Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભારત અને ફ્રાન્સ વચ્ચે થયા ડિફેન્સ, ટેક્નૉલૉજી, ઇનોવેશન અને એનર્જી સેક્ટરમાં ૨૦+ કરારો પર હસ્તાક્ષર

ભારત અને ફ્રાન્સ વચ્ચે થયા ડિફેન્સ, ટેક્નૉલૉજી, ઇનોવેશન અને એનર્જી સેક્ટરમાં ૨૦+ કરારો પર હસ્તાક્ષર

Published : 18 February, 2026 10:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈઓ સુધી ઊડવા માટે સક્ષમ H125 હેલિકૉપ્ટર બન્ને દેશ સાથે મળીને બનાવશે

જૉઇન્ટ પ્રેસ-કૉન્ફરન્સમાં ભારત-ફ્રાન્સ વચ્ચે થયેલી ડીલ એકસાથે રજૂ કરી રહેલા ફ્રેન્ચ પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રૉન અને નરેન્દ્ર મોદી, ઐતિહાસિક ડીલ પછી બે દેશના નેતાઓ ગળે મળ્યા હતા.

જૉઇન્ટ પ્રેસ-કૉન્ફરન્સમાં ભારત-ફ્રાન્સ વચ્ચે થયેલી ડીલ એકસાથે રજૂ કરી રહેલા ફ્રેન્ચ પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રૉન અને નરેન્દ્ર મોદી, ઐતિહાસિક ડીલ પછી બે દેશના નેતાઓ ગળે મળ્યા હતા.


માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈઓ સુધી ઊડવા માટે સક્ષમ H125 હેલિકૉપ્ટર બન્ને દેશ સાથે મળીને બનાવશે : સંરક્ષણ ક્ષેત્રે ફ્રાન્સ ટેક્નૉલૉજી ટ્રાન્સફર કરવા તૈયાર: ઇન્ડો-ફ્રેન્ચ સેન્ટર ફૉર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ઇન હેલ્થ, ઇન્ડો-ફ્રેન્ચ સેન્ટર ફૉર ડિજિટલ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી અને નૅશનલ સેન્ટર ઑફ એક્સલન્સ ફૉર સ્કિલિંગ ઇન ઍરોનૉટિક્સની શરૂઆત : સ્પેસ-સેક્ટરમાં પણ બન્ને દેશ સાથે મળીને કામ કરશે

મુંબઈમાં ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રૉન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક દરમ્યાન સંરક્ષણ, ટેક્નૉલૉજી, ઇનોવેશન અને એનર્જી ક્ષેત્રોમાં વીસથી વધુ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મુંબઈમાં યોજાયેલી ભારત-ફ્રાન્સ સમિટમાં નરેન્દ્ર મોદી અને ઇમૅન્યુઅલ મૅક્રૉન ઉપસ્થિત રહ્યા હતા. બન્ને દેશ વચ્ચે સહકારનાં વિવિધ ક્ષેત્રોને આવરી લેતા વીસથી વધુ કરારોની જાહેરાત કરવામાં આવી હતી જે બન્ને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને નવી મજબૂતી પ્રદાન કરશે.



ઇમૅન્યુઅલ મૅક્રૉન સાથે સંયુક્ત પત્રકાર-પરિષદમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નવી દિલ્હી અને પૅરિસ વચ્ચેની ભાગીદારી કોઈ સીમાઓ જાણતી નથી અને સૌથી ઊંડા મહાસાગરોથી લઈને સૌથી ઊંચા પર્વતો સુધી ફેલાયેલી છે.


કર્ણાટકમાં હેલિકૉપ્ટરની ફાઇનલ ઍસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન

સમિટ દરમ્યાન મૅક્રૉન અને મોદીએ કર્ણાટકમાં H125 હેલિકૉપ્ટરની ફાઇનલ ઍસેમ્બલી લાઇનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ભારત અને ફ્રાન્સના સંરક્ષણપ્રધાનો કર્ણાટકમાં હાજર હતા. આ ઍરબસ અને તાતા ઍડ્વાન્સ્ડ સિસ્ટમ્સ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ સ્થાપિત આ ઍસેમ્બલી લાઇનને ભારતમાં સંરક્ષણ અને ઍરોસ્પેસ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.


કર્ણાટકમાં H125 હેલિકૉપ્ટરની ફાઇનલ ઍસેમ્બલી લાઇનના ઉદ્ઘાટનનો ઉલ્લેખ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘અમને ગર્વ છે કે ભારત અને ફ્રાન્સ સંયુક્ત રીતે ભારતમાં વિશ્વનું એકમાત્ર હેલિકૉપ્ટર બનાવશે જે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈઓ સુધી ઊડવા માટે સક્ષમ છે અને એને સમગ્ર વિશ્વમાં નિકાસ કરશે. ૨૦૨૬નું વર્ષ ભારત-યુરોપ સંબંધોમાં એક વળાંક છે. અમે ઇન્ડો-ફ્રેન્ચ સેન્ટર ફૉર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ઇન હેલ્થ, ઇન્ડો-ફ્રેન્ચ સેન્ટર ફૉર ડિજિટલ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી અને નૅશનલ સેન્ટર ઑફ એક્સલન્સ ફૉર સ્કિલિંગ ઇન ઍરોનૉટિક્સની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.’

માત્ર રણનીતિ સુધી સીમિત નથી ભારત અને ફ્રાન્સના સંબંધો

ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધો વિશે બોલતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘બન્ને દેશ વચ્ચેના સંબંધો ખરેખર અનોખા છે. ફ્રાન્સ ભારતના સૌથી જૂના વ્યૂહાત્મક ભાગીદારોમાંનું એક છે અને ઇમૅન્યુઅલ મૅક્રૉનના નેતૃત્વમાં આ ભાગીદારીએ અભૂતપૂર્વ ઊંડાણ અને નવી ગતિશીલતા પ્રાપ્ત કરી છે. પરસ્પર વિશ્વાસ અને સહિયારા દૃષ્ટિકોણના મજબૂત પાયા પર બનેલા આ સંબંધ હવે ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે ઉન્નત થઈ રહ્યા છે. આ સહયોગ ફક્ત રણનીતિ સુધી મર્યાદિત નથી; વર્તમાન તોફાની સમયમાં એ વૈશ્વિક સ્થિરતા અને પ્રગતિ માટે પ્રતિબદ્ધ મજબૂત ભાગીદારી તરીકે ઊભરી રહ્યો છે.

ભારત-ફ્રાન્સ સંબંધોના મુખ્ય સ્તંભ

સંયુક્ત પત્રકાર-પરિષદને સંબોધતાં ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રૉને કહ્યું હતું કે ‘ભારતની મારી ચોથી સત્તાવાર મુલાકાત પર મળેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ હું તમારો આભાર માનું છું. ભારત અને ફ્રાન્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ખરેખર અપવાદરૂપ અને અનોખા છે. એ વિશ્વાસ, ખુલ્લાપણું અને મહત્ત્વકાંક્ષા પર આધારિત છે. અમે આ ભાગીદારીને એક નવા સ્તરે વધારવાનો નિર્ણય લીધો છે, એને ખાસ વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે લઈ જઈએ છીએ. આમાં કોઈ શંકા નથી, કારણ કે અમને આ સંબંધમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને અમે છેલ્લાં ૮ વર્ષથી આ ભાવનાથી આગળ વધી રહ્યા છીએ. દર વર્ષે વિવિધ ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરીને અમે નવા માર્ગો તૈયાર કર્યા છે; પછી ભલે એ ઇન્ડો-પૅસિફિક ક્ષેત્ર હોય કે ટેક્નૉલૉજી, જ્યાં કોઈનું પ્રભુત્વ ન હોવું જોઈએ. અમે કાયદાના શાસનમાં દૃઢપણે માનીએ છીએ અને વર્ષોથી વ્યવહારમાં આ દર્શાવ્યું છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરનૅશનલ સોલર અલાયન્સ જેવા મુદ્દાઓ પર અમે છેલ્લાં ૮ વર્ષમાં સાથે મળીને ઘણી મહત્ત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે.’

પ્રેસ-કૉન્ફરન્સ પછી બન્ને નેતાઓ નરેન્દ્ર મોદીની કારમાં ગેટવે ઑફ ઇન્ડિયા ગયા હતા. 

ભારતના ઐતિહાસિક સ્થળ ગેટવે ઑફ ઇન્ડિયા પર નરેન્દ્ર મોદી અને ઇમૅન્યુઅલ મૅક્રૉને ભારત અને ફ્રાન્સની સંસ્કૃતિઓના સમન્વયનું નિદર્શન કરતો લાઇટ-શો માણ્યો હતો. 

હૅમર મિસાઇલનું ભારતમાં ઉત્પાદન કરવા વિશે ચર્ચા

બન્ને નેતાઓ વચ્ચેની ચર્ચામાં ભારતમાં હૅમર મિસાઇલના ઉત્પાદનથી લઈને નવી દિલ્હીના એઇમ્સ ખાતે આરોગ્યમાં AI રજૂ કરવા સુધીનાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થયો હતો. નરેન્દ્ર મોદી અને મૅક્રૉને વધતી જતી ભૂ-રાજકીય અશાંતિ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વૈશ્વિક સ્થિરતા માટે એક બળ તરીકે વર્ણવતાં સંરક્ષણ, વેપાર અને મહત્ત્વપૂર્ણ ખનિજોમાં સહયોગ વધારવાની પ્રતિજ્ઞા લીધી હતી.

અમે ટેક્નૉલૉજી ટ્રાન્સફરમાં માનીએ છીએ : ઇમૅન્યુઅલ મૅક્રૉન

ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રૉને કહ્યું હતું કે ‘ફાઇટર જેટ રફાલ હોય, સબમરીન હોય કે પાંચમી પેઢીના ફાઇટર જેટ માટે એન્જિન હોય; એવાં ઘણાં ક્ષેત્રો છે જ્યાં અમે ભારત સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે ટેક્નૉલૉજી ટ્રાન્સફરમાં માનીએ છીએ અને અમે તમારી ઇચ્છા મુજબ એ જ કરવાનો પ્રયાસ કર્યો છે. અમે બન્ને વ્યૂહાત્મક સ્વાયત્તતામાં માનીએ છીએ. સ્પેસ-સેક્ટર સહિત હજી ઘણાં અન્ય ક્ષેત્રો છે જ્યાં અમારી વિચારસરણી સમાન છે. અમે જુલાઈમાં ફ્રાન્સમાં એક શિખર-સંમેલનનું આયોજન કરી રહ્યા છીએ, ત્યારે અમે ભારતને સ્પેસ-સેક્ટરમાં આમંત્રણ આપ્યું છે. ઍરોનૉટિક્સ પણ એક મુખ્ય ક્ષેત્ર છે અને હાઈ-સ્પીડ રેલ નેટવર્ક એ બીજું ક્ષેત્ર છે જ્યાં આપણે એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઊભરી રહ્યા છીએ. અમે શ્રેષ્ઠ ટેક્નૉલૉજી-ટ્રાન્સફર સુનિશ્ચિત કરવા માગીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે અમારા રોકાણકારો, અમારાં સ્ટાર્ટઅપ્સ, અમારી કંપનીઓ, અમારાં R&D કેન્દ્રો સાથે મળીને કામ કરે.’

નરેન્દ્ર મોદીએ વીર સાવરકરને યાદ કર્યા એનું કારણ શું?

નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે વીર સાવરકરને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘ગયા વર્ષે ઇમૅન્યુઅલ મૅક્રોને મને ફ્રાન્સમાં AI ઍક્શન કમિટી સમિટમાં આમંત્રણ આપ્યું હતું. એ સમયે અમે ફ્રાન્સના સૌથી મોટા બંદર અને ફ્રાન્સ અને સમગ્ર યુરોપના મુખ્ય પ્રવેશદ્વાર માર્સેલીની મુલાકાત લીધી હતી. માર્સેલી એ શહેર છે જ્યાંથી આપણા ભારતીય સૈનિકોએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન યુરોપમાં પગ મૂક્યો હતો. તેમની બહાદુરીની ગાથા હજી પણ યુરોપના ઘણા ભાગોમાં યાદ કરવામાં આવે છે, અને તે એ જ શહેર છે જ્યાં સ્વાતંયસેનાની વીર સાવરકર બ્રિટિશરોથી બચવા માટે સમુદ્રમાં કૂદી પડ્યા હતા. તેમનું કાર્ય ભારતની સ્વતંત્રતા માટેના તેમના અટલ સંકલ્પનું પ્રતીક હતું. ગયા વર્ષે માર્સેલીમાં મને તેમને યાદ કરવાની અને શ્રદ્ધાંજલિ આપવાની તક મળી. આ વખતે જ્યારે પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રૉન AI ઇમ્પૅક્ટ સમિટ માટે ભારતમાં છે ત્યારે અમે ભારતના પ્રવેશદ્વાર મુંબઈમાં તેમનું સ્વાગત કરવા માટે ભાગ્યશાળી છીએ.’

મરીન ડ્રાઇવ પર જૉગિંગ કરતા દેખાયા ફ્રાન્સના પ્રેસિડન્ટ

ફ્રાન્સના પ્રેસિડન્ટ બન્યા પછી ઇમૅન્યુઅલ મૅક્રોને ચોથી વાર ભારતની મુલાકાત લીધી છે. સોમવારે મધરાતે મુંબઈ ઍરપોર્ટ પર લૅન્ડ થયા ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું સ્વાગત કર્યું હતું. ગઈ કાલે ભારત-ફ્રાન્સ વચ્ચે મહત્ત્વની ડીલ સાઇન થઈ એ પહેલાં ઇમૅન્યુઅલ મૅક્રોન રિલેક્સ્ડ મૂડમાં મુંબઈની સફર કરવા નીકળ્યા હતા. તેઓ ફિટનેસ રૂટીન માટે જાણીતા છે. ગઈ કાલે સવારે તેઓ નેવી બ્લુ ટી-શર્ટ અને કાળાં ચશ્માં પહેરીને મરીન ડ્રાઇવ પર જૉગિંગ કરતા જોવા મળ્યા હતા. તેમની સાથે ફ્રાન્સ અને ભારતનાં સુરક્ષાદળોની ટીમના સભ્યો પણ હતા. મુંબઈગરાઓને કોઈ દેશના રાષ્ટ્રપતિ આમ વૉકર્સની વચ્ચે દોડતાં જોઈને આશ્ચર્ય જરૂર થયું. કેટલાક લોકોએ તેમનો વિડિયો લઈને સોશ્યલ મીડિયા પર મૂકતાં આ ઘટના વાઇરલ થઈ ગઈ હતી. 

ગેટવે ઑફ ઇન્ડિયા પર મોદી અને મૅક્રૉને મળીને લૉન્ચ કર્યું ભારત-ફ્રાન્સ યર ઑફ ઇનોવેશન - 2026

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રેન્ચ પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રૉને ગઈ કાલે સાંજે મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયા પર મળીને ભારત-ફ્રાન્સ યર ઑફ ઇનોવેશન-2026નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ બન્ને દેશ વચ્ચેની સ્ટ્રૅટેજિક પાર્ટનરશિપનો આ મહત્ત્વનો પડાવ છે. આ સેરેમનીનું સમાપન ગેટવે ઑફ ઇન્ડિયા પર એક ભવ્ય લાઇટિંગ શો સાથે થયું હતું. એમાં બન્ને દેશોના સહિયારા સિદ્ધાંતો અને વિરાસતનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. આ સેરેમનીમાં બન્ને દેશોના બિઝનેસ લીડર્સ, સ્ટાર્ટઅપ્સ, સંશોધકો અને ઇનોવેટર્સ હાજર રહ્યા હતા. 

ફ્રાન્સના રાષ્ટ્રપતિની બૉલીવુડની ખાસમખાસ વ્યક્તિઓ સાથે મુલાકાત

ગઈ કાલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રોને ભારતીય સિનેમાના અગ્રગણ્ય સ્ટાર્સ સાથે મુલાકાત કરી. તેમણે અનિલ કપૂર, મનોજ બાજપાઈ, શબાના આઝમી, રિચા ચઢ્ઢા, ફિલ્મમેકર નીરજ ઘાયવાન અને ઝોયા અખ્તર સાથે મુલાકાત કરીને તસવીર ક્લિક કરાવી. ફ્રાન્સ ભારતીય ફિલ્મોના શૂટિંગ અને ટૂરિઝમ માટે પોતાને પ્રમોટ કરી રહ્યું છે. આ મુલાકાત ભારત-ફ્રાન્સ વચ્ચે સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવા માટે હતી.

Whatsapp-channel Whatsapp-channel

18 February, 2026 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK