પર્યાવરણ બચાવવા આજે શાંતિપૂર્ણ જનઆંદોલન
પ્રતીકાત્મક તસવીર
મુલુંડ પર લાદવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ્સ અને મીઠાના અગરની જમીન પર પ્રસ્તાવિત બાંધકામ સામે સ્થાનિક પ્રજામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મુલુંડના ભૌગોલિક અને પર્યાવરણીય અસ્તિત્વને બચાવવા માટે તમામ રાજકીય પક્ષો અને સ્થાનિક નાગરિકો પક્ષાપક્ષી ભૂલીને એકજૂથ થયા છે. સરકારને જગાડવા અને પર્યાવરણની રક્ષા કરવા માટે ‘મીઠાગર વાચવા સમિતિ, મુલુંડ’ના નેતૃત્વમાં ‘મુલુંડ માટે મુલુંડકરોની લોકચળવળ’ શરૂ કરવામાં આવી છે. આ વિરોધ-પ્રદર્શનના ભાગરૂપે આજે એક વિશાળ અને શાંતિપૂર્ણ જનઆંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ સ્થાનિક લોકોને મોટી સંખ્યામાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.
‘મીઠાગર વાચવા સમિતિ’ના સભ્ય સત્યવાન દળવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક હાથ પર્યાવરણ માટે... એક પગલું મુલુંડ માટે’ના નારા સાથે આ શાંતિપૂર્ણ જનઆંદોલન આજે સવારે સાડાનવ વાગ્યે યોજાશે. આ વિરોધ-પ્રદર્શન મુલુંડ-ઈસ્ટના વાસુદેવ બળવંત ફડકે માર્ગ પર આવેલા મરાઠા મંડળ સભાગૃહ પરિસરમાં યોજાવાનું છે. મીઠાના અગર મુંબઈ અને મુલુંડને પૂર જેવી કુદરતી આપત્તિથી બચાવવા માટે કુદરતી બફર ઝોન તરીકે કામ કરે છે એથી એની કતલ રોકવી અનિવાર્ય છે. મુલુંડના નાગરિકોનો સ્વયંભૂ અને ઉત્સાહપૂર્ણ સહયોગ આ આંદોલનને નિર્ણાયક અને લક્ષ્યવેધી બનાવશે એવો અમને વિશ્વાસ છે.’
