Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > `બચુભાઈ બમ્બાટ Again` ઍક્શન એક્સ્ટ્રા-ઑર્ડિનરી (પ્રકરણ ૨)

`બચુભાઈ બમ્બાટ Again` ઍક્શન એક્સ્ટ્રા-ઑર્ડિનરી (પ્રકરણ ૨)

Published : 04 August, 2026 08:45 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

લૂંટના રૂપિયા માટે ગુંડાઓ બચુભાઈની દીકરી પાયલનું અપહરણ કરે છે. હવે બચુભાઈ સામે દીકરીને બચાવવાનો સૌથી મોટો પડકાર છે.

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


‘બચુભાઈ, આખી સોસાયટી શું વાતો કરે છે? તમે લૂંટના પૈસામાં ફસાયા છો?’ જ્યોતિબહેનના અવાજમાં વલોપાત હતો, ‘આ લોકો કંઈ પણ બોલે છે...’ 
‘શાંત, શાંત...’ બચુભાઈએ જ્યોતિબહેનના માથે હાથ મૂક્યો, ‘આ બચુભાઈએ જિંદગીમાં ક્યારેય હરામનો રૂપિયો નથી લીધો અને આ વાત મારા કરતાં તમે વધારે સારી રીતે જાણો છો.’ 
જ્યોતિબહેનની આંખ સામે ભૂતકાળ આવી ગયો અને તેની ધ્રુજારીમાં વધારો થયો. બચુભાઈ તરત સમજી ગયા અને તેમણે વાતને ફેરવવાની કોશિશ કરી.
‘જેણે જે બોલવું હોય એ બોલે... કહે છેને, લોગોં કા કામ હૈ કહના... આપણે આપણું કામ કરવાનું. જો તમે દિલથી ચોખ્ખા હો તો તમારે કોઈનાથી ડરવાનું નહીં.’
પાયલે આગળ આવીને બચુભાઈને પાણીનો ગ્લાસ આપ્યો. 
‘બચુભાઈ, મને તમારા પર પૂરો વિશ્વાસ છે કે તમે કંઈ ખોટું નથી કર્યું.’
‘હું માત્ર પૈસાનું પૂછું છું... પૈસા તમારી પાસે નથીને?’ 
‘મારી પાસે બહુ પૈસા છે...’ બચુભાઈએ વાત ઉડાડતાં કહ્યું, ‘બોલો, જવું છે રાજકોટ ફ્લાઇટમાં... ત્યાંથી સીધા ખોડલધામ.’
જ્યોતિબહેનના ચહેરા પર સ્માઇલ તો આવ્યું, પણ બીજી જ સેકન્ડે અકળામણ પણ આવી ગઈ.
‘તમે જ્યારે પણ ક્યાંક જવાનું બોલો બચુભાઈ ત્યારે આવી જ ઊડતી આપત્તિ આવી ગઈ હોય...’
lll
રાત્રે સાડાબાર વાગી ગયા હતા. સોસાયટીમાં સન્નાટો પ્રસરવા માંડ્યો હતો. જ્યોતિબહેન સૂઈ ગયાં હતાં અને પાયલ પોતાની રૂમમાં હતી અને એ જ વખતે પાયલના મોબાઇલની રિંગ વાગી.
‘હા બચુભાઈ... આવવામાં હજી વાર લાગશે?’
‘અરે ના, આવી ગયો છું...’ બચુભાઈએ દબાયેલા અવાજે કહ્યું, ‘ડોર ખોલ...’
ફોન કટ કરતાં પાયલ ઊભી થઈ. પાયલને નવાઈ તો લાગી હતી કે ડોરબેલ વગાડવાને બદલે બચુભાઈએ આ રીતે ફોન કેમ કર્યો. કદાચ ડોરબેલ ખરાબ...
ખટાક...
ફ્લૅટનો દરવાજો ખૂલતાં જ બચુભાઈ અંદર આવ્યા. જમણા હાથની પહેલી આંગળી તેમના નાક પર હતી અને તેમના બન્ને ખભા પર કાળા કલરના થેલા હતા. અવાજ ન થાય એની સાવચેતી રાખીને બચુભાઈ સ્ટોરરૂમ તરફ આગળ વધ્યા અને તેણે પાયલને પણ પાછળ આવવાનો ઇશારો કર્યો. સેલ્ફ-ડિફેન્સની સૌથી મહત્ત્વની બ્યુટી એ છે કે એમાં માસ્ટરી મેળવનારો ક્યારેય શૉક્ડ કે હતપ્રભ નથી થતો અને આ વાત પાયલને બચુભાઈએ જ સમજાવી હતી જે પાયલે અનુભવી પણ લીધી હતી.
ભેદી વર્તન સાથે આગળ વધતા બચુભાઈની પાછળ પાયલ પણ સ્ટોરરૂમ તરફ આગળ વધી. સ્ટોરરૂમમાં જૂનું પિત્તળનું કબાટ હતું. બચુભાઈએ ધીમેકથી કબાટ ખોલ્યું અને પોતાની સાથે રહેલી ટ્રાવેલિંગ બૅગ જેવા બન્ને થેલા કબાટમાં મૂક્યા. પાયલ સાથે આવી છે એની ખબર હોવાથી બચુભાઈએ ફરીથી પોતાના નાક પર આંગળી મૂકીને તેને શાંત રહેવાનો ઇશારો કર્યો અને પછી ધીમેકથી બેગની ઝિપ ખોલી અને પાયલની આંખો પહોળી થઈ ગઈ.
બૅગમાં પાંચસોની કડકડતી નોટોનાં બંડલ હતાં.
‘આ... કેવી રીતે તમારી પાસે આવ્યા?’
શબ્દો વાપર્યા વિના પાયલે ઇશારાથી જ બચુભાઈને પૂછ્યું અને બચુભાઈએ ફરીથી નાક પર આંગળી મૂકીને તેને ચૂપ રહેવા અને પછી બહાર આવવા ઇશારો કર્યો.
પાંચ મિનિટ પછી બાપ-બેટી બન્ને ઘરની બહાર હતાં.
lll
‘યહાં પે રોક...’
બચુભાઈને ગાડી લઈને જતી હતી ત્યારે વેસ્ટર્ન હાઇવે પર કાંદિવલી પાસે એક જગ્યાએ ગુંડાઓએ ગાડી ઊભી રખાવી અને બચુભાઈના કાન ચમક્યા.
‘યહીં પે રખ દેતે હૈં...’
ફરીથી શાંતિ અને બચુભાઈએ આજુબાજુનો અવાજ ઓળખવાની કોશિશ કરી. તેના કાને મંદિરના ઘંટનો આછોસરખો અવાજ પડ્યો અને દોઢથી બે મિનિટમાં ગુંડાઓ પાછા આવી ગયા અને ગાડી આગળ વધી ગઈ.
lll
‘મને જ્યારે તે લોકોએ ઉતાર્યો ત્યારે મેં જોયું કે ગાડીમાં પૈસાની બૅગ નહોતી. બને કે આ મારી ભૂલ હોય મેં એવું પણ ધારી લીધું, પણ ઍક્સિડન્ટ પછી ગાડીમાંથી પૈસા મળ્યા નહીં એટલે હું સમજી ગયો કે નક્કી એ લોકોએ પૈસા ક્યાંક મૂકી દીધા છે.’ કાર્ટર રોડની પાંચ નંબરની ગલીમાં ચક્કર મારતાં-મારતાં બચુભાઈએ પાયલને વાત કરી, ‘મેં નક્કી કર્યું કે એ જગ્યા શોધવી.’
‘એટલે જ સાંજે પાછા આવીને તમે બહાર નીકળી ગયા?’
‘હા, થોડી તકલીફ પડી પણ પછી માતાજીનું મંદિર મળી ગયું. મંદિર ખાસ્સું જાણીતું નથી પણ લોકોની થોડી અવરજવર રહે. ૯ વાગ્યા પછી અવરજવર ઓછી થઈ એટલે મેં પૈસા શોધવાના શરૂ કર્યા.’ બચુભાઈએ પાયલ સામે જોયું, ‘ગુંડાઓએ પૈસા મંદિરની દાનપેટીમાં મૂકી દીધા હતા...’
‘અને તમે એ પૈસા લઈને ઘરે આવી ગયા...’ પાયલના અવાજમાં સહેજ તીખાશ હતી, ‘બચુભાઈ, શું કામ? શું કામ તમે એવું કર્યું?’
‘પાયલ, જેણે આ લૂંટ પ્લાન કરી હશે તે અત્યારે પૈસા માટે વલખા મારતો હશે...’ બચુભાઈના અવાજમાં દૃઢતા હતી, ‘હવે ખબર પડશે કે આ કામ છે કોનું?’
‘તમારે શું કામ ઊડતાં તીર લેવાં છે બચુભાઈ?’
‘કેટલાંક તીરને કમાનમાં પાછાં ગોઠવવા માટે પણ હવામાંથી પકડવાં પડે બેટા... આવ, ઘરે જઈએ. તારી મા જાગી ગઈ તો તારો અને મારો બન્નેનો વારો કાઢશે..’
બચુભાઈ અને પાયલ ઘર તરફ પાછાં ફર્યાં ત્યારે તેમને ખબર નહોતી કે આવતા દિવસોમાં તેમણે કેવી કયામતનો સામનો કરવો પડશે?
lll
‘આજે ઘરે કોઈ આવ્યું હતું?’ 
સ્ટોરરૂમમાંથી ઉતાવળે બહાર આવેલા બચુભાઈએ પ્રયત્નપૂર્વક ચહેરાના હાવભાવ નૉર્મલ રાખ્યા હતા. જોકે તેમના ધબકારા વધી ગયા હતા.
‘ના, કોઈ નહોતું આવ્યું...’ કિચનમાંથી બહાર આવતાં જ્યોતિબહેને કહ્યું, ‘આવ્યું હોય તો-તો મેં તમને કહ્યું હોયને બચુભાઈ...’
‘કોઈ એટલે કોઈ પણ...’ બચુભાઈએ ચોખવટ કરી, ‘તમારી અગિયારમા ફ્લોરની પેલી ફ્રેન્ડ છે તે પણ આવી ગઈ અને બીજું પણ કોઈ આવ્યું હોય તો તે પણ આવી ગયું. હવે યાદ કરીને મને કહો કે કોઈ આવ્યું હતું?’
‘હં...’ જ્યોતિબહેને ખરેખર દિમાગને તસ્દી આપવી પડી, ‘હા, સોસાયટીનો પ્લમ્બર આવ્યો હતો. કોઈએ સોસાયટીમાં ફરિયાદ કરી છે કે આપણું પાણી લીકેજ થઈને નીચેના ફ્લોર પર જાય છે એટલે... ચેક કરવા આવ્યો હતો.’
બચુભાઈ સમજી ગયા અને એમ છતાં તેણે ચોખવટ કરી...
‘તેણે શું ચેક કર્યું?’
‘બન્ને રૂમના બાથરૂમ, ત્યાં લીકેજ નહોતું એટલે મેઇન લાઇનનો વાલ્વ ચેક કર્યો.’
‘સ્ટોરરૂમમાં જઈને?’
‘હા...’ જ્યોતિબહેને જવાબ આપ્યો, ‘ત્યાં જ પાછળની સાઇડ પર પાણીનો મેઇન વાલ્વ છે એવું તેણે કીધું...’
બચુભાઈથી નિસાસો નીકળી ગયો.
બહારથી આવીને કરોડો ભરેલી બૅગની સલામતી ચેક કરવા તે ટહેલતાં-ટહેલતાં સ્ટોરરૂમમાં ગયા હતા, જ્યાં તેણે કબાટના દરવાજા પર ધૂળવાળા હાથ જોયા. હવે તેને સમજાઈ ગયું હતું કે ઘરમાં આવેલા તે પ્લમ્બરે ઑથેન્ટિક રહેવા માટે વેન્ટિલેશનમાંથી બહારની સાઇડ પર હાથ કર્યો હતો, જેમાં તેની હથેળીમાં ધૂળ આવી હશે. પછી તેણે જોયું હશે કે જ્યોતિ ફરી પોતાના કામ પર લાગી ગઈ એટલે તેણે કબાટ ખોલ્યું અને કબાટમાં બન્ને બૅગ જોઈને ખાતરી કરી લીધી કે પૈસા ઘરમાં જ છે અને એ પછી તે નીકળી ગયો.
‘કેમ શું થયું?’
‘કંઈ નહીં...’ 
પાયલને રૂમમાં આવવાનો ઇશારો કરીને બચુભાઈ રૂમમાં જતા રહ્યા.
lll
‘પાયલ, હવે પૈસા ઘરમાં નહીં રાખી શકાય...’ પાયલ આવી કે તરત જ બચુભાઈએ રૂમનો દરવાજો બંધ કરી દીધો, ‘પૈસા અહીંથી ફેરવવા પડશે.’
‘બચુભાઈ, એ લોકોને તમારા પર શક તો હતો, પણ માણસને મોકલવાનું કામ તેણે શું કામ કર્યું?’
‘કન્ફર્મ કરવા કે હું સાચું કહું છું કે નહીં...’ બચુભાઈએ તાળો માંડ્યો, ‘પાયલ, જો નીચેવાળાએ પાણીની કમ્પ્લેઇન કરી હોય તો એ કમ્પ્લેઇન પહેલાં ક્યાં આવે?’
‘ગ્રુપમાં...’
‘હા, વૉટ્સઍપ ગ્રુપમાં અને તું તો રેગ્યુલરલી ગ્રુપ ચેક કરે છે. તું જ કહે, એવી કોઈ કમ્પ્લેઇન તેં જોઈ?’ પાયલે જેવી ના પાડી કે તરત બચુભાઈએ કહ્યું, ‘જે માણસ પ્લમ્બર બનીને આવ્યો તે માણસ હન્ડ્રેડ પર્સન્ટ પેલી ગૅન્ગ સાથે જોડાયેલો હશે અને તે ફક્ત ચેક કરવા આવ્યો હતો કે પૈસા આપણા ઘરમાં છે કે નહીં?’
‘બચુભાઈ, તેને સ્ટોરરૂમનો જ આઇડિયા કેમ આવ્યો...’
પાયલના સવાલ સાથે બચુભાઈની આંખો પહોળી થઈ.
‘પૉઇન્ટ... પાયલ, નક્કી એ બૅગમાં ટ્રૅકર છે. ટ્રૅકરના આધારે જ એ લોકો સ્ટોરરૂમ સુધી પહોંચ્યા...’ રૂમની બહાર નીકળતાં બચુભાઈએ કહ્યું, ‘તું તારી માને સંભાળ... હું એ ટ્રૅકર શોધું. પછી આપણે પૈસા શિફ્ટ કરી દઈએ.’
 ‘બચુભાઈ, આપણે આ પૈસા ક્યાં મૂકીશું?’ 
‘નૅશનલ પાર્કની પાછળ આવેલા જૂના પમ્પ-હાઉસમાં...’ બચુભાઈએ ગણતરી કરી. ‘આજે રાતે પૈસા શિફ્ટ કરી દઈશું...’
બચુભાઈનો પ્લાન અમલમાં મુકાય એ પહેલાં નવી મુશ્કેલી તેમના ઍડ્રેસ પર પહોંચી ગઈ.
lll
‘બચુભાઈ, પાયલ હજી સુધી પાછી નથી આવી.’ જ્યોતિબહેને ઘડિયાળ સામે જોતાં કહ્યું, ‘અડધો કલાક થઈ ગયો... મને ટેન્શન થાય છે.’
‘તે ગઈ છે ક્યાં?’
‘નીચે જ, દૂધ લેવા મોકલી. અડધો કલાક થઈ ગયો પણ હજી સુધી આવી નથી.’ જ્યોતિબહેને ચોખવટ પણ કરી, ‘ફોન કરું છું તો ફોન પણ નથી ઉપાડતી.’
બચુભાઈને અંદરથી અશુભ અંદેશો મળ્યો અને તે ફટાફટ નીચે ભાગ્યા. હજી તો તે સોસાયટીની બહાર નીકળ્યા હશે ત્યાં તેને રસ્તા પર ઢોળાયેલું દૂધ જોવા મળ્યું. વરસાદી વાતાવરણ વચ્ચે આજુબાજુનું પાણી સફેદ થઈ ગયું હતું. બચુભાઈની ચાલ ઢીલી પડી ગઈ. તેની આંખો રસ્તા પર હતી અને એ જ વખતે તેની નજર જમીન પર પડેલાં ચંપલ પર પડી. એ પાયલનાં ચંપલ હતાં. હજી હમણાં જ તે અને પાયલ સાથે હતાં ત્યારે પાયલે મૉન્સૂનને ધ્યાનમાં રાખીને ક્રોક્સની નકલ જેવાં આ ચંપલ લીધાં હતાં. ચંપલ હાથમાં લઈને બચુભાઈએ આજુબાજુમાં ધ્યાનથી જોવાનું શરૂ કર્યું કે ક્યાંય CCTV કમેરા દેખાઈ આવે, પણ તે CCTV કૅમેરા શોધે એ પહેલાં તેમના મોબાઇલ પર મેસેજ આવ્યો.
બચુભાઈએ ત્વરા સાથે પોતાનું વૉટ્સઍપ ઑન કર્યું. અજાણ્યા નંબર પરથી ફોટો આવ્યો હતો. બચુભાઈએ ફોટો ઓપન કર્યો અને તેની આંખો ઝીણી થઈ ગઈ. ફોટોમાં પાયલના હાથ અને પગ રસ્સીથી બાંધેલા હતા, તેના મોં પર પટ્ટી હતી અને તેના માથા પર એક પિસ્ટલ તાકેલી હતી.
ફોટો સાથે મેસેજ પણ હતો.
‘બચુભાઈ... તમારી દીકરી જો જીવતી જોઈતી હોય તો એક કલાકમાં પૈસા લઈને ઈસ્ટના ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના ઇન્ટીરિયર ગોડાઉન પર આવી જાઓ. આવજો એકલા... 
lll
‘બચુભાઈ, પાયલ...’ આંખોમાં આંસુ સાથે જ્યોતિબહેને કહ્યું, ‘એ લોકોને જે જોઈતું હોય એ આપી દો... પાયલને પાછી લાવો... પ્લીઝ...’
બચુભાઈએ જ્યોતિબહેનના માથે હાથ મૂક્યો.
‘પાયલને કંઈ નહીં થાય... મારી જવાબદારી.’ બચુભાઈએ જ્યોતિબહેનની આંખમાં જોયું, ‘તમને ખબર છેને, જવાબદારી લઉં પછી ઉપરથી ભગવાન પણ ના પાડે તો પણ પાછો નથી હટતો. ચિંતા નહીં કરો. પાયલ પાછી આવશે... પાયલને હું પાછી લાવીશ... મારી જવાબદારી.’

(ક્રમશ:)


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2026 08:45 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK