રામલલાનાં આ ખાસ વસ્ત્રો એક વર્ષની મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યાં છે
રામલલ્લા
રામનાં લગ્ન અને ધ્વજારોહણના દિવસે આજે રામલલા સોનાથી જડિત પીળી પીતાંબરી પર પશ્મિના શાલ ધારણ કરશે. રામલલાનાં આ ખાસ વસ્ત્રો એક વર્ષની મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યાં છે.
આજના ધ્વજારોહણના દિવસે લગ્ન પંચમી એટલે કે વિવાહ પંચમી પણ છે. રામલલા, તેમના ત્રણેય ભાઈઓ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન, માતા સીતા, હનુમાન અને મંદિરના કિલ્લામાં સ્થાપિત ભગવાન શિવ, હનુમાન, ગણેશ, માતા દુર્ગા, અન્નપૂર્ણા અને ભગવાન સૂર્યની મૂર્તિઓ માટે પણ રેશમી વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યાં છે.
ADVERTISEMENT
રામલલા માટે સોનાજડિત પીતાંબરી બનાવવામાં એક વર્ષનો સમય લાગ્યો છે. દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશના સત્ય સાંઈ જિલ્લાના ધર્માવરમમાં એક હાથવણાટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેના પર રામલલાનાં વસ્ત્રો વણવામાં આવે છે. અહીંના વણકરોએ એક વર્ષ પહેલાં લગ્ન પંચમી પર ભગવાન રામ માટે વસ્ત્રો પહેરવા માટે તૈયાર કર્યાં હતાં.
આ ડિઝાઇન આંબેડકરનગરના પ્રખ્યાત ડિઝાઇનર મનીષ તિવારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ મુદ્દે મનીષે કહ્યું હતું કે વણકરોએ તૈયાર કરેલી ડિઝાઇન મુજબ વસ્ત્રો તૈયાર કર્યાં છે. રામલલા અને માતા સીતાનાં રેશમનાં કપડાં પર સોનાના દોરા લગાવવામાં આવ્યા છે.
દક્ષિણ ભારતમાં વણાયેલા રેશમ પર દિલ્હીમાં ભરતકામ કરવામાં આવ્યું હતું. ભગવાનના તમામ વિગ્રહો માટેનાં વસ્ત્રો પર અલગ-અલગ ડિઝાઇન છે. બધાં વસ્ત્રો પર સોનાના દોરા લગાવવામાં આવે છે. મનીષે કહ્યું હતું કે માતા અન્નપૂર્ણા અને દુર્ગામાતા માટે રેશમ સાડીઓ તૈયાર કરવામાં આવી છે. શિયાળાની ઋતુને કારણે રામલલાને પીળા રંગની પશ્મિના શાલ ઓઢાડવામાં આવશે. બધા દેવતાઓને અલગ-અલગ રંગોની પશ્મિના શાલ પહેરાવવામાં આવશે. જેમ રામ મંદિર સમગ્ર દેશ માટે એકતાનું પ્રતીક બની ગયું છે એમ રામલલાનાં વસ્ત્રોએ દેશના દરેક ખૂણાના રેશમને એક નવી ઓળખ આપી છે. વિવિધ પ્રસંગો માટે રામલલાનાં વસ્ત્રો દેશના વિવિધ પ્રદેશોના રેશમમાંથી બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે દિવાળી પર રામલલાએ ગુજરાતના પાટણના પટોળાના રેશમમાંથી બનાવેલાં વસ્ત્રો ધારણ કર્યાં હતાં.


