Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સોશ્યલ મીડિયા પર સ્વચ્છંદપણે થતી કમેન્ટ્સની સીમા કોણ નક્કી કરશે?

સોશ્યલ મીડિયા પર સ્વચ્છંદપણે થતી કમેન્ટ્સની સીમા કોણ નક્કી કરશે?

Published : 16 July, 2026 11:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ટરનેટ-યુઝર્સ કોઈ પણ ઊંડી સમજ વગર, સત્ય જાણ્યા વગર કે વિવેક રાખ્યા વગર કમેન્ટ-બૉક્સમાં કૂદી પડે છે

નેહા યાજ્ઞિક મુંબઈના શ્રી વડનગરા નાગર મંડળનાં પ્રેસિડન્ટ છે. તેઓ શાંભવી આર્ટ અંતર્ગત ગુજરાતી ભાષાના ગીત-સંગીતમાં વૈવિધ્યસભર કાર્યક્રમો અને ગુજરાતી સાહિત્યના કાર્યક્રમોનું આયોજન કરે છે.

What’s On My Mind?

નેહા યાજ્ઞિક મુંબઈના શ્રી વડનગરા નાગર મંડળનાં પ્રેસિડન્ટ છે. તેઓ શાંભવી આર્ટ અંતર્ગત ગુજરાતી ભાષાના ગીત-સંગીતમાં વૈવિધ્યસભર કાર્યક્રમો અને ગુજરાતી સાહિત્યના કાર્યક્રમોનું આયોજન કરે છે.


આજનો યુગ ટેક્નૉલૉજી અને સોશ્યલ મીડિયાનો યુગ છે જ્યાં દરેક વ્યક્તિના હાથમાં એક આભાસી માઇક્રોફોન આવી ગયું છે. જોકે આ માઇક્રોફોનનો ઉપયોગ અત્યારે જે રીતે થઈ રહ્યો છે એ ચિંતાજનક છે. આજકાલ સોશ્યલ મીડિયા પર કોઈ પણ વિષય હોય, એક સામાન્ય ઘટનાથી લઈને દેશના સંવેદનશીલ મુદ્દાઓ સુધી દરેક વ્યક્તિ પોતાને એ વિષયની એક્સપર્ટ સમજી બેસે છે. લોકોએ જાણે માની જ લીધું છે કે દુનિયાના તમામ વિષયો પર સત્તાવાર મંતવ્ય આપવા માટે તેઓ પોતે જ એકમાત્ર અધિકૃત વ્યક્તિ છે.

લવ જેહાદ હોય, દાણચોરીના આક્ષેપો હોય, કોઈ માસૂમ બાળકી પર થયેલું જઘન્ય દુષ્કર્મ હોય કે પછી કોઈ પીડિત પુરુષની દર્દનાક કહાની હોય; ઇન્ટરનેટ-યુઝર્સ કોઈ પણ ઊંડી સમજ વગર, સત્ય જાણ્યા વગર કે વિવેક રાખ્યા વગર કમેન્ટ-બૉક્સમાં કૂદી પડે છે. હા, આપણા બંધારણે આપણને વાણીસ્વાતંત્ર્ય આપ્યું છે, પણ વાણીસ્વાતંત્ર્યનો અર્થ સ્વેચ્છાચાર કે ગમે ત્યાં ગમે એમ બોલવું એવો બિલકુલ નથી થતો. ક્યાં કેટલું બોલવું, કયા શબ્દો વાપરવા અને ક્યારે મૌન રહેવું એનું ભાન આજે લગભગ લુપ્ત થઈ રહ્યું છે.



એક પલ ભી નિભા ના સકે કિરદાર મેરા જો મશવરા હઝાર દેતે હૈં


કોઈ કવિની આ પંક્તિઓ આજના સોશ્યલ મીડિયાના યુઝર્સ પર બરાબર બંધ બેસે છે. જે લોકો બીજાનાં પગરખાંમાં પગ મૂકીને તેમનું દર્દ એક ક્ષણ માટે પણ અનુભવી શકતા નથી તેઓ સોશ્યલ મીડિયાની ઍરકન્ડિશન્ડ દુનિયામાં બેસીને હજારો મફતની સલાહો અને કડવાં વેણ વહેંચતા ફરે છે. પીડિતાના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવવા, કોઈના અંગત જીવનનું જાહેરમાં લિલામ કરવું અને અફવાઓ ફેલાવવી એ જાણે રોજિંદો ખેલ બની ગયો છે.

મને એ સમજાતું નથી કે લોકોને બીજાના જીવન વિશે આટલી આકરી ટીકાઓ કરવાની સત્તા કોણે આપી? જો આપણે કોઈની પીડામાં સહભાગી ન થઈ શકીએ, કોઈનું સારું ન બોલી શકીએ તો આપણને કોઈનું ખરાબ બોલવાનો કે તેના પર કાદવ ઉછાળવાનો પણ કોઈ અધિકાર નથી. સોશ્યલ મીડિયા મનની કડવાશ ઠાલવવાની ગટર નથી, એક જવાબદાર માધ્યમ છે.


કીબોર્ડ પર આંગળીઓ ચલાવતાં પહેલાં મગજ અને હૃદયને સક્રિય કરવાની જરૂર છે. જો કોઈ વિષયની આપણી પાસે પૂરતી સમજ ન હોય તો આપણો અપરિપક્વ અભિપ્રાય બીજાના જીવનને નુકસાન પહોંચાડી શકે છે. ચાલો, સોશ્યલ મીડિયાને વિવેકપૂર્ણ બનાવીએ અને નકારાત્મકતા ફેલાવતા જ્ઞાનીઓ બનવા કરતાં સંવેદનશીલ માનવ બનીએ તો પણ ઘણું છે.

Whatsapp-channel Whatsapp-channel

16 July, 2026 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK