Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > આઇપીએલના સેવન સ્ટાર્સ : કલ હમારા હૈ!

આઇપીએલના સેવન સ્ટાર્સ : કલ હમારા હૈ!

28 May, 2023 09:56 AM IST | Mumbai
Ajay Motivala | ajaymotivala@mid-day.com

સોળમી આઇપીએલ સોળે કળાએ ખીલી છે ત્યારે એમાં ચમકેલા સાત સિતારા સાતમા આસમાને છે. આજે એમના વિશેની અલપઝલપ વાતો જાણીએ

સેવન સ્ટાર્સ

સેવન સ્ટાર્સ


અમદાવાદમાં આઇપીએલની ફાઇનલ આજે ચેન્નઈ અને ગુજરાત વચ્ચે રમાવાની છે, પણ આ વર્ષની આઇપીએલની અહીં સુધીની સફર રોમાંચક છે. ઘણી મૅચ હાઈ સ્કોરિંગ બની છે અને અત્યાર સુધીનો સિક્સર મારવાનો રેકૉર્ડ થયો છે. શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ જેવા યંગ ટર્કે તેમનું હીર દેખાડી દીધું છે. જોકે આ બંને જ નહીં, પણ આવા કયા સાત ભારતીય હીરા છે જેમણે આઇપીએલમાં એવો તરખાટ મચાવ્યો છે કે એવું કહેવું પડે કે આવતી કાલ આ સાત ભારતીય ક્રિકેટરોની હશે. ‘મિડ-ડે’ના અજય મોતીવાલા આવા સાત ડાયમન્ડ્સ આઇપીએલની ખાણમાંથી શોધી લાવ્યા છે.


ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) એક એવી એન્ટરટેઇનિંગ ટી૨૦ ઇવેન્ટ છે જે કરોડો ક્રિકેટલવર્સને રોમાંચ અને મોજ પૂરી પાડવાની સાથે દર વર્ષે સેંકડો ક્રિકેટર્સમાં કરોડો રૂપિયાની લહાણી તો કરે જ છે, ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ભારતને પાંચથી સાત નવા એક્સાઇટિંગ ખેલાડીઓ પણ ઊભા કરી આપે છે. આ વખતની ૧૬મી સીઝનમાં પીયૂષ ચાવલા, ઇશાંત શર્મા અને અમિત મિશ્રા જેવા જૂના જોગીઓ તો ક્લિક થયા જ છે, આવનારા મહિનાઓમાં ટીમ ઇન્ડિયાને કામ લાગી શકે એવા સાત સિતારા પણ મળ્યા છે. એમાંના એકાદ-બે સ્ટાર એક-બે વર્ષથી ભારતીય ક્રિકેટમાં ફેમસ થઈ જ ગયા છે, આ વખતે તેમણે વધુ સારું પર્ફોર્મ કરીને ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી કરવા માટેનો દાવો કરી દીધો છે.મધવાલનું મૅજિક લાજવાબ


ભૂતપૂર્વ ખેલાડીઓ અને વિદેશોના ક્રિકેટ નિષ્ણાતો ધમાકેદાર, સમજદાર અને ભરોસાપાત્ર ઓપનિંગ બૅટર યશસ્વી જયસ્વાલ (રાજસ્થાન રૉયલ્સ), ઑલમોસ્ટ દરેક ઇનિંગ્સનો શુભારંભ કરી આપતા શુભમન ગિલ (ગુજરાત ટાઇટન્સ) અને મિડલ-ઑર્ડરના પિંચ હિટર અને મૅચ-ફિનિશર રિન્કુ સિંહ (કલકત્તા નાઇટ રાઇડર્સ)ના વખાણ કરતા થાકતા નહોતા ત્યાં હવે ઉત્તરાખંડથી આઇપીએલમાં ઊતરી આવેલા પેસ બોલર આકાશ મધવાલે (મુંબઈ ઇન્ડિયન્સ) ફટાફટ ક્રિકેટના ફૉર્મેટમાં ધમાલ મચાવી દીધી છે. લખનઉ સુપર જાયન્ટ્સની ટીમને સ્પર્ધાની બહાર કરાવવા માટે પૂરતો તેનો પાંચ રનમાં પાંચ વિકેટનો વિક્રમજનક પર્ફોર્મન્સ આઇપીએલના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયો છે. બુધવારની એલિમિનેટરના અંત સુધીમાં તે ટુર્નામેન્ટમાં માત્ર ૧૨૯ બૉલ ફેંકીને સુપરસ્ટાર બોલર બની ગયો હતો.

નેહલ વઢેરા (મુંબઈ ઇન્ડિયન્સ)ને પણ કેમ ભૂલી જવાય! લીગ-સ્ટેજમાં ઘણો સંઘર્ષ કરનારી મુંબઈની ટીમને પ્લે-ઑફમાં પહોંચાડવામાં સૂર્યકુમાર યાદવ અને આકાશ મધવાલ જેટલું જ યોગદાન નેહલ વઢેરાનું છે એમ કહેવું જરાય ખોટું નથી. ભારતીય ટીમના હેડ-કોચ રાહુલ દ્રવિડના સ્ટુડન્ટ રહી ચૂકેલો શુભમન ગિલ સાડાચાર વર્ષથી ટીમ ઇન્ડિયા સાથે સંકળાયેલો છે, પણ આ વખતની આઇપીએલમાં તો તેણે કમાલ જ કરી નાખી. શુક્રવારની ક્વૉલિફાયર-ટૂ પહેલાં તે ૭૦૦-પ્લસ રન સાથે બીજા નંબરે હતો અને વિરાટ કોહલીની જેમ તેની પણ આ વખતે હાઇએસ્ટ બે સેન્ચુરી હતી. જોકે રિન્કુ સિંહને દાદ દેવી પડે. શુભમન ગિલ કરતાં તે પોણાબસો બૉલ ઓછા રમ્યો છે છતાં તેનો સ્ટ્રાઇક-રેટ (દર ૧૦૦ બૉલ દીઠ બનાવેલા રન) ગિલ જેટલો જ (૧૪૯.૦૦) છે.


યશસ્વી : સૌથી ચમકતો સિતારો

સોળમી આઇપીએલ જાણે સોળે કળાએ ખીલી છે. યશસ્વીની કમનસીબી છે કે આપણી, રાજસ્થાન વતી તેણે સૌથી વધુ અને તમામ બૅટર્સમાં પાંચમા નંબરે ગણાતા ઢગલો રન (૬૨૫ રન) બનાવવા છતાં આપણે તેને પ્લે-ઑફમાં ન જોઈ શક્યા. જોકે હવે ટીમ ઇન્ડિયામાં સૌથી ઝડપે તેનું આગમન થશે એમાં કોઈ શંકા નથી. ૧૩ બૉલમાં ૫૦ રન કરીને આઇપીએલના ઇતિહાસમાં ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરિયન તરીકેનું નામ લખાવનાર યશસ્વીની ટૅલન્ટ અને મનોબળ લાજવાબ છે.

આયુષ બદોનીની તુલના

ઊભરી રહેલા યુવાન ખેલાડીઓની વાત થઈ રહી છે તો સનરાઇઝર્સ હૈદરાબાદના બૅટર વિવ્રાન્ત શર્મા અને ૭ મૅચમાં ૯ વિકેટ લેનાર રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના પેસ બોલર વિજયકુમાર વૈશાકનાં નામ પણ અચૂક લેવાં પડે, પરંતુ પંજાબ કિંગ્સના ઓપનર પ્રભસિમરન સિંહ તથા લખનઉ સુપર જાયન્ટ્સના મિડલ-ઑર્ડર બૅટર આયુષ બદોનીને પણ કેમ ભુલાય?

આ વખતની સીઝનમાં પંજાબને કેટલીક બેનમૂન ઓપનિંગ ઇનિંગ્સથી મુશ્કેલીના વમળમાંથી બહાર લાવવામાં સેન્ચુરિયન પ્રભસિમરનનું યોગદાન હતું.

લખનઉની બૅટિંગની વાત થતી ત્યારે બદોનીને કાઇલ માયર્સ, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન અને ક્વિન્ટન ડિકૉક જેવા ટીમના કેટલાક વિદેશી ખેલાડીઓની માફક ડેન્જરસ બૅટર તરીકે ઓળખાવવામાં આવતો હતો. ચેન્નઈ સુપર કિંગ્સનો શિવમ દુબે ભારત વતી ૧૪ મૅચ રમી ચૂક્યો છે અને આ વખતની આઇપીએલમાં (મંગળવારની ક્વૉલિફાયર-વન સુધીમાં) ૧૫ મૅચમાં ૩૮૬ રન બનાવ્યા એ જોતાં તેને હવે ત્રણ વર્ષના બ્રેક બાદ ફરી ટીમ ઇન્ડિયામાં આવવાનો મોકો છે.

આઇપીએલ-૨૦૨૩માં કોનો કેવો પર્ફોર્મન્સ -

યશસ્વી જયસ્વાલ (રાજસ્થાન રૉયલ્સ)
ઉંમર : ૨૧ વર્ષ, મૅચ : ૧૪, બૉલ રમ્યો : ૩૮૨, રન બનાવ્યા : ૬૨૫, હાઇએસ્ટ : ૧૨૪, સ્ટ્રાઇક-રેટ : ૧૬૩.૬૧, ઍવરેજ : ૪૮.૦૭, સેન્ચુરી : ૧, હાફ સેન્ચુરી : ૫, ઝીરો : ૧, સિક્સર : ૨૬, ફોર : ૮૨

શુભમન ગિલ (ગુજરાત ટાઇટન્સ)
ઉંમર : ૨૩ વર્ષ, મૅચ : ૧૫, બૉલ રમ્યો : ૪૮૪, રન બનાવ્યા : ૭૨૨, હાઇએસ્ટ : ૧૦૪*, સ્ટ્રાઇક-રેટ : ૧૪૯.૧૭, ઍવરેજ : ૫૫.૫૩, સેન્ચુરી : ૨, હાફ સેન્ચુરી : ૪, ઝીરો : ૧, સિક્સર : ૨૩, ફોર : ૭૧

રિન્કુ સિંહ (કલકત્તા નાઇટ રાઇડર્સ)
ઉંમર : ૨૫ વર્ષ, મૅચ : ૧૪, બૉલ રમ્યો : ૩૧૭, રન બનાવ્યા : ૪૭૪, હાઇએસ્ટ : ૬૭*, સ્ટ્રાઇક-રેટ : ૧૪૯.૫૨, ઍવરેજ : ૫૯.૨૫, સેન્ચુરી : ૦, હાફ સેન્ચુરી : ૪, ઝીરો : ૦, સિક્સર : ૨૯, ફોર : ૩૧

આકાશ મધવાલ (મુંબઈ ઇન્ડિયન્સ)
ઉંમર : ૨૯ વર્ષ, મૅચ : ૭, બૉલ ફેંક્યા : ૧૨૯, રન આપ્યા : ૧૬૭, બેસ્ટ : પાંચ રનમાં પાંચ વિકેટ, ઇકૉનૉમી રેટ : ૭.૭૬, ઍવરેજ : ૧૨.૮૪, ચાર કે વધુ વિકેટ : બે વખત

નેહલ વઢેરા (મુંબઈ ઇન્ડિયન્સ)
ઉંમર : ૨૨ વર્ષ, મૅચ : ૧૩, બૉલ રમ્યો : ૧૬૩, રન બનાવ્યા : ૨૩૭, હાઇએસ્ટ : ૬૪, સ્ટ્રાઇક-રેટ : ૧૪૫.૩૯, ઍવરેજ : ૨૯.૬૨, સેન્ચુરી : ૦, હાફ સેન્ચુરી : ૨, ઝીરો : ૧, સિક્સર : ૧૨, ફોર : ૨૨

પ્રભસિમરન સિંહ (પંજાબ કિંગ્સ)
ઉંમર : ૨૨ વર્ષ, મૅચ : ૧૪, બૉલ રમ્યો : ૨૩૮, રન બનાવ્યા : ૩૫૮, હાઇએસ્ટ : ૧૦૩, સ્ટ્રાઇક-રેટ : ૧૫૦.૪૨, ઍવરેજ : ૨૫.૫૭, સેન્ચુરી : ૧, હાફ સેન્ચુરી : ૧, ઝીરો : ૨, સિક્સર : ૧૯, ફોર : ૩૮

આયુષ બદોની (લખનઉ સુપર જાયન્ટ્સ)
ઉંમર : ૨૩ વર્ષ, મૅચ : ૧૫, બૉલ રમ્યો : ૧૭૨, રન બનાવ્યા : ૨૩૮, હાઇએસ્ટ : ૫૯*, સ્ટ્રાઇક-રેટ : ૧૩૮.૩૭, ઍવરેજ : ૨૩.૮૦, સેન્ચુરી : ૦, હાફ સેન્ચુરી : ૧, ઝીરો : ૦, સિક્સર : ૧૨, ફોર : ૧૩

નોંધ : શુભમન ગિલ, આકાશ મધવાલ અને નેહલ વઢેરા વિશેના આંકડા શુક્રવારની ક્વૉલિફાયર-ટૂ મૅચ પહેલાંના છે.

Whatsapp-channel Whatsapp-channel

28 May, 2023 09:56 AM IST | Mumbai | Ajay Motivala

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK