Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કચ્છી બોલી અને સંસ્કૃતિને ટકાવી રાખવા મચી પડ્યા છે આ નાટ્યજીવ

કચ્છી બોલી અને સંસ્કૃતિને ટકાવી રાખવા મચી પડ્યા છે આ નાટ્યજીવ

Published : 04 August, 2026 12:40 PM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

કચ્છ યુવક સંઘ દર અષાઢી બીજે નવું કચ્છી નાટક રજૂ કરે છે. આ વર્ષે આ પ્રવૃત્તિનું ૩૩મું વર્ષ છે. આ તમામ ૩૩ નાટક ડિરેક્ટ કર્યાં છે વસંત મારુએ. રંગભૂમિના માધ્યમથી કચ્છી બોલી અને સંસ્કૃતિને જાળવવાનો અવિરત પ્રયાસ કરે છે વસંતભાઈ

રંગભૂમિના માધ્યમથી કચ્છી બોલીને ટકાવવાનો પ્રયાસ કરી રહેલા વસંતભાઈ વાગડ

People Live

રંગભૂમિના માધ્યમથી કચ્છી બોલીને ટકાવવાનો પ્રયાસ કરી રહેલા વસંતભાઈ વાગડ


અષાઢી બીજે કચ્છ યુવક સંઘના નેજા હેઠળ રજૂ થયેલું કચ્છી નાટક ‘ધી કરે ધમાલ, મા કરે કમાલ’ તમામ વયના પ્રેક્ષકો માટે મનોરંજનનો ભરપૂર ડોઝ સાબિત થયું છે. પારિવારિક સંબંધોને રમૂજી શૈલીમાં દર્શાવતા આ નાટકમાં કચ્છી સંસ્કૃતિની ઝલક છે. કચ્છી રંગભૂમિના દિગ્દર્શક વસંત મારુ દર નવા વર્ષે નવું નાટક લઈને આવે છે. ‘ધી કરે ધમાલ, મા કરે કમાલ’ તેમનું ૩૩મું નાટક છે. રંગભૂમિના માધ્યમથી કચ્છી બોલીને ટકાવવાનો પ્રયાસ કરી રહેલા વસંતભાઈએ વાગડની બોલી (જે કચ્છી હોવા છતાં થોડી અલગ પડે છે)માં અને ગુજરાતી નાટકોનું દિગ્દર્શન પણ કર્યું છે. નાટકોના માધ્યમથી ભાષા અને સંસ્કૃતિને જીવંત રાખવાના મિશન પર નીકળેલા આ કચ્છી દિગ્દર્શક સાથે આજે વાતચીત કરીએ. પહેલાં જાણીએ તેમના લેટેસ્ટ નાટક વિશે.

શું છે નાટકની વાર્તા?



વર્ચ્યુઅલ દુનિયામાં રચ્યાપચ્યા રહેતા યુવાનો અને જૂના વિચારો ધરાવતા પેરન્ટ્સ અને વડીલો વચ્ચે જે અંતર વધી રહ્યું છે એને ‘ધી કરે ધમાલ, મા કરે કમાલ’ નાટક દ્વારા દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે એમ જણાવતાં વસંતભાઈ કહે છે, ‘આ નાટક મુખ્યત્વે બે જનરેશન વચ્ચેના સંબંધો અને વિચારો પર આધારિત છે. આજની પેઢી બોલ્ડ અને બિન્દાસ જરૂર છે, પરંતુ સાથે-સાથે ખૂબ લાગણીશીલ છે. નાટકમાં મા અને દીકરી (કચ્છીમાં ધી)નાં પાત્રો દ્વારા આ જનરેશન-ગૅપને ખૂબ જ સુંદર અને રમૂજી અંદાજમાં વણી લેવાયો છે. નવી પેઢી મોબાઇલ સ્ક્રોલ કરીને ડિજિટલ પ્લૅટફૉર્મ પરથી દુનિયાભરની જાણકારી મેળવે છે, જ્યારે જૂની પેઢીને સવારે ચાના કપ સાથે છાપું ન મળે તો ચેન નથી પડતું. આ વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને કચ્છ યુવક સંઘના નેજા હેઠળ તૈયાર થયેલું આ મારું ૩૩મું કચ્છી નાટક છે. ગોવાલિયા ટૅન્કથી કલ્યાણ સુધી સમગ્ર મુંબઈમાં જ્યાં-જ્યાં કચ્છીઓની વસ્તી છે ત્યાં નાટક ભજવાશે. કચ્છી ઉપરાંત વાગડની બોલીમાં ૧૨ નાટકો અને ગુજરાતી ભાષાનાં નાટકો મળીને કુલ આંકડો ગણીએ તો આ મારું ૧૧૧મું નાટક છે.’


શરૂઆત ક્યાંથી થઈ?

કચ્છના કોડાય ગામમાં જન્મેલા વસંત મારુને બાળપણથી નાટકો જોવાનો જબરો શોખ. તેમનાં બાઈ (બા)ને ભય હતો કે નાટકો જોવાથી દીકરો બગડી જશે. આથી ગામના ગરબી ચોકમાં નવરાત્રિ દરમ્યાન ભજવાતાં નાટકો છુપાઈને જોવા જતા. કિશોરવયે તેઓ મુંબઈ આવ્યા. સ્કૂલમાં અને ત્યાર બાદ અંધેરીની ચિનાઈ કૉલેજમાં અભ્યાસ કરતી વખતે નાટકો પ્રત્યેનો લગાવ વધ્યો. ઇન્ટર-કૉલેજિયેટ નાટ્યસ્પર્ધામાં લેખક, દિગ્દર્શક અને અભિનેતા તરીકે ભાગ લઈને ઇનામો જીત્યાં. કૉલેજકાળના સાથીઓ અસિતકુમાર મોદી, દયાશંકર પાંડે, રૂપલ પટેલ સાથે કામ કર્યું. શરૂઆતમાં વસંતભાઈએ કમર્શિયલ નાટકોમાં ઝંપલાવ્યું, પરંતુ ફાવ્યું નહીં. આ દરમ્યાન વિચાર આવ્યો કે એક રાજ્ય જેટલા મોટા કચ્છ પ્રદેશની કચ્છી ભાષામાં નાટક બનતાં નથી. મૃતપ્રાય થતી જતી કચ્છી ભાષામાં પ્રાણ ફૂંકવા તેમણે ‘ગુડાવર’ નામનું કચ્છી નાટક બનાવ્યું. પ્રેક્ષકોનો સારો પ્રતિસાદ મળ્યા બાદ તેઓ નાટકના માધ્યમથી કચ્છી બોલીના પ્રસારના મિશન પર નીકળી પડ્યા. કચ્છ યુવક સંઘ સાથેનું તેમનું પહેલું નાટક હતું ‘ગઢા ગડા વારીએ’ જેમાં તિરસ્કાર પામેલા વડીલોનું પરિવારમાં કેટલું મહત્ત્વ છે એ સમજાવેલું. ૩૩ વર્ષમાં તેમણે આ બૅનર હેઠળ ૩૩ નાટકો બનાવ્યાં છે. આ સફરમાં તેમના સહયોગી ડૉ. વિશન નાગડા (કચ્છી રૂપાંતર) તથા નાટ્ય-દિગ્દર્શનમાં સમયાંતરે સાથીદાર વિજય ગાલા, તેજસ સંગોઈ, કવન સાવલા, હેમેન્દ્ર રાંભિયાનો ખૂબ સાથ મળ્યો છે.


નાટકોની સેન્ચુરી

અન્ય ભાષાનાં નાટકો વિશે વાત કરતાં ૬૩ વર્ષના વસંતભાઈ કહે છે, ‘કચ્છી ઉપરાંત વાગડની કચ્છી બોલી થોડી અલગ છે. એમાં ૧૨ નાટકો બનાવ્યાં છે. ગુજરાતી ભાષામાં પણ ઢગલાબંધ નાટકોનું દિગ્દર્શન કર્યું છે. કોઈ પણ સંસ્થા મારી પાસે વિષય મૂકે એના પર નાટક તૈયાર કરું. વાસ્તવમાં હું કસ્ટમાઇઝ્ડ નાટકોનો દિગ્દર્શક છું. આવાં નાટકોના શો ઓછા થાય, પરંતુ સંદેશ સેંકડો લોકો સુધી પહોંચે. તાજેતરમાં બૃહન્મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા હેમરાજ શાહના જીવન પર નિર્મિત ‘હેમુદાદા’ અને વાગડ બે ચોવીસી સમાજ દ્વારા નિર્મિત ‘જૈન ધર્મનો ઇતિહાસ’ ગુજરાતી ભાષાનાં નાટકો હતાં. સોનગઢ બોર્ડિંગ સંસ્થાની હિસ્ટરી પર નાટક બનાવ્યું હતું. કચ્છી ઓસવાળ જૈન સમાજનો હજાર વર્ષ જૂનો ઇતિહાસ દર્શાવતા નાટકનું નામ હતું ‘મૅઠૉ મુજો મોલક’. જૈન આચાર્યોના જીવન પર પણ અસંખ્ય નાટકો બનાવ્યાં છે. મુંબઈનો ઇતિહાસ રજૂ કરતું નાટક પણ બનાવ્યું છે. હાલમાં મારી પાસે એક સંસ્થાએ લવ જેહાદ વિષય મૂક્યો છે. અલગ-અલગ સંસ્થાઓ સાથે મળીને આખું વર્ષ નાટકોનું દિગ્દર્શન ચાલતું રહે છે. હું નાટકનો જીવ છું અને એમાં જ રચ્યોપચ્યો રહું છું. મારાં પત્ની ડૉ. અરુણા વોરા જનરલ પ્રૅક્ટિશનર છે અને લાલબાગમાં તેનું ક્લિનિક છે.’

એક જ મિશન

વસંતભાઈનો હેતુ કચ્છી બોલી, સંસ્કારો અને મૂલ્યોને ટકાવી રાખવાનો છે. નાટકના માધ્યમથી તેઓ કચ્છી ગીત-સંગીતના વારસાને પણ આગળ ધપાવી રહ્યા છે. વર્તમાન સમયમાં કચ્છી ગીતો કોઈ લખતું નથી. એને કમ્પોઝ કરવાનું પણ અઘરું છે. તેમણે અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ કચ્છી ગીતો બનાવી નાખ્યાં છે. નાટકોમાં સોશ્યલ મીડિયાની દુનિયા, નવી પેઢીની કૉમેડી અને કરન્ટ ટ્રેન્ડ્સનો સમાવેશ કરે છે જેથી વધુ ને વધુ યુવાનો એને માણવા આવે. તેમનાં નાટકોમાં મોટા ભાગે નવા કલાકારો અભિનય કરે છે. સમયાંતરે કચ્છી બાળકો માટે નાટ્યશિબિરનું આયોજન કરીને નવા કલાકારોને તૈયાર કરે છે. યુવા કલાકારો સ્ટેજ પર કચ્છીમાં ડાયલૉગ બોલે ત્યારે તેમને ગર્વ થાય છે. વસંતભાઈનું એક જ સૂત્ર છે : કચ્છી બોલી અને સંસ્કૃતિને બચાવો.

Whatsapp-channel Whatsapp-channel

04 August, 2026 12:40 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK