંએવું હાઇડ્રેશન આપે છે. એ સિવાય વધુપડતી સાકર કે મીઠું ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે એ સ્કિનમાં ડ્રાયનેસ વધારી દે છે. યોગ્ય ડાયટ ત્વચાને અંદરથી મૉઇશ્ચરાઇઝ્ડ રાખે છે અને ત્વચા ફાટવાની સમસ્યા ઘણા અંશે ઓછી કરે છે.
ADVERTISEMENT
ડાયટની સાથે શિયાળામાં સ્કિન કૅર રૂટીનની વાત કરીએ તો દિવસે સ્કિનને તડકા અને પ્રદૂષણથી બચાવવા માટે હળવું મૉઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ જે ત્વચાને હાઇડ્રેટેડ રાખે. એ પછી સનસ્ક્રીન લોશન લગાવવું ખૂબ જરૂરી છે, કારણ એ સૂર્યનાં હાનિકારક કિરણો અને ફ્રી રૅડિકલ્સ સામે સુરક્ષા આપે છે. એવી જ રીતે હોઠને સુકાતાં બચાવવા માટે લિપ બામ લગાવવું જરૂરી છે. રાતના સમયે સ્કિન રિપેર મોડ પર હોય છે. એટલે નાઇટ કૅર રૂટીન થોડું રિચ હોવું જોઈએ. સૂતાં પહેલાં ચહેરાને સરખી રીતે સાફ કરો અને હેવી ક્રીમ અથવા ફેસ ઑઇલ લગાવો. એ સ્કિનના મૉઇશ્ચરને જાળવી રાખશે અને દિવસભરમાં થયેલા નુકસાનને રિપેર કરવામાં મદદ કરશે. તમે ઇચ્છો તો આંખોની નીચે અન્ડર આઇ ક્રીમ અથવા હાઇડ્રેટિંગ સીરમ પણ લગાવી શકો છો.


