Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપર પોલીસચી આતા સટકલી

ઘાટકોપર પોલીસચી આતા સટકલી

Published : 07 June, 2026 08:01 AM | Modified : 07 June, 2026 08:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિંઘમ સ્ટાઇલમાં પીછો કરીને બે કલાકમાં ચેઇન-સ્નૅચર્સને ઝડપી લીધા, ૩ ગુનાનો થયો પર્દાફાશ

ઘાટકોપર સ્ટેશન નજીક ફિલ્મી સ્ટાઇલથી આરોપીને પકડતી પોલીસ.

ઘાટકોપર સ્ટેશન નજીક ફિલ્મી સ્ટાઇલથી આરોપીને પકડતી પોલીસ.


ઘાટકોપર-વેસ્ટના સર્વોદયનગર વિસ્તારમાં ૬૬ વર્ષનાં કમલાદેવી દોશીની શુક્રવારે સવારે ચેઇન તફડાવી જવાની ઘટનામાં ઘાટકોપર પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં માત્ર બે જ કલાકની અંદર આરોપીઓને પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસની આ ત્વરિત અને બહાદુરીભરી કાર્યવાહીને કારણે ઘાટકોપર પોલીસ-સ્ટેશનના બે અને સાકીનાકા પોલીસ-સ્ટેશનનો એક મળીને કુલ ૩ ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ મામલે ૧૮ વર્ષના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે તેની સાથે સામેલ અન્ય બે સગીર વયના કિશોરોને કસ્ટડીમાં લીધા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી સ્કૂટી તેમ જ ચોરાયેલી અન્ય ચેઇન જપ્ત કરવામાં આવી છે.

વૃદ્ધાને બનાવ્યાં નિશાન
ઘાટકોપર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપર વિસ્તારમાંથી શુક્રવારે સવારે ૬૬ વર્ષનાં કમલાદેવી દોશી દેરાસરથી પૂજા કરીને ઘરે પાછાં આવી રહ્યાં હતાં ત્યારે સર્વોદય હૉસ્પિટલ નજીક સ્કૂટી પર સવાર થઈને આવેલા ૩ બદમાશો તેમણે પહેરેલી સોનાની ચેઇન આંચકીને, જોરદાર ધક્કો મારીને સ્કૂટર પર નાસી છૂટ્યા હતા. બરાબર એ જ સમયે સર્વોદય હૉસ્પિટલ નજીકથી પસાર થતી વખતે ૭૦ વર્ષનાં નાનીદેવી ચોરડિયાની પણ આ જ રીતે ચેઇન ખેંચાઈ હતી. ગુનાની ગંભીરતાને જોતાં ઘાટકોપર પોલીસની ડિટેક્શન ટીમના અધિકારીઓ તાત્કાલિક ઍક્ટિવ થઈ ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળ અને આસપાસના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં ત્રણેય શંકાસ્પદ આરોપીઓ ઘાટકોપર રેલવે-સ્ટેશન તરફ ટ્રિપલ સીટમાં સ્કૂટી પર પોતાની ઓળખ છુપાવીને ભાગતા દેખાયા હતા. આ જોતાં જ અમારા અધિકારીઓએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક રિક્ષામાં બેસીને આરોપીઓનો પીછો કર્યો હતો. ઘાટકોપર સ્ટેશન પાસે ટ્રાફિકનો ફાયદો ઉઠાવીને આરોપીઓ રૉન્ગ સાઇડમાં સ્કૂટી ભગાડી રહ્યા હતા ત્યારે અમારા અધિકારીઓએ રિક્ષામાંથી ઊતરીને દોડીને તેમને રંગેહાથ પકડી પાડ્યા હતા.’



તપાસમાં ૩ ગુનાનો પર્દાફાશ
ઘાટકોપર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘પકડાયેલા આરોપીઓમાં ઘાટકોપરના રાજાવાડી વિસ્તારમાં રહેતા ૧૮ વર્ષના હિમાંશુ શાહુ અને ચેમ્બુરમાં રહેતા ૧૬ વર્ષના બે સગીરોનો સમાવેશ છે. તેમની પાસેથી સ્કૂટર અને ગુના વખતે પહેરેલાં કપડાં જપ્ત કર્યાં છે. આ ઉપરાંત સોનાની ચેઇન પણ જપ્ત કરવામાં આવી છે. તેમની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે ઘાટકોપરમાં કરેલા અન્ય એક ચેઇન-સ્નૅચિંગની અને સાકીનાકા પોલીસ-સ્ટેશનની હદમાં કરેલા મોબાઇલ સ્નૅચિંગની કબૂલાત કરી હતી. આમ માત્ર બે કલાકમાં ૩ ગુના ઉકેલાઈ ગયા છે.’


લોકલ ટ્રેનમાં યુવતીની છેડતી કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો 

ઘાટકોપર-ઈસ્ટમાં રહેતી ૨૦ વર્ષની યુવતી શુક્રવારે સવારે થાણેથી ઘરે પાછી ફરી રહી હતી ત્યારે ટ્રેનમાં એક યુવાને તેની સામે ગંદા ઇશારા કર્યા હતા અને તેને અણછાજતી રીતે ટચ કરીને છેડતી પણ કરી હતી. યુવતીએ આ સંદર્ભે કલ્યાણ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી કરી છેડતી કરનાર યુવાનને ઝડપી લીધો છે. કલ્યાણ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પંઢરી કાંદેએ કહ્યું હતું કે ‘અંબરનાથમાં રહેતા આરોપી રાહુલ દશરથ વિશ્વકર્માએ યુવતીની છેડતી કરી હતી. યુવતીએ ફરિયાદ કરતાં અમે ધરપકડ કરીને તેની સામે સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો ગુનો નોંધ્યો છે.’  


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2026 08:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK