Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > વિધ્વંસ: ઐસા દેશ હૈ મેરા (પ્રકરણ ૨)

વિધ્વંસ: ઐસા દેશ હૈ મેરા (પ્રકરણ ૨)

Published : 25 November, 2025 09:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાની મિલિટરીના સર્વેસર્વા એવા જનરલ બેગ માટે કહેવાતું કે લશ્કરનો કમાન્ડ જ નહીં, દેશનું સુકાન પણ તેમની મરજીથી ચાલે છે! પચાસીમાં પ્રવેશેલા જનરલનું શરીર કસરતી છે ને દિમાગમાં હિન્દુસ્તાન માટે ભારોભાર ઝેર ભર્યું છે

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘હાય અલ્લાહ!’ ઑઇલ-મસાજ કરાવતી નગમાબાનુ સિસકારા નાખી રહી, ‘ખુદા બેગ જેવા મરદોને સમજે! ઊંહ, રાતભર મને જંપવા નથી દીધી...’

માલિશ કરનારીએ તેની ઉઘાડી પીઠ પર સુગંધી તેલનો લસરકો રેડ્યો. પછી કમરથી ખભા સુધી તેને પસવારતી ગઈ. પહેલા હળવા હાથે, પછી દબાણ વધારતી ગઈ.  



‘તારાં આંગળાંમાં જાદુ છે, ફાતિમા!’


રાતભરની થકાનને આરામ મળતો હોય એવા રણકાભેર બોલી નગમા અચાનક ચત્તી થઈ, ‘ક્યારેક કોઈ મરદને મસાજ કર્યો છે?’

ફાતિમા સહેજ લજાઈ, ‘શું તમે પણ બાનો! ગરીબ વિધવાની મજાક કરો છો!’


‘તું વિધવા ખરી, ગરીબ?’ નગ્માનાં નેત્રો સહેજ પહોળાં થયાં, ‘ફાતિમા, હિજાબમાં છુપાયેલા તારા રૂપનો અંદાજો છે મને. ક્યારેક એ બેપરદા થયું તો જન્નતની હૂરને ઝાંખી પાડે...’

‘હં! બીબીજીને સવારથી કોઈ મળ્યું નથી કે મારી ફીરકી લેવા માંડ્યાં.’ હળવેથી તેને વળી છાતીભેર લેટાવી ફાતિમાએ ફરી માલિશ શરૂ કરી, ‘બેગસાહેબે કાલે તો માઝા મૂકી લાગે છે.’

પાકિસ્તાની મિલિટરીના સર્વેસર્વા એવા જનરલ બેગ માટે કહેવાતું કે લશ્કરનો કમાન્ડ જ નહીં, દેશનું સુકાન પણ તેમની મરજીથી ચાલે છે! પચાસીમાં પ્રવેશેલા જનરલનું શરીર કસરતી છે ને દિમાગમાં હિન્દુસ્તાન માટે ભારોભાર ઝેર ભર્યું છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ જનરલ ઝિયાને આદર્શ માનનારા કાસિમ બેગની અસલી મુરાદ તો પાકિસ્તાનના સરમુખત્યાર બની આજીવન સત્તા ભોગવવાની જ હોય એટલે તો પાંચ વર્ષ અગાઉ તેમના જનરલ બનતાં જ પાકિસ્તાનમાં પૉલિટિકલ મૂવમેન્ટ્સ ફિફ્થ ગિઅરમાં આવી છે. આર્મીના કર્નલ મુસ્તફા અને જાસૂસ સંસ્થાના વડા બિલાવલ ખાન બેગના અંગત વિશ્વાસુ મનાય છે. બેગની આડે ઊતરી શકવાનું પોટેન્શિયલ ધરાવનારા કાં તો જૂઠા કેસમાં જેલમાં પુરાય છે કાં તો અકસ્માતમાં ખુદાતાલાને પ્યારા થાય છે.  પરિણામે શું ઇસ્લામાબાદની અૅસેમ્બલી કે શું સુપ્રીમ કોર્ટ, બેગના ઇશારે ચાલે છે. બેગ ક્યારેક ચીન તરફ ઢળી પડે ને ક્યારેક અમેરિકાની કદમબોસી કરે એમાં તે મહાસત્તાને તાલે નાચે છે કે પછી તેમને નચાવે છે એ નક્કી કરવું મુશ્કેલ છે; પણ એટલું ખરું કે ચીન-અમેરિકા બેઉના તે લાડકા છે. શતરંજના ખેલમાં ઉસ્તાદ બેગ ઘરઆંગણાની સફાઈ કરી ચૂક્યા છે, વિદેશી સત્તાનું તેમને પીઠબળ છે એટલે ગમે તે ઘડીએ પાકિસ્તાનમાં તખ્તાપલટ થઈ શકે છે...

અપરિણીત બેગને બેરહેમપણે ઓરતના જિસ્મને માણવાનો શોખ છે, જાહેરમાં એની ચર્ચા ન થતી હોય પણ એ સાવ છૂપો પણ નથી. તેમનું મુખ્ય રહેણાક રાવલપિંડીમાં, બાકી તો પાકિસ્તાનના દરેક પ્રાંતમાં તેમની કોઠીઓ છે એ ત્યાંના જનાનખાનામાં નગમા જેવી બાઈઓ રહે છે. ના, બજારુ બાઈઓ નહીં, જનરલને આંખે ચડી એના માટે જનાનખાના સિવાય કોઈ ઠેકાણું રહેતું નથી. જનરલનું મન ભરાયા પછી આપે એટલી રકમ લઈ ચૂપચાપ નીકળી જવાનું. 

પાકિસ્તાનનો સર્વસત્તાધીશ બનવા માગનારો પોતાની સલામતી માટે સાબદો રહે એ દેખીતું હતું. જનરલ બેગ એ માટે એટલા ચોક્કસ હતા કે તેમની રૂમમાં શૈયાસુખ માટે જનારી બાઈએ નિર્વસ્ત્ર જવાનું રહેતું. રખેને વસ્ત્રોમાં છરી છુપાવી લાવી તે છાતીમાં હુલાવી દે તો!  

બેએક વર્ષ અગાઉ શહેરની કૉલેજમાં ઇનામ-વિતરણ માટે ગયેલા બેગની નજરમાં ત્યાંની ફિઝિક્સની પ્રોફેસર નગમા વસી ને કોઈ પણ જાતની બળજબરી વિના તેમના કહેણે નગમા કોઠીમાં આવી પણ ગઈ...

‘મહત્ત્વાકાંક્ષા મરદોને જ હોય એવું થોડું!’ તેણે એક વાર માલિશ કરનારી ફાતિમાને કહેલું : જનરલને પરવશ કરી હું પાકિસ્તાનની મહારાણી કેમ ન બની શકું! મને તો આ ઘડીનો ઇન્તેજાર હતો કે ક્યારે મને જનરલની સોડમાં ભરાવાનો મોકો મળે!

નગમાનાં અમ્મી-અબ્બુ જોકે શોષવાયેલાં. તેમનેય નગમાએ કહી દીધું : મારી ફિકર ન કરો, હું ખુશ છું!

જોકે પહેલી વારના મેળમાં નગમાને જહન્નમ યાદ આવી ગયેલું. બત્રીસ વર્ષની ઓરત કાચી કુંવારી છે એ જાણી બેગમાં આવેલો ઉછાળ સહેવો અસહ્ય હતો. મન મક્કમ કરી નગમા તેમનું પાશવી આક્રમણ સહી ગઈ એથી જનરલ પ્રભાવિત બન્યા હતા : તેં મને ખુશ કરી દીધો!

જનરલની રાતો રંગીન કરી નગમાએ પોતાની પાંખ વિસ્તારવા માંડેલી. શૈયામાં અદ્ભુત કરતબ દાખવતી નગમાને જનરલ વિદેશપ્રવાસમાં સેક્રેટરી તરીકે સાથે લઈ જતા. નગમા દેખીતી રીતે બાંદી તરીકેની પોતાની મર્યાદામાં રહેતી, પણ આંખ-કાન ખુલ્લાં રાખી તાલ માપતી રહેતી. રાવલપિંડીની ખુફિયા જગ્યાએ થતી બેગની મંત્રણાઓ તેના ધ્યાનમાં રહેતી. ક્યારેક મુસ્તફા કે બિલાવલ હવેલીના મહેમાન બનતા ત્યારે ખિદમતગીરીથી તેમનેય રાજી રાખતી. પાકિસ્તાનમાં હવા ક્યાંથી ક્યાં ફંટાવાની છે એ રાવલપિંડીની આ હવેલીમાંથી નક્કી થતું, ને એની આગાહી જાણી લેવા જેટલી સૂઝ નગમાએ કેળવી લીધેલી. હવેલીનો સ્ટાફ ‘મૅડમ’ની ચોંપમાં રહેતો.

આવામાં આઠેક મહિના અગાઉ નગમાનો ડ્રાઇવર રસૂલ ફાતિમાને લઈને આવ્યો : મારી દૂરની રિશ્તેદાર છે, બેવા છે, બેસહારા છે... તેને જો આપની ઓથ મળી જાય...

નગમા દૂરનું વિચારનારી સ્ત્રી હતી. તેના ધ્યાનમાં હતું કે રસૂલ જનરલનો વફાદાર આદમી છે. જનરલ ભલે મારા પર ઓળઘોળ હોય, હું તેને છેતરું નહીં એ માટે મારા પર નિગરાની રાખવા જ બેગે રસૂલને મારા ડ્રાઇવર તરીકે મૂક્યો હોય... તેને ઑબ્લાઇજ કરી હું થોડી વફાદારી મારા પક્ષે પણ કરી શકું!

તેણે ફાતિમાને આવકારી.

અને ખરેખર તે બહુ કામની નીકળી. દાસીની જેમ નગમાની ચાકરી કરતી. તેનાં ભાવતાં ભોજન બનાવતી, તેના રૂમથી માંડી વસ્ત્રો સુધીનું બધું વ્યવસ્થિત રાખતી અને માલિશ તો એવી જાદુઈ કરતી કે આખી રાતનો ઉજાગરો શોષાઈ જતો. નગમાને ગમતી વાત એ હતી કે ફાતિમામાં કોઈ વાતની આકાંક્ષા નહોતી. તે ભલી ને તેનું કામ ભલું. અઠવાડિયે એક વાર પીરબાબાની મજારે જવાનું ને ક્યારેક કરિયાણું લેવા પૂરતી જ બહાર નીકળે. મરદોની આંખે ચડવાનું નહીં, બેગની આંખે તો બિલકુલ નહીં. જનાનખાનામાં પણ હિજાબ પાળે, નવરી પડે કે કુરાનની આયાત પઢવા બેસી જાય એવી ધાર્મિક.

‘કમબખ્ત બેગ!’ એક વાર માલિશ દરમ્યાન અસાવધતાવશ નગમાની ભડાસ હોઠે આવી ગયેલી, ‘કાલે તો એવો અકરાંતિયાની જેમ તૂટી પડ્યો કે થાય છે એ મરે તો હું છૂટું!’

‘તમે હુકમ કરજો, ખાણામાં ઝેર હું ભેળવી દઈશ.’

ફાતિમાના સ્વરમાં બેગને મારવાનું ઝનૂન નહીં, નગમાની આજ્ઞાનું પાલન કરવાની પ્રતિબદ્ધતા પડઘાઈ. એ ઘડીએ નગમાનો ભરોસો પાકો થતાં તેણે પોતાની મહત્ત્વાકાંક્ષા ખોલી હતી: જનરલને પરવશ કરી હું પાકિસ્તાનની મહારાણી કેમ ન બની શકું!

પછી તો નગમા મોકળાશથી મન ખુલ્લું કરી દેતી.

આજે પણ ફાતિમાની ટિપ્પણી સામે તે બોલી ગઈ : માઝા એટલે કેવી માઝા! અરે, એ તો કાલે થાક્યા હોય એમ વહેલા જંપી ગયેલા. પણ પછી કોઈનો ફોન આવ્યો. હું ત્યારે આંખ મીંચીને પડી રહેલી, પણ ઊંઘી નહોતી. મેં બરાબર સાંભળ્યું. સામેથી એટલું જ કહેવાયું કે હી ઇઝ રેડી. એમાં તો જાણે હિન્દુસ્તાનને કચડી નાખ્યું હોય એવા આવેશમાં મને ખેંચી તેણે...હાય રે!

‘મિલિટરીના માણસો આવા જ હોતા હશે.’ ફાતિમાએ મસાજ ચાલુ રાખ્યો. નગમાને હવે ઘેન ચડવા માંડ્યું. માલિશ કરનારીના મગજમાં શું ચાલી રહ્યું છે એની તેને ક્યાં ખબર હતી?

lll

‘રસૂલ ભાઈજાન, મૈં અભી આયી.’ 

પાર્કિંગમાં ઊતરી ફાતિમાએ ડ્રાઇવરને કહી દરગાહનાં પગથિયાં ચડવા માંડ્યાં. 

જુમ્માના દિવસે મજાર પર ચાદર ચડાવવાનો તેનો નિયમ હતો. બપોરની વેળા આવતી એટલે ભાગ્યે જ કોઈ રડ્યુંખડ્યું દરગાહે આવ્યું હોય. રાબેતા મુજબ સો પગથિયાંના દાદર રસ્તે અધવચાળ ફૂલવાળાની હાટડી આગળ પોરો ખાવા રોકાઈ ફાતિમાએ મજાર માટે ચાદર લીધી. બેઉ વચ્ચે શું સંવાદ થયા એ તો દૂર પાર્કિંગમાં ઊભેલા રસૂલને સંભળાય એમ નહોતું પણ આદાબ કરી ફાતિમાએ બાકીનાં પગથિયાં ચડવા માંડ્યાં એટલે તે પેટપૂજા માટે સામેના સ્ટૉલ તરફ વળ્યો...

થોડી વારે તે પાછી ફરી, વળતા ફૂલવાળાને ‘ખુદા હાફિઝ’ કરી તે કાર તરફ આવતી લાગી એટલે ડકાર ખાઈ ટોપી સરખી કરતો રસૂલ કારમાં ગોઠવાયો : કેવી નેકદિલ, ધર્મપરસ્ત ઓરત છે. અચ્છા હુઆ મૈંને ઇસે સહી જગહ કામ પે લગાયા...

બિચારાને ભનક પણ કેમ હોય કે જનરલ બેગની હવેલીમાં ફાતિમાના વેશમાં ગોઠવાયેલી બાઈ ભારતની જાસૂસ છે ને અહીંનો ફૂલવાળો તેના વતન સાથેના સંપર્કનું માધ્યમ!

lll

વન્દે માતરમ‍્...

દૂર ક્યાંક ગુંજતા લતાના કંઠે છાતીમાં જુસ્સો ભરી તે ઑફિસ-બિલ્ડિંગની અગાસીમાંથી સંસદભવન પર લહેરાતા રાષ્ટ્રધ્વજને નિહાળી રહ્યા.

‘તારા દાદાજીએ દેશની આઝાદી માટે અંગ્રેજોની ગોળી ખાધી અને તારા બાપુ ૧૯૬૩ના ચીન સામેના યુદ્ધમાં શહીદ થયા... તું એ ઊજળો વારસો દીપાવજે દીકરા, માભોમ ખાતર મરવાનું થાય તો સામી છાતીએ જજે, હસતા-હસતા જજે, તો મારો દીકરો સાચો!’

જીવરાજસિંહ સંભારી રહ્યા.

વતન ડાકોર ગામમાં દાદાના નામનો ચોક છે. ફળિયામાં પિતાનું સ્મારક છે. નાનકડા જીવરાજની સવાર તેમનાં દર્શનથી થતી. નાનપણથી માએ દેશભક્તિના સંસ્કાર સીંચ્યા હતા. જીવરાજનું બંધારણ જ એવું ઘડાયું કે બીજી કોઈ કારકિર્દીનું કદી વિચાર્યું પણ નહીં. પહેલાં સૈન્યમાં ભરતી થયા, જાસૂસી પણ કરી... અરે, આઠ વર્ષ તો પાકિસ્તાનમાં અન્ડરકવર એજન્ટ તરીકે રહ્યા...

ડ્યુટીની ખરી મજા દસેક વર્ષ અગાઉ કેન્દ્રમાં છપ્પનની છાતીવાળા વડા પ્રધાન વિશ્વનાથ ત્રિવેદી આવ્યા પછી આવી. ગુજરાતી પ્રાઇમ મિનિસ્ટરની એક ખાસિયત છે, એક વાર તેમને તમારી કાબેલિયતમાં ભરોસો પડે પછી ફ્રી હૅન્ડ આપી દે. પાંચ વર્ષ અગાઉ પોતે રૉના વડા તરીકે રિટાયર થયા તો તેમણે નૅશનલ સિક્યૉરિટીના સલાહકાર તરીકે નિયુક્ત કરી અબાધિત સત્તા આપી. દેશહિતનાં કેટલાં અને કેવાં-કેવાં કામ અમે કર્યાં!

આછું સ્મિત ફરકી ગયું જીવરાજસિંહના મુખ પર. જોકે આ જગત સતત પરિવર્તનશીલ છે એટલે તમારા કામનો અંત આવવાનો નથી એવું શ્રીમતીજી સાચું જ કહેતાં હોય છે!

ત્રેવીસ વર્ષની ઉંમરે માએ કહેલી કન્યા સાથે પરણતી વેળા જીવરાજે એટલી જ ચોખવટ કરેલી કે મારા કામ આડે ક્યારેય આવવું નહીં. અને આજ સુધી સુલોચનાએ પતિની વ્યસ્તતાની, ખુફિયા કામોની ક્યારેય ફરિયાદ કરી નથી. જીવરાજના પાકિસ્તાનના વસવાટ દરમ્યાન તે સાસુ સાથે ડાકોર રહ્યાં, હસતા મુખે. એ ખુમારી સંતાનોના ઉછેરમાં પાયાનો પથ્થર બની અને તો આજે દીકરો આર્મીમાં ફરજ બજાવે છે અને દીકરી...

ભીની થવા જતી આંખોને કોરીધાર રાખી જીવરાજસિંહે દમ ભીડ્યો: પરિવર્તનશીલ જગતમાં અમારે નઠારા પાડોશીનું વિશેષ ધ્યાન રાખવું પડે એમ છે. સદ‍્નસીબે પોતે ત્યાં આઠ વર્ષ રહી ચૂકેલા એ જમાવેલું નેટવર્ક બહુ કામ લાગે છે. અંદરના ખબર એવા છે કે પાકિસ્તાનમાં ગમે તે ઘડીએ સત્તાપલટો થઈ શકે એમ છે અને નવા સત્તાધીશ બનવા માગતા જનરલ બેગ ભારતદ્વેષી છે!

સર્જિકલ સ્ટ્રાઇક્સ પછી દુશ્મન દેશને ભારતનો ખોફ રહે છે. બલૂચિસ્તાન અને અફઘાનિસ્તાનની સમસ્યાથી એ ઘેરાયેલો છે, કદાચ એટલે પણ બેગ સત્તાપલટા માટે સમય લઈ રહ્યા છે... મે બી, હી ઇઝ વેઇટિંગ ફૉર સમથિંગ.. ઑર હી ઇઝ પ્લાનિંગ ફૉર સમથિંગ...

એ શું હશે એ ખબર નથી, પણ જે હશે એ ભારતવિરોધી જ હશે એટલું નક્કી!

એટલે તો પોતે પણ બાજી બિછાવી છે. દમ ભીડી જીવરાજસિંહ ઑફિસ તરફ વળે છે કે...

‘સર, મેસેજ છે.’

ઑપરેટરના સાદે જીવરાજસિંહ ઉતાવળી ચાલે કમ્યુનિકેશન રૂમમાં પહોંચી ગયા, ફટાફટ હેડફોન ચડાવ્યો: યસ અર્જુન, સ્પીક!

‘હી ઇઝ રેડી.’

જીવરાજસિંહ ટટ્ટાર થયા.

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2025 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK