Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બાપુ Reloaded - સત્યમેવ જયતે (પ્રકરણ ૨)

બાપુ Reloaded - સત્યમેવ જયતે (પ્રકરણ ૨)

Published : 17 February, 2026 11:08 AM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

નવીને રૂમમાં પ્રવેશ કર્યો અને તેની આંખો પહોળી થઈ ગઈ. સ્પીલબર્ગના કહેવાથી પ્રોડ્યુસર ખન્નાએ નવીન માટે નવું ફ્રિજ, ઍર-કન્ડિશનર અને લાલ રંગનો સોફા-કમ-બેડ મોકલી આપ્યાં હતાં

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘ડૉક્ટર, મારા પતિ ઠીક તો થઈ જશેને?’ શાંતાની આંખોમાં આંસુ હતાં, ‘છેલ્લા એક મહિનાથી તે પથારીમાં છે. બેભાન છે. મારે શું સમજવું? પ્લીઝ કંઈક કરો...’

‘જુઓ... તમે સમજો.’ ડૉક્ટરે લાંબો શ્વાસ લીધો, ‘ઇન્જરી ઊંડી છે. મગજના જે ભાગમાં ઈજા થઈ છે એ મેમરી અને કૅરૅક્ટરિસ્ટિકને નિયંત્રિત કરે છે. તમારા હસબન્ડ અત્યારે કોમામાં છે. આપણે રાહ જોઈએ છીએ પણ તે ક્યારે જાગશે કે જાગશે કે નહીં એનો જવાબ તો ઉપરવાળો જ આપી શકે.’



શાંતા જમીન પર ફસડાઈ પડી.


‘ડોન્ટ વરી મૅમ... હી ઇઝ અ હીરો...’ સ્પીલબર્ગનું અંગ્રેજી શાંતાને સમજાતું નહોતું પણ તેને એટલી ખબર પડી ગઈ હતી કે એ શબ્દોમાં સાંત્વના હતી, ‘અમે તેમને એકલા નહીં મૂકીએ. ટ્રીટમેન્ટ માટે પણ તમે ચિંતા નહીં કરો. બધો ખર્ચો અમે ભોગવીશું.’

lll


‘પેશન્ટ હોશમાં આવે છે.’

એ જ સાંજે ઇન્ટરકૉમથી ICUની ડ્યુટીમાં હતી એ નર્સે ડૉક્ટરને જાણ કરી અને ડૉક્ટરની આખી ટીમ લગભગ દોડતી ICUમાં પહોંચી. બહાર બેઠેલી શાંતા અને સ્ટીવન સ્પીલબર્ગ સહિત બધા ખડાપગે ICUના કાચના દરવાજાની પાસે ગોઠવાઈ ગયા. ડૉક્ટરે નવીનની પલ્સ ચેક કરવા તેનો હાથમાં હાથ લીધો કે બીજી જ ક્ષણે નવીને આંખો ખોલી. તેના ચહેરા પર આછું સરખું સ્માઇલ હતું.

‘હવે સારું છેને?’

ડૉક્ટરે સવાલ કર્યો અને નવીને હકારમાં જવાબ આપ્યો કે તરત ડૉક્ટરે બહાર ઊભેલી કુંભ રાશિની બન્ને વ્યક્તિઓને અંદર બોલાવી.

‘હોપફુલી, હવે તે ડેન્જર સિચુએશનમાં નથી.’ ડૉક્ટરે ફરી નવીનભાઈ સામે જોયું, ‘તમને ખબર છેને, તમે કોણ છો?’

‘સત્યનો નાનકડો સેવક... આઝાદીની જંગને આગળ લઈ જનારો અદનો સૈનિક. અહિંસાની ઓથે જીવન જીવવા માગતો મોહન.’

નવીનના અવાજમાં શાંતિ હતી, પણ તેના જવાબે રૂમમાં સન્નાટો પાથરી દીધો.

‘નવીનભાઈ, આ તમારાં વાઇફ છે.’

‘બા...’ નવીને શાંતા સામે જોયું, ‘આપ કેમ અહીં છો? આપે તો આશ્રમમાં રહેવાનું હોય.’

‘મિસ્ટર ગાંધી...’

સાયન્સ-ફિક્શન અને મેડિકલ-ક્યુરિયોસિટીથી ભરેલી અનેક ફિલ્મો બનાવી ચૂકેલા સ્ટીવન સ્પીલબર્ગને અણસાર આવી ગયો હતો કે નવીન મહેતા સાથે શું થયું હશે.

‘હું આશા રાખું કે તમે જનરલ

ડાયર નથી.’

જીવનનું છેલ્લું કૅરૅક્ટર હવે નવીનનો આત્મા બની ચૂક્યું હતું.

નવીન ગાંધીજીના કાળમાં પહોંચીને પોતાને ગાંધીજી માનવા માંડ્યો હતો અને તેની આ માન્યતા હવે અનેકના જીવનમાં ઉતાર-ચડાવ લઈ આવવાનું કામ કરવાની હતી.

lll

‘નવીનભાઈ, આ કેટલાં આંગળાં છે?’

ન્યુરોલૉજિસ્ટે જમણા હાથનાં પાંચ આંગળાં દેખાડ્યાં હતાં.

એક મહિનો કોમામાં રહ્યા પછી નવીનભાઈના શરીરમાં અશક્તિ હતી પણ તેમના ચહેરાની ચમકમાં કોઈ ફરક નહોતો પડ્યો.

‘બેટા, આંગળાંઓની ગણતરી કરવા કરતાં આંગળી કઈ દિશામાં જવાનું સૂચવે છે એ મહત્ત્વનું છે.’ નવીનમાં રહેલા બાપુએ જવાબ આપ્યો, ‘તમારી આંગળી ઉપરની દિશા સૂચવે છે ને એ દિશા તો પરમાત્માની છે. એ પરમાત્માની, જે સૌકોઈના મનમાં જીવે છે.’

lll

‘હાઉ ઇઝ ઇટ પૉસિબલ?’

સ્પીલબર્ગના અવાજમાં ઉત્કંઠા હતી.

‘મેડિકલ ટર્મિનોલૉજીમાં આને રેટ્રોગ્રેડ ઍમ્નેશિયા કહે. આ એક વિચિત્ર બીમારી છે જેમાં પેશન્ટ પોતાની ઓળખ ભૂલીને એ ઓળખ અપનાવી લે જેના વિચારોમાં તે સૌથી વધારે રહ્યો હોય.’

‘એની ટ્રીટમેન્ટ...’

‘ઍઝ સચ કોઈ નહીં. પણ હા, તે પોતાના મૂળ વાતાવરણમાં પાછા ફરે પછી શક્ય છે કે હકીકત સ્વીકારવાનું શરૂ કરી દે, પણ એ ચાન્સિસ વીસ પર્સન્ટના છે.’

lll

ડૉક્ટરની ઍડ્વાઇઝ સાથે સ્ટીવન સ્પીલબર્ગે નવીનને ડિસ્ચાર્જ કરાવીને સન્માનપૂર્વક અંધેરીની જનતાનગર ઝૂંપડપટ્ટીમાં મોકલવાની વ્યવસ્થા શરૂ કરી ત્યારે તેને ખબર નહોતી કે તે એક ઍક્ટરને નહીં પણ એક એવા વિચારને મુક્ત કરતા હતા જે આવતા સમયમાં આખા મુંબઈને હચમચાવી દેવાનો હતો.

lll

ઘરની સાંકડી ગલીમાં જ્યારે ઍમ્બ્યુલન્સ ઊભી રહી ત્યારે જનતાનગરના લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં. નીચે ઊતરતાં જ લોકો તેને વધાવવા દોડ્યા, પણ નવીનની આંખો જમીન પર સ્થિર હતી. જમીન પર પગ મૂકતાંની સાથે જ તેણે

કમરેથી વાંકા વળીને માટીને વંદન કર્યાં.

‘નવીનભાઈ, તમે તો યમરાજને હરાવીને પાછા આવ્યા.’ પાડોશી હરિલાલે ઉત્સાહમાં કહ્યું, ‘અમે બધાએ તમારા માટે કેટકેટલી માનતા રાખી હતી.’

‘મૃત્યુ અંત નથી, એ તો માત્ર વસ્ત્રો બદલવા જેવું છે.’ નવીને શાંત સ્વરે કહ્યું, ‘સાચો માણસ એ છે જે જીવતેજીવ બીજાના કામમાં આવે.’

લોકો સ્તબ્ધ હતા. નવીનની વાતોમાંથી મુમ્બૈયા ગુજરાતી ગાયબ હતી અને શબ્દોમાં પોરબંદરની દરિયાઈ ખારાશ નહીં પણ સાબરમતીના પાણીની શુદ્ધતા અને મીઠાશ હતી. બધા સામે હાથ ઊંચો કરી નવીન ધીમે ડગલે હાથમાં રહેલી લાકડીના સહારે પોતાની દસ બાય દસ ફીટની રૂમમાં દાખલ થયો કે તરત શાંતા આરતીની થાળી લઈને સામે આવી. શાંતાની આંખોમાં આંસુ હતાં પણ જેવી તે આરતી ઉતારવા જાય કે નવીને તેને હાથના ઇશારે રોકી અને પછી તેના ચરણસ્પર્શ કર્યા.

નવીનની આ વર્તણૂકથી હાજર રહેલા સૌકોઈ ધબકારા ચૂકી ગયા.

‘બા... દીવા વાટે ઘી બળે એના કરતાં જો એ ઘી જરૂરિયાતના ઘર સુધી પહોંચે તો એનાથી ઉત્તમ બીજું કશું નથી.’ નવીને બે હાથ જોડ્યા, ‘તમને અગાઉ પણ કહ્યું છે, આવી ભૂલ મારે મન અક્ષમ્ય છે... એનું પુનરાવર્તન નહીં

કરો બા...’

‘નવીન, હું તમારી પત્ની છું, ઘરવાળી. આ શું બા-બા કર્યા કરો છો?’

‘મેં આપને આફ્રિકામાં જ કહ્યું હતું, હવેથી તમામ બહેન-દીકરી મારે મન મારી બા છે. આપ પણ...’ નવીનના ચહેરા પર સ્મિત હતું, ‘સ્ત્રી ત્યાગની મૂર્તિ છે. જગતમાં દરેક સ્ત્રી માતા સમાન છે. મારે હવે સત્ય અને બ્રહ્મચર્યના પંથે ચાલવું છે. હવે આ ઓરડી મારો આશ્રમ છે, ઘર નહીં.’

શાંતાના પગ નીચેથી જમીન

સરકી ગઈ.

પતિ જીવતો પાછો આવ્યો હતો, પણ તેનું ઘર અને સંસાર મરી પરવાર્યાં હતાં.

lll

નવીને રૂમમાં પ્રવેશ કર્યો અને તેની આંખો પહોળી થઈ ગઈ. સ્પીલબર્ગના કહેવાથી પ્રોડ્યુસર ખન્નાએ નવીન માટે નવું ફ્રિજ, ઍર-કન્ડિશનર અને લાલ રંગનો સોફા-કમ-બેડ મોકલી આપ્યાં હતાં. ઝૂંપડપટ્ટીની ખોલીમાં આ સામાન વિદેશી મહેમાન જેવો લાગતો હતો. નવીનના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. તે કંઈ કહે એ પહેલાં જ નવીનનો મોટો દીકરો આકાશ રૂમમાં આવ્યો. આકાશની આંખોમાં ગજબનાક ચમક અને રોમાંચ હતો.

‘પપ્પા! તમારો ઍક્સિડન્ટ તો મારા માટે લકી પ્રૂવ થયો. બિલ્ડર અગ્રવાલ આવ્યા હતા. તેમણે મને તેના નવા પ્રોજેક્ટમાં સીધા સુપરવાઇઝરની પોઝિશન આપી દીધી અને આ જુઓ, બે લાખ પણ આપી દીધા.’

આકાશે પાંચસોની નોટનાં ચાર બંડલ નવીન સામે ધર્યાં. નવીને એ નોટો તરફ એવી રીતે જોયું જાણે એ કોઈ ગંદકી હોય.

‘શાના માનમાં આટલા પૈસા?’

‘આપણી આ સ્લમ ખાલી કરાવીને અગ્રવાલ અહીં જાયન્ટ બિઝનેસ પાર્ક બનાવવાના છે. મારે બસ અહીં રહેતા લોકોને સમજાવવાના કે તે શાંતિથી અહીંથી જતા રહે અને પપ્પા, એના બદલામાં આપણને મલાડમાં નવો ફ્લૅટ મળશે!’

નવીનની લાકડી જમીન પર પછડાઈ.

‘અપ્રામાણિકતાથી મેળવેલું સુખ ઝેર સમાન છે. તેં આ ગરીબ પાડોશીઓનાં ઘર તોડવા માટે લાંચ લીધી? ખબર છે એ બિલ્ડર કોણ છે? એ શોષણખોર છે. તું અંગ્રેજોનો એજન્ટ બનીને આવ્યો? તું... તું...’ નવીનનો ચહેરો લાલઘૂમ થઈ ગયો હતો, ‘તું અત્યારે ને અત્યારે આ પૈસા પાછા આપી આવ.’

‘પપ્પા, આ આપણી ગરીબી દૂર કરવાની તક છે!’ આકાશનો અવાજ તરડાયો, ‘મમ્મી, તું તો પપ્પાને સમજાવ...’

‘સમજણ તેની લેવાની હોય જેનામાં સમજદારીનો ભાવ હોય.’ નવીનના ઊંચા થયેલા અવાજે શાંતાને પણ ગભરાવી દીધી, ‘બેટા, ગરીબી માણસના વિચારોમાં છે, સત્યના માર્ગ પર ચાલનારા જેવું શ્રીમંત કોઈ નથી. જા, જઈને પૈસા પાછા આપી આવ.’

‘ના, હું નહીં જઉં. આ મારું કામ છે.’

‘જો તારું આ કર્મ હોય તો મારું પણ એક કર્મ છે...’ લાકડી બગલમાં ભરાવતાં નવીન બે ડગલાં આગળ આવ્યા, ‘અનીતિનું ધન મારા આ આશ્રમમાં નહીં રહે. ધન પણ અને એ ધન લાવનારો પણ...’

હાજર હતા એ બધાના ચહેરા પર તંગદિલી આવી ગઈ અને નવીને

આદેશ કર્યો.

‘જો તને આ વૈભવની લાલસા હોય તો તું આ ઘરેથી નીકળી જા. મારે આ આશ્રમમાં કોઈ ભ્રષ્ટ આત્મા નથી જોઈતો.’

શાંતા રડવા લાગી, તે નવીનના પગમાં પડી ગઈ.

‘નવીન, આવું નહીં કરોને. શું કામ છોકરાની સાથે આવું કરો છો? તે આપણું જ વિચારે છેને...’

નવીને શાંતા સામે જોયું.

‘પાપ છુપાવવાથી વધે અને કબૂલ કરવાથી ઘટે. જો આજે તેને આપણે નહીં રોકીએ તો એ પાપમાં તમે ને હું પણ ભાગીદાર બનીશું.’ નવીને ફરી આકાશ સામે જોયું, ‘આકાશ, તું અત્યારે આ બ્રિટિશ માનસિકતા સાથે ઘરની બહાર નીકળ.’

ગુસ્સામાં પગ પછાડતો આકાશ ઘરની બહાર નીકળ્યો અને બીજી સેકન્ડે નવીને ઘરમાં રહેલાં ફ્રિજ અને ઍર-કન્ડિશનર તરફ ઇશારો કર્યો.

‘બા, આ વૈભવ અહીંથી કાઢો.’ નવીને શાંતાની આંખોમાં જોયું, ‘જ્યાં સુધી મારો પાડોશી ભૂખ્યો હોય, તકલીફો ભોગવતો હોય ત્યાં સુધી મને આ સુવિધાનો કોઈ હક નથી.’

lll

રાતના બે વાગ્યા હતા.

ઝૂંપડપટ્ટીમાં ચારે બાજુ સન્નાટો હતો, જેને તોડવાનું કામ કૂતરાઓનો ભસવાનો અવાજ કરતો રહેતો. નવીનને ઊંઘ આવતી નહોતી. બહાર પથારી પાથરીને સૂતેલા નવીનના પાડોશમાં રહેતા કાનજીભાઈના ઘરની લાઇટ ચાલુ હતી. હજી સાંજે જ નવીનને ખબર પડી હતી કે કાનજીની વાઇફને કૅન્સર આવ્યું છે અને કાનજી પાસે પત્નીની સારવારના પૈસા નથી.

‘સૂઈ જા... હમણાં મટી જાશે...’

કાનજીનો દબાયેલો અવાજ આવતાં નવીન ઊભા થયા અને રૂમમાં ગયા. રૂમમાં જઈને તેમણે ધીમેકથી કબાટ ખોલ્યો અને વર્ષોથી શાંતાએ સાચવી રાખેલા લગ્નના દાગીના કાઢ્યા. તેને ખબર હતી કે માગવાથી શાંતા એ ક્યારેય નહીં આપે, પણ આ બાપુ માટે હવે સંપત્તિ એ ટ્રસ્ટીશિપ માત્ર હતી.

દાગીના લઈ નવીન સીધા કાનજી પાસે ગયા.

‘કાનજીભાઈ, આ લો, આ વેચીને બેનનો ઇલાજ કરાવો.’

કાનજીભાઈ સ્તબ્ધ થઈ ગયા.

‘નવીનભાઈ, આ તો ભાભીનાં ઘરેણાં! હું આ કેવી રીતે લઈ શકું?’

‘જે વસ્તુ બીજાના કામમાં ન આવે એ સંપત્તિ નહીં પણ બોજો છે. માણસની સેવા એ જ ઈશ્વરની સેવા છે.’

આ જ માનસિકતા સાથે સવાર પડતાં સુધીમાં તો નવીને ઘરનો બધો સામાન ઝૂંપડપટ્ટીના ગરીબ લોકોમાં વહેંચી દીધો. શાંતા સવારે ઊઠી ત્યારે ખાલી રૂમ જોઈને હેબતાઈ ગઈ, પણ નવીન ખૂણામાં બેસીને કોઈ ફાટેલાં કપડાંમાંથી બટન કાઢતા હતા.

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

17 February, 2026 11:08 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK