Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અમને પસંદગીનો અધિકાર આપો અથવા E20 પેટ્રોલના ભાવ ઘટાડો

અમને પસંદગીનો અધિકાર આપો અથવા E20 પેટ્રોલના ભાવ ઘટાડો

Published : 04 August, 2026 12:28 PM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

આ નારા સાથે એથનૉલ-બ્લેન્ડેડ ઈંધણનીતિનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે ત્યારે મિડ-ડેએ વાહનધારકો સાથે વાતચીત કરીને વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો

પ્રતીકાત્મક તસવીર

સ્પેશ્યલ રિપોર્ટ

પ્રતીકાત્મક તસવીર


E20 એટલે ૮૦ ટકા શુદ્ધ પેટ્રોલ અને ૨૦ ટકા છોડ આધારિત એથનૉલ (શેરડી, ગોળ અથવા વધારાના અનાજમાંથી મેળવેલું) મિક્સ કરીને તૈયાર થયેલું ઈંધણ. વૈશ્વિક સંકટને ધ્યાનમાં રાખીને ભારત ક્રૂડ ઑઇલની આયાત ઘટાડવા, વાહનોનું પ્રદૂષણ ઘટાડવા અને સ્થાનિક ખેડૂતોને ટેકો આપવા માટે દેશભરનાં ગૅસ-સ્ટેશનો પર ડિફૉલ્ટ સ્ટાન્ડર્ડ ઈંધણ તરીકે એનો ઉપયોગ કરે છે. 

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના વિરોધને સફળતા મળ્યા પછી ડિજિટલ પ્લૅટફૉર્મ પર E20 જનતા પાર્ટી નામનું નવું ગ્રુપ સક્રિય થયું છે. આ કોઈ ઔપચારિક રાજકીય પક્ષ નથી પરંતુ વાહનમાલિકો દ્વારા શરૂ કરાયેલું કન્ઝ્યુમર રાઇટ્સ કૅમ્પેન છે. વાહનધારકોનો દાવો છે કે બજારમાં મળતા E20 પેટ્રોલના બળજબરીપૂર્વકના ઉપયોગથી જૂની ગાડીઓમાં માઇલેજ ઘટી રહ્યું છે. એથનૉલ ભેજ પકડતું હોવાથી એન્જિનના સ્પેરપાર્ટ્‍સ અને ફ્યુઅલ-લાઇન ઝડપથી ખરાબ થાય છે જેને લીધે સામાન્ય નાગરિકો પર એન્જિનના મેઇન્ટેનન્સનો આર્થિક બોજ વધી રહ્યો છે. ગ્રાહકોનો તર્ક છે કે તેઓ સરકાર પાસે કોઈ સબસિડી કે મફત ઈંધણ નથી માગી રહ્યા, તેમની લડાઈ માત્ર એટલી છે કે જે રીતે પ્રીમિયમ પેટ્રોલનો વિકલ્પ મળે છે એવી જ રીતે ૧૦૦ ટકા શુદ્ધ પેટ્રોલનો વિકલ્પ પણ દરેક પેટ્રોલ-પમ્પ પર હોવો જોઈએ. લોકોની એક જ માગણી છે કે અમને પસંદગીનો અધિકાર આપો અથવા E20 પેટ્રોલના ભાવ ઘટાડો. આજે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે કૂચ કરવાના છે ત્યારે એથનૉલ-બ્લેન્ડેડ ઈંધણનીતિ સામે શરૂ થયેલા વિરોધ વિશે ‘મિડ-ડે’એ કેટલાક વાહનધારકો સાથે વાતચીત કરીને તેમના અભિપ્રાય માગ્યા.



પેટ્રોલ-પમ્પની પ્રામાણિકતા પર ભરોસો નથી : પ્રણય શાહ, બિઝનેસમૅન, ઘાટકોપર


E20ની ચર્ચા તો ૨૦૦૩થી ચાલી રહી હતી. હું અપડેટ્સ રાખતો હતો એટલે E20ના ઉપયોગથી સારી રીતે પરિચિત હતો. ખાંડઉદ્યોગના શૅર એટલે જ લોકો ખરીદી રહ્યા હતા. ૨૦૧૮માં Honda CR-V ખરીદી ત્યારે તપાસ્યું હતું કે એ E20 ઈંધણ સાથે સુસંગત (Compatible) છે કે નહીં. કાર ખરીદી ત્યારથી સરેરાશ ૬ કિલોમીટર પ્રતિ લીટર માઇલેજ આપે છે, કારણ કે મારો મોટા ભાગનો ઉપયોગ ઘાટકોપર અને વિલે પાર્લે જેવા હેવી ટ્રાફિકવાળા વિસ્તારોમાં થાય છે. હાઇવે પર કાર આશરે ૧૮ કિલોમીટર પ્રતિ લીટર માઇલેજ આપે છે. માઇલેજમાં થોડોઘણો ઘટાડો થયો પણ હોય તો ખાતરીપૂર્વક કહી ન શકું. E20/E10થી કારને અસર થશે એવું મને નથી લાગતું. જ્યાં સુધી મારી કાર ટેક્નિકલી સારી સ્થિતિમાં છે અને યોગ્ય રીતે પર્ફોર્મ કરે છે ત્યાં સુધી જો E20 સસ્તું હોય તો મને એનો ઉપયોગ ચાલુ રાખવામાં કોઈ વાંધો નથી. વાસ્તવમાં મને પેટ્રોલ-પમ્પની પ્રામાણિકતા વિશે સંપૂર્ણ વિશ્વાસ નથી કે તેઓ હંમેશાં E10 અને E20નું યોગ્ય રીતે અલગ વિતરણ કરશે. મને લાગે છે કે રસ્તાઓ પરના ખાડા અને ટ્રાફિક-શિસ્તના અભાવને કારણે કારના માઇલેજ પર અસર પડે છે. જો રસ્તા સારી સ્થિતિમાં હોય અને દરેક વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન કરે તો માઇલેજની સમસ્યા ઘણી હદ સુધી દૂર થઈ શકે. સરકાર આ બન્ને સમસ્યાઓનું અસરકારક રીતે નિરાકરણ લાવી શકે છે.

માઇલેજમાં ઘટાડો થયો હોવાની વાત સાચી છે : યશ વેદ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, બોરીવલી


સરકાર દ્વારા કોઈ ઔપચારિક જાણકારી આપવામાં આવી નહોતી. પેટ્રોલ-પમ્પ પર બોર્ડ જોયું ત્યારે જ મને ખબર પડી. E20નો અમલ કદાચ જરૂરી હશે, પરંતુ સરકારનો આ અભિગમ આશ્ચર્યજનક રીતે માહિતી છુપાવવાવાળો લાગ્યો. જે બદલાવ દરેક વ્યક્તિને અસર કરતો હોય એની જાણકારી વધુ યોગ્ય રીતે અગાઉથી આપવી જોઈતી હતી. માઇલેજમાં ઘટાડો થાય છે એ વાત બિલકુલ સાચી છે. હું મારુતિ બલીનો ઑટોમૅટિક ચલાવું છું. પહેલાં ૧૧ કિલોમીટરની ઍવરેજ મળતી હતી જે હવે ઘટીને લગભગ ૯.૫ કિલોમીટર જેટલી થઈ ગઈ છે. સત્તાધીશોએ એ હકીકતને નકારવાનું બંધ કરવું જોઈએ કે જે કાર E20 માટે ખાસ ડિઝાઇન નથી થઈ એમની ઍવરેજમાં સ્પષ્ટ ઘટાડો જોવા મળે છે. વધુ પૈસા ચૂકવીને પણ હું ચોક્કસપણે E10 જ પસંદ કરીશ. ભારતની જનતાએ હંમેશાં પેટ્રોલના વધેલા ભાવ સ્વીકાર્યા જ છે, કારણ કે એ આપણી જરૂરિયાત છે. જોકે કોઈ પણ પૉલિસી કઈ રીતે લાગુ કરવામાં આવે છે એનાથી ઘણો ફરક પડે છે. સરકારે છૂપી રીતે નિયમો થોપવાને બદલે પારદર્શિતા રાખવી જોઈએ અને લોકોને પસંદગીનો વિકલ્પ આપવો જોઈએ. જોકે આ નવી મૂવમેન્ટ મને ઊપજાવી કાઢેલી લાગે છે. એ વાત સાચી છે કે રસ્તાના ખાડા ત્રાસદાયક સમસ્યા છે, પણ વાસ્તવમાં એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમસ્યા છે અને એમાં સુધારાને અવકાશ છે. પ્રધાનોનાં રાજીનામાંની માગણી કરતાં વિરોધ-પ્રદર્શનો પ્રથા ન બને એનું ધ્યાન રાખવું જરૂરી છે. 

મોંઘું પડે તોય રેગ્યુલર પેટ્રોલ ભરાવીશ : દિલીપ પારેખ, નિવૃત્ત, ઘાટકોપર

નિવૃત્ત છું અને કાર હોય તો આરામદાયક પ્રવાસ કરી શકાય એવા વિચારથી બે વર્ષ પહેલાં ગાડી લીધી છે. મને પોતાને ડ્રાઇવિંગ નથી આવડતું એટલે ડ્રાઇવર રાખ્યો છે. લોનાવલા જેવાં મુંબઈથી નજીકનાં સ્થળોએ ફરવા જતી વખતે તેમ જ રૂટીન લાઇફમાં કારનો ઉપયોગ કરું છું. મને હંમેશાં પેટ્રોલની ટાંકી ફુલ રાખવાની આદત છે. હમણાં સુધી E20 પેટ્રોલ શું છે એની જાણકારી નહોતી. થોડા દિવસ પહેલાં પેટ્રોલ-પમ્પ પર E20નું બોર્ડ જોયું. એની ચર્ચા બહુ ચાલી છે તો થયું કે ટ્રાય કરી જોઉં. જોકે એટલા જ રૂપિયામાં ટાંકી ફુલ થઈ ગઈ તેથી મને લાગે છે પ્રાઇસમાં ખાસ ફરક નથી. માઇલેજ પણ લગભગ સરખું હોવાનું જણાયું. જોકે જમાઈએ E20‌ નખાવાની ના પાડી. લાંબા ગાળે એન્જિન અથવા અન્ય પાર્ટ્‍સ ખરાબ થઈ શકે છે એવું જાણ્યા પછી ભાવમાં મોંઘું હશે તોય રેગ્યુલર પેટ્રોલ ભરાવવાનો આગ્રહ રાખું છું. કાર ખરાબ થઈ જાય એ ન પરવડે. પેટ્રોલ-પમ્પ પર મોટા ભાગના કારચાલકો રેગ્યુલર પેટ્રોલ ભરાવતા હોવાનું નોંધ્યું છે. સરકારી પૉલિસીનો વિરોધ કરનારાઓએ કેટલું રિસર્ચ કર્યું છે એની જાણ નથી. આમાં પૉલિટિકલ વ્યુ હોઈ શકે છે. હું આવા કોઈ અભિયાનમાં નથી જોડાઈ રહ્યો, પરંતુ સરકારે પબ્લિકને આકર્ષવા બન્ને પ્રકારના પેટ્રોલનો ઑપ્શન આપવો જોઈએ. ભાવમાં ફરક રાખવાથી લોકોને ચૉઇસ મળશે અને જેને જ્યાં ડાઇવર્ટ થવું હોય ત્યાં થઈ શકશે.

માઇલેજમાં ફરક પડ્યો છે, એન્જિનમાં સમસ્યા નથી : રવિ ચંદારાણા, ઑટોમોબાઇલ, કાંદિવલી

મારી પાસે કાર, સ્કૂટર અને સુપરબાઇક છે. સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે E20 માત્ર પેટ્રોલનાં વાહનો માટે લાગુ પડે છે, ડીઝલનાં વાહનો માટે નહીં. ઘણા લોકોમાં આ બાબત ગેરસમજ છે. સરકાર અને મીડિયાએ લોકોમાં વધુ જાગૃતિ લાવવાની જરૂર છે. E20ને કારણે ગંભીર સમસ્યા જણાઈ નથી. એવું હોત તો વર્કશૉપમાં મોટી સંખ્યામાં વાહનો બ્રેકડાઉન સાથે જોવા મળત. અમે ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં છીએ અને અમારા અનુભવ મુજબ એવો કોઈ વધારો જોવા મળ્યો નથી. કેટલાંક જૂનાં પેટ્રોલનાં વાહનોમાં માઇલેજ ઘટ્યું હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ એન્જિનને અસર નથી થઈ. સરકારે વાહનધારકોને પસંદગીનો વિકલ્પ આપવો જોઈએ, ખાસ કરીને જૂનાં પેટ્રોલનાં વાહનો ધરાવતા લોકો માટે પેટ્રોલ-પમ્પ પર શુદ્ધ પેટ્રોલ ઉપલબ્ધ હોવું જોઈએ. મને સૌથી વધુ ગુસ્સો મુંબઈના રસ્તાઓની હાલત જોઈને આવે છે. મુંબઈ ઍરપોર્ટના રસ્તાઓ અથવા બાંદરા-વરલી સી-લિન્ક જેવા ખાનગી રીતે વિકસાવવામાં આવેલા રસ્તાઓ લગભગ ખાડામુક્ત છે. બાકી લગભગ બધે પૅચવર્ક જોઈ શકો છો. ખરાબ રસ્તાઓને કારણે ટ્રાફિક જૅમ થાય છે, ટાયર ફાટે છે, વાહનોના સસ્પેન્શનને નુકસાન થાય છે અને લોકોનો સમય તથા પૈસા બન્ને બગડે છે. આપણે રોડ-ટૅક્સ અને ટોલ બન્ને ચૂકવીએ છીએ તો બદલામાં સારું રોડ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળવું જોઈએ.

મુખ્ય ફરિયાદો

વાહનચાલકોના મતે સરેરાશ ૩ ટકાથી ૬ ટકા જેટલી ઍવરેજ ઘટી ગઈ છે.

પમ્પ પર નૉન-બ્લેન્ડેડ (E10) પેટ્રોલ ઉપલબ્ધ નથી.

કોરોઝન (કાટ)ને કારણે ફ્યુઅલ ફિલ્ટર જૅમ થઈ જાય છે.

એથનૉલ સસ્તું હોવા છતાં ગ્રાહકો પાસેથી શુદ્ધ પેટ્રોલ જેટલો જ ભાવ વસૂલ કરવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

04 August, 2026 12:28 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK