જમીનને સાફ-સૂથરી કરી એના પર મકાન બાંધવું એ કામ બહુ સહેલું તો નહોતું જ. એટલે સમિતિએ સરકારને વિનંતી કરી કે જેમણે આ મકાનનો પ્લાન બનાવ્યો છે તે લેફ્ટનન્ટ હૉકિન્સને જ બાંધકામ પર દેખરેખ રાખવાનું કામ પણ સોંપવામાં આવે.
બૉમ્બે ગ્રીન, ૧૭૬૭માં
કરતાં જાળ કરોળિયો, ભોંય પડી પછડાય,
વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય.
મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ,
પણ પાછો હેઠો પડ્યો, ફાવ્યો નહીં કો ઘાટ.
એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર,
પણ એમાં નહીં ફાવતાં, ફરી થયો તૈયાર.
ઓગણીસમી સદીમાં જ લખાયેલી કવિ દલપતરામની આ પંક્તિઓ એ જ જમાનાના મૅકિન્ટોશ કે ગવર્નર ડંકન કે મુંબઈના બીજા કોઈ અંગ્રેજ અમલદારોએ તો ક્યાંથી વાંચી-સાંભળી હોય? પણ હાથમાં લીધેલું કામ પાર પાડવાની ધગશ તો તેમનામાં હતી જ. બીજી લૉટરી રદબાતલ થઈ, આવેલા પૈસા પાછા આપી દેવા પડ્યા એટલે ‘જેવી ભગવાનની મરજી’ એમ કહી હાથ ઊંચા કરી શક્યા હોત. પણ ના, બીજી લૉટરી રદ કરવી પડી એ પછી થોડા દિવસોમાં જ ટાઉન હૉલની દરખાસ્ત કરનારી મુંબઈવાસી અંગ્રેજોની સમિતિના સેક્રેટરી મિસ્ટર અર્સકીને ગવર્નરને કાગળ લખ્યો. આ સમિતિએ ટાઉન હૉલનું મકાન બાંધવા માટેના પ્લાન મોકલવાની જાહેર વિનંતી કરી હતી. એના જવાબમાં જે પ્લાન મળેલા એમાંથી સમિતિએ લેફ્ટનન્ટ હૉકિન્સનો પ્લાન પસંદ કર્યો છે જે અમે આ સાથે આપને મોકલીએ છીએ. આ પ્લાન જો આપ મંજૂર કરો તો અમારે આપને ખાસ વિનંતી કરવાની કે ટાઉન હૉલના બાંધકામ માટે ફાળવેલી જગ્યાની સાફસફાઈનું કામ શરૂ કરવાની મંજૂરી આપવાની મહેરબાની કરશો.
ADVERTISEMENT
પણ કેવી હતી એ જમીન જે ટાઉન હૉલ બાંધવા માટે ફાળવવામાં આવી હતી? આજે હૉર્નિમન સર્કલ તરીકે ઓળખાતા એ વખતના કૉટન ગ્રીનના એક ખૂણામાં હતી એ જમીન. એક જમાનામાં ત્યાં કાચાં-પાકાં ગોડાઉન હતાં જેમાં બ્રિટન મોકલતાં પહેલાં કૉટનની ગાંસડીઓ રાખવામાં આવતી હતી. પણ છેલ્લા કેટલાક વખતથી એનો આ કામ માટે ઉપયોગ થતો નહોતો અને જમીનનો એ પ્લૉટ ઉકરડા જેવો બની ગયો હતો. ફાટેલી તૂટેલી શણની ગાંસડીઓ, ખરાબાવાળો કપાસ, કટાઈ-તૂટી ગયેલા ગાંસડી તોળવા માટેના મસમોટા કાંટા, વગેરે ત્યાં ખડકાયાં હતાં. વળી રાતને વખતે ગંજેરી-ભંગેરીઓ એનો ઉપયોગ પોતાના ‘વ્યવસાય’ માટે કરતા અને દિવસે આસપાસના લોકો પોતાનો કચરો ત્યાં ઠાલવતા.
આવી જમીનને સાફ-સૂથરી કરી એના પર મકાન બાંધવું એ કામ બહુ સહેલું તો નહોતું જ. એટલે સમિતિએ સરકારને વિનંતી કરી કે જેમણે આ મકાનનો પ્લાન બનાવ્યો છે તે લેફ્ટનન્ટ હૉકિન્સને જ બાંધકામ પર દેખરેખ રાખવાનું કામ પણ સોંપવામાં આવે. અગાઉ જજ મૅકિન્ટોશ સાથેની વાતચીત દરમ્યાન હૉકિન્સ એ માટે તૈયાર પણ થયા હતા.
પણ પછી શું થયું એ તો જિસસ જાણે પણ સમિતિને આપેલા જવાબમાં સરકારે લખ્યું કે સરકાર સાથેની વાતચીત દરમ્યાન લેફ્ટનન્ટ હૉકિન્સે જણાવ્યું છે કે બીજાં કેટલાંક કામોને કારણે ટાઉન હૉલના બાંધકામ પર નજર રાખવાની જવાબદારી તેઓ સંભાળી શકે એમ નથી. ફરી પડદા પાછળ શું થયું હશે એની આપણને ખબર નથી પણ ચાર મહિના પછી ૧૮૧૪ના માર્ચની ૨૫મી તારીખે સરકારે એક પત્ર લખી સમિતિને જણાવ્યું કે અત્યાર સુધી લેફ્ટનન્ટ હૉકિન્સ જે કામમાં રોકાયેલા હતા એ કામ હવે પૂરું થવા આવ્યું છે અને એના પર તેઓ દેખરેખ રાખે એ અનિવાર્ય નથી. એટલે તમારી અગાઉની વિનંતી સ્વીકારીને અમે તેમને ટાઉન હૉલના મકાનના બાંધકામ પર દેખરેખ રાખવાની જવાબદારી સંભાળવા માટે મંજૂરી આપીએ છીએ. અલબત્ત, બીજા કોઈ પણ કામ માટે જો અને જ્યારે સરકારને તેમની સેવાઓની જરૂર પડે તો સમિતિએ તેમને તાત્કાલિક છૂટા કરવા પડશે.
પણ મુંબઈ સરકારની મંજૂરી મળે એટલે ‘ગંગા નહાયા’ એવું એ વખતે નહોતું. હવે આખો મામલો ગયો લંડનમાં બેઠેલા કંપની સરકારના બોર્ડ ઑફ ડિરેક્ટર્સ પાસે. મુંબઈ સરકારે લાંબો લચક ખરીતો બનાવીને મોકલ્યો લંડન. ટાઉન હૉલના મકાનના બાંધકામ માટે અત્યાર સુધીમાં ૧,૧૧,૮૭૦ રૂપિયા જેટલી રકમ ભેગી થયેલી હોવાનું એમાં જણાવ્યું હતું. એની વિગતો જોતાંવેંત ડિરેક્ટરોએ મુંબઈ સરકારનો ઊધડો લઈ નાખ્યો : રૂપિયા ૧,૧૧,૮૭૦ જેટલી જે રકમ એકઠી થઈ હોવાનું તમે જણાવ્યું છે એમાં મુંબઈ સરકારે આપેલા દસ હજાર રૂપિયા જેવડી મોટી રકમનો પણ સમાવેશ થાય છે. આવી મોટી રકમ અમારી મંજૂરી વગર તમે આપી જ કઈ રીતે શકો? જવાબમાં મુંબઈ સરકારે લખ્યું કે ફલાણી તારીખે લખેલા પત્ર દ્વારા આપની મંજૂરી અમે મગાવી હતી અને એ મળી જશે એમ માનીને અમે એ રકમ આ કામ માટે ફાળવી હતી પણ હજી ચૂકવી નથી. સામો જવાબ મળ્યો : આ માટે અમારી મંજૂરી માગતો પત્ર તમે ૧૮૧૨ના જુલાઈની પહેલી તારીખે અમને લખ્યો હતો. પણ તમારા હિસાબ જોતાં જણાય છે કે તમે તો એ દિવસ પહેલાં જ એ રકમ ફાળવી દીધી હતી! ભવિષ્યમાં કોઈ પણ કામ માટે સરકારી મદદ આપતાં પહેલાં અમારી મંજૂરી અગાઉથી લેવાનું અનિવાર્ય છે એની નોંધ લેશો. આ ટાઉન હૉલના બાંધકામ પાછળ તમે આપેલા દસ હજાર રૂપિયાની રકમ અમે અપવાદરૂપે મંજૂર કરીએ છીએ, પણ હવે પછી આ ટાઉન હૉલ બાંધવા પાછળ કે એ બંધાઈ રહ્યા પછી એની સજાવટ કે જાળવણી કે બીજી કોઈ પણ બાબત વિશે જે કોઈ પણ ખર્ચ થાય એ માટે મુંબઈ સરકારે એક કાણો પઈસો પણ આપવો નહીં એવો અમે આદેશ આપીએ છીએ.
પણ આના કરતાં પણ વધુ આકારો ઘા તો લંડનના પત્રના હવે પછીના ભાગમાં હતો.
એમાં લખ્યું હતું કે તમારા એન્જિનિયરના રિપોર્ટમાં જણાવ્યું છે કે બૉમ્બે ગ્રીનના એક ખૂણામાં ટાઉન હૉલનું મકાન બંધાવાથી કંપની સરકારના હિતને કોઈ રીતે હાનિ પહોંચી શકે એમ નથી. તેમની અ વાત સાથે અમે સહમત થઈ શકતા નથી. ૧૮૦૬ના મે મહિનાની બીજી તારીખે અમે તમને એક વિગતવાર પત્ર મોકલ્યો હતો. એના ૧૪૪મા પૅરૅગ્રાફમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બૉમ્બે ગ્રીનનો આખો વિસ્તાર કોઈ પણ ઇમારત વગરનો જ રહેવો જોઈએ. આવું ઠરાવવા પાછળનું કારણ પણ અમે જણાવ્યું હતું : કોઈ પણ વખતે કટોકટી કે આફત આવી પડે અને મુંબઈમાંના કંપની સરકારના આખેઆખા લશ્કરને એક જ ઠેકાણે ભેગું કરવાની જરૂર પડે, તો એમ કરી શકાય એવી આખા કોટ વિસ્તારમાં એક જ એવી જગ્યા છે : બૉમ્બે ગ્રીન. લેફ્ટનન્ટ કર્નલ ઍટ્કિન્સે બૉમ્બે ગવર્નમેન્ટના સેક્રેટરી ન્યૂનહામને લખેલા પત્રમાં આ મકાન બાંધવા માટેની સંભવિત જગ્યાનો નકશો મોકલ્યો હોવાનો ઉલ્લેખ છે પણ એ નકશો અમારા જોવામાં આવ્યો નથી. એટલે તમે સૂચવેલી જગ્યાએ ટાઉન હૉલનું મકાન બાંધવાથી બૉમ્બે ગ્રીનને અને તેથી કંપની સરકારનાં હિતને કેટલી હાનિ થશે એ અમે જાણી શકતા નથી. આ બાબત વિશે અમને પૂરેપૂરી ખાતરી ન થાય ત્યાં સુધી ટાઉન હૉલ માટેનું મકાન બાંધવાની મંજૂરી આપી શકાય નહીં.
લંડનમાં બેઠેલા હાકેમોના આ જવાબથી પહેલાં તો બૉમ્બે ગવર્નમેન્ટના અધિકારીઓ ડઘાઈ ગયા. પછી તપાસ કરતાં જણાયું કે ટાઉન હૉલની જગ્યા દર્શાવતો નકશો લંડન મોકલવાનું સરતચૂકથી રહી ગયું હતું. એટલે મુંબઈ સરકારે લંડનના હાકેમોને લખ્યું કે અગાઉ સરતચૂકથી જે નકશો મોકલવાનો રહી ગયો હતો એ આ સાથે અમે આપને મોકલીએ છીએ. એના પરથી આપ જોઈ શકશો કે અમે જે જગ્યાએ ટાઉન હૉલનું મકાન બાંધવાની દરખાસ્ત કરી છે એ જગ્યાની એક બાજુ મિન્ટ કહેતાં ટંકશાળ બાંધવાની અને બીજી બાજુ બૉમ્બે ફોર્ટના ચોકિયાતો માટેની ઇમારત બાંધવાની મંજૂરી આપે અગાઉ આપી છે. અમે જ્યાં ટાઉન હૉલનું મકાન બાંધવા માગીએ છીએ એ જગ્યા આ બે ઇમારતની વચ્ચે આવેલી છે. આ રીતે ત્રણ ઇમારત એક લાઇનમાં બાંધવાથી ઓછામાં ઓછી ૨૦૦ ફીટ જેટલી ખુલ્લી જગ્યા બૉમ્બે ગ્રીનમાં ઉમેરાશે. એટલે જ્યારે આ ત્રણે ઇમારત બંધાઈ રહેશે ત્યારે બૉમ્બે ગ્રીનની શોભા વધવા ઉપરાંત લશ્કરી હેતુઓ માટે ઓછી નહીં, પણ વધુ જગ્યા મળી રહેશે.
વળી અત્યારે લિટરરી સોસાયટીએ એકઠાં કરેલાં પુસ્તકો, મૂર્તિઓ, ચિત્રો વગેરે જુદે-જુદે સ્થળે ધૂળ ખાતાં પડ્યાં છે. વીસ હજાર પાઉન્ડને ખર્ચે તૈયાર થયેલાં કૉર્નવોલીસ, મિસ્ટર પિટ અને વેલેસ્લીનાં પૂતળાં અત્યારે ગોડાઉનમાં ધૂળ ખાતાં પડ્યાં છે. જો ટાઉન હૉલનું મકાન બંધાય તો સોસાયટીએ ભેગા કરેલા અમૂલ્ય સંગ્રહને અને આ ત્રણે પૂતળાંને કાયમી રહેઠાણ મળી રહેશે. વળી અમે જે વિગતવાર દરખાસ્ત આપને મોકલી હતી એના આધારે અમને આપની મંજૂરી મળી રહેશે એવી અમને આશા જ નહીં, ખાતરી હતી. એટલે ટાઉન હૉલના મકાનના બાંધકામ માટે રચાયેલી સમિતિએ જરૂરી એવી કેટલીક વસ્તુઓ ૮૦ હજાર રૂપિયાના ખર્ચે ગ્રેટ બ્રિટનથી મગાવવાનો ઑર્ડર આપી દીધો છે એટલું જ નહીં, એમાંની કેટલીક વસ્તુઓ તો મુંબઈ પહોંચી પણ ગઈ છે. છેવટે મુંબઈ સરકારે ઉમેર્યું : અમને ખાતરી છે કે આપે જે વાંધા અને વિરોધ દર્શાવ્યા છે એ અધૂરી અને અપૂરતી માહિતીને કારણે છે. એક વાર આપ સાચી હકીકતથી વાકેફ થશો પછી અમે માગેલી પરવાનગી આપવામાં આપને કશું વાંધાજનક નહીં લાગે એની અમને ખાતરી છે.
આ રુક્કાના જવાબમાં લંડનમાં બેઠેલા માંધાતાઓએ જણાવ્યું કે તમે જે ખુલાસા મોકલ્યા છે અને ચીફ એન્જિનિયરે બનાવેલો જે નકશો મોકલ્યો છે એ જોયા પછી અમે એવા નિર્ણય પર આવ્યા છીએ કે ટાઉન હૉલનું મકાન બાંધવા માટે જે જગ્યા સૂચવવામાં આવી છે એ જગ્યા બૉમ્બે ગવર્નમેન્ટ પચાસ વર્ષ માટે લીઝ પર આપે તો એ સામે અમને વાંધો નથી. લીઝ પેટે રકમ લેવી કે નહીં અને લેવી તો કેટલી એ બૉમ્બે ગવર્નમેન્ટ નક્કી કરશે. પણ ગ્રેટ બ્રિટનમાં અત્યારે પ્રવર્તતા કાયદા પ્રમાણે પચાસ વર્ષને અંતે જમીન અને એના પર બંધાયેલી ઇમારત આપોઆપ કંપની સરકારની માલિકીની બની જશે.
ચાલો. એક મોટી ઘાત તો માંડ ટળી. પણ મકાન બાંધવા માટેનાં ફદિયાંનું શું? ટાઉન હૉલ બાંધવા માટેની અંગ્રેજોની સમિતિએ ફરી એક વાર લૉટરી કાઢવાની મંજૂરી મુંબઈ સરકાર પાસે માગી. પણ આ વખતે કુલ ટિકિટ ફક્ત ૧૫૦૦, પહેલું ઇનામ રૂપિયા ત્રીસ હજાર. બીજાં ૩૩૬ ઇનામ. ત્રણ હજારનો ખરચ બાદ કરતાં સાફ આવક રૂપિયા ૧,૨૦,૦૦૦. સાથોસાથ લૉટરીની રકમ એકઠી થાય એની રાહ જોયા વગર ટાઉન હૉલના મકાનનું બાંધકામ શરૂ કરવાની પરવાનગી સમિતિએ બૉમ્બે ગવર્નમેન્ટ પાસે માગી. બંધાનારા મકાનનો મેજર કાઉપરે તૈયાર કરેલો આરાખડો પણ સાથે મોકલ્યો.
(જે અહીં મૂક્યો છે.)
પ્રિય વાચક! વિધિની કેવી વિચિત્રતા! ખાંખાંખોળાં કરવાથી ટાઉન હૉલ વિશે આટલીબધી હકીકત જાણવા મળે છે, પણ એના મકાનનું ખાતમુરત કયા દિવસે થયું, કોને હાથે થયું એ વિશે કશું જ જાણવા મળતું નથી! એ મકાનમાં ચોડેલી તકતીમાં પણ એટલું જ જણાવ્યું છે કે કર્નલ થોમસ કાઉપરે તૈયાર કરેલી ડિઝાઇન પ્રમાણે આ મકાનનું બાંધકામ ઈ. સ. ૧૮૨૧માં શરૂ થયું હતું અને
ઈ. સ. ૧૮૩૩માં પૂરું થયું હતું.
આ તો જાણે બાર વરસે બાવો બોલ્યો! પણ એવું થયું કેમ? એની વાત હવે પછી.


