મંદિરનું નિર્માણકાર્ય પૂરું થયું: અભિજિત મુહૂર્તમાં આજે નરેન્દ્ર મોદીના હસ્તે સંપન્ન થશે સમારોહ: દૈવી ધ્વજમાં ૐ, સૂર્ય અને કોવિદાર વૃક્ષનાં પ્રતીક
ગઈ કાલે વિવાહ પંચમીની પૂર્વસંધ્યાએ અયોધ્યાનું રામ મંદિર જુઓ કેવું ભવ્ય અને દિવ્ય લાગતું હતું
વિવાહ પંચમીના શુભ દિવસે આજે અયોધ્યાના રામલલાના મંદિરના શિખર પર ધ્વજારોહણ સમારોહ યોજાશે જે મંદિરના નિર્માણકાર્યની પૂર્ણાહુતિ દર્શાવે છે. રાજકુમાર રામ અને રાજકુમારી જાનકીના વિવાહ માર્ગશીર્ષ મહિનાના સુદ પક્ષની પાંચમે થયા હોવાથી આજની તિથિને વિવાહ પંચમી તરીકે મનાવવામાં આવે છે. ભગવાન રામનો જન્મ અભિજિત મુહૂર્તમાં થયો હતો અને અભિજિત મુહૂર્ત દરમ્યાન કરવામાં આવતું કોઈ પણ કાર્ય શુભ માનવામાં આવે છે એથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સવારે ૧૦ વાગ્યાથી વિશેષ ધાર્મિક વિધિઓમાં ભાગ લેશે અને અભિજિત મુહૂર્તમાં સવારે ૧૧.૫૮થી બપોરે ૧૨.૩૦ વાગ્યા સુધીના સમયગાળામાં મંદિરના ઊંચા શિખર પર દૈવી કેસરી ધ્વજ ફરકાવશે. જાણવા મળે છે કે આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ ઉપવાસ રાખ્યો છે. વિવાહ પંચમીના દિવસે અયોધ્યા ફરી એક વાર ખૂબ ખાસ અને આધ્યાત્મિક ક્ષણનું સાક્ષી બનશે. અયોધ્યામાં ધ્વજારોહણ ઉત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ છે.
ઐતિહાસિક અને દૈવી પ્રતીક
ADVERTISEMENT
અભિજિત મુહૂર્તમાં મંદિરના શિખર પર ભગવો ધ્વજ ફરકાવવો એ ભક્તો માટે એક ઐતિહાસિક અને દૈવી પ્રતીક માનવામાં આવે છે. સ્થાનિક પૂજારીઓએ જણાવ્યું હતું કે ‘ભગવો ધ્વજ શક્તિ, ન્યાય, બલિદાન અને વિજયનું પ્રતીક છે. જ્યારે આ ધ્વજ મંદિરની ટોચ પર ફરકાવવામાં આવે છે ત્યારે એવું માનવામાં આવે છે કે અયોધ્યાની ભક્તિ, વારસો અને આધ્યાત્મિકતાની નવી ઓળખ વધુ ઉજ્જ્વળ બનશે.’
પૅરૅશૂટ ફૅબ્રિકમાંથી બન્યો છે ધ્વજ
રામ મંદિરની ટોચ પર ફરકાવવામાં આવનારો ધ્વજ રામાયણકાળના ત્રેતાયુગ દરમ્યાન વપરાતા ધ્વજથી પ્રેરિત છે અને ખાસ પૅરૅશૂટ ફૅબ્રિક અને રેશમના દોરાથી બનેલો છે; જે સૂર્યના આકરા તાપ, વરસાદ અને ભારે પવનની અસરનો સામનો કરી શકે છે. આ ધ્વજ બાવીસ ફુટ લાંબો અને ૧૧ ફુટ પહોળો છે. એને ૧૬૧ ફુટ ઊંચા મંદિરના શિખર પર ૪૨ ફુટ ઊંચા ધ્વજસ્તંભમાં ૩૬૦ ડિગ્રીએ ફરી શકતી ચેમ્બરમાં ફિટ કરવામાં આવશે જે ધર્મધ્વજને નિરંતર દિશા અનુસાર લહેરાવા માટે સક્ષમ બનાવે છે.
મંદિર પર ધ્વજ ફરકાવવાનું મહત્ત્વ
મંદિરની ટોચ પર ફરકાવવામાં આવતો ધ્વજ દૈવીઊર્જાનો સંચાર કરે છે જે મંદિર સંકુલમાં સકારાત્મક અને પવિત્ર વાતાવરણ જાળવી રાખે છે. મંદિરની ટોચ પર ધ્વજ ફરકાવવાનો હેતુ મંદિરની અંદર એક વિશેષ દૈવીશક્તિની હાજરીનું પ્રતીક છે, કારણ કે ટોચ એનું સર્વોચ્ચ બિંદુ છે. એવું કહેવાય છે કે ધ્વજ બ્રહ્માંડની ઊર્જા અને મંદિરના ગર્ભગૃહ વચ્ચે જોડતી કડી તરીકે કાર્ય કરે છે. મંદિર પર ફરકાવવામાં આવતો ધ્વજ દર્શાવે છે કે મંદિરનું બાંધકામ હવે પૂર્ણ થઈ ગયું છે અને ભક્તો માટે દૈવીચેતનાનું કેન્દ્ર બની ગયું છે. મંદિર પર લહેરાતો ધ્વજ મંદિરની દૈવી અને આધ્યાત્મિક ઊર્જાનો પણ સંકેત આપે છે. ધાર્મિક ગ્રંથોમાં જણાવાયા અનુસાર મંદિરમાં લહેરાતો ધ્વજ જોવો એ આખા મંદિરના દેવતાઓનાં દર્શન કરવા સમાન છે.
૮૦૦૦ મહેમાનો હાજર રહેશે
ધ્વજારોહણ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત સાથે મર્યાદાપુરુષોત્તમ શ્રી રામના સામાજિક સંવાદિતાના સંદેશને ધ્યાનમાં રાખીને દેશભરના વિવિધ સમુદાયોના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે; જેમાં કિન્નરો, વંચિતો, શોષિતો, દલિતો અને પૂર્વાંચલ સાથે ગાઢ સંબંધ ધરાવતા લોકોનો સમાવેશ છે. આશરે ૮૦૦૦ જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ધ્વજમાં મુખ્ય ૩ પ્રતીક
શ્રી રામ જન્મભૂમિ મંદિર માટે ધ્વજનો રંગ કેસરી છે. ધ્વજમાં ત્રણ મુખ્ય પ્રતીક પણ છે ઃ ૐ, સૂર્ય અને કોવિદાર વૃક્ષ; જે સૃષ્ટિની ઉત્પત્તિ, સૂર્યવંશ અને ઇક્ષ્વાકુ વંશની ભવ્ય પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે.
ૐ: સૃષ્ટિનો પ્રથમ ધ્વનિ
ધ્વજની ટોચ પરનું ૐ પ્રતીક બ્રહ્માંડના મૂળભૂત ધ્વનિનું પ્રતીક માનવામાં આવે છે. આ એ ધ્વનિ છે જેમાંથી સમગ્ર સૃષ્ટિની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. ધ્વજ પરનું આ પ્રતીક મંદિરમાં આવનાર દરેક મુલાકાતીને યાદ અપાવે છે કે ૐ દરેક શરૂઆત, દરેક પ્રાર્થના અને દરેક માન્યતાનો પાયો છે. ૐ સનાતન સંસ્કૃતિની આધ્યાત્મિકતા, શાશ્વતતા અને સતત ગતિનું પ્રતીક છે.
સૂર્ય: ભગવાન રામનો સૂર્યવંશી વંશ
ભગવાન રામ સૂર્યવંશી વંશના હતા એથી રામ મંદિરના ધ્વજ પર સૂર્ય પ્રતીક ફક્ત શણગાર નથી પરંતુ રાજવંશની મહાન પરંપરાનું પ્રતીક છે જે બહાદુરી, તેજ અને પરાક્રમની ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. સૂર્યને ઊર્જા, પ્રકાશ, સત્ય અને ન્યાયનું પ્રતીક માનવામાં આવે છે જે બધા રામના ચરિત્રમાં પ્રતિબિંબિત થાય છે. આ સૂર્ય પ્રતીક દર્શાવે છે કે અંધકાર ગમે એટલો ઊંડો હોય, રામના નામનો પ્રકાશ હંમેશાં માર્ગ બતાવશે.
કોવિદાર વૃક્ષ: રાજસત્તાનું પ્રતીક
ત્રેતાયુગના કોવિદાર વૃક્ષનો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણમાં અયોધ્યાકાંડમાં ઘણી વખત કરવામાં આવ્યો છે. કોવિદારને પૌરાણિક કાળમાં ઋષિ કશ્યપ દ્વારા બનાવવામાં આવેલું પ્રથમ હાઇબ્રિડ વૃક્ષ માનવામાં આવે છે. કોવિદાર વૃક્ષ ત્રેતાયુગમાં અયોધ્યાનું રાજવી વૃક્ષ હતું અને એ સમયે એને ધ્વજ પર દર્શાવવામાં આવ્યું હતું. એને શાંતિ, વૈરાગ્ય, ઔષધીય શક્તિ અને સમૃદ્ધિનું વૃક્ષ માનવામાં આવે છે. ધ્વજ પરનું એનું ચિત્ર દર્શાવે છે કે ભગવાન રામના આશીર્વાદ માત્ર આધ્યાત્મિક શક્તિ જ નહીં પરંતુ જીવનમાં સ્થિરતા, આરોગ્ય અને સંતુલન પણ પ્રદાન કરે છે.
ધ્વજનો સંપૂર્ણ અર્થ શું છે?
જો આપણે આ ત્રણ પ્રતીકોને એકસાથે ધ્યાનમાં લઈએ તો એમ માનવામાં આવે છે કે ૐ એ બ્રહ્માંડનો પાયો છે, સૂર્ય એ પ્રકાશ અને ન્યાય છે અને કોવિદાર વૃક્ષ સમૃદ્ધિ અને શાંતિ આપે છે.
નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ-શોનું આયોજન, ૫૦૦૦ મહિલાઓ સ્વાગત કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટથી સાકેત કૉલેજ સુધી હેલિકૉપ્ટરમાં પહોંચશે. સાકેત કૉલેજથી શ્રી રામ જન્મભૂમિ મંદિર સુધી એક ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. રોડ-શોના એક કિલોમીટર લાંબા રામ પથને ૮ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં સ્થાનિક લોકો, સ્કૂલનાં બાળકો અને સેલ્ફ-હેલ્પ ગ્રુપની મહિલાઓ ઉપસ્થિત હશે અને આશરે ૫૦૦૦ મહિલાઓ પરંપરાગત રીતે વડા પ્રધાનની આરતી, ફૂલોની માળા અને નમસ્કાર મુદ્રાથી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે.


