Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > લવ, મૅરેજ, ધોખા ઔર ખતરનાક મર્ડર

લવ, મૅરેજ, ધોખા ઔર ખતરનાક મર્ડર

Published : 23 March, 2025 02:59 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

મેરઠ મર્ડરકેસ તરીકે ન્યુઝપેપરો અને ન્યુઝચૅનલોની હેડલાઇન બની ગયેલા સૌરભ રાજપૂત મર્ડરકેસની અથથી ઇતિ જાણ્યા પછી એક વાત નક્કી છે કે દિમાગમાં શૂન્યાવકાશ અને આંખોમાં અંધકાર પથરાઈ જશે

તાંત્રિક વિદ્યા શીખતો સાહિલ અને પતિની કાતિલ મુસ્કાન રસ્તોગી

તાંત્રિક વિદ્યા શીખતો સાહિલ અને પતિની કાતિલ મુસ્કાન રસ્તોગી


મેરઠ મર્ડરકેસ તરીકે ન્યુઝપેપરો અને ન્યુઝચૅનલોની હેડલાઇન બની ગયેલા સૌરભ રાજપૂત મર્ડરકેસની અથથી ઇતિ જાણ્યા પછી એક વાત નક્કી છે કે દિમાગમાં શૂન્યાવકાશ અને આંખોમાં અંધકાર પથરાઈ જશે. પતિની ગેરહાજરીમાં ડ્રગ્સના રવાડે ચડી ગયેલા સ્કૂલ-ફ્રેન્ડની દોસ્તી મુસ્કાનની જિંદગીને તહસનહસ કરી ગઈ કે માના મોતની પીડામાંથી દસકા પછી પણ બહાર નહીં આવેલા સાહિલ શુક્લાની જિંદગીને મુસ્કાને ધમરોળી નાખી? તમે જ નક્કી કરો


‘દૂસરી કોઈ બાત હી નહીં હૈ, ઉસે ફાંસી હોની ચાહિએ... મેરે દામાદ કો ન્યાય મિલના ચાહિએ...’



શુક્રવારે સાંજે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં પ્રમોદ રસ્તોગીએ કહ્યું. તેઓ સતત મીડિયાવાળા સાથે વાત કરવામાં વ્યસ્ત છે અને દરેકને તે આ જ વાત કહે છે. પ્રમોદ રસ્તોગી મુસ્કાનના પપ્પા છે. દેશભરમાં ચકચાર જગાવી દેનારા મેરઠ હત્યાકેસની મુખ્ય આરોપીનો સગો બાપ પોતાની દીકરી માટે ફાંસી માગે છે અને કહે છે, ‘હવે તે જીવવાલાયક નથી રહી, તેણે જીવવું ન જોઈએ. જો કોર્ટ તેને ફાંસી ન આપે તો તેણે જાતે પોતાને મારી નાખવી જોઈએ. આ અમારી મુસ્કાન છે જ નહીં. જો ડ્રગ્સની આવી અસર હોય તો હું નથી ઇચ્છતો કે હવે મુસ્કાનનો પડછાયો પણ અમારા પર પડે.’


૨૬ વર્ષની મુસ્કાન રસ્તોગીએ પોતાના બૉયફ્રેન્ડ સાહિલ શુક્લા સાથે મળીને ઠંડા કલેજે પોતાના જ ૨૯ વર્ષના હસબન્ડ સૌરભ રાજપૂતનું મર્ડર કર્યું. સૌરભના મર્ડર માટે મુસ્કાન અને સાહિલ છેલ્લા છ મહિનાથી પ્લાનિંગ કરતાં હતાં અને એક વખત તેમણે નિષ્ફળ પ્રયાસ પણ કર્યો. જોકે ૪ માર્ચે સૌરભના નસીબે તેને સપોર્ટ કર્યો નહીં અને મુસ્કાન-સાહિલ પોતાના પ્લાનમાં સફળ રહ્યાં. આ આખી ઘટનાને જો ટૂંકમાં કહેવી હોય તો બસ, અહીં પૂરી થઈ જાય, પણ જો તમે કાંદાનાં પડની જેમ ઘટનાનાં એક પછી એક પડ ખોલવાનું શરૂ કરો તો તમારું હૃદય મોઢામાં આવી જાય. મેરઠ મુસ્કાન મર્ડરકેસ તરીકે કુખ્યાત થયેલો આ કેસ આજની યંગ જનરેશનના પેરન્ટ્સને સજાગ કરવાનું કામ કરી જાય છે જેના માટે મુસ્કાન અને સૌરભને નજીકથી મળવું પડશે.


મુસ્કાન અને સૌરભ રાજપૂતનાં પ્રેમલગ્ન હતાં. 

મિલિએ મુસ્કાન સે

ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં રહેતી મુસ્કાન રસ્તોગી પોતાની જ સોસાયટીમાં રહેતા સૌરભ રાજપૂતના પ્રેમમાં પડી. સૌરભ મર્ચન્ટ નેવીમાં હતો અને તેનું પોસ્ટિંગ લંડનમાં હતું. લંડનથી આવેલા સૌરભ સાથે પ્રેમમાં પડ્યા પછી સૌરભ આ મૅરેજ માટે તૈયાર હતો, પણ તેની ફૅમિલી રાજી નહોતી જેના માટે હવે એવું કહેવાય છે કે મુસ્કાનની ઇમેજથી તે લોકો રાજી નહોતા. ૨૦૧પના અંત ભાગમાં છ મહિના માટે ઇન્ડિયા આવેલો સૌરભ અને મુસ્કાન આ જ છ મહિનામાં પ્રેમમાં પડ્યાં અને સૌરભ લંડન પાછો જાય એ પહેલાં તેમણે ઘરેથી ભાગીને ૨૦૧૬માં મૅરેજ પણ કરી લીધાં. સૌરભ-મુસ્કાનને રાજપૂત ફૅમિલીએ સ્વીકાર્યાં નહીં. જોકે રસ્તોગી ફૅમિલીએ તેમને અપનાવી લીધાં અને એટલે જ તે બન્ને શરૂઆતનો એક મહિનો મુસ્કાનના ઘરે રહ્યાં અને પછી ભાડે રહેવા ચાલ્યાં ગયાં.

સૌરભ અને મુસ્કાન છેલ્લે સુધી મેરઠના બ્રહ્મપુરીના ઇન્દિરાનગર એરિયામાં જ રહ્યાં; પણ હા, તેમણે છેલ્લાં ૧૦ વર્ષમાં ત્રણેક વાર ઘર બદલ્યું.

મુસ્કાન રસ્તોગીના પેરન્ટ્સ.

સામને આયા સૌરભ કા જૂઠ

મૅરેજના થોડા જ મહિનામાં સૌરભે કહેલી ખોટી વાત મુસ્કાનની સામે આવી કે સૌરભ હવે મર્ચન્ટ નેવીમાં જૉબ નથી કરતો. લાંચ લેવાના કેસમાં તેને જૉબ પરથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને એ પછી સૌરભ લંડનમાં રોજમદારની જેમ નાની-મોટી નોકરી કરીને ગુજરાન ચલાવતો હતો.

મેરઠના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આયુષ વિક્રમ સિંહ કહે છે, ‘સૌરભ ખોટું બોલ્યો એ વાતનું મુસ્કાનને દુખ થયું, પણ હસબન્ડ લંડનમાં રહે છે એ વાત તેને હજી પણ અટ્રૅક્ટિવ લાગતી હતી. શરૂઆતનાં થોડાં વર્ષો મુસ્કાન એ લાલચથી સૌરભ સાથે જોડાયેલી રહી કે સૌરભ તેને પણ લંડન લઈ જશે. જોકે એ ઈઝી નહોતું એટલે મુસ્કાન લંડન જઈ શકી નહીં. સેકન્ડલી, સૌરભ લંડન જતો રહેતો અને અહીં જૉઇન્ટ ફૅમિલીમાં રહેવાનું નહોતું એટલે પણ મુસ્કાનને આઝાદી હતી. સૌરભ ઇન્ડિયા આવે ત્યારે જ તેને સાચવવો પડે, પણ જો સૌરભ ઇન્ડિયા વહેલો આવી ગયો હોત તો કદાચ આ રિલેશન પહેલાં જ ડિવૉર્સના ફૉર્મમાં પૂરા થઈ ગયા હોત.’

સૌરભને ઊંઘની ગોળી આપીને ઘેનમાં જ મારી નાખી તેના શરીરના કટકા કરી ડ્રમમાં ભીની સિમેન્ટમાં એ દબાવી દીધા હતા.

કહ્યું એમ સૌરભનાં જૂઠાણાં પછી પણ મુસ્કાને સૌરભ સાથે લગ્નજીવન આગળ વધાર્યું. વચ્ચે-વચ્ચે સૌરભ છ-આઠ મહિના માટે લંડન જતો રહેતો, પણ ૨૦૧૮ના એન્ડમાં તે પાછો આવ્યો અને એક વર્ષમાં એટલે કે ૨૦૧૯માં મુસ્કાને દીકરી કિઆરા (નામ બદલ્યું છે)ને જન્મ આપ્યો. એ પછી કોવિડ અને લૉકડાઉન વચ્ચે સૌરભ લંડન જઈ શક્યો નહીં અને ૨૦૨૩માં તે ફરી જૉબ માટે લંડન ગયો. સૌરભ લંડનમાં એક બેકરીમાં જૉબ કરતો હતો.

વો કાગઝ કી કસ્તી

૨૦૧૯માં જ પતિ-પત્ની વચ્ચે એન્ટ્રી થઈ ‘વો’ એટલે કે સાહિલ શુક્લાની. સાહિલ અને મુસ્કાન બન્ને એકબીજાને નાનપણથી ઓળખતાં હતાં. બન્ને ત્રીજા ધોરણથી આઠમા ધોરણ સુધી એક જ સ્કૂલમાં ભણ્યાં અને એ પછી મુસ્કાનની સ્કૂલ બદલી એટલે છૂટાં પડ્યાં. એ મેરઠ ગવર્નમેન્ટ સ્કૂલ હતી. એના જ એક સ્ટુડન્ટે ફેસબુક પર બધા જૂના સ્ટુડન્ટ્સને શોધીને રીયુનિયન કરવાની કોશિશ કરી. સ્કૂલનું તો રીયુનિયન થયું નહીં; પણ હા, મુસ્કાન અને સાહિલના સંબંધોનું રીયુનિયન થઈ ગયું જેણે સૌરભનો જીવ લીધો.

શરૂઆતમાં નૉર્મલ વાતો થતી અને એ પછી નૉર્મલ વાતોમાંથી નજદીકી આવવાની શરૂ થઈ. આ દિવસોમાં સૌરભ ઇન્ડિયામાં જ હતો. પ્રમોદ રસ્તોગી કહે છે, ‘સૌરભ પણ સાહિલને મળ્યો હતો, પણ તેને સાહિલથી કંઈક ઍલર્જી હતી એટલે તે પોતે તો દૂર રહેતો અને મુસ્કાનને પણ દૂર રાખતો.’

દીકરીના બર્થડેમાં મુસ્કાન અને સૌરભ મન મૂકીને નાચ્યા હતા. 

સાહિલ હતો પણ એવો જ, પણ સાહિલ મુસ્કાનને રોકતો એટલે મુસ્કાન વધારે ફોર્સથી તેના તરફ ખેંચાવા માંડી.

શશશશ... કોઈ હૈ

મેરઠ પોલીસનું માનવું છે કે સાહિલે શરૂઆતમાં ઇમોશનલી મુસ્કાનનું દિલ જીતવાની કોશિશ કરી. ૨૬ વર્ષનો સાહિલ ૧૫ વર્ષનો હતો ત્યારે તેની મમ્મીનું મોત થઈ ગયું અને એ પછી સાહિલ એકલો પડી ગયો. આ જ દિવસોમાં સાહિલ અને મુસ્કાન પણ સ્કૂલમાંથી છૂટાં પડી ગયાં એટલે મુસ્કાનને એ વિશે કંઈ ખબર નહોતી. બન્યું એવું જ. સૌરભના મર્ચન્ટ નેવીના જૂઠાણાથી ઉશ્કેરાયેલી મુસ્કાનને એકલા પડી ગયેલા સાહિલ પ્રત્યે હમદર્દી જાગવી શરૂ થઈ. બન્ને નિયમિત મળતાં અને ચૅટ કરતાં થઈ ગયાં. અનેક વખત મુસ્કાનને સાહિલ સાથે ચૅટ કરતાં સૌરભે પકડી. બન્ને વચ્ચે એને લીધે ઝઘડાઓ પણ થયા. સૌરભે મુસ્કાનનાં મમ્મી-પપ્પાને પણ ફરિયાદ કરી, પણ દર વખતે બનતું એવું કે દીકરીને કારણે ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જાય અને મુસ્કાન થોડા વખત માટે સાહિલથી દૂર થાય, સૌરભને સાચવી લે અને સૌરભની શંકાઓ ઓસરવા માંડે કે તરત તે ફરી સાહિલ તરફ ખેંચાય. મેરઠ પોલીસનું માનવું છે કે સાહિલ જાદુટોણાના રવાડે ચડી ગયો હતો, જ્યારે મુસ્કાનના પેરન્ટ્સનું કહેવું છે કે અઘોરી બનીને ડ્ર્ગ્સ અને ગાંજો લેતા થઈ ગયેલા સાહિલે જ તેમની દીકરીને એ રસ્તે વાળી.

સાહિલ સાઇકોલૉજિસ્ટનો કેસ પણ છે. સાહિલનું કહેવું હતું કે તેની માએ શારીરિક રીતે દેહ છોડ્યો છે, પણ તે હજી પણ તેની આસપાસ છે અને તેની સાથે વાત કરે છે. શરૂઆતના સમયમાં સાહિલ નહોતો ઇચ્છતો કે તે મુસ્કાન અને સૌરભની લાઇફ બગાડે, પણ એ દિશામાં તેને ધકેલવાનું કામ મુસ્કાને કર્યું અને એ પણ સાહિલનાં ઇમોશન્સ સાથે રમીને. કઈ રીતે એ તમે જાણશો તો ખરેખર ઝાટકો લાગશે.

ખૂની આતંક મચાવ્યા પછી મુસ્કાન સાહિલ સાથે હોળી રમી હતી. 

બેટા, મુસ્કાન કે સાથ રહના

વિધિઓ કરીને માના આત્માને મળવા બોલાવતો સાહિલ એકલો બેઠો-બેઠો તેની મા સાથે વાતો કરતો અને મા કહે એ વાતને બ્રહ્મવાક્ય ગણીને એનું પાલન પણ કરતો. આ બધું મુસ્કાને જોયું હતું એટલે મુસ્કાને શાતિર આઇડિયા વાપર્યો. મુસ્કાને સ્નૅપચૅટમાં સાહિલની મમ્મી રાધિકા શુક્લાના નામનું અકાઉન્ટ બનાવ્યું અને એના પરથી તેણે સાહિલ સાથે વાત કરવાનું શરૂ કર્યું. કોઈ પણ ફિલ્મનો સ્ક્રીનપ્લે પાછો પડે એવી કથા મુસ્કાન લખતી જતી હતી. એકલતા વચ્ચે ગાંજાના રવાડે ચડી ગયેલો સાહિલ નશામાં જ્યારે પણ રાધિકા શુક્લાની સાથે ચૅટ કરવા જાય ત્યારે મુસ્કાન એવી જ રીતે વાત કરે જાણે તે સાહિલની મમ્મી છે. પ્રારંભિક વાતો પછી રાધિકા બનેલી મુસ્કાને સાહિલને કહેવાનું શરૂ કર્યું કે ‘તું મુસ્કાનની સાથે રહે, તેને મળવા જા. તે છોકરી સારી છે, તારું ભવિષ્ય તેની સાથે છે બ્લા... બ્લા... બ્લા...’

મેરઠના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આયુષ વિક્રમ સિંહ કહે છે, ‘શરૂઆતમાં મુસ્કાને પોતાના ભાઈના મોબાઇલમાંથી આ ફેક અકાઉન્ટ બનાવ્યું હતું. એની અસર થઈ એટલે તેણે પોતાના મોબાઇલમાં રાધિકા શુક્લાનું અકાઉન્ટ બનાવ્યું, જેનો ડેટા અમે રિટ્રીવ કર્યો છે. જેમ સાહિલ સાઇકો કેસ છે એવી જ રીતે અમને લાગે છે કે મુસ્કાન પણ સાઇકોલૉજિકલી ડિસ્ટર્બ કેસ છે અને કાં તો જબરદસ્ત ક્રિમિનલ માઇન્ડેડ છે.’

એક તો સાઇકોલૉજિકલ ડિસ્ટર્બન્સ અને એમાં પાછી ડ્રગ્સની અસર. આવી સિચુએશનમાં કણું કૂતરો અને ગરોળી ડાયનોસૉર દેખાય એ સ્વાભાવિક છે. જાણીતા સાઇકોલૉજિસ્ટ ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘મેન્ટલી ડિસ્ટર્બ હોવાથી અજાણ હોવું એ સૌથી મોટી ભૂલ છે. જો તમે ડિસ્ટર્બ છો અને તમને એની ખબર છે તો તમે સજાગ રહીને પણ ખોટી દિશામાં જતા અટકો. સાહિલ અને મુસ્કાનને ખબર નહોતી કે પોતે શું કરે છે. અધૂરામાં પૂરું બન્ને એકલાં હતાં, પોતપોતાની રીતે આઝાદ હતાં એટલે તેમના પર ત્રાહિતની નજર પણ આવી નહીં અને ભૂલોની હારમાળા ચાલુ રહી.’

આયા કયામત કા સાલ

૨૦૧૯થી ૨૦૨૩ વચ્ચે સૌરભ અને મુસ્કાન વચ્ચે સાહિલને લઈને અનેક વખત ઝઘડા થયા; પણ ક્યારેક મુસ્કાનનાં મમ્મી-પપ્પા, ક્યારેક દીકરી કિઆરાની શરમ તો ક્યારેક મુસ્કાનના ‘પતિ શંકાશીલ છે’ એવા આરોપો વચ્ચે બન્ને ફરી એક થઈ જતાં અને કૂતરાની પૂંછડી વાંકી તે વાંકીની જેમ થોડા સમય પછી મુસ્કાન પણ હતી એવી ને એવી થઈને ફરી સાહિલની સાથે છાનગપતિયાં કરવા માંડતી. સાહિલને તો તેની મૃત માએ કહી દીધું હતું કે મુસ્કાનને તારે છોડવાની નથી એટલે તે તો કોઈ કાળે તેને છોડવા રાજી નહોતો. કરમની કઠણાઈ જુઓ. ૨૦૨૩માં સૌરભને ફરી લંડનમાં જૉબની ઑફર મળી અને તે લંડન ગયો. સૌરભને એમ હતું કે હસબન્ડ-વાઇફ વચ્ચે ડિસ્ટન્સ આવશે તો મુસ્કાનને પણ પ્રેમની વૅલ્યુ સમજાશે અને સાથોસાથ પૈસાની છત હશે તો પણ બન્ને વચ્ચે ઝઘડા ઘટશે.

૨૦૨૩ના જાન્યુઆરી મહિનામાં સૌરભ ફરી લંડન ગયો અને અહીં સાહિલ અને મુસ્કાનને છૂટો દોર મળી ગયો. અલબત્ત, આ બે વર્ષમાં ત્રણેક વખત એવું બન્યું કે વિડિયો-કૉલમાં સૌરભ પામી ગયો હોય કે સાહિલ મુસ્કાન સાથે છે. એક વખત તો સૌરભે તેનાં સાસુ-સસરાને ફોન કરીને કહ્યું કે તમે અત્યારે જ ઘરે જાઓ, પેલો સાહિલ ઘરમાં છે. મોડી રાતના એ ફોન પછી પ્રમોદ રસ્તોગી અને તેમનાં વાઇફ મુસ્કાનની પાસે ઘરે ગયાં હતાં, પણ મુસ્કાને એ રાતે દરવાજો ખોલ્યો જ નહીં. મમ્મીને પણ કહી દીધું કે તારે સૌરભની વાત સાચી માનવી હોય તો મને ફરક નથી પડતો, પણ હું દરવાજો તો નહીં જ ખોલું. પ્રમોદ રસ્તોગી એ રાત યાદ કરીને કહે છે, ‘અમે સૌરભને સાચી વાત કરી દીધી હતી અને કહ્યું પણ હતું કે તમે ડિવૉર્સ લઈ લો, પણ સૌરભને એવું હતું કે મુસ્કાન સુધરી જશે. સૌરભે એ પછી પૉઝિટિવલી ટ્રાય પણ કરી જેથી આ વખતે પાછા આવ્યા પછી તે મુસ્કાનને પોતાની સાથે લંડન લઈ જઈ શકે.’

૨૦૨૩થી ૨૦૨પનાં બે વર્ષ દરમ્યાન સાહિલ અને મુસ્કાન એકબીજામાં એવાં ઓતપ્રોત થઈ ગયાં કે તેમને બીજું કોઈ દેખાતું નહોતું. બીજા દેખાવાના શરૂ થયા ત્યારે જ્યારે નવેમ્બરમાં સૌરભે કહ્યું કે તે હવે પાછો આવવાનો છે.

હટા ઇસકો રાસ્તે સે

સૌરભ પાછો આવે છે એ વાતે સૌથી મોટું ટેન્શન આપ્યું સાહિલને અને સાહિલે નવેમ્બર મહિનાથી જ મુસ્કાનનું બ્રેઇન-વૉશ કરવાનું શરૂ કરી દીધું કે સાથે રહેવું હોય તો હવે તારે નિર્ણય લેવો પડશે. મુસ્કાને પોલીસમાં કહ્યું એ મુજબ તેણે પહેલાં ડિવૉર્સની વાત કરી, પણ સાહિલનું કહેવું હતું કે સૌરભ કોઈ કાળે ડિવૉર્સ નહીં આપે એટલે તારે તેને રસ્તામાંથી હટાવવો પડશે. મેરઠ પોલીસના કબજામાં રહેલા સાહિલે કબૂલ કર્યું છે કે તેણે જ મુસ્કાનને મર્ડર માટે તૈયાર કરી. મર્ડર માટે સાહિલ શબ્દ વાપરતો હતો ‘વધ’, જેના માટે સૌથી પહેલો વાર પણ મુસ્કાને કરવાનો હતો. જાન્યુઆરીમાં સૌરભની ટિકિટ આવી, પણ તેણે ફૅમિલીને જાણ ન કરી અને ફેબ્રુઆરીમાં સાહિલે આવીને મુસ્કાનને કહ્યું કે તેને ઇન્ટિટ્યુશન થયું છે કે ફેબ્રુઆરીની ૨૪ તારીખે સૌરભ મેરઠ આવશે. હા, આ બે વર્ષમાં સાહિલે પણ મુસ્કાનને જાદુટોણાના રસ્તે વાળવાનું કામ શરૂ કરી દીધું હતું. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આયુષ વિક્રમ સિંહ કહે છે, ‘૨પ ફેબ્રુઆરીએ મુસ્કાનનો બર્થ-ડે હતો. એવું જ બન્યું અને સૌરભ ૨૪ તારીખે મેરઠ આવી ગયો.’

મુસ્કાનની ઇચ્છા સાહિલ સાથે બર્થ-ડે સેલિબ્રેટ કરવાની હતી એટલે સાહિલે પ્લાન બનાવ્યો અને એ પ્લાન મુજબ તેણે મુસ્કાન પાસે ઊંઘની દવાની વ્યવસ્થા કરાવી. નક્કી કર્યું હતું કે ૨૪મીએ રાતે ૧૨ વાગ્યે મુસ્કાને દારૂમાં એ ગોળી નાખીને સૌરભને એ દારૂ પીવડાવી દેવાનો અને મોડેથી સાહિલને ઘરે બોલાવી લેવાનો. પ્લાન મુજબ ચિકન કાપવાની બે મોટી નાઇફ પણ મુસ્કાન જઈને ખરીદી આવી, પણ સૌરભનું નસીબ જોર કરતું હતું. સૌરભે રાતે ૧૨ વાગ્યે શરૂ થયેલી બર્થ-ડે પાર્ટીમાં દારૂ પીધો જ નહીં એટલે સાહિલ-મુસ્કાન પોતાના પ્લાનમાં આગળ વધી શક્યાં નહીં. સૌરભના આવી જવાથી હવે સાહિલને મળવું અઘરું થઈ ગયું હતું તો સાથોસાથ સાહિલ પાસેથી મળતું ડ્રગ્સ પણ મુસ્કાનને મળતું બંધ થઈ ગયું હતું. પોલીસમાં કરેલા સ્વીકાર મુજબ બન્ને ૨૮ ફેબ્રુઆરીએ ફરી મળ્યાં અને નક્કી કર્યું કે આ વીકમાં કામ પૂરું કરવું છે. એ દિવસ શુક્રવાર હતો અને સાહિલનું કહેવું હતું કે શુક્રવારે રાતે તે બન્ને કામ કરશે તો ક્યારેય નહીં પકડાય.

૪ માર્ચે કામને અંજામ આપવાનું નક્કી થયું.

કોલ્ડ બ્લડેડ મર્ડર

પહેલી માર્ચે મુસ્કાનના કહેવાથી સૌરભ દીકરી કિઆરાને નાના-નાનીને ત્યાં રહેવા મૂકી આવ્યો અને ૪ માર્ચે રાતે મુસ્કાને સૌરભ માટે કોફ્તા બનાવ્યાં, જેમાં અગાઉ ખરીદેલી એ ઊંઘની ગોળી નાખી દીધી. દવાની અસર વચ્ચે સૌરભ બેહોશ થઈ ગયો એટલે રાતે ૧૨ વાગ્યે મુસ્કાને સાહિલને ઘરે બોલાવી લીધો. હવેની જે આખી વાત છે એ ભલભલાને કંપાવી દે એવી છે.

પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આયુષ વિક્રમ સિંહ કહે છે, ‘બેહોશ સૌરભની છાતીની બરાબર વચ્ચે સાહિલે મુસ્કાન પાસે છરી રખાવી અને મુસ્કાનની પાછળની સાઇડથી આવીને તેણે પણ એ છરી પકડી. બન્નેએ જોર લગાવીને એ છરી સૌરભની છાતી અને પેટને જોડતા એરિયામાં ઉતારી દીધી. આ રીતે તે બન્નેએ ત્રણ ઘા કર્યા અને સાહિલે છરીથી સૌરભનું ગળું કાપીને છૂટું કર્યું. વચ્ચે સૌરભ જાગી જાય અને દેકારો મચાવી દે તો શું કરવું એની તૈયારી પણ આ હિંસક પ્રેમીઓએ કરી રાખી હતી. અવાજ બહાર જાય નહીં એવા હેતુથી તેમણે રૂમમાં રહેલાં બન્ને ઍર-કૂલર ચાલુ કરી દીધાં હતાં તો તકિયો બાજુમાં રાખ્યો હતો જેનાથી સૌરભનું મોઢું દબાવી શકાય.’

મર્ડર કરતાં પહેલાં બન્નેએ બેફામ ગાંજો ફૂંક્યો હશે એવું પોલીસનું માનવું છે તો પોલીસનું એવું પણ માનવું છે કે મર્ડર પછી બન્નેએ વિકૃત રીતે સેક્સ પણ માણ્યું હશે, કારણ કે ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીની ટીમને રૂમમાં ચાર જગ્યાએથી વીર્યનાં સૅમ્પલ મળ્યાં છે.

મર્ડરના બીજા દિવસે મુસ્કાન જઈને ૨૨૦ લીટરની કૅપેસિટી ધરાવતું ડ્રમ લઈ આવી તો સાહિલ જઈને પચાસ કિલો સિમેન્ટ લઈ આવ્યો. સાહિલે ઘરમાં જ સૌરભનું માથું કાપ્યું અને પછી તેની બે હથેળી કાપી એક અલગ બૅગમાં ભરી લીધી. એ પછી સૌરભના શરીરના ડ્રમમાં ભરી શકાય એટલા ટુકડા કર્યા, બધાને પ્લાસ્ટિકની બૅગમાં ભર્યા અને પછી એ બૉડી-પાર્ટ ડ્રમમાં ભરી દીધા અને એના પર સિમેન્ટ-પાણીનું મિશ્રણ કરીને એ રેડી દીધું. પોલીસથી માંડીને સાઇકિયાટ્રિસ્ટ દરેકનું માનવું છે કે આવું કૃત્ય નૉર્મલ માનસિકતા વચ્ચે થઈ જ ન શકે. પ્રમોદ રસ્તોગીનું માનવું છે કે મુસ્કાન એ હદે નશાના રવાડે ચડી ગઈ હશે કે તેને પ્રેમીને પામવા કરતાં પણ સૌરભની હાજરીમાં તેને ડ્રગ્સ લેવા નહીં મળે એ વાતનો ડર વધારે લાગતો હશે અને એ કારણે તેણે સાહિલની દરેક વાતમાં સાથ આપ્યો. અલબત્ત, મુસ્કાને તો પોલીસમાં એવું જ કહ્યું છે કે તેણે બધું સાહિલને પામવા માટે જ કર્યું છે.

ડ્રમમાં રહેલી સૌરભની લાશ સિમેન્ટને કારણે રીતસર પથ્થર થઈ ગઈ હતી. મુસ્કાનની કબૂલાત પછી એ ડ્રમ તોડવા માટે કટર મગાવવું પડ્યું અને અંદર રહેલા પથ્થરને તોડવા માટે પણ કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો.

ચલ કહીં દૂર નિકલ જાએં

પાંચમી માર્ચે સાંજે આ બધી પ્રક્રિયા પૂરી કરીને સાહિલ અને મુસ્કાન શિમલા-મનાલી ફરવા નીકળી ગયાં. તમે શાતિર-બદમાશી જુઓ. મુસ્કાને જતાં પહેલાં તેના પપ્પાને ફોન કર્યો અને કિઆરાને ત્યાં જ રાખવાનું કહીને કહી દીધું કે સૌરભ અને તે બન્ને શિમલા-મનાલી ફરવા જાય છે. પ્રમોદ રસ્તોગી કહે છે, ‘સૌરભ અમારા માટે દીકરા જેવો જ હતો. અમે નિયમિત તેની સાથે વાતો કરતા. જોકે શિમલા-મનાલીની ટૂર દરમ્યાન તે અમારા ફોન ઉપાડતો નહીં અને અમને મેસેજથી જ જવાબ આપતો.’

પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આયુષ વિક્રમ સિંહ કહે છે, ‘સૌરભનું મર્ડર કરીને મુસ્કાને સૌરભનો મોબાઇલ પોતાની સાથે લીધો હતો, જેનાથી તે બધાને જવાબ આપતી અને બધા એમ જ માનતા કે સૌરભ તેમની સાથે કમ્યુનિકેશનમાં છે. છેલ્લે સુધી મુસ્કાને બધાને અંધારામાં રાખ્યા.’

રવિવાર, ૧૬ માર્ચ સુધી મુસ્કાન અને સાહિલ મસ્ત રીતે ફર્યાં અને સોમવારે બન્ને મેરઠ પાછાં આવ્યાં. પાછા આવ્યા પછી પણ મુસ્કાન ઘરે જઈને સૂઈ ગઈ અને બપોરે મોડેથી તે મમ્મીના ઘરે કિઆરાને મળવા ગઈ. પ્રમોદ રસ્તોગી કહે છે, ‘મુસ્કાન આવી અને રડવા માંડી. કહે કે સૌરભ મરી ગયો...’

કહાની મેં એક ઔર ટ‍્વિસ્ટ

મુસ્કાનનાં મમ્મી કવિતા રસ્તોગીને મુસ્કાને કહ્યું કે તેના ઘરે સૌરભના ફૅમિલી મેમ્બર આવ્યા હતા અને એ લોકોએ સૌરભને મારી નાખ્યો. કવિતા રસ્તોગી કહે છે, ‘મને આ વાત ગળે નહોતી ઊતરતી એટલે મેં તેને કહ્યું કે તું શું બેસી રહી? ત્યાં પણ તે જવાબ આપવામાં ગોટાળા કરવા માંડી કે મને પણ મારી નાખવાના હતા અને એવુંબધું. મુસ્કાનની વાત સમજાતી નહોતી એટલે તેના પપ્પા મુસ્કાનને લઈને ઘરે જવા રવાના થયા અને રસ્તામાં બધી વાત ખબર પડી.’

પ્રમોદ રસ્તોગી અને મુસ્કાન બન્ને સ્કૂટર પર જતાં હતાં ત્યારે એક જગ્યાએ પ્રમોદ રસ્તોગીએ સ્કૂટર ઊભું રાખ્યું અને દીકરીને વિશ્વાસમાં લીધી કે તું બધી વાત કર. મુસ્કાન રડી પડી અને તેણે પપ્પા પાસે બધી વાત સ્વીકારી લીધી અને કહી પણ દીધું કે સાહિલ તેની સાથે મર્ડરમાં હતો. પ્રમોદ રસ્તોગી કહે છે, ‘મેં તરત મુસ્કાનની મમ્મીને ફોન કર્યો અને હું મુસ્કાનને લઈને પોલીસ-સ્ટેશન પહોંચ્યો. કવિતા પણ ત્યાં આવી ગઈ અને અમે મુસ્કાનને પોલીસને સોંપી.’

પોલીસે તરત સાહિલની અરેસ્ટ કરી. સાહિલનું ઘર જોઈને પોલીસ પણ ચકરાવે ચડી ગઈ છે કે કોણે કોનું બ્રેઇન-વૉશ કર્યું છે. સાહિલના ઘરની દીવાલો પર જાતજાતનાં ભેદી સિમ્બૉલ છે જે અઘોરી વિદ્યામાં વપરાતાં હોય છે. સાહિલ દિવસમાં ૧૦૦થી વધારે સિગારેટ પીતો. મુસ્કાને પણ કબૂલ કર્યું છે કે સાહિલ તેને ગાંજાની સિગારેટ બનાવી આપતો અને છેલ્લા થોડા સમયથી તે પાઉડર પણ લેતી થઈ ગઈ હતી. બગાસું ખાધા વિના જ પતાસું ખાવાની તક મળી ગઈ એવો ઘાટ મેરઠ પોલીસ માટે સર્જાયો છે ત્યારે તેમને એ પણ શંકા છે કે મુસ્કાન અને સાહિલ વચ્ચે પણ કંઈ થયું હોઈ શકે અને એ કારણે મુસ્કાને આવીને બધી વાત સ્વીકારી લીધી હોય. વાત જે હોય એ, એક વાત તો ક્લિયર છે કે પતિ-પત્ની વચ્ચે આવેલા ‘વો’ને કારણે કિઆરાએ બાપ વિનાની થવું પડ્યું. સાહિલના અઘોરીપણા અને મુસ્કાનના ઐયાશીપણા વચ્ચે છ વર્ષની કિઆરાનો શું વાંક? છે જવાબ?

સૌરભની મમ્મી રેણુકાનો અવળો આરોપ

જ્યાં એક તરફ મુસ્કાનના પેરન્ટ્સ પોતાની દીકરીને પોલીસના હવાલે કરી રહ્યા છે ત્યાં બીજી તરફ સૌરભની મમ્મી રેણુકા શંકાની સોય મુસ્કાન અને તેના પેરન્ટ્સ પર જ તાકી રહી છે. મીડિયામાં ઇન્ટરવ્યુ આપતાં તેમણે આરોપ મૂક્યો છે કે ‘મારા દીકરાને મારવાની સાજિશમાં મુસ્કાનના પેરન્ટ્સ પણ સામેલ છે. ૬ વર્ષની દીકરી પણ કહેતી હતી, ‘પાપા ઇસ ડ્રમ મેં હૈં.’  મુસ્કાન તો ખૂન કરીને ફરવા જતી રહેલી. તે પાછી આવી ત્યારે મકાનમાલિકે તેને ઘર ખાલી કરવા કહેલું. ઘર ખાલી કરાવતી વખતે ડ્રમ ખસેડ્યું ત્યારે લોકોને બદબૂ આવી હતી. એ દરમ્યાન મુસ્કાન તેનાં મમ્મી-પપ્પા પાસે ગઈ હતી અને વાત બહાર આવી ગઈ હતી.’

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2025 02:59 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK