Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કન્ટ્રોવર્સીનું બીજું નામ લલિત મોદી

કન્ટ્રોવર્સીનું બીજું નામ લલિત મોદી

Published : 07 June, 2026 12:37 PM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

શશી થરૂર સાથેના લલિત મોદીના સંબંધો પણ એ સમયે બહુ ચર્ચાયા હતા. આ ઘટનાના ઉલ્લેખ વિશે લલિત મોદી કહે છે, ‘એ ઘટના ૨૦૧૦ની સાલની છે. દક્ષિણ આફ્રિકાથી ટુર્નામેન્ટ પૂરી કરીને અમે પાછા ફર્યા હતા અને IPLની કોચી ટસ્કર્સ ફ્રૅન્ચાઇઝી બાબતે વિવાદ શરૂ થયો.

IPLની એક મૅચ દરમ્યાન BCCIના તત્કાલીન પ્રેસિડન્ટ એન. શ્રીનિવાસન અને તત્કાલીન વિદેશપ્રધાન શશી થરૂર સાથે લલિત મોદી.

IPLની એક મૅચ દરમ્યાન BCCIના તત્કાલીન પ્રેસિડન્ટ એન. શ્રીનિવાસન અને તત્કાલીન વિદેશપ્રધાન શશી થરૂર સાથે લલિત મોદી.


લંડનમાં મજ્જેથી રહેતા IPLના ભૂતપૂર્વ ચૅરમૅન અને ભાગેડુ લલિત મોદીએ હાલમાં ભારતીય મીડિયામાં બેબાક થઈને લગભગ બે દાયકા જૂના વિવાદો સામે બોલવાનું શરૂ કર્યું છે. એનાથી ઢંકાયેલું પડેલું ઘણુંબધું બહાર આવી રહ્યું છે. લલિત મોદીએ નામો અને ઘટનાઓ સાથે બધું જ જાહેર કરીને પોતે કંઈ જ ખોટું નથી કર્યું એવું ઘસી-ઘસીને કહ્યું છે. તેમણે પડકાર ફેંક્યો છે કે હું ખોટો હોઉં તો મારી સામેના આરોપો પર કેમ કેસ ચલાવવામાં આવતો નથી? અલબત્ત, સામે એક સવાલ એ પણ થાય કે આ બેબાકી આટલાં વર્ષો પછી કેમ આવી? ખેર, જાણીએ આટલાં વર્ષે લલિત મોદીએ કેવા-કેવા વિવાદોના મધપૂડા છંછેડ્યા છે એ વિશે

લલિત મોદીનું નામ કદાચ કોઈ માટે અજાણ્યું નથી. છેલ્લાં ૧૯ વર્ષથી આ નામ જેટલું ચર્ચામાં રહ્યું છે એથી વધુ કન્ટ્રોવર્સીમાં રહ્યું છે એમ કહીએ તો કદાચ ખોટું નથી. લલિત મોદીને ઓળખવા હોય તો એમ કહી શકાય કે  જબરદસ્ત બિઝનેસ-સૂઝ ધરાવતો એક એવો ઇનોવેટર જેને ઍડિક્શનના ધંધામાં મહારત હાંસલ છે! સામાન્ય માણસોને બંધાણી કઈ રીતે બનાવવા એમાં લલિત મોદીની જબરદસ્ત પકડ છે.

તમાકુ ઍડિક્ટિવ છે? તો લલિત મોદી માર્લબોરો અને ફિલિપ મૉરિસ સાથે કોલૅબરેશનમાં ભારતમાં સિગારેટના બિઝનેસમાં હતા. કાર્ટૂન બાળકો માટે ઍડિક્ટિવ છે? તો વર્લ્ડ ડિઝની ભારતમાં લાવનારા લલિત મોદી હતા. સ્પોર્ટ્સ ઍડિક્ટિવ છે? તો લલિત મોદીએ ESPN નામની સ્પોર્ટ ચૅનલ ભારતમાં લૉન્ચ કરી. અને ક્રિકેટ તો ભારતમાં ઍડિક્ટિવ જ નહીં ‘ગૉડ ઑફ સ્પોર્ટ્સ’ તરીકે પૂજાય છે, જેમાં IPL ઍડિક્ટિવ છે? તો ભારતમાં એ ફૉર્મેટ બનાવનાર અને લૉન્ચ કરનાર જ લલિત મોદી હતા.

અને છેલ્લાં ૧૯ વર્ષ દરમ્યાન અનેક વાર એવું બન્યું છે કે જ્યાં-જ્યાં લલિત મોદી હોય ત્યાં કન્ટ્રોવર્સી હોય, હોય ને હોય જ. જો ન હોય તો આ માણસ ઇન્ટરવ્યુ દ્વારા કે સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા નવી કન્ટ્રોવર્સીને જન્મ આપે. જાણે વર્ષોથી ઍડિક્શન્સના બિઝનેસમાં રહીને તેમને પોતાને કન્ટ્રોવર્સીસનું ઍડિક્શન લાગી ગયું હોય.

ક્રિકેટ સાથે સટ્ટાના સંબંધને ૨૦૦૮ના વર્ષ સુધી માત્ર એક શક્યતા તરીકે જોવાતી હતી, પરંતુ IPL શરૂ થઈ અને જાણે આ છૂપો સબંધ જાહેર થઈ ગયો. ક્લબ ક્રિકેટ ટુર્નામેન્ટનું આ ફૉર્મેટ જાણે લકઝરી અને બેટિંગ બન્નેની ઉજવણીનું ફૉર્મેટ બની ગયું. હવે તો અનઑફિશ્યલ અને નૉન-રેકૉર્ડેડ છતાં ફૅક્ટ છે કે IPL સીઝન શરૂ થાય એ દોઢ-બે મહિના દરમ્યાન શૅરમાર્કેટથી લઈને મોટા ભાગનાં ફાઇનૅન્શિયલ ટૂલ્સમાં રોકાણ અને ચર્નિંગ ઓછું થઈ જાય છે, કારણ કે નાણાંનો જબરદસ્ત મોટો ફ્લો IPL તરફ વહેતો હોય છે. એવા આ જબરદસ્ત ઍડિક્ટિવ ફૉર્મેટને જન્મ આપનાર લલિત મોદીએ હમણાં બેબાક થઈને ઇન્ટરવ્યુ આપવાનું શરૂ કર્યું છે અને એક પછી એક વિવાદાસ્પદ નિવેદનો કરીને ફરી કન્ટ્રોવર્સી નામના ઈંધણમાં જાણે દીવાસળી ચાંપી છે. ક્રિકેટ, IPL, શશી થરૂર, શરદ પવાર, નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી, પ્રણવ મુખરજી, ચિદમ્બરમ સહિત દાઉદથી લઈને રણવીર સિંહ સુધીનાં અનેક નામો આ ઇન્ટરવ્યુમાં આવ્યાં, ચર્ચાયાં અને દરેક નામની પાછળ જીવિત થતી ગઈ એક નવી કન્ટ્રોવર્સી.

ખરેખર ચીટર અને ભાગેડુ છે?

ભારત માટે લલિત મોદી છેતરપિંડી કરનારો ભાગેડુ છે અને ભારતનો ગુનેગાર છે, પણ લલિત મોદી પોતાને પાક સાફ ગણાવતાં કહે છે, ‘ના, જરા પણ નહીં! જો ખરેખર એવું હોય તો સરકારના હાથ તો બહુ લાંબા હોય છે. ભારત સરકાર સામે કોઈ પંગો પણ લઈ શકે નહીં. હું પણ નથી જ લેવા માગતો. પણ જો ખરેખર હું ચીટર હોઉં તો સરકાર મને પકડતી કેમ નથી? હું તો આખા વિશ્વમાં બિન્દાસ ફરું છું. જો ખરેખર જ હું ભાગેડુ હોઉં તો મને શોધવો કે પકડવો સરકાર માટે ડાબા હાથનો ખેલ છે.’

લલિત મોદી કહે છે, ‘વાસ્તવમાં મને ચીટર કહેનારને પૂછવું જોઈએ કે ખરેખર ચીટર કોણ છે? કોણે સત્તા અને પાવરની ધાક દેખાડીને મને ખોટું કરવા મજબૂર કર્યો હતો? છતાં મેં નહોતું કર્યું અને હું ઝૂક્યો નહોતો. કોણે પોતાનો સ્વાર્થ સાધવા રેઇડ પડાવવાની ધમકી આપી હતી અને મારા પર સહી કરવા દબાણ કર્યું અને છતાં આખરે મેં નહોતી જ કરી. ખરેખર તો ભારતીય મીડિયા મને ‘ભાગેડુ!’ કહી રહી છે. ભારતની એક લીડિંગ મીડિયા અને પબ્લિશિંગ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર મારા મિત્ર છે. તેમને હું અનેક વાર કહેતો હોઉં છું કે તમે લોકો મને ભાગેડુ શા માટે કહો છો? ત્યારે ઘણી વાર તે મને કહેતો હોય છે કે લલિત, યુ આર સેલેબલ ઇન ઇન્ડિયા; તારા વિશે સાચી કે ખોટી વાતો છપાય અને જબરદસ્ત વેચાય છે એટલે મીડિયા છાપે છે અને વેચે છે!’

જુડિશ્યરી સિસ્ટમ પર હુમલો

લલિત મોદી પોતાને ન્યાય નથી મળ્યો એ બાબતે હવે બેબાક બોલે છે. તે કહે છે, ‘નિર્ણય ન મળવો એ જ અન્યાય નથી, નિર્ણય મોડો મળવો એ પણ અન્યાય છે. મને કહો કે કોર્ટમાં તમારો કેસ ચાલતો હોય અને તમને સતત તારીખ પર તારીખ જ મળતી હોય અને સુનાવણી થાય જ નહીં એ શું સજા નથી? ખબર છે મજાની વાત શું છે? ભારતમાં મારી વિરુદ્ધ કોઈ કેસ નોંધાયેલો નથી. જો હું ખરેખર જ ખોટો છું, ખરાબ છું અને ચીટર છું તો મારી વિરુદ્ધ કેસ દર્જ કરાવો, કેસ ચલાવોને. હું ક્યાં ના કહું છું!’

તો નામ બદનામ ક્યૂં હૈ

નહીં, જરા પણ નહીં, મારું નામ કોઈ બદનામ નથી અને સાચું કહું તો હવે મને ફરક પણ નથી પડતો એમ જણાવીને લલિત મોદી કહે છે, ‘હવે મારી પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે. પહેલાં હું વિચારતો હતો કે હું મારો પક્ષ સાબિત સાબિત કરું, મારા વિશે સફાઈ આપું, મને નિર્દોષ સાબિત કરું; પરંતુ હવે એ બધી વાતોને વર્ષો થઈ ગયાં છે. હવે એવી કોઈ ઇચ્છા નથી. એક સમય હતો જ્યારે હું ભારત પાછો આવવા માગતો હતો. એ સમયે એ માટેનાં કારણો પણ હતાં, પરંતુ હવે સમય અને સંજોગો બદલાઈ ચૂક્યા છે. હવે તો ભારત પાછા આવવાનું વિચારતો પણ નથી. હું ખુશ છું, અહીં શાંતિથી રહું છું અને વિશ્વ આખામાં ફરું છું. જો તમે મને સકંજામાં લેશો તો મને કોર્ટ લઈ જવો પડશે. ૧૭ વર્ષ થઈ ગયાં, તમે મને ન પકડ્યો અને હવે અચાનક કઈ રીતે અરેસ્ટ કરશો? સીધી વાત છે કે મારી વિરુદ્ધ કોઈ કેસ હોત કે ગુનો હોત તો હમણાં સુધીમાં બહાર આવી ચૂક્યું હોત.’

તત્કાલીન ગૃહપ્રધાન ચિદમ્બરમ સાથે શું વિવાદ હતો?

આ આરોપનો જવાબ આપતાં લલિત મોદી કહે છે, ‘જે લોકો પાસે એ સમયે રાજનૈતિક સત્તા હતી તે બધાએ પોતાના અંગત સ્વાર્થ માટે મારા પર દબાણ લાવવાનો કે ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો અને સાચું કહું તો એ જ લોકો મારી વિરુદ્ધ વિવાદ ઊભો કરતા રહ્યા છે જેમનો અંગત સ્વાર્થ પરિપૂર્ણ નહોતો થયો. મને ક્યારેય કાયદાથી ડર નથી લાગ્યો, મને ડર એ રાજનેતાઓથી લાગ્યો છે જેઓ સત્તા પર અથવા વિપક્ષમાં બેઠા હોય, કારણ કે દેશમાં અને સિસ્ટિમ પર તેમનો દબદબો હોય જ છે અને તે લોકો ચાહે ત્યારે માહોલ ખરાબ કરી શકે છે. મારી જ વાત કરું. શરૂઆતમાં મારા તમામ રાજકીય પક્ષો સાથે ખૂબ સારા સબંધ હતા, પછી એ સત્તા પક્ષ હોય કે વિપક્ષ. યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA)ના નેતૃત્વવાળી સરકાર સત્તા પર હતી અને ૨૦૦૯ની સાલમાં IPL ટુર્નામેન્ટ હતી અને એ જ સમયની આસપાસ ચૂંટણીનો પણ સમય આવ્યો ત્યારે તેમણે IPLને સુરક્ષા આપવાની ના કહી દીધી. મિ. ચિદમ્બરમ એ સમયે ગૃહપ્રધાન હતા એટલે સ્વાભાવિક છે સત્તા ધરાવતા હતા અને એટલે તાકતવર હતા. એક દિવસ અચાનક તેમનું ફરમાન આવ્યું કે કૉન્ગ્રેસશાસિત એક પણ રાજ્યમાં તેઓ IPL ક્રિકેટ મૅચની પરવાનગી નહીં આપે. એને કારણે અમારે આખી ટુર્નામેન્ટ દક્ષિણ આફ્રિકા શિફ્ટ કરવી પડી હતી અને તમે માનશો એ આખા શિફ્ટિંગ પહેલાં અમે ૧૫૪ વાર બદલાવ કર્યા હતા! બસ, એ સમયથી સબંધો બગડવાની શરૂઆત થઈ અને ચિદમ્બરમની બુક્સમાં મારું નામ ખરાબ થઈ ગયું.’

EDની રેઇડ પડાવવાની ધમકી આપી હતી

શશી થરૂર સાથેના લલિત મોદીના સંબંધો પણ એ સમયે બહુ ચર્ચાયા હતા. આ ઘટનાના ઉલ્લેખ વિશે લલિત મોદી કહે છે, ‘એ ઘટના ૨૦૧૦ની સાલની છે. દક્ષિણ આફ્રિકાથી ટુર્નામેન્ટ પૂરી કરીને અમે પાછા ફર્યા હતા અને IPLની કોચી ટસ્કર્સ ફ્રૅન્ચાઇઝી બાબતે વિવાદ શરૂ થયો. ખરેખર તો એમાં એકમાત્ર હું હતો જેણે એ ટીમ ખરીદવા માગતા માલિકોના સમૂહ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. એમાં શશી થરૂરનાં પત્ની સુનંદા પુષ્કર પણ સામેલ હતાં. મને પહેલેથી જ એમાં ગરબડ લાગતી હતી અને સુનંદા પુષ્કરના ઇક્વિટી સ્ટ્રક્ચરમાં કોઈ મોટી ગરબડી હતી. આથી મેં અવાજ ઉઠાવ્યો અને તત્કાલીન UPA સરકારની આખી સિસ્ટમ મારી વિરુદ્ધ મને બહાર કરવાના કાવાદાવામાં મંડી પડી. એમાં શશી થરૂર સાથે સોનિયા ગાંધી અને તેમના ખાસ એવા અહમદ પટેલ પણ સામેલ હતાં. અરે, પ્રણવ મુખરજીના પણ મારા પર ફોન આવ્યા હતા. રાજીવ શુક્લ તો કંઈકેટલીયે વાર મારી પાસે આવીને દબાણ લાવવાનો પ્રયત્ન કરતા રહેતા કે મારે આમ કરવું જોઈએ, મારે તેમ કરવાનું છે. તમે માનશો આ બધા જ એ સમયે મારા ખૂબ સારા મિત્રો હતા, પણ હું ન ઝૂક્યો. હું કોઈ પણ બાબતે બાંધછોડ કરવા તૈયાર નહોતો. આખરે તે લોકોએ મને મોડી રાત્રે બૅન્ગલોર એક મીટિંગમાં બોલાવ્યો અને ફ્રૅન્ચાઇઝી ઍગ્રીમેન્ટ પર સહી કરવા દબાણ કર્યું, પણ મેં સહી કરવાની ના કહી દીધી કારણ કે મને ખબર હતી કે આ સામે દેખાતા ફ્રૅન્ચાઇઝી ઓનર્સની પાછળ શૅડો હોલ્ડર્સ કોઈ બીજા જ છે અને તેઓ કોણ હતા એ પણ હું જાણતો હતો. ઇન ફૅક્ટ, મને ખરેખર જ એ સમયે ખબર નહોતી કે સુનંદા પુષ્કર કોણ છે. કોચી ટીમમાં ગોટાળા જુઓ. સુનંદા પુષ્કર ટીમ ખરીદવા માટે કે ફ્રૅન્ચાઇઝી માટે એક પણ રૂપિયો ખર્ચતાં નથી! ઝીરો ઇન્વેસ્ટમેન્ટ! છતાં તેમને ફ્રૅન્ચાઇઝીમાં પચીસ ટકાની ભાગેદારી અને રેવન્યુ જે આવે એમાં, પ્રૉફિટમાં નહીં પણ રેવન્યુમાં ૧૫ ટકા હિસ્સો આપવાનો. આ શું છે? IPLના ચૅરમૅન તરીકે તમને પ્રશ્ન થવો જ જોઈએ અને મને થયો અને મેં પ્રશ્ન કર્યો. તો મને શું કહેવામાં આવ્યું? મને શશી થરૂરનો ફોન આવ્યો અને કહ્યું કે લલિત, સુનંદા પુષ્કર વિશે એક પણ સવાલ નહીં, તે મારી ખૂબ સારી મિત્ર છે! મેં જ્યારે કહ્યું કે તમારા મિત્ર હોય તો એથી પ્રશ્ન નહીં પૂછવા એવું ન હોય. ત્યારે શશી થરૂરે સીધું જ કહ્યું, હવે એક પણ પ્રશ્ન પૂછ્યો છે તો આવતી કાલે સવારે તારે ત્યાં EDની રેઇડ પડશે, ઇન્કમ-ટૅક્સની રેઇડ પડશે અને અમે તને જેલમાં પૂરાવી દઈશું. મેં હાથ ઝાટકી નાખ્યો અને કહી દીધું કે ભાડ મેં જાઓ તુમ, તમે સમજો છો શું તમારા મનમાં? તમે વિદેશપ્રધાન હો તો ભલે રહ્યા, બીજી વાર મારી સાથે આ રીતે વાત કરવાની હિંમત ન કરતા. મેં જોરમાં ફોન પટકી દીધો અને કહી દીધું કે હું સહી નહીં કરું! છતાં એ લોકો ન જ માન્યા અને મોડી રાત્રે BCCIના તત્કાલીન ચૅરમૅન શશાંક મનોહરનો ફોન આવ્યો અને બળજબરીથી મારી પાસે સહી કરાવી.

દાઉદ ઇબ્રાહિમની ધમકીને કારણે ભારત છોડ્યું?

દાઉદ! આ કૅરૅક્ટરનું નામ આવે એટલે બધાની આંખો પહોળી થઈ જ જાય. લલિત મોદીનો પણ તેમની સાથે ગજબનો વિવાદ છે. લલિત મોદીએ જ્યારે ભારત છોડ્યું ત્યારે કહેલું કે દાઉદ તરફથી તેમને ધમકી મળી રહી છે. આ બધું કઈ રીતે બન્યું એ વિશે તેઓ કહે છે, ‘આજે તમને કહું કે દાઉદ કઈ રીતે પિક્ચરમાં આવ્યો. શશી થરૂરના હાથમાંથી વાત નીકળી ગઈ હતી. શ્રીનિવાસનને લાગતું હતું કે તેની પાસે કશું મળી આવશે મારી વિરુદ્ધ, પણ કશું મળ્યું નહીં. હવે કરવું શું? ચાલો, ગુંડાની મદદ લઈએ. એ સમયે મારી શરૂ કરેલી IPLને કારણે BCCIના ખાતામાં ૫૭,૮૦૦ કરોડ રૂપિયા જમા હતા. હવે બધાને આ ખેલમાં પૈસો અને પૈસા પાછળની ગેમ દેખાઈ રહી હતી. ખબર હતી કે લલિત હશે ત્યાં સુધી શક્ય નથી. તો શું કરવું? લલિતને કાઢો. માત્ર અન્ડરવર્લ્ડમાં જ નહીં, દાઉદ ક્રિકેટજગતમાં પણ બુકી તરીકે જબરદસ્ત મોટું નામ છે. એટલું મોટું કે એ સમયે ક્રિકેટના આખા સટ્ટાને તે કન્ટ્રોલ કરતો હતો! એ સમયે ક્રિકેટ પર બે અબજ ડૉલર કરતાંય વધુ રકમનો અવૈધ સટ્ટો થતો હતો. આજે તો હવે એક-એક મૅચ પર ૪ અજબ ડૉલરનો અવૈધ સટ્ટો થાય છે. આ રકમ બહુ મોટી છે. એટલી મોટી કે તમે કલ્પના પણ નહીં કરી શકો. દર બૉલે નવા સટ્ટાનો નવો મોકો હોય છે. થાય છે એવું કે જ્યારે તમે આખી મૅચ ફિક્સ નથી કરી શકતા ત્યારે ઓવર ફિક્સ કરો છો, દરેક બૉલ ફિક્સ કરો છો!’

સાચું કહું તો આપણને ખબર પણ નથી હોતી કે ક્યારે ફિક્સિંગ થઈ ગયું એમ જણાવીને લલિત મોદી કહે છે, ‘આ એટલું જટિલ છે કે કોઈ રૂમાલ બહાર કાઢે, કોઈ બૉલને કે બૅટને બીજી તરફથી રગડે કે હેલ્મેટ કાઢીને પરસેવો લૂછે આ બધા જ ઇશારા હોય છે. તમે IPLનાં શરૂઆતનાં ૩ વર્ષ જોશો. જ્યારે હું IPL ચલાવતો હતો ત્યારે કોઈ ફિક્સિંગ થતું નહોતું. એ સમયે એવા અનેક લોકો હતા જેમને આ સિસ્ટમમાં દાખલ થવાથી મેં રોક્યા હતા, કારણ કે મને ખબર હતી કે કોણ કયા કારણથી દાખલ થવા માગે છે. આ જ વાત માફિયાઓને પસંદ નહોતી. તેમણે માત્ર આંખ આડા કાન કરવા માટે મને કરોડો ડૉલર ઑફર કર્યા હતા. ૨૦૧૨ની વાત કરું લંડનમાં બેઠેલા એક ફિક્સરે ‘બાબા’ નામની એક વ્યક્તિના પેન્ટહાઉસમાં મોડી રાત્રે મીટિંગ ફિક્સ કરી. એ મીટિંગ દરમ્યાન જે વચ્ચેનો માણસ હતો તેણે એક સૅટેલાઇટ ફોન પરથી દાઉદ ઇબ્રાહિમને ફોન લગાડ્યો અને ફોન સ્પીકર પર મૂકી દીધો. દાઉદની ઇચ્છા હતી કે મારા પર દબાણ બનાવીને IPLની એક ફ્રૅન્ચાઇઝી ખરીદી શકે, પણ મેં ચોખ્ખી ના કહી દીધી. એને કારણે તેણે ત્રણ વાર મને મરાવી નાખવાની કોશિશ કરી હતી. હું એ સમયે ખરેખર જ ખૂબ દબાવ અનુભવી રહ્યો હતો. મારા પર થાઇલૅન્ડમાં હુમલો થયો, મારા પર (યુરોપિયન દેશ) મૉન્ટેનેગ્રોમાં પણ હુમલો થયો. લંડનમાં મારા દીકરાને કિડનૅપ કરી લેવામાં આવ્યો હતો. મેં દેશ છોડ્યો હતો આ ડરને કારણે, નહીં કે મારા પર કોઈ કેસ હતો કે મેં કંઈ ખોટું કર્યું હતું એટલા માટે. માફિયાઓ જ્યારે ખૂન કરી નાખવા પર ઉતારુ થઈ આવે ત્યારે તમારે વિચારવું પડે. મેં ભારત એટલા માટે નથી છોડ્યું કે મેં કોઈ છેતરપિંડી કરી છે. આખરે આ બધો વિવાદ ત્યારે પૂરો થયો જ્યારે મેં પર્સનલ લેવલ પર ગૅરન્ટી આપી કે હું આ ગેમથી મારી જાતને સદંતર દૂર કરી લઈશ. ત્યારે છોટા શકીલે એક લાઇવ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે લલિત મોદી સાથે માફિયાઓને કોઈ વિવાદ નથી અને બધું સૉલ્વ થઈ ચૂક્યું છે.’

IPL શરૂ જ ન થઈ હોત જો લલિત મોદી ન હોત

હમણાં આપણે જે IPL જોઈએ છીએ એના કરતાં શરૂઆતની T-20 IPLનો સમય અને સંજોગો સાવ અલગ હતા. આજે જે પ્લેયર્સનાં આટલાં મોટાં-મોટાં ઑક્શન્સ થાય છે અને ખેલાડીઓ પણ રમવા માટે પડાપડી કરે છે એ જ IPL માટે એક સમય એવો હતો જ્યારે કોઈ ખેલાડી આ ફૉર્મેટમાં રમવા તૈયાર નહોતો.  આ રોચક કહાની પર ૨૦૦૭ની સાલ પહેલાંની વાત કરતાં લલિત મોદી કહે છે, ‘૨૦૦૭ની વાત છે. T-20 વર્લ્ડ કપમાં કોઈ સિનિયર ખેલાડી રમવા નહોતો માગતો. મને બરાબર યાદ છે કે ૨૦૦૭ની ૧૯ જુલાઈથી ૮ સપ્ટેમ્બર દરમ્યાન ભારતની ટીમ ઇંગ્લેન્ડની ટૂર પર હતી. ૩ ટેસ્ટ અને ૭ વન-ડેની એ સિરીઝ બાદ ૧૧ સપ્ટેમ્બરથી જ વર્લ્ડ કપ શરૂ થવાનો હતો. એ સમયે ઇંગ્લૅન્ડમાં ભારતીય ટીમના ડ્રેસિંગરૂમમાં હાજર તે દરેક ખેલાડી પાસે હું ગયેલો અને કહેલું કે પ્લીઝ, હું તમને વિનંતી કરું છું કે તમે લોકો T20 રમો. ત્યારે તે લોકોએ મને કહેલું કે લલિત, તું મજાક કરી રહ્યો છે, આ એક મૂર્ખામીભર્યો ખેલ છે અને અમે નથી રમવા માગતા. આજે પરિસ્થિતિ એ છે કે દરેક ખેલાડી આ ફૉર્મેટ અને મૅચોનો હિસ્સો બનવા માગે છે.’

 મીડિયાના કહેવા મુજબ આજે પણ હું ચોર છું. ત્યારે હું તો કહું છું કે આવોને મારી સામે, કેસ કરો, સાબિત કરો. ચોપડા ખૂલશે તો ઘણા લોકોનાં નામ ખૂલશે. મને કાઢવામાં આવ્યો કારણ કે મેં તેમણે ધારેલાં કામ કરવા ન દીધાં. હું તો આજે પણ ખુલ્લું કહું છું કે મારા કામમાં કંઈ પણ ખોટું પકડાય, હું ગુનેગાર હોઉં તો મને અરેસ્ટ કરો, મારી વિરુદ્ધ કેસ કરો. પણ કોઈએ સામે નથી આવવું. બસ, માત્ર સ્ટોરી બનાવવી છે કારણ કે સ્ટોરી વેચાય છે અને રિયલિટી એટલા માટે નથી વેચાતી કારણ કે એના પર પડદા પડ્યા છે.

મની-લૉન્ડરિંગ, ડ્રગ્સ અને ૨.૪૩ બિલ્યન

મને એક વાતની ખબર છે કે મેં કશું જ ખોટું કર્યું નથી! એવું સામી છાતીએ કહેતા લલિત મોદી સામે મની-લૉન્ડરિંગ, ડ્રગ્સ અને ૨.૪૩ બિલ્યનની અધધધ રકમ સાથે ફૉરેન એક્સચેન્જ મૅનેજમેન્ટ ઍક્ટ  (FEMA)ના કાયદાના ઉલ્લંઘનના પણ આરોપો છે. જોકે લલિત કહે છે, ‘મને એટલી ખબર છે કે દિવસના અંતે મારે મારો ચહેરો અરીસા સામે જોવાનો છે. મેં અનેક લોકોની જિંદગી બદલી નાખી છે. આથી હું એ વિશે જરા પણ નથી વિચારતો કે લોકો મારા માટે શું કહે છે અને શું વિચારે છે. મને ફરક એ વાતથી પડે છે કે હું મારા પોતાના વિશે શું વિચારું છું. કેટલાંક મીડિયા હાઉસિસ, સોશ્યલ મીડિયા અને કેટલાક લોકો તમને જજ કરે કે તમારા વિશે સ્ટેટમેન્ટ પાસ કરતા રહે એથી તમે બદલાઈ નથી જતા. એ સાચું કે BCCIએ મારા પર બાવીસ ચાર્જિસ લગાવ્યા. પણ ક્યાં છે એ ચાર્જિસ? ૧૭ વર્ષ થઈ ગયાં છે, સાબિત શું થયું? કારણ કે કોઈ ચાર્જિસ સાચા હતા જ નહીં. આરોપો સાબિત ન થઈ શક્યા એટલે શું કર્યું? મને લાઇફટાઇમ માટે બૅન કરી દીધો, પણ જો તમારા આરોપો સાચા હોય તો મને કોર્ટમાં ઢસડી જાઓને, ચલાવો મારા પર કેસ. હકીકત એ છે કે મારા પર ત્યારે પણ એક પણ કેસ નહોતો અને આજે પણ નથી.’

મની-લૉન્ડરિંગ જેવા સિરિયસ ગુનામાં તેમનું નામ સંડોવાયું એ વાતને તેમણે તેમના શબ્દોમાં કંઈક આવી રીતે સમજાવી. લલિત મોદી કહે છે, ‘મની-લૉન્ડરિંગનો આરોપ કેમ? અમે ટુર્નામેન્ટ સાઉથ આફ્રિકા લઈ ગયા અને સરકારની પરવાનગી ન લીધી એટલા માટે? IPL એક પ્રાઇવેટ ઑર્ગેનાઇઝેશન હતું અને ખાનગી સાહસને બહાર લઈ જવા માટે સરકારની પરવાનગીની જરૂર નથી. અને અમે બહાર શું કામ લઈ ગયા? જ્યારે સરકારે સુરક્ષા આપવા ના કહી ત્યારે. અને એમાં ફાઇનૅન્સ કોણ હૅન્ડલ કરતું હતું? હું નહોતો કરી રહ્યો. એ સેક્રેટરીની જૉબ છે. બીજું, મને કોર્ટમાં મારો રિપોર્ટ પણ સબમિટ કરવા દેવામાં ન આવ્યો. શા માટે? કારણ કે હું BCCI અને એની અંદર રમાતું પૉલિટિક્સ જાણી ચૂક્યો હતો અને મારા રિપોર્ટથી તેઓ  એક્સપોઝ થઈ જાત. ઘટના જુઓ કે સવારે ૧૦ વાગ્યે મારે કોર્ટમાં મારો રિપોર્ટ સબમિટ કરાવવા જવાનું છે. હું રસ્તામાં હતો અને ૯.૪૫ વાગ્યે મેઇલ આવી જાય છે કે અમે રિપોર્ટ ક્લોઝ કરી રહ્યા છે, તારી હવે જરૂર નથી અને તમને બરખાસ્ત કરવામાં આવે છે.’

મેં પણ ખોટું કર્યું છે

ખરાબ સમય દરેકની જિંદગીમાં આવે છે જેમાંથી હું પણ બાકાત નથી એમ જણાવીને લલિત મોદી કહે છે, ‘હું એમ નથી કહેતો કે મેં કશું જ ખોટું નથી કર્યું, મેં કદી ભૂલો નથી કરી. એક સમય એવો પણ હતો જ્યારે હું ડ્રગ્સ લેતો થઈ ગયો હતો, હું ડિપ્રેશનમાં સારી પડ્યો હતો અને આ બધા જ સંજોગોનો મેં સામનો કર્યો છે. અગત્યનું એ નથી કે તમે ખોટા કામમાં કઈ રીતે સપડાયા કે તમે ખોટું કર્યું. અગત્યનું છે એમાંથી બહાર આવવું, ઓવરકમ કરવું.’

બાયોપિક, ફિલ્મ અને રણવીર 

ભારતનો આ ધ મૅન ઑફ કન્ટ્રોવર્સી હવે પોતાની બાયોપિક પર કામ કરી રહ્યો છે. લલિત મોદીએ હાલમાં જ ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘મારી બાયોપિક પર કામ ચાલી રહ્યું છે અને હમણાં સ્ક્રિપ્ટ લખાઈ રહી છે. રણવીર સિંહ એમાં મારું પાત્ર ભજવવા માગે છે. જ્યારે આ ફિલ્મની વાત ડેવલપ થઈ ત્યારે હું રણવીર સિંહને નહોતો ઓળખતો અને અમે ક્યારેય મળ્યા પણ નહોતા, પરંતુ દીપિકા મારી ખૂબ સારી મિત્ર હતી. એક દિવસ મને ફોન આવ્યો કે રણવીર મને મળવા માગે છે. લગભગ બે વર્ષ પહેલાં તે લંડન આવ્યો હતો અને અમે મળ્યા હતા. એ સમયે તેણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે તે મારી બાયોપિક કરવા માગે છે. હવે તો તે ખૂબ મોટો સ્ટાર બની ચૂક્યો છે. આથી તેને સમય હશે અને કામ થયું તો જોઈએ આગળ શું થાય છે.’

ગોલ્ડ ડિગર ગર્લફ્રેન્ડનો ડાયમન્ડ ડિગર બૉયફ્રેન્ડ


એક્સ-ગર્લફ્રેન્ડ સુસ્મિતા સેન સાથે લંડનમાં લલિત મોદી. 

આપણા દેશમાં ક્રિકેટ અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને વર્ષોથી ઘનિષ્ઠ સબંધ રહ્યો છે. એમાંથી લલિત મોદી પણ બાકાત નથી. સુસ્મિતા સેન સાથેના તેના ફોટોગ્રાફ્સ અને સોશ્યલ મીડિયા પોસ્ટ્સ અનેક વાર ખબરોની જગતમાં આગ લગાડી ચૂક્યાં છે અને ધ મૅન ઑફ કન્ટ્રોવર્સીનો આ વિવાદ પણ ખૂબ ચગ્યો હતો. લોકોએ જ્યારે લલિત સાથે સુસ્મિતાના ફોટોગ્રાફ્સ જોયા ત્યારે સુશને ગોલ્ડ ડિગર તરીકે ગણાવતાં કહ્યું હતું કે લલિત મોદીના પૈસા જોઈ સુસ્મિતા તેની સાથે સંબંધ રાખી રહી છે. જોકે લલિતે આખી વાતને રદિયો આપતાં નવી જ વાત કહી અને આ નખરાળો, ચટપટો વિવાદ ફરી એક વાર આસમાને ચગ્યો. સુસ્મિતા સેનને ‘સ્પેશ્યલ’ કહેતાં લલિતે કહ્યું હતું કે ‘તે ગોલ્ડ ડિગર નહીં પણ હું ડાયમન્ડ ડિગર છું. આ દુનિયામાં હું જેટલા પણ લોકોને જાણું છું એમાંથી કોઈનીયે પાસે સુસ્મિતાથી વધુ હીરા નહીં હોય. સુસ્મિતા એક ખૂબ ઉમદા વ્યક્તિ છે અને તેની પાસેથી હું ઘણું શીખ્યો છું. તે એક સેલ્ફ-મેડ પર્સનાલિટી છે. અમારો સંબંધ ખૂબ સ્પેશ્યલ છે અને અમે ક્યાંય પણ જઈએ તો પેમેન્ટ સુસ્મિતા જ કરતી હતી, મને ક્યારેય પૈસા ખર્ચવા નહોતી દેતી. જાણે હું તેનો કેપ્ટ બૉયફ્રેન્ડ હોઉં.’ આ વાત હતી જુલાઈ ૨૦૨૨ની જ્યારે લલિતે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર ફોટો પોસ્ટ કર્યા હતા. જોકે ત્યાર બાદ ફેબ્રુઆરી ૨૦૨૫માં બન્નેનું બ્રેકઅપ પણ થઈ ગયું અને એ પણ લલિતે જ એક વિડિયો પોસ્ટ કરીને જણાવ્યું હતું.

દેશ છોડ્યો એ પણ તો મોટી કન્ટ્રોવર્સી

IPL સીઝનની ફાઇનલ હતી, મારે મારી સ્પીચ આપવાની હતી અને સ્પીચ પહેલાં જ એ લોકોએ મને સસ્પેન્ડ કરી નાખ્યો એમ જણાવીને લલિત મોદી કહે છે, ‘મને શોકૉઝ નોટિસ આપવામાં આવી અને ૨૦ દિવસમાં મારે રિપ્લાય આપવાનો હતો. ૧૦૦ પાનાંનો મારો એ રિપ્લાય રેડી હતો. હું મારા પ્લેનમાં હતો અને મારા પર્સનલ બૉડીગાર્ડે મને કહ્યું કે તમારે ટૉઇલેટ જવું પડશે, એ પણ પાછળના દરવાજે. ત્યાં એક પ્રાઇવેટ પ્લેન ઊભું હશે. હિમાંશુ રૉય એ સમયે ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ હતા. તેમણે કહ્યું કે લલિત, હવે અમે તમને સિક્યૉરિટી નહીં આપી શકીએ કારણ કે સેન્ટરથી ઑર્ડર છે, અમે તમને વધુમાં વધુ ૧૨ કલાક સુધી જ સુરક્ષા આપી શકીશું. ટૂંકમાં, મને ઇનડાયરેક્ટલી કહી દેવામાં આવ્યું હતું કે મારે હમણાં જ દેશ છોડવો પડશે. એ સમય સુધી હજી મારા પર એક પણ કેસ નહોતો. મને ફોર સીઝન્સ હોટેલના પાર્કિંગમાંથી લઈને એક ગાડીમાં બેસાડવામાં આવ્યો અને તાજ તરફ લઈ જવામાં આવ્યો. એ સમયે સેન્ટરમાં તે UPA અલાયન્સના એક પ્રધાન હતા જેમની રેન્જ રોવરમાં મને બેસાડવામાં આવ્યો. હું એ સમયે હજી દેશમાં ઑનરરી કાઉન્સિલ જનરલ હતો એટલે મને પ્રી-ક્લિયરન્સની જરૂર નહોતી. ઇમિગ્રેશન કાઉન્ટર પર વિધાઉટ સ્ટૅમ્પ ટ્રાવેલ કરવાની જોગવાઈ કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે મને મારી નાખવાની યોજના ઘડવામાં આવી છે એટલે મારે દેશ છોડવો જોઈએ. ત્યાર બાદના બે દિવસ પછી મારાં કાગળિયાં પર દેશ છોડ્યાના સ્ટૅમ્પ લગાડવામાં આવ્યા. તમને ખબર છે, નૅરેટિવ્ઝ મીડિયા બનાવે છે અને મીડિયામાં આજે પણ હું ચોર છું, ભાગેડુ છું! પણ હું તો કહું છું કે આવોને મારી સામે, કેસ કરો, સાબિત કરો. ચોપડા ખૂલશે તો ઘણા લોકોનાં નામ ખૂલશે. મને કાઢવામાં આવ્યો કારણ કે મેં તેમણે ધારેલાં કામ કરવા ન દીધાં. હું તો આજે પણ ખુલ્લું કહું છું કે મારા કામમાં કંઈ પણ ખોટું પકડાય, હું ગુનેગાર હોઉં તો મને અરેસ્ટ કરો, મારી વિરુદ્ધ કેસ કરો. પણ કોઈએ સામે નથી આવવું. બસ, માત્ર સ્ટોરી બનાવવી છે કારણ કે સ્ટોરી વેચાય છે અને રિયલિટી એટલા માટે નથી વેચાતી કારણ કે એના પર પડદા પડ્યા છે. જો ખૂલશે તો અનેક નામો અને અનેક કારનામાં બહાર આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2026 12:37 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK