Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > રાત ઔર દિન: ભીતરના ભેદભરમ (પ્રકરણ ૨)

રાત ઔર દિન: ભીતરના ભેદભરમ (પ્રકરણ ૨)

Published : 06 October, 2026 10:28 AM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

છોકરી આખો દહાડો પ્રેમનાં ગીતડાં ગાતી હતી : મૈં તેરી રાની, તૂ મેરા રાજા ને જાણે શું-શું! તોય મારી આંખ ન ખૂલી...’ વિદુલાફોઈએ કપાળ કૂટ્યું, ‘ને મોહિનીયે પ્રેમમાં આંધળી. તેને ગમ્યો તો ગલીના ગુંડા જેવો કલ્લુ. હાય-હાય.

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


રાત ઔર દિન દિયા જલે...

ફિલ્મ વિશે વાંચ્યા પછી ઘરનાં કામ નિપટાવતી અરુંધતીના હોઠે અનાયાસ જ એનાં ગીતો રમવા માંડ્યાં.



ફિલ્મની વાર્તા આમ તો બે લીટીની છે : ભૂતકાળના એક અનુભવની હૈયે બાઝેલી ગિલ્ટને કારણે સીધીસાદી વરુણા નશાબાજ બની જાય છે અને એમાં તેનું ગૃહસ્થ જીવન ગોથે ચડે છે... વ્યક્તિ એક જ પણ નામ જુદાં, લક્ષણ નોખાં. વરુણા પેગી બને ત્યારે પોતાના પતિ સુધ્ધાંને ઓળખે નહીં. મેડિકલ ભાષામાં આને સ્પ્લિટ પર્સનાલિટી કહે છે.


સાચે જ, માણસનું મન કેવું

અગાધ છે.


અને તારું મન?

ભીતરથી કોઈએ ચીંટિયો ભર્યો હોય એમ સહેમી જવાયું. એટલું તો ખરું કે મોહિનીદીદી ભાગ્યાં ન હોત તો મારું જીવનવહેણ પણ જુદું હોત... કદાચ.

હીંચકે ગોઠવાઈને ભાજી ચૂંટતી અરુંધતી વાગોળી રહી.

lll

‘છોકરીએ તો નાક કાપ્યું.’

વિદુલાફોઈએ પિયરમાં આવતાં જ ઠૂઠવો મૂક્યો હતો.

૧૧ વર્ષની અરુંધતીને ફોઈનું આગમન ૩ કારણે ગમતું : એક તો તેઓ રમકડાં કે ફ્રૉકની ગિફ્ટ લઈને આવે. બીજું, તેમના સ્વાગતમાં ઘરે પકવાન-શ્રીખંડ બને અને ત્રીજું, જોડે મોહિનીદીદી હોય જ એટલે તેમની જોડે પિક્ચર જોવાનો પ્રોગ્રામ બને.

પણ આ વખતે ફોઈ ન કોઈ ગિફ્ટ લાવ્યાં, ન માએ પકવાન રાંધ્યાં કે નથી મોહિનીદીદી જોડે આવ્યાં. ફોઈને આમ રડતાં તો કોઈ દિવસ નથી જોયાં.

‘મોહિનીદીદી બીજી ટ્રેનમાં આવે છે ફોઈ?’ અરુંધતીએ નિર્દોષભાવે પૂછ્યું, ‘દીદી આવે એટલે પિક્ચર જોવા જઈશુંને?’

એવાં જ ફોઈબા ઊકળી ઊઠ્યાં : ખબરદાર જો પિક્ચરનું નામ લીધું તો. સિનેમાએ જ દાટ વાળ્યો છે. છોકરી આખો દહાડો પ્રેમનાં ગીતડાં ગાતી હતી : મૈં તેરી રાની, તૂ મેરા રાજા ને જાણે શું-શું! તોય મારી આંખ ન ખૂલી...’ વિદુલાફોઈએ કપાળ કૂટ્યું, ‘ને મોહિનીયે પ્રેમમાં આંધળી. તેને ગમ્યો તો ગલીના ગુંડા જેવો કલ્લુ. હાય-હાય.’

‘જીવ ન સંતાપ બહેન.’ ભાઈ કહે છે કે બહેન તાડૂકી, ‘તો શું કરું. દીકરી ભાગી એમાં તારા બનેવીએ મને ધોઈ નાખી : મા થઈને તેં શું ધ્યાન રાખ્યું દીકરીનું?’

કહેતાં વિદુલાફોઈએ મમતાને નિહાળી : ‘હું તો પસ્તાઈ મમતા, પણ તું ચેતેલી રહેજે. અરુ પર બાજનજર રાખજે. જુવાનીના જોરમાં તે પગલું ચૂકે તો લોકો તારો જ વાંક જોશે એટલે પાણીને પાળમાં બાંધેલું જ રાખજે.’

મમતાબહેનને આટલી ટકોર પૂરતી હતી. આમ તો ઘરનાં સૂત્રો તેમના હવાલે હતાં જ, પણ મોહિનીના બનાવ પછી તેમણે ગાંઠ વાળી : ના, મારી અરુ કોઈ જોડે ભાગે એવું તો હું બનવા જ નહીં દઉં.’

બીજા જ દિવસથી તેમણે દીકરીને કલાક વહેલી ઢંઢોળવા માંડી : ચલ, ઊભી થા, મંગળાનાં દર્શને જવાનું છે.

શરૂ-શરૂમાં અરુંધતી કંટાળો કે વિરોધ જતાવતી તો પીઠે બે ધોલ પડતી : નાટક-સિનેમા માટે

ઉજાગરા થાય છે ને ધરમના કામમાં ચૂંક આવે છે?

અરુ એટલું સમજતી : બરડો

શેકાવા કરતાં મા કહે એ કરવામાં જ શાણપણ છે.

ભલે જોરજબરદસ્તીથી, પણ દીકરી કહ્યું કરતી થઈ એટલે મમતાબહેન પણ પરિઘ વિસ્તારતા ગયા : શ્લોક, ભજન રટવાથી શરૂ કરીને વ્રત-ઉપવાસનાં એકટાણાંની ઘરેડમાં અરુંધતી ઘડાતી ગઈ. તિથિ-તહેવાર તે સામેથી યાદ અપાવતી ને મમતાબહેન પોરસાતાં : આનું નામ કેળવણી. મારી અરુ કંઈ આજકાલની છોકરીઓ જેવી

ઉછાંછળી નથી.

મોટી થતી અરુંધતીને માનાં વખાણ પોરસાવી જતાં. પોતે બીજા કરતાં ચડિયાતી હોવાનો અહં કેફ પ્રેરતો.

ક્યારેક મોહિનીદીદી જોડે વાત થતી. પંદરની થયેલી અરુંધતી મોટા માણસની જેમ તેમની દયા ખાતી : તમે પુષ્ટિમાર્ગના નિયમ પાળ્યા હોત દીદી તો આમ મનના ભટકવાનું ન બનત.

જવાબમાં મોહિની નિસાસો નાખતી : મેં તો ભૂલ કરી જ અરુ, પણ ધરમથી જ સંયમ કેળવાતો હોત તો મોટા-મોટા સંત-મહાત્માઓ વાસનામાં ભાન ભૂલે એવા કિસ્સા બન્યા જ ન હોત. તું આમેય કન્યાશાળામાં ભણે છે, મનનું ભટકવું શું એ સમજવા તું હજી નાની છે બચ્ચા.

સત્તરની ઉંમરે યૌવન મહોરતાં અરુંધતીને હળવે-હળવે મોહિનીનાં વેણ સમજાવા લાગ્યાં. કૉલેજ જતી થયા પછી પહેલી વાર છોકરાઓની સંગત થઈ. અલબત્ત, માની ધાકને કારણે કોઈ જોડે હાય-હલો પણ તે કરતી નહીં, પરંતુ બહેનપણીઓની ચર્ચા અફળાતી રહે : યુ નો, વિહાંગ કિસ્ડ મેઘના યસ્ટરડે. મેઘના તેની એક જ કિસમાં ફ્લૅટ થઈ ગઈ, બોલો!

ગ્રુપની ગૉસિપથી અરુંધતીના કાન લાલ થઈ જતા. મેઘનાના સ્થાને પોતે હોત તો!

અને બહેકવા જતા મનને અરુંધતી લગામ તાણતી : ના... ના... સંસ્કારી છોકરી ગંદી કલ્પના પણ ન કરે. મારી ભૂલ થઈ એટલે આ વખતે અગિયારસ સાથે પૂનમ પણ નકોરડી કરીશ. સખીઓ જોડે પણ બહુ ભળવા જેવું નથી. તેમનામાં મારા જેવા સંસ્કાર નથી. તેમના ચિત્તમાં વિકૃતિ જ ડહોળાતી હોય છે, જ્યારે પોતે કેટલી અણીશુદ્ધ છે.

કૉલેજમાં અરુંધતી અતડી, અળગી બનતી ગઈ. તેના રૂપ પર ઘાયલ થનારા ઓછા નહોતા, પણ છોકરી કોઈ જોડે ભળવા જ ન માગે તો શું થાય.

આવામાં કૉલેજના ત્રીજા વર્ષના અંતિમ સત્રમાં એક ઘટના ઘટી.

‘અરુ, મારું એક પાર્સલ છે, બે દિવસ તારી પાસે રાખ.’

દિવ્યાએ કૉલેજમાં ખાખી કવર સુપરત કરીને વિનવી, ‘ઘરે મહેમાન છે એટલે મારો રૂમ પણ શૅર કરવો પડ્યો છે. આ ચીજ ત્યાં રખાય એવી નથી. તારે ત્યાં સેફ રહેશે એની મને ખાતરી છે.’

અરુંધતી આમ તો કોઈ જોડે અંતરંગ થતી નહીં, છતાં કૉલેજના શરૂના દિવસોની દોસ્તીદાવે મદદ માગનારી દિવ્યાને ઇનકાર હોય નહીં. રાતે રૂમમાં એકલા પડ્યા પછી અરુંધતીનું કુતૂહલ ઊછળવા લાગ્યું : આખરે દિવ્યાએ આપેલા કવરમાં છે શું?

હોઠ કરડીને અરુંધતીએ કૉલેજની શોલ્ડરબૅગમાં મૂકેલું કવર કાઢ્યું અને એમાંથી નીકળેલી સામગ્રી જોતાં જ શ્વાસ થંભી ગયો : બસો-ત્રણસો પાનાંનું એ અંગેજી ઇરૉટિક મૅગેઝિન હતું એને એના કવરપેજ પર જ

સ્ત્રી-પુરુષના સંવનનની સાવ ઉઘાડી તસવીર હતી.

છી... છી... આવું ગંદું મૅગેઝિન. તું આને ફગાવી દે અરુંધતી, સારા ઘરની સંસ્કારી છોકરી આવું બધું ન વાંચે કે ન નિહાળે. થ્રો ઇટ.

પોતાને સંસ્કારની પૂતળી સમજતી અરુંધતી પોકારતી રહી, પણ તેને તાબે થવાને બદલે ભીતર શ્વસતી કોઈ બીજી જ અરુંધતી ધરાર પલંગ પર ગોઠવાઈને પાનાં ફેરવવા લાગી.

... અને દરવાજે ટકોરા પડ્યા : અરુ, તું હજી સૂતી નથી. લાઇટ કેમ ચાલુ છે?

એવું જ મૅગેઝિન ગાદી નીચે દબાવીને વસ્ત્રો સરખાં કરતી અરુંધતીએ બગાસું ખાતાં જવાબ આપ્યો : લાઇટ બંધ કરવાનું ભૂલી ગયેલી મમ્મી, તું સૂઈ જા.

બીજી સવારે અરુંધતીએ યંત્રવત્ દર્શન-પાઠપૂજા પતાવ્યાં, કૉલેજ પણ ગઈ; પરંતુ તેના ચિત્તમાં મૅગેઝિનનાં ફોટા-સ્ટોરી જ ભમતા રહ્યાં.

તેની ‘ચોરી’ જોકે વધુ ચાલી નહીં. દીકરીના રૂમની સફાઈ કરતાં મમતાબહેનની આંખે ગાદી નીચે દબાવેલું ચોપાનિયું ચડ્યું અને ખલાસ!

અરુંધતી ઘરે આવતાં જ માએ દરવાજો વાસીને તેને લબડધક્કે લીધી : તને આવું ગંદું સાહિત્ય વાંચવાની ટેવ ક્યાંથી પડી? બોલ, કયા છોકરાએ તને ભોળવી? ક્યારથી ચાલે છે આ બધું?

ફફડી ગયેલી અરુંધતીએ સાચું કહી દીધું. માને મનાવવાનો રસ્તો અજમાવ્યો, ‘મા પ્લીઝ, મને મારી ભૂલ સમજાઈ છે. ફરી આવું નહીં કરું. પ્રાયશ્ચિત્તરૂપે આ વખતે આખો શ્રાવણ મહિનો એકટાણાં કરીશ.’

મમતાબહેન ત્યારે માંડ કૂણાં પડ્યાં : જુવાન છોકરી પર હાથ ઉપાડવાનું મને ગમતું હશે? તારા આ સંસ્કાર લજવાય નહીં, મારી કેળવણી વગોવાય નહીં એટલે આકરાં થવું પડે છે દીકરી.

એ દિવસથી તેમણે બીજા બે નિયમ લાગુ કર્યા : અરુંધતીએ આગળો મારીને સૂવું નહીં અને સ્માર્ટફોનને બદલે નોકિયાવાળો સાદો ફોન જ વાપરવો. સ્માર્ટફોનમાં ગંદી બાબતો પણ આંગળીનાં ટેરવાં જેટલી જ દૂર હોય છેને!

મા આખરે આ બધું મારા ભલા માટે જ કરે છેને... સંસ્કારી અરુંધતીએ વ્રત-તપ આકરાં કર્યાં.

અને છતાં ઊંડે-ઊંડે તેને અણસાર હતો કે પોતાની ભીતર, કદાચ ૭ પાતાળ ઊંડે એક ઑર અરુંધતી શ્વસે છે, મૅગેઝિન વાંચવાની રાતે જે પ્રગટેલી તે... બેખોફ, બેમર્યાદ, બેસુમાર વાસનાથી લથબથ.

ના, મારે તેને સપાટી પર નથી આવવા દેવાની. તે મારું નામ બગાડશે, માના સંસ્કાર લજવશે.

અને અરુંધતી તેના પ્રત્યે આકરી બનતી. પોતે સંસ્કારી છે એ વાત ભૂલતી નહીં. પોતાનું વ્યક્તિત્વ અને પોતાનું અસ્તિત્વ આનાથી અળગું નથી એ જીદપૂર્વક મનાવતી, ખુદને પણ અને અન્યોને પણ.

આમાં અંતરીક્ષ પણ અપવાદ નહોતો...

અત્યારે હળવો નિઃશ્વાસ નાખીને અરુ વાગોળી રહી:

ગ્રૅજ્યુએશન પછી મેં આગળ ભણવાનું કહ્યું એનો માને વાંધો નહોતો અને પપ્પા તો બિચારા પહેલેથી માના કહ્યામાં જ રહ્યા છે. MAમાં અવેલેબલ સ્ટ્રીમમાંથી એક લિટરેચરની હતી એમાં બહુ રસ પડે એમ નહોતો એટલે સાઇકોલૉજી ભણી અને ભણ્યા પછી માએ દેખાડેલા મુરતિયામાંથી કોઈને ગમાડીને પરણી જવાનું હતું.

આમાં અંતરીક્ષને જોવાનું બન્યું.

ઓહ, કેટલો સોહામણો જુવાન. તે મારા જોબનને નિહાળતો અને હું સંકોચાઈને સાડીનો છેડો વધુ સંકોરતી. હાસ્તો, સંસ્કારી છોકરી તો આવું જ કરેને.

‘તમે બહુ સંકોચાઓ છો.’ અંતરીક્ષ થોડું મૂંઝાયેલો પણ.

‘હું આવી જ છું.’ પોતે કેટલું જીદપૂર્વક કહેલું. પછી તેમણે ગુલાબગંજમાં હવેલી નહીં હોવાનું કહેતાં પોતે પતિના ઘરને મંદિર માનવાનું બોલી ગયેલી એમાં દંભ નહોતો, સંસ્કાર જ હતા.

વેવિશાળ સુધીમાં અંતરીક્ષ મારા હૈયે ઘર કરી ગયા. અંતરીક્ષને પણ મારું કંઈ ઓછું ઘેલું હતું! છતાં અમારી મુલાકાતોમાં તે ક્યારેક મને આલિંગનમાં લેવા માગે કે હોઠે ચુંબન ભરવાની ચેષ્ટા કરે એટલે હું બહાનું બનાવીને સરકી જાઉં, ક્યારેક અદા દાખવીને તેમને વારું : આ બધું

લગ્ન પછી...

અંતરીક્ષ અટકી જતા. તેમણે

ક્યારેય જોહુકમી ન કરી કે ન કદી નારાજગી જતાવી. બલ્કે તે કહેતા : મર્યાદાની સીમારેખા પાળવાનું કોઈ તારી પાસેથી શીખે.

આવામાં લગ્નની તારીખ નજીક આવતી ગઈ એમ એકલી પડતી કે સોહાગસેજ સમણાંમાં તરવરી જતી : હું પાનેતરનો ઘૂંઘટ કાઢીને બેઠી છું, શેરવાનીમાં શોભતા અંતરીક્ષ આવે છે... મારી સાવ લગોલગ બેસે છે. તેમના શ્વાસોની ગરમી મને દહેકાવે છે. તે મારા અલંકારો ઉતારે છે, પછી વસ્ત્રો... હું શરમથી પાણી-પાણી થતી આંખો મીંચી જાઉં છું. ત્યાં તે પોતાનાં વસ્ત્રો સરકાવીને મારું મોં તેમના તરફ ફેરવે છે : એક નજર મને જુઓ તો ખરાં રાણી.

અને તેમને જોતાં જ -

હાંફતા શ્વાસે સપનામાંથી ઝબકી જતી હું. હાય-હાય. એમ કોઈના ઉઘાડા શરીરની કલ્પના પણ કેમ થાય. આ જ મારા સંસ્કાર?

એવી જ પેલી ૭ પાતાળ ભીતર વસતી અરુંધતીએ માથું ઊંચક્યું : સંસ્કાર... સંસ્કાર! અંતરીક્ષ કોઈ પરપુરુષ નથી, મનનો માણીગર છે. તેની સાથે હું તો બેમર્યાદ ઊઘડવાની, તારાથી થાય એ કરી લેજે.

નહીં, નહીં. મેં કાને હાથ

દાબી દીધા, માથું ઊંચકનારીને પરાણે કેદ કરીને ઊંડા શ્વાસ લીધા : આ વિષયી બાઈ તેની વાસનાના પૂરમાં મારા સંસ્કાર અભડાવવાની. તેની બેમર્યાદ હરકતોથી અંતરીક્ષ શું ધારશે મારા માટે?

નહીં, મારી ભીતર ધરબાઈ રહેલા મારા આસક્ત સ્વરૂપને હું કોઈ કાળે ઉજાગર નહીં થવા દઉં... નેવર.

આના પરિણામે અમારું એકાંત લગ્નનાં ત્રણ વર્ષેય ટાઢુંબોળ રહ્યું છે.

અત્યારે હળવો નિઃશ્વાસ નાખતી અરુંધતીએ તેનાથી છુપાવીને ઘરના કબાટમાં રાખેલી ઑફિસની સેફમાં રહેલી અંતરીક્ષની મેડિકલ ફાઇલ જોઈ હોત તો!

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

06 October, 2026 10:28 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK