એ યાદગીરી સુખદ હોય એ નિશ્ચિત કરવા માટે લગ્નનું બજેટ માથા પરનો બોજ બને નહીં એ રીતે નક્કી કરવું ખૂબ જરૂરી છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સમાજમાં સારું દેખાય અથવા પરંપરા અનુસાર લગ્નવિધિ સંપન્ન થાય એ મોટા ભાગના પરિવારોનું સપનું હોય છે. જોકે યોગ્ય નાણાકીય આયોજન વગર આ સપનું ઝડપથી આર્થિક ચિંતામાં ફેરવાઈ શકે છે. આથી જ લગ્ન ચિંતાનો વિષય નહીં પરંતુ આનંદનું પર્વ બની રહે એ માટે યોગ્ય નાણાકીય આયોજન જરૂરી છે.
પરિવારને પરવડે એટલી લગ્નના ખર્ચની રકમ બધાએ ભેગા મળીને નક્કી કરવી. લોકો શું કહેશે એનો વિચાર કર્યા વગર લગ્નની તૈયારીઓ શરૂ કરો. સમાજના દબાણને વશ થયા વગર તમારી હાલની બચત અને આર્થિક સ્થિતિના આધારે ખરેખર શું પોસાય એ જુઓ. કુલ બજેટને લગ્નસ્થળ, કેટરિંગ, વસ્ત્રો, ઘરેણાં, ફોટોગ્રાફી અને ભેટ જેવી શ્રેણીઓમાં વહેંચી કાઢો. દરેક શ્રેણીની પણ સ્પષ્ટ મહત્તમ મર્યાદા રાખીને બિનજરૂરી ખર્ચ ટાળી શકાય છે. ઉપરાંત કરિયાવર તરીકે પરિવારજનો તરફથી મળતી ભેટને પણ ધ્યાનમાં રાખો, જેથી ડબલ ખર્ચ ન થાય.
દરેક લગ્નમાં કેટલાક ખર્ચ નિશ્ચિત હોય છે, જ્યારે અમુકમાં ઘટાડો કરી શકાતો હોય છે. લગ્નપ્રસંગે તમે કઈ બાબતોને પ્રાધાન્ય આપો છો એની પરિવારમાં ચર્ચા કરો. દાખલા તરીકે જો તમે લગ્નના સ્થળને બદલે સારી ફોટોગ્રાફી ઇચ્છતા હો તો એના આધારે ખર્ચ કરીને પૈસા બચાવવાનો અભિગમ અપનાવો. એકંદર ખર્ચને નિયંત્રિત રાખવા માટે મહેમાનોની યાદીમાં આવશ્યક કાપ મૂકીને કેટરિંગ અને લગ્નના સ્થળ પાછળનો ખર્ચ ઘણો ઘટાડી શકાય છે.
લગ્ન માટે પર્સનલ લોન લેવા કરતાં હાલની બચતનો ઉપયોગ કરવો હંમેશાં વધુ સારો રસ્તો છે. એક અઠવાડિયાની ઉજવણી માટે લોન લેવાથી તમારાં ભવિષ્યનાં નાણાકીય લક્ષ્યો જોખમમાં મુકાઈ શકે છે. જો તમે પહેલેથી આયોજન કરી રહ્યા હો તો લગ્ન સુધીના સમયગાળા માટે રોકાણનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. ભારતમાં તો સોનું નાનપણથી જ ભેગું કરવાની પરંપરા છે, પણ રોકડ રકમના ખર્ચ માટે અલગથી જોગવાઈ કરવી પડતી હોય છે.
કયા પ્રકારનો ખર્ચ કેટલા પ્રમાણમાં કરવાનો છે એ પહેલેથી નક્કી કરીને કુલ બજેટ તૈયાર કરો. બદલાતા સમય સાથે કેટલાંક યુગલો ફોટોશૂટ પર વધુ ખર્ચ કરીને લગ્નપ્રસંગના બીજા ખર્ચ ઘટાડવાનું પસંદ કરે છે, જ્યારે બીજાં કેટલાંક યુગલો પરંપરાગત રીત અપનાવે છે. દરેક ખર્ચનો પ્રકાર અને કુલ બજેટમાં એનો હિસ્સો વ્યક્તિગત પસંદગી પ્રમાણે નક્કી કરવો. સામાન્ય રીતે ખર્ચમાં સૌથી મોટો હિસ્સો લગ્નસ્થળ, કેટરિંગ અને ડેકોરેશનનો હોય છે. પછી ઘરેણાં અને વસ્ત્રોનો ખર્ચ આવે છે.
તમે ભલે કેટલું પણ ચોકસાઈથી આયોજન કર્યું હશે, અણધાર્યા ખર્ચ ઊભા થવાના જ છે. એનાથી તમારું બજેટ ખોરવાઈ શકે છે. એટલે કુલ બજેટમાં દસથી ૧૫ ટકા જેટલું ઇમર્જન્સી બફર ખાસ રાખો.
લગ્નપ્રસંગ સમગ્ર પરિવાર માટે એક મહત્ત્વપૂર્ણ ઉજવણી હોય છે જે આખી જિંદગી યાદ રહે છે. એ યાદગીરી સુખદ હોય એ નિશ્ચિત કરવા માટે લગ્નનું બજેટ માથા પરનો બોજ બને નહીં એ રીતે નક્કી કરવું ખૂબ જરૂરી છે.
